Monday, 11 February 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ કોઈ ગમતાને કરી લે સાથમાં, ને આખું આભ તારા હાથમાં... (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



કોઈ ગમતાને કરી લે સાથમાં, ને આખું આભ તારા હાથમાં!
ડૉ. શરદ ઠાકર

 

 

 

ડૉ. સારંગ એમના ક્લિનિકમાં બેસીને દર્દીઓ તપાસી રહ્યા હતા. ત્યાં ફરીથી ફોન આવ્યો. એમણે પૂછ્યું, 'કોણ?'
જવાબમાં એમની ચાર વર્ષની દીકરી નૈયાનો કોમળ સ્વર સંભળાયો, 'પાપા, આઇ મિસ યુ. તમે શું કરો છો?'
આ રોજિંદો ક્રમ હતો. ડૉ. સારંગ તેમના ક્લિનિકમાં વ્યસ્ત હોય ત્યારે દીકરી નૈયા સિનિયર કે.જી.માંથી છૂટીને ઘરે આવીને પહેલું કામ પપ્પાને ફોન કરવાનું કરતી હતી. બાપ દીકરીનો સંવાદ રોજ એકસરખો જ રહેતો હતો. નૈયા પૂછે તેના જવાબમાં ડૉ. સારંગ કહે, 'મારી બચ્ચી, પાપા પેશન્ટ તપાસે છે. તું મમ્મીને હેરાન ન કરતી હોં. જમીને ઊંઘી જજે. પછી હોમવર્ક કરજે. રાત્રે તને ફરવા લઈ જઈશ.' આજે પણ ડૉ. સારંગે એવો જ જવાબ આપ્યો. ડૉ. સારંગની પ્રેક્ટિસ ખૂબ સારી હતી. એ ફિઝિશિયન હતો. એમની પત્ની ધગશ હાઉસવાઇફ હતી. બંને વચ્ચે ગાઢ પ્રેમ હતો અને એ પ્રેમનું પરિણામ એટલે ઢીંગલી નૈયા.


    શાલુ ચીંથરે વીંટેલું રતન હતી. અત્યંત ગરીબ શ્રમજીવી પરિવારમાં જન્મેલી એક અતિ સુંદર છોકરી હતી એ. એના રૂપની ચમક ગરીબીના ઓછાયામાં ઝાંખી થઈ ગઈ હતી

પણ આજે રોજની જેમ 'ઓક.પાપા' કહીને નૈયાએ ફોન મૂકી ન દીધો. એણે કહ્યું, 'હું તો મમ્મીને હેરાન નથી કરતી, પણ મમ્મીને ભગવાન હેરાન કરે છે.' નૈયાનું વાક્ય સાંભળીને ડૉક્ટરને હસવું આવી ગયું. આજકાલનાં બાળકો પણ સ્માર્ટ થઈ ગયાં છે. કેવું અઘરું અઘરું બોલે છે?' તેણે પૂછ્યું, 'મમ્મીને શું થયું છે બેટા?'


'એની તો મને ખબર નથી, પણ એ પથારીમાં સૂઈ ગઈ છે અને પેટ ઉપર હાથ મૂકીને ઊંહકારા કરે છે. હું પૂછું છું કે શું થયું? એ કહે છે કે પેટમાં દુખે છે. થોડી વારમાં મટી જશે.'


ડૉક્ટરના કપાળ ઉપર કરચલીઓ ઉપસી આવી. એમણે ચિંતાભર્યા અવાજમાં પૂછ્યું, 'બેટા, મમ્મીને બહુ વધારે દુખે છે.' ઇંગ્લિશ મીડિયમમાં મૂકેલી નૈયાએ જવાબ આપ્યો, 'યસ, પાપા. આઇ થિંક સો.'


ડૉ. સારંગે તરત જ સર્વન્ટ રાજુને બોલાવીને સૂચના આપી, 'મારે તાત્કાલિક ઘરે જવું પડશે. બધા પેશન્ટ્સને કહી દે કે સાંજે છ વાગ્યે આવે? દાખલ કરેલા દર્દીઓમાંથી કોઈને તકલીફ હોય તો ડૉ. શુક્લને બોલાવી લેજે.' આટલું બોલીને ડૉ. સારંગ દોડવાની રીતે ભાગ્યા અને ગાડીમાં બેસીને ઊડવાની ઝડપે ઘર તરફ ધસી ગયા.


એમની ચિંતા અકારણ હતી. હજી તો પાંચ દિવસ પહેલાં જ તેમની પત્ની ધગશે કહ્યું હતું, 'તમે મને આજની ડૉક્ટર શૈલજાબહેનની અપોઇન્ટમેન્ટ લઈ આપશો? પ્રેગ્નન્સી હોય એવું લાગે છે.' એ સાંજે ડૉક્ટર શૈલજાએ કન્ફર્મ કર્યું હતું કે પોણા બે મહિનાનો ગર્ભ છે.'


પતિ-પત્નીનાં દિલમાં આનંદનાં મોજાં ઉછળવા લાગ્યાં હતાં. નૈયા ચાર વર્ષની થઈ ચૂકી હતી. એ પછી ખુશીએ બીજી વાર એમના દિલના કમાડ પર ટકોરા માર્યા હતા.


એ જ રાત્રે ડૉ. સારંગે પત્નીને આશ્લેષમાં લઈને કહ્યું હતું, 'હવે જરા તારું પોતાનું ધ્યાન રાખજે, આખો દિવસ મારા માટે અને નૈયા માટે દોડધામ કરતી રહે છે તે સહેજ ઓછી કરજે. રોજ બપોરે બે કલાક ઊંઘી જજે.' પણ ધગશ આરામપ્રિય સ્ત્રી ન હતી. બપોરે ઊંઘવાની એને આદત જ નહોતી. આખો દિવસ એ કંઈક ને કંઈક કર્યા જ કરતી હતી.


ઘરમાં પ્રવેશતાંવેંત જ ડૉ. સારંગ બેડ પાસે દોડી ગયા અને ધગશ પથારીમાં કણસી રહી હતી અને પડખાં ફેરવી રહી હતી. તેના ચહેરા પર સ્પષ્ટ રીતે વાંચી શકાય તેવી પીડા અંકાયેલી હતી. ડૉ. સારંગ ઢીલા પડી ગયા, 'હું તને કહેતો હતો ને? જો આ દુખાવો વધી જશે તો..?'


આ 'તો'નો જવાબ ડૉ. શૈલજાબહેને આપ્યો. વિઝિટ માટે ઘરે પધારેલાં બહેન ડૉક્ટરે કહ્યું, 'હું દવાઓ લખી આપું છું. સંપૂર્ણપણે બેડરેસ્ટ કરજો નહીંતર દુખાવો વધી જશે અને બ્લીડિંગ પણ ચાલુ થઈ જશે.' ખરેખર એમ જ થયું. દવાઓ લીધા પછી પણ સાંજ સુધીમાં બ્લીડિંગ ચાલુ થઈ ગયું. ડૉ. શૈલજાબહેને ધગશને એમના નર્સિંગહોમમાં એડમિટ કરી દીધી. તાત્કાલિક પગલાંરૂપે સોનોગ્રાફીની તપાસ કરી લીધી. સદ્્ભાગ્યે ગર્ભ જીવિત હતો. એ પછીના એક-બે દિવસ કટોકટીભર્યા હતા.


ઘડિયાળનો કાંટો ટિક ટિક કરતો સરકતો રહ્યો. ડૉ. શૈલજાબહેને શ્રેષ્ઠ ઇન્જેક્શનો અને સારવાર ચાલુ કરી દીધી. ડૉ. સારંગ રાત-દિવસ પોતાનું ક્લિનિક બંધ રાખીને પત્નીની પથારી આગળ જાગતા બેસી રહ્યા. ત્રીજા દિવસે બ્લીડિંગ બંધ થઈ ગયું. એ પછીના બે દિવસે પેઇન પણ શમી ગયું.


ડૉ. શૈલજાબહેને ઘરે જવાની રજા તો આપી, પણ ભારપૂર્વક આવી સલાહ પણ આપી, 'ડૉક્ટર સારંગ, શી નીડ્સ કમ્પ્લીટ બેડરેસ્ટ. એને પથારીમાંથી ઊભી થવા ન દેશો. રસોઈ માટે, ઘરકામ માટે અને દીકરીની સારસંભાળ માટે જરૂર પડે તો કોઈ રિલેટિવને બોલાવી લેજો. નહીંતર એબોર્શન થઈ જવાના પૂરા ચાન્સીસ છે.'


રિલેટિવ તો કોઈ આવી શકે એવી સ્થિતિમાં ન હતું. ક્લિનિક પણ લાંબા સમય સુધી બંધ રાખવું શક્ય ન હતું. ઘરકામ માટે તો ગમે તે છોકરી કે બાઈ મળી જાય, પણ રસોઈ બનાવવા માટે અને નૈયાને નવડાવી-ધોવડાવીને તૈયાર કરી આપવા માટે તો સ્વચ્છ અને સુઘડ સ્ત્રી મળે તો જ રાખી શકાય.


પથારીમાં સૂતી સૂતી ધગશને ક્યાંય જંપ વળતો ન હતો. એ વારંવાર કહ્યા કરતી હતી, 'મારી નૈયાને કોઈ ગંદી સ્ત્રી હાથ લગાડશે તો મને નહીં ગમે. જે પોતે ચોખ્ખી હોય, બોલવા-ચાલવામાં વ્યવસ્થિત હોય, જેના નખ ટૂંકા કાપેલા હોય અને માથું વ્યવસ્થિત ઓળેલું હોય એવી જ કોઈક બાઈ શોધી કાઢજો. ભલે એને મહિને પાંચ-દસ હજાર રૂપિયા આપવા પડે.'


સદ્્ભાગ્યે એવી એક છોકરી મળી ગઈ. સાવ નાની છોકરી પણ નહીં, તેમ મોટી બાઈ પણ નહીં. અઢારેક વર્ષની એક યુવતી મળી ગઈ. જેને જોઈને ધગશની આંખમાં ચમક આવી ગઈ. એણે પૂછ્યું, 'તારું નામ શું છે?'


'શાલુ!' તે નિર્દોષ હાસ્ય વેરીને બોલી ઊઠી.


ધગશે કહી દીધું, 'શાલુ, તું આવતી કાલે સવારથી આવી જજે. અહીં આવીને સૌથી પહેલું કામ નહાવાનું કરજે. પેલા ગેસ્ટ રૂમનો બાથરૂમ કાલથી તારા માટે રહેશે. એમાં સુગંધી સાબુ અને શેમ્પૂ તેમજ ક્રીમ્સ અને પરફ્યૂમ્સ પણ મૂકેલાં છે. નહાઈ-ધોઈને ત્યાં કબાટમાં મૂકેલાં મારાં કપડાંમાંથી કોઈ પણ જોડી તું પહેરી લેજે. હવે સાત-આઠ મહિના તારે આ ઘરમાં જ રહેવાનું છે. તારાં મમ્મી-પપ્પા ના નહીં પાડે ને?'


શાલુ ફરી હસી, 'ના, બહેન. ડૉક્ટર સાહેબે મારી મા સાથે બધી વાત કરી લીધી છે. હું કાલે સવારે આવી જઈશ.'


શાલુ આવી ગઈ. ધગશ વિચારી રહી, ઠીકઠીક દેખાય છે, પણ જો સાફસૂથરી રહેશે તો વાંધો નહીં આવે. અડધા કલાક પછી ગેસ્ટ રૂમનું બારણું ખોલી અને શાલુ બહાર આવી તો ધગશ સ્તબ્ધ થઈને એને જોતી જ રહી ગઈ, 'અરે! આ કોણ! અંદર તો એક સાધારણ દેખાવની ગરીબ છોકરી ગઈ હતી, તો આ બહાર આવી એ હિરોઇન કોણ છે?'


ધગશના મનમાં જન્મેલું આશ્ચર્ય વાજબી હતું. શાલુ ચીંથરે વીંટેલું રતન હતી. અત્યંત ગરીબ શ્રમજીવી પરિવારમાં જન્મેલી એક અતિ સુંદર છોકરી હતી એ. એના રૂપની ચમક ગરીબીના ઓછાયામાં ઝાંખી થઈ ગઈ હતી. ડૉ. સારંગના ગ્રેનાઇટ મઢેલા બાથરૂમમાં બ્રાન્ડેડ શેમ્પૂ અને ઇમ્પોર્ટેડ સાબુની સહાયથી એનું જોબનિયું સોળે કળાએ નિખરી ગયું હતું. જે કંઈ અધૂરું હતું તે ધગશનાં વસ્ત્રોએ પૂર્ણ કરી આપ્યું. એની કાયાને પરફ્યૂમની ગરજ જ ક્યાં હતી? સ્વયંભૂ સુગંધથી એ મહેકી ઊઠી હતી.


શાલુ હોશિયાર હતી, ઘરકામમાં કુશળ હતી. એ સાત ધોરણ ભણેલી હતી એટલે બોલવામાં પણ મીઠડી હતી. બે દિવસમાં જ એણે નૈયાનું દિલ જીતી લીધું. ધગશ હવે સંતુષ્ટ થઈને પથારીમાં પડી પડી આરામ ફરમાવી રહી હતી.


ડૉ. સારંગ પણ ચિંતામુક્ત થઈ ગયા હતા. હવે એમણે બપોરે લંચ માટે ઘરે આવવાનું બંધ કરી દીધું. દસ વાગ્યે હેવી બ્રેકફાસ્ટ કરીને એ ક્લિનિકમાં ચાલ્યા જતા અને છેક રાત્રે આઠ વાગ્યે ડિનર માટે ઘરે અાવતા. નવ મહિના પૂરા થઈ ગયા. લેબર પેઇન શરૂ થયા. ડૉક્ટર શૈલજાબહેન ધગશની ડિલિવરી માટે આખી રાત મહેનત કરતાં રહ્યાં. વહેલી સવારે ચાર વાગ્યે ધગશે દીકરાને જન્મ આપ્યો, પણ ત્યાં એક એવી કોમ્પ્લિકેશન ઉત્પન્ન થઈ, જે ભાગ્યે જ જોવા મળે છે. પ્લેસેન્ટા છૂટી પડતી વખતે એમ્બોલિઝમ થયું. ડૉક્ટર કંઈ વિચારે તે પહેલાં જ ધગશને સખત હેમરેજ થવા લાગ્યું. શરીરની રક્તવાહિનીઓમાં લોહી ગંઠાવાની પ્રક્રિયા કથળવા માંડી. ડૉ. સારંગ બીજા તબીબ મિત્રોને મદદ માટે બોલાવી શકે તે પહેલાં જ ધગશે પ્રાણ ત્યાગી દીધો.
એ પછીના પંદર દિવસ કેવી રીતે ગયા છે તેનું વર્ણન અશક્ય છે. વહાલી પત્નીના અંતિમ સંસ્કાર, નૈયાનું રુદન, બેસણું, સગાંવહાલાંઓનો ઘસારો અને કારજ ક્રિયા. આખું ટાઉન ડૉ. સારંગની પડખે ઊભું હતું, પણ ડૉ. સારંગ એકલા હતા. આમ ને આમ ત્રણ-ચાર મહિના પસાર થઈ ગયા. ડૉ. સારંગની જામેલી પ્રેક્ટિસ અને સધ્ધર આર્થિક સ્થિતિના કારણે સુંદર કન્યાઓનાં માગાં આવવાનાં ચાલુ થઈ ગયાં, પણ ડૉક્ટર સારંગ હા પાડતા ન હતા. એમના દિમાગમાંથી ધગશની યાદો જતી ન હતી. એમણે પોતાની પ્રિય પત્નીને આંખો સામે મૃત્યુ પામતાં જોઈ હતી. એ જિંદગી પરથી એમનો ભરોસો ઊઠી ગયો હતો. ધીમે ધીમે એમને સમજાવા માંડ્યું કે બીજું લગ્ન તો કરવું જ પડશે. મા વગરના નવાગંતુક દીકરાને ઉછેરવો તે બહુ અઘરું કામ હતું. એમણે લગ્ન માટે મનને તૈયાર કરવા માંડ્યું.


એક દિવસ એમણે દીકરીનું મન જાણવા માટે પૂછ્યું, 'નૈયા, બેટા! જો મારે બીજાં લગ્ન કરવાનાં હોય તો તને કેવી મમ્મી ગમે?'


'પાપા, મારું કહેવું માનશો? શાલુની સાથે મેરેજ કરી લો. એ મારું ખૂબ સારું ધ્યાન રાખે છે અને ભઈલાને પણ સાચવે છે.' નૈયા આંખના પલકારામાં બોલી ગઈ.


ડૉક્ટરે આંખો બંધ કરી દીધી. બે પળ માટે શાલુને યાદ કરી લીધી. બાથરૂમમાંથી નીકળતો સદ્યસ્નાતા, યૌવનમઢ્યો, માદકતાથી મહેકતો અને દિમાગ પર કામણ છાઈ દેતો એક નશીલો દેહ આંખોમાં રમી રહ્યો. એણે આંખો ખોલી અને નૈયાને ઊંચકી લીધી, 'યહી હૈ રાઇટ ચોઇસ, બેબી!'


એક કરોડપતિ પ્રતિષ્ઠિત ફિઝિશિયન એક શ્રમજીવી મા-બાપની ઝૂંપડીમાં જન્મેલી યુવતીને પરણી ગયો. એ નાનકડા ટાઉન માટે બહુ મોટા સમાચાર બની ગયા.

 

 


(શીર્ષક પંક્તિ : અંરવિંદ પંડ્યા)


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OvunT0kVm7cymRxnC-mn7xLQaOUPTvBn-c9PvD%3DeNkSZg%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment