Monday, 4 February 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ સંસાર હોય કે સંન્યાસ, પ્રામાણિક પરિશ્રમ તો બધે જ કરવો પડશે... (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



સંસાર હોય કે સંન્યાસ, પ્રામાણિક પરિશ્રમ તો બધે જ કરવો પડશે!
સમજણ-મુકેશ પંડ્યા

amdavadis4ever@yahoogroups.comપહેલાના સમયમાં કોઈને સંસાર અસાર લાગે તો 'બાવો' બની જતાં. આજ કાલ કુંભમેળો, સાધુ-સંતો અને બાવાઓ ખૂબ ચર્ચામાં છે, જોકે 'બાવા' બનવું સહેલું નથી. ઘણાં લોકોને એમ કે બાવા બનીએ એટલે સાંસારિક ઝંઝટોમાંથી મુક્તિ મળે, પરંતુ બાવા બનવા માટે પણ ઘણી તપશ્ર્ચર્યા કરવી પડે છે. ઠંડી, ગરમી, વરસાદ, ભૂખ, જાગરણ સહન કરવા પડે છે. બ્રહ્મચર્ય પાળીને અને સાબિત કરીને બતાવવું પડે છે. કોઈ અખાડા કે આશ્રમના સભ્ય બનવા ઘણી કસોટીમાંથી પસાર થવું પડે છે.

નકલી કે બનાવટી સાધુ બનવું હોય તો ઠીક છે, બાકી સંસાર અને સાંસારિક માર્ગોથી મુક્તિ લઈ મોક્ષમાર્ગે આગળ વધવા માટે સાધુ-સંત બનવું હોય તો ડગલે ને પગલે આવી મુશ્કેલીઓને સહન કરવી પડે છે. આકરા નિયમો પાળવા પડે છે. બ્રહ્મમુહૂર્તમાં ઊઠવું પડે છે. ઠંડા પાણીએ સ્નાન કરવું પડે છે. અધ્યાત્મ જગતમાં આગળ વધવા અને પ્રભુની નજીક જવા માટે પણ ઘણી સાધના કરવી પડે છે.

સાંસારિક જગતમાં શિક્ષણ ક્ષેત્રે કે કારકિર્દી અને વ્યવસાય ક્ષેત્રે માણસે જે રીતે શ્રમ કરવો પડે છે, જે રીતે બુદ્ધિ વાપરવી પડે છે, એ જ રીતે સંન્યાસી જીવનમાં સફળતા મેળવવા માટે પરિશ્રમ કરવો પડે છે. બુદ્ધિ પણ વાપરવી પડે છે.

બીજી એક વાત, કોઈ સાંસારિક માનવ સાધુ બનવા જઈ રહ્યો હોય ત્યારે આપણે એવો વાક્ય પ્રયોગ કરીએ છીએ કે સંયમમાર્ગે આગળ વધી રહ્યો છે. જોકે સંસારમાં રહેતા માણસે પણ બોલવામાં, ચાલવામાં, નોકરી-ધંધો કરતી વખતે બૉસ કે વેપારીઓ સાથે સંયમભર્યું આચરણ કરવું જ પડે છે. આત્મસંયમ ન હોય તો નોકરી-ધંધામાં પણ તકલીફ આવી શકે છે. કહેવાનો મતલબ એટલો જ છે કે સંસારમાં ન ફાવ્યું એટલા માટે તેનાથી છૂટીને 'બાવો' બની જવું એવું વિચારનારાઓએ જાણી લેવું જોઈએ કે બેઉ ક્ષેત્રે તકલીફો છે. સમસ્યાઓ છે. બેઉ ક્ષેત્રે તપશ્ર્ચર્યા અને સહનશક્તિની જરૂર છે. બેઉ ક્ષેત્રો લાકડાના લાડું જેવા છે. ખાઈને પણ પસ્તાવ અને ન ખાઈને પણ પસ્તાવ. ઘણાં સંસારીઓ સાધુવસ્ત્રો ધારણ કરે છે, સાધુ જીવન જીવવાનો પ્રયત્ન કરે છે, પણ ન ફાવતાં સંસારમાં પાછા પણ ફરે છે. ઘણા લોકો એમ વિચારતા હોય છે કે સાધુજીવન જીવવાથી જ પ્રભુ પ્રત્યે એક ડગલું આગળ વધી શકાશે. આ પણ એક માન્યતા જ છે. નરસિંહ મહેતા, સંત તુકારામ, એકનાથ મહારાજ જેવા અનેક પુરુષો સંસારમાં રહીને પણ ભગવદ્ કૃપા મેળવી શક્યા છે. બીજી બાજુ જેટલા સાધુ માર્ગે છે એ બધા જ તેમની આધ્યાત્મિકતા સાધનામાં સફળ થયા હોય અને ભગવદ્ પ્રાપ્તિ કરી શક્યા હોય એવું પણ જરૂરી નથી.

સંસાર બાહ્ય જગત એટલે કે ભૌતિક જગત તરફ આગળ વધવાનો ઈશારો કરે છે સાથે સાથે કર્મ યોગ દ્વારા ઈશ્ર્વર પ્રાપ્તિનો સંદેશ આપે છે તો સંન્યાસ આંતર જગત છે એટલે કે આધ્યાત્મિક જગત તરફ આગળ વધવાનો ઈશારો કરે છે, સાથે સાથે ભક્તિયોગ દ્વારા ઈશ્ર્વર પ્રાપ્તિનો સંદેશ આપે છે.

બેઉ માર્ગે અગર અપ્રમાણિકતાથી આગળ વધ્યા તો નિષ્ફળતા છે, પણ પ્રામાણિકતા દાખવી તો સફળતાની શક્યતા વધતી જાય છે.

જેમ વેપારીને બીજાનો ધંધો વધારે સારો લાગતો હોય, જેમ હૉટેલમાં ખાવા ગયા હોય ત્યારે બીજાએ શું ખાવા મંગાવ્યું છે તેની પર નજર હોય, જેમ દરેકને બીજાનું ક્ષેત્ર વધુ સારું લાગતું હોય, એમ સંસારીને સાધુજીવન કે સાધુઓને સંસારી જીવન સારું લાગતું હોય એમ પણ બની શકે, પણ આમ કરવામાં તો ન પોતાનું જીવન શ્રેષ્ઠ રીતે જીવી શકાય છે, ન બીજાના જીવનમાં પ્રવેશી શકાય છે. આમ કરવામાં તો બાવાના બેઉ બગડે છે. એનાં કરતાં તમે એક વાર જે માર્ગે ચાલી નીકળ્યાં છો એ માર્ગ પર જ નજર રાખો અને પરિશ્રમ કરો તો સફળતાની મંજિલ દેખાયા વગર રહેશે નહીં. પછી તે સંસાર હોય કે સંન્યાસ. અન્યનું સારું અને મારું નરસું એવા વિચારો કર્યા વગર. તમે જે ભૂમિકામાં છો એને જ વળગી રહેશો. નિ:સ્વાર્થપણું અને પ્રામાણિકતાને જાળવી રાખશો તો ભગવાનરૂપી સત્યને કોઈ પણ માર્ગેથી પ્રાપ્ત કરી શકશો એમાં સંદેહ નથી.

---------------------

બાહ્યજગત અને આંતરજગતની સરખામણી

બાહ્યજગત (ભૌતિક)

બાહ્યજગતરૂપી બ્રહ્માંડ પાંચ તત્ત્વ પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશનું બનેલું છે.

બાહ્યજગતમાં પદ કે પ્રતિષ્ઠા મેળવવાના પ્રયત્નોમાં હરીફો કે દુશ્મનો અવરોધ સર્જે છે.

બાહ્યજગતમાં યંત્ર અને એકાગ્રતાથી આગળ વધી શકાય છે.

વડા પ્રધાન જેવું ઉચ્ચ પદ એક જણ છોડે ત્યારે જ બીજાને મળે છે, એટલે કે બાહ્યજગતનું ઉચ્ચ પદ કે શ્રેષ્ઠ વસ્તુ મર્યાદિત લોકો જ મેળવી શકે છે.

બાહ્યજગતમાં સામ, દામ, દંડ, ભેદથી ઉચ્ચ પદ કે વસ્તુની પ્રાપ્તિ શક્ય છે.

બાહ્યજગતમાં ઉચ્ચ પદ માટે અન્યને મહાત કરીને જીતવાનું હોય છે.

બાહ્યજગત કોઈ ઝાડની ડાળી કે પાંદડા જેવું છે જે દેખાય છે પણ તે વૃક્ષનો આધાર નથી.

બાહ્યજગત નાશવંત અને સતત પરિવર્તનશીલ છે.

----------------------

આંતરજગત (આધ્યાત્મિક)

આંતરજગત તરફ જવાના સાધનરૂપ શરીર પણ આ જ પાંચ તત્ત્વનું બનેલું છે.

આંતરજગતમાં પરમપદ પામવામાં ષડ્રિપુ - કામ, ક્રોધ, લોભ, મોહ, માયા, અહંકાર અવરોધ સર્જે છે.

આંતરજગતમાં મંત્ર અને ધ્યાનથી આગળ વધી શકાય છે.

આંતરજગતનું શ્રેષ્ઠ પરમપદ સર્વ વ્યક્તિઓ પ્રાપ્ત કરી શકે છે તેની કોઈ મર્યાદા નથી. દરેક જણ ચાહે તો ઈશ્ર્વરના વિરાટ સ્વરૂપમાં ભળી

શકે છે.

આંતરજગતમાં ઉચ્ચ પદ મેળવવા માટે શ્રદ્ધા, શુદ્ધતા અને પવિત્રતા જરૂરી છે.

આંતરજગતમાં મન અને ઈન્દ્રિયોને જીતવાની હોય છે.

આંતરજગત ઝાડના મૂળ જેવું છે. જે દેખાતું નથી, પણ એ જ સમગ્ર વૃક્ષનો આધાર છે.

આંતરજગત શાશ્ર્વત અને સ્થિર છે.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OuVQf7VEZwO6isucr%2BJd1Kpr6sQQjP35m2gmqRVtQnV%3DQ%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment