Friday, 8 February 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ સ્ત્રી-મનની ગાંઠ ખોલનારી કથાકાર... (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



સ્ત્રી-મનની ગાંઠ ખોલનારી કથાકાર!
ઝીરો લાઈન : ગીતા માણેક

 

 

 

 

"તારો દેર મારો રોગ પારખી નથી શકતો…બહુ બહુ તો અઠવાડિયે કે પંદર દિવસે… અને આ મારા શરીરમાં એટલી તરસ છે, એટલી તરસ છે કે માછલીની જેમ છટપટી ઉઠું છું." આ શબ્દો છે જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનારા લેખિકા કૃષ્ણા સોબતીની દીર્ઘ વાર્તા અથવા જેને લઘુનવલકથા કહી શકાય એવી 'મિત્રો મરજાની'ની નાયિકા મિત્રોના. લગભગ પંચાવન વર્ષ પહેલાં કોઈ નાયિકાના મોંમાં આ શબ્દો મૂકવા માટે કેટલાં બિન્ધાસ્ત હોવાની જરૂર પડી હશે એની કલ્પના કરી જુઓ! ખાસ તો જ્યારે આ પાત્ર સર્જનાર કોઈ પુરુષ નહીં પણ સ્ત્રી લેખિકા હોય!


આ તેજાબી નહીં પણ વાસ્તવિકતાને શબ્દોમાં મૂકનાર હિન્દી ભાષાના સર્જક કૃષ્ણા સોબતીનું હમણાં જ ૯૪ વર્ષની વયે અવસાન થયું. કૃષ્ણા સોબતી હિન્દી ભાષાના એક દિગ્ગજ લેખિકા. તેમની કલમે ભારતના સાહિત્યમાં સ્ત્રી પાત્રોને હાડમાંસના અને માનવીય ચિતર્યા. જો કે વાચકો માત્ર તેમના પર એટલા માટે નહોતા ઓવારી ગયા કે તેઓ એ જમાનામાં સ્ત્રીના દ્રષ્ટિકોણથી સેક્સની વાત લઈ આવ્યા હતા, પણ જે ભાવનાઓનો આજે પણ અનેક મહિલાઓ ઉલ્લેખ કરતા પણ ડરે છે એને પોતાની કલમથી નવલિકા અને નવલકથાઓમાં લઈ આવ્યા.


એવું નહોતું કે તેમના પહેલાં સાહિત્યકારોએ સ્ત્રીના મનમાં સેક્સને લઈને જે ભાવનાઓ હતી એની કે તેમની સ્વતંત્રતાની વાત નહોતી કરી પણ રવિન્દ્રનાથ ટાગોર હોય કે અન્ય સંવેદનશીલ લેખકોએ તેમની નાયિકાઓને સ્વતંત્ર અને સ્વાભિમાની દર્શાવી હતી, પણ આ બધી નાયિકાઓ રૂપકડી ઢીંગલીઓ લાગતી હતી. પરંતુ કૃષ્ણા સોબતીએ સ્ત્રી લેખનના તળાવમાં જાણે પથ્થર નાખીને એક વમળ સર્જી દીધું. તેમના સ્ત્રી પાત્રો ખળભળાવી નાખે એવા અને જીવંત લાગતા હતા.


કૃષ્ણા સોબતીની સમિત્રારાની એટલે કે મિત્રો માથે ઓઢીને રડતી-રડતી પતિ તેના તરફ નજર કરતી, તેને દૈહિક સંતોષ આપે એ માટે મનોમન ઝૂરતી નાયિકા નથી. તેનો પતિ તેની આ બળબળતી તરસને સંતોષી નથી શકતો, સંતાન માટેની તેની ઝંખનાને પૂરી નથી કરી શકતો ત્યારે આ નાયિકા પોતાની ઇચ્છાને સાસુ સામે બેબાક થઈને કહે છે. જ્યારે તેની સાસુ તેને આશ્વાસન આપે છે કે એક વાર તારી કૂખ ઉઘડશે ત્યારે આ આંગણામાં એક નહીં, સાત-સાત રમશે ત્યારે તે મિત્રો કહે છે, "મારું ચાલે તો ગણીને સો કૌરવ જણી નાખું, પણ મા, તમારા લાડકા દીકરાની પણ મદદ તો જોઈએ! મારા દુષ્ટ પથ્થરના પૂતળામાં પણ કંઈ પ્રાણ તો હોય!"


કૃષ્ણા સોબતીની નાયિકા આખા સમાજને હચમચાવી નાખે એવી છે. પાંચ દાયકા પછી પણ હિંદુસ્તાનમાં સ્ત્રીનું આટલું બોલ્ડ નિરૂપણ ભાગ્યે જ કોઈએ કર્યું છે. મિત્રો મરજાની નામની આ લાંબી વાર્તાની જેમ તેમની 'ઝિંદગીનામા' નામની આત્મકથાનક નવલકથાએ પણ સમાજમાં ઝંઝાવાત સર્જ્યો હતો. સ્ત્રી હોવું એટલે દેવી કે દાસી હોવું નથી, પણ હાડમાંસની એ વ્યક્તિ હોવું જેની પોતાની ઇચ્છા, આકાંક્ષા, હતાશા, નિષ્ફ્ળતાઓ સાથે જિંદગી જીવવાની અને લડવાની સક્ષમતા હોવી એ વાત તેમણે સોઈ ઝાટકીને કરી. કૃષ્ણા સોબતીના પાત્રોએ સમાજને સમજાવ્યું કે સ્ત્રી હોવું એટલે શું? ખાસ તો સ્ત્રીની શારીરિક ઇચ્છાઓને તેમણે બેધડકપણે પોતાની વાર્તાઓમાં વર્ણવી પણ એમાં અશ્લીલતાનો છાંટો ય નથી.


એ વખતના હિંદુસ્તાનમાં અને અત્યારે પાકિસ્તાનમાં આવેલા ગુજરાત શહેરમાં જન્મેલા કૃષ્ણા સોબતી દેશના ભાગલા થયા ત્યારપછી હિંદુસ્તાનમાં આવીને વસ્યા. તેમના લખાણમાં પંજાબી સમાજ-સંસ્કૃતિના ચિત્રણની સાથે પંજાબી લહેજો પણ છે. તેમની 'ઝિંદગીનામા' પ્રકાશિત થઈ ત્યાર પછી થોડાક જ વર્ષોમાં જાણીતા મહિલા સાહિત્યકાર અમૃતા પ્રીતમની નવલકથા 'હરદત્ત કા ઝિંદગીનામા'નું પ્રકાશન થયું. કૃષ્ણા સોબતી શીર્ષકના કોપીરાઇટના મુદ્દે અમૃતા પ્રીતમને કોર્ટમાં ઘસડી ગયા હતા.


બાય ધ વે, તેમની ખૂબ ગાજેલી હિન્દી દીર્ઘ નવલિકા 'મિત્રો મરજાની'નો ગુજરાતીમાં ખૂબ જ સુંદર અનુવાદ આપણા જાણીતા લેખિકા વર્ષા અડાલજાએ કર્યો છે.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OtV0WikG%3D6g-gB78PDfXf6Y8i-7dVC9aEDtbtLe-ckB_Q%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment