વિચારવા જઈએ તો દિવસ દરમ્યાન શું ખાવું અને શું પહેરવુંથી લઈને કામ સંબંધિત કેટલાય નિર્ણયો આપણે કરવાના હોય છે. એ નિર્ણય સતત લેતાં-લેતાં મગજ થાકી જાય છે જેને લીધે એ ભૂલમાં ખોટા નિર્ણય કરી બેસે છે અને વ્યક્તિએ પાછળથી પસ્તાવું પડે છે. આ અવસ્થાને ડિસિઝન ફટીગ કહે છે જેના વિશે આજે સમજીએ. રેસ્ટોરાંનું લાંબુંલચક મેનુ જોઈને તમે મૂંઝાઈ જાઓ છો અને સમજાતું નથી કે ઑર્ડર શું કરવું? રાત્રે જ્યારે તમે કામ પરથી પાછા આવો અને પત્ની તમને પૂછે કે તમે શું ખાશો? ત્યારે તેને શું જવાબ આપવો એની તમને સમજ પડતી નથી? તમે મૂંઝાઈ જાઓ છો અને ચિડાઈને કહી દો છો કે જે બનાવવું હોય એ બનાવી નાખ. કામની, ઘરની અને બાળકોની એમ મલ્ટિપલ જવાબદારીઓથી તમે થાકી ગયા છો અને તમારાં બાળકો તમને સામાન્ય સવાલ પૂછે કે રેડ ટી-શર્ટ પહેરું કે ગ્રીન તો પણ તમે ચિડાઈ જાઓ છો? શું તમે તમારા દ્વારા લેવાયેલા નિર્ણયોથી હંમેશા નાખુશ રહો છો અને તમને લાગે છે કે તમે જે નિર્ણયો લો છો એ મોટા ભાગે તમારા માટે ખોટા સાબિત થાય છે અને પાછળથી તમને લાગે કે આટલા મૂર્ખામીભર્યા નિર્ણયો તમે કેમ લીધા? જો આ પરિસ્થિતિઓ તમારી જોડે વારંવાર બની રહી હોય તો બને કે તમે ડિસિઝન ફટીગ નામની અવસ્થાથી પીડાઈ રહ્યા છો. ડિસિઝન ફટીગનો શબ્દશ: અર્થ કરવા જઈએ તો કહી શકાય કે નિર્ણય લેવાનો થાક લાગવો. જેવી રીતે આપણે એક્સરસાઇઝ જરૂર કરતાં વધારે કરીએ તો સ્નાયુઓ થાકી જાય છે. એ માટે આપણે ધીમે-ધીમે એને સ્ટ્રૉન્ગ બનાવવા પડે છે. પછી એક્સરસાઇઝ વધારી શકાય. એવું જ મગજ સાથે છે. નિર્ણય જ્યારે હદથી વધારે લેવા પડે ત્યારે મગજ થાકી જાય છે. વિચારીએ તો સમજાશે કે સવારથી રાત સુધીમાં આપણે કેટલા નિર્ણયો લઈએ છીએ. આખો દિવસ શું ખાવું, શું બનાવવું, શું પહેરવું, ક્યાં ફરવું, કયું કામ કરવું, કયું ન કરવું, ક્યારે કામ કરવું અને ક્યારે ન કરવું, પહેલાં શું કરવું અને પછી શું કરવું, અત્યારે શું કરવું અને કાલે શું કરવું, કેવી રીતે કરવું, કેવા રિઝલ્ટ માટે કરવું, મારે કરવું કે કોઈને સોંપી દેવું જેવા અગણિત અને અઢળક નિર્ણયો આપણે દિવસ દરમ્યાન લેતા હોઈએ છીએ. સતત મગજને જ્યારે નિર્ણયો લીધા કરવાના હોય ત્યારે એક સમય એવો આવી શકે કે એ અત્યંત થાકી જાય. આ થાકને કારણે એને નિર્ણયો લેવાનો કંટાળો આવે અથવા એ યોગ્ય નિર્ણય લેવાને સક્ષમ ન રહે. એને લીધે આપણે ભૂલભરેલા નિર્ણયો લઈએ છીએ અને હેરાન થઈએ છીએ. આ અવસ્થા ડિસિઝન ફટીગ છે. ડિસિઝન ફિટીંગ ડિસિઝન ફટીગ એક અવસ્થા છે, કોઈ રોગ નથી એ સ્પક્ટતા કરતાં સાઇકિયાટ્રિસ્ટ ડૉ. શૌનક અજિંક્ય કહે છે, 'મોટા ભાગે એવું જોવા મળ્યું છે કે વ્યક્તિને કોઈ સાઇકિયાટ્રિક કન્ડિશન જેમ કે ડિપ્રેશન, ઍન્ગ્ઝાયટી કે ઑબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઑર્ડર હોય તો તેની સાથે ડિસિઝન ફટીગ પણ જોવા મળતું હોય છે. મોટા ભાગે એવું થાય છે કે લોકો ડિસિઝન ફટીગની ફરિયાદ લઈને આવે છે અને જ્યારે અમે તપાસ કરીએ છીએ ત્યારે સમજ પડે છે કે તેમને આ પ્રકારના રોગ પણ છે. જોકે એનો અર્થ એવો નથી કે ફક્ત ડિસિઝન ફટીગની તકલીફ કોઈને હોય જ નહીં. જોકે એ એક લક્ષણ છે એ સમજવું જરૂરી છે. આ અવસ્થા પાછળ જવાબદાર કારણ કોઈ બીજું હોઈ શકે છે.' ખબર કેમ પડે? આ અવસ્થા રાતોરાત ડેવલપ થતી નથી, ધીમે-ધીમે આવે છે એ વિશે વાત કરતાં સાઇકિયાટ્રિસ્ટ ડૉ. કેરસી ચાવડા કહે છે, 'આ તકલીફ મોટા ભાગે ડૉક્ટર કે જજ જેવા પ્રોફેશનમાં રહેતા લોકો જોડે વધુ થાય છે, કારણ કે તેમને સતત એવા નિર્ણયો લેવાના હોય છે જેની અસર કોઈ વ્યક્તિના જીવન-મરણ સાથે સંકળાયેલી હોય. મહત્વના નિર્ણયો સતત લેવાના હોય ત્યારે સ્ટ્રેસ ઘણું વધારે રહે છે. તમે સતત દિવસ-રાત આ જ કામ કરતા હો અને એની સાથે પોતાની કાળજી ન રાખતા હો તો ડિસિઝન ફટીગ આવતું હોય છે જેને કારણે વ્યક્તિ ખુદ જ નહીં, તેની સાથે સંકળાયેલું કામ જેમાં તેના દરદી કે કેદી સામેલ છે તે પણ તકલીફ ભોગવે છે.' રિસર્ચ આ બાબતે અમેરિકાનું એક રિસર્ચ ઘણું જ પ્રખ્યાત છે જેમાં ર્કોટમાં થયેલાં ૧૧૦૦ કેસનાં હિયરિંગ્સને તપાસવામાં આવ્યાં હતાં. એમાં એ ચોકાવનારું સત્ય બહાર આવ્યું હતું કે વ્યક્તિને પરોલ મળવા પાછળ તેનો ગુનો અને તેના કેસ સિવાય જે મહત્વપૂર્ણ પરિબળ હતું એ છે તેનું હિયરિંગ કયા સમયે કરવામાં આવ્યું હતું એ સમય. જે કેદીઓનો કેસ સવારે જોવામાં આવ્યો હોય એમાંથી ૭૦ ટકા લોકોને પરોલ મળી ગયા હતા, જ્યારે જેમનું હિયરિંગ દિવસ પતતી વખતે થયું હતું એવા લોકોમાંથી ૧૦ ટકા લોકોને જ પરોલ મળ્યા હતા. રિસર્ચ એવું જણાવે છે કે તમે ગમે એટલા બૌદ્ધિકવાદી હો, એક પછી એક નિર્ણયો કોઈ બ્રેક લીધા વગર સતત આપ્યા કરો તો પ્રૉબ્લેમ ઊભા થવાના જ છે. ખબર કેમ પડે? શારીરિક થાક આપણે સમજી જઈએ છીએ, પરંતુ માનસિક રીતે જો નિર્ણયો લઈને થાકી ગયા હો તો એ એટલી સરળતાથી સમજ પડતું નથી. આમ પણ આપણે ત્યાં માનસિક તકલીફો બાબતે લોકો ખાસ જાગૃત રહેતા નથી. વળી નિર્ણયો લેવામાં માણસ ભૂલો કરતો જ હોય છે. વળી જરૂરી નથી કે એ ભૂલો ત્યારે જ સમજાય. દરેક નિર્ણય એક સમયે તો આપણને આપણી ભૂલ જ લાગતી હોય છે. આ પરિસ્થિતિમાં કેમ સમજવું? છતાં અમુક પ્રકારનાં ચિહ્નો દ્વારા ખબર પડી શકે છે કે તમને ડિસિઝન ફટીગ છે કે નહીં. એ વિશે વાત કરતાં ડૉ. કેરસી ચાવડા કહે છે, 'નિર્ણયમાં લેવાતી આ ભૂલો એકદમ દેખાઈ આવે છે. જેમ કે તમે ઘરની બહાર નીકળો અને ટૅક્સી સામે જ હોય, પરંતુ ત્યાંથી ન પકડીને તમે આગળ ચાલી નીકળો અને પછી તમે પસ્તાઓ કે જે મળતી હતી એ ટૅક્સી લીધી નહીં અને હવે અહીંથી ટૅક્સી મળતી નથી. તમને ખુદને પણ ન સમજાય કે તમે આટલી સહજ ચૉઇસ હોવા છતાં એ સાચો અને સરળ રસ્તો કેમ પસંદ ન કર્યો? ડિસિઝન ફટીગમાં શરૂઆતમાં વ્યક્તિ ચિડાય છે, કારણ કે તેને સમજાતું નથી કે તે કેમ ખોટા નિર્ણયો લઈ રહી છે. આવા દરદીઓ સતત નકારાત્મક વિચારતા હોય છે. શારીરિક જ નહીં, માનસિક રીતે પણ તેઓ થાકેલા રહે છે. તેમને કોઈ વસ્તુ માટેનો ઉત્સાહ નથી હોતો. દરેક જવાબદારીથી તેઓ ભાગવા ઇચ્છતા હોય છે.' શું કરવું? ડૉ. શૌનક અજિંક્ય પાસેથી જાણીએ કે જો તમને ડિસિઝન ફટીગ હોય તો એના ઉપાય માટે તમે શું કરી શકો? ડિસિઝન ફટીગ પાછળનું સૌથી મોટું કારણ જીવનમાં વધતી જતી અઢળક ચૉઇસિસ છે. એને કારણે કબાટમાં અઢળક કપડાં હોવા છતાં આપણને લાગે છે કે આપણી પાસે પહેરવા માટે કંઈ નથી. જીવનમાં બને એટલી ચૉઇસ ઓછી કરો. એકસાથે ૫૦ વસ્તુઓમાંથી કોઈ પસંદ કરવાની હોય તો એ ત્રાસદાયક છે, જ્યારે પાંચમાંથી પસંદ કરવાની હોય તો એ સરળ છે. બિનજરૂરી નિર્ણયો લેવાનું ટાળો. દુનિયામાં ઘણા મહાન લોકોએ આ રીત અજમાવી છે જે ઘણી ફાયદેમંદ છે. જેમ કે શું ખાવું, શું પહેરવું, કઈ ફિલ્મ જોવી, કારથી જવું કે ટ્રેનથી જેવા સામાન્ય નિર્ણયોમાં મગજ ન ખપાવો. હોટેલમાં જાઓ તો વેઇટરને જ કહો કે અહીં જે સારું મળે છે એ લેતો આવ. બાળકો તમને પૂછે કે ક્રિકેટ રમું કે ટેનિસ તો એ નિર્ણય તેને જાતે કરવા દો, તમે કંઈ નહીં કહો. ઘણા લોકો વગર કારણે ઘણા પ્રશ્નો પૂછીને પરાણે પોતાના નિર્ણયો આપણી પાસે લેવડાવતા હોય છે. જેમ કે મારા માટે તું ચૉઇસ કરને! પણ એવી ભૂલ ન કરો. જો આ રીતે તમે બિનજરૂરી નિર્ણયો લેવાનું છોડશો તો મગજની શક્તિ જરૂરી નિર્ણયો પર ફોકસ કરી શકશો અને તમે સારા નિર્ણયો લેવામાં સક્ષમ બની શકશો. કોશિશ કરો કે તમે દિવસ દરમ્યાન જ મહત્વના નિર્ણય લો, રાત્રે નહીં; કારણ કે મોટા ભાગે દિવસભરના થાકની અસર રાતના નિર્ણય પર પડે છે. એટલે મહત્વના નિર્ણયો રાત્રે ન રાખો. એ જ રીતે તમે ભૂખ્યા હો ત્યારે મહત્વનો કોઈ નિર્ણય ન લો. પર્ફેક્શનનો દુરાગ્રહ ન રાખો. યોગ, પ્રાણાયામ, ધ્યાન ચાલુ રાખો. મગજની ક્ષમતા અસીમ છે. બસ, જરૂર છે એને થોડા આરામની અને થોડી ટ્રેઇનિંગની. |
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OsYYfaBoRoJB8BMBX--68jgQs1eY5hAcPA0Kze8Q0evOw%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment