Tuesday, 4 December 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ છોડ આયે હમ વો ગલિયાં (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ત્યાગીને ભોગવનારાઓ: છોડ આયે હમ વો ગલિયાં...!
જય વસાવડા

 

 


ગ્લેમરની ઝાકઝમાળ વચ્ચે બધું કામ કરતા ય માંહ્યલો મોજથી મજબૂત રાખવો એ મસમોટી ચેલેન્જ છે આજે!


સુખેથી જીવવા માટે જે કોઈ કમાણી કરો, એના ૧૦%ની બચત કાયમ કરવાની આદત પાડો. બસ, જીંદગીમાં લાંબો સમય લહેર રહેશે


ચાઉ ઉન ફેટ. નામ તો સુના હોગા. આપણે માટે તો જરાક પીળાશ પડતી ચામડી અને ચૂંચી આંખવાળા બધા જ ચીના કે 'નેપાળી'. પણ એ મોંગોલિયન બ્રીડમાં ય ઘણાં દેશો અને સંસ્કૃતિઓ આવે, એ તો ખુલ્લી આંખે જ નહિ, ખુલ્લા મનથી બહાર નીકળો તો જ ખબર પડે. એની વે, ચાઉ ઉન ફેટ તો જાણીતો ચહેરો છે.


જેકી ચાનની જેમ હોંગકોંગનો મોટો સ્ટાર. અનેક હોલીવૂડ ફિલ્મમાં ય દેખાયો. જોન વૂ જેવો એક્શન ડાયરેક્ટરનો ફેવરિટ. રિપ્લેસમેન્ટ કિલર્સ, ક્રાઉચિંગ ટાઇગર, હિડન ડ્રેગન, બેટર ટુમોરો, બુલેટપ્રૂફ મોન્ક, પાઇરેટ્સ ઓફ ધ કેરેબિયન, ધ કિલર વગેરે ફિલ્મોથી જાણીતો ચહેરો. ઇન્ટરનેશનલી ફેમસ, એટલે કમાણી પણ ખૂબ કરી.


ચાઉની લાઇફ સ્ટોરી બડી ઇન્ટરેસ્ટિંગ છે. મોટિવેશનનો પેશનથી છલોછલ ડોઝ, એની મા આપણી ભાષામાં કહીએ તો ખેતમજૂરણ હતી અને શાકભાજી વેચતી. નાનકડા લામા આયલેન્ડમાં એ મોટો થયો ગરીબીમાં. માએ હર્બલ ટી વેચવાની ચાલુ કરી. નાનપણમાં ઘરમાં ઇલેક્ટ્રિસિટી પણ નહોતી.


પિતા ફોલ ઓઇલનું ટેન્કર ચલાવતા ટ્રક ડ્રાઇવર. કોલેજમાં જવાની ૧૭ વર્ષની ઉંમરે ચાઉએ ભણતર છોડવું પડયું, કુટુંબને મદદરૂપ થવા માટે પછી એણે કામ શરૂ કર્યું.


શરૂઆતમાં હોટલમાં બેલબોય એટલે વેઇટર થયો પછી કેમેરા વેચતો સેલ્સમેન, ટપાલી અને ટેક્સી ડ્રાઇવર. જિંદગીમાં કેટલી વીસે સો થાય એની કઠણાઈ એણે ક્લોઝ અપમાં જોઈ. આ બધી સંઘર્ષમય જ્દોજહતમાં એનું ધ્યાન ન્યુઝ પેપર એડ પર ગયું જેમાં એક ટી.વી. પ્રોગ્રામ માટે ઓડિશન હતું.


પર્સનાલિટી સરસ. કામ મળી ગયું. એમાં ત્યારની ટી.વી. એક્ટ્રેસીઝ સાથે ખૂબ સારી દોસ્તી પણ થઈ. ચાઉ પોપ્યુલર થતો જ ગયો એન્ડ રેસ્ટ ઇઝ હિસ્ટ્રી. જેકી ચાન, જેટલી, મિશેર યો જેવા ગ્લોબલી જાણીતા એવરગ્રીન મોંગોલિયન ફેસીઝમાંનો એક એનો! જેટલું કામ ચાઇનીઝ / હોંગકોંગ ફિલ્મોમાં મળે, એટલું જ હોલીવૂડમાં ય મળે. બોડી ય ફિટ. આજે ય દેખાયા કરે બ્લોક બસ્ટર ફિલ્મમાં.


એની લવસ્ટોરી પણ ઇન્ટરેસ્ટિંગ છે. અગાઉ ઘણી મિત્રો સ્વાભાવિક હોય ને હતી જ. પછી ટી.વી. એક્ટ્રેસ અને મોડેલ સાથે મેરેજ કર્યા. એમાં બદન વધુ ને મન ઓછું મળ્યું હશે, તે માત્ર ૯ મહિનામાં ડિવોર્સ થઈ ગયા.


પછી ફરી આઝાદ સિંગલ અવસ્થામાં ચાઉ હતો ત્યારે એની સિંગાપોર મુલાકાત દરમિયાન કોમન ફ્રેન્ડ્સ મારફતે જસ્મીન તાન નામની દેખાવડી બિઝનેસ વુમન સાથે મુલાકાત થઈ.


એ કોઈ રોમેન્ટિક ડેટ હતી નહિ. જસ્મીનને માટે તો એક ઇન્ડોનેશિયન વેપારીની વાત આવી હતી. સિંગાપોરિયન કલ્ચર મુજબ બીજે દિવસે એરપોર્ટ જતા ચાઉને ત્યાં સી ઓફ કરવા માટે જસ્મીન ગઈ. ઝાઝી તૈયાર થયા વિના. એમ જ ઘરના કપડામાં અસ્તવ્યસ્ત.


ચાઉને કદાચ એ અદા, સિમ્પલિસિટી ગમી ગઈ. થોડા દિવસ પછી ફરી શહેરમાં મળવા માટે એનો ફોન આવ્યો. ડેટિંગ, દોસ્તી ચાલુ પણ મેરેજની કોઈ વાત જ નહિ. ચાઉની ગાઢ દોસ્તી એની પહેલી કો-સ્ટાર કેરોલ સાથે.


બે વર્ષ સુધી રોજ એનું જ મોં જોવાનું હતું. આરંભની કરિયરમાં પણ એ દોસ્તી જ રહી. જસ્મીનને તો ચાઉ રોજ દિવસમાં ત્રણ વાર કોલ કરે, પત્રો લખે, જસ્મીને સ્વીકારેલું જ કે પ્રેમ છે, તો છે. એમાં લગ્નની અપેક્ષા વિના એને એન્જોય કરો.


પણ ૧૯૮૬માં અમેરિકામાં એક ફિલ્મ શૂટથી ચાઉને કહેલું કે ચાલ તારા મમ્મા સાથે વાત કરીએ. ત્યાં જ વીસ જ ડોલરમાં રજીસ્ટર્ડ મેરેજ થઈ ગયા.


૧૯૯૧માં દંપતીને મોટા આઘાતમાંથી પસાર થવું પડયું. ૯ મહિનાથી પ્રેગનન્ટ જસ્મીનને ડિલીવરી થાય, એ પહેલાં જ બાળકનો શ્વાસ નાળને લીધે પેટમાં જ રૂંધાઈ ગયો. એ સમય દુ:ખમાં વીત્યો, પણ ચાઉ જલદી સ્વસ્થ થઈ ગયો. ઘરમાં બે માણસ હોય, અને બે ય દુ:ખી થઈને ફરતા હોય એ ન ચાલે, એકે તો બીજાની કાળજી લેવી જ પડે, એવું એણે વર્ષો પછી ઓપરાહ વિન્ફ્રે શૉમાં કહ્યું!


વેલ, અહીં સુધી વાંચ્યા બાદ એ સવાલ થતો હશે કે, આ બધું બરાબર. પણ અત્યારે આ ચાઉગાથા શા માટે માંડી છે?


ચાઉ આજના મિડલ ક્લાસ યુવાનને ય કંજૂસ લાગે એવી લાઇફસ્ટાઇલથી જીવે છે. એનો પર્સનલ માસિક ખર્ચ એવરેજ સાત- આઠ હજાર રૂપિયા જ છે! એ સારા કપડા ફંક્શનમાં પહેરે છે. પણ ફિલ્મસ્ટાર્સ એકનો એક ડ્રેસ રિપિટ ન કરે ઇન્સ્ટાગ્રામયુગમાં એમ નહિ. એનો એ સૂટ વર્ષો ચાલે એને તો.


રૂટિન એની ગ્રોસરીથી- ગાર્મેન્ટની ખરીદી એ રેગ્યુલર સ્ટોરમાંથી જ કરે. કોઈ પ્રીમિયમ સુપર સ્ટોર્સમાંથી નહિ. ૬૦ વર્ષ પૂરા થયા ત્યારે વીસ દોસ્તોને પાર્ટી આપી ઘરે. કુલ બિલ ૫૧૭ યુએસ ડોલર્સ. યાને પાંત્રીસકે હજાર રૂપિયા ૧૭ વર્ષ સુધી જૂના નોકિયા ફોનથી ચલાવ્યું અને એ સાવ બંધ થયો ત્યારે હમણાં સ્માર્ટ ફોન લીધો!


હોંગકોંગ, ચીન, સિંગાપોરમાં ચાઉ જેવો જાણીતો ફિલ્મ સ્ટાર પબ્લિક ટ્રાન્સપોર્ટ- બસનો ઉપયોગ મોટે ભાગે કરે! કોઈ ઓળખીને ઘેરી ન વળે? એવો સવાલ પૂછાયો તો એણે જવાબ આપ્યો, '૯૦% લોકો બસ, ટ્રેન, સડક પર ઉંધુ ઘાલીને પોતાના મોબાઇલમાં માથુ નાખીને ઉભા હોય છે, એમનું ધ્યાન જ નથી જતું કે બાજુમાં કોણ બેઠું છે, હા, બહુ અલ્ટ્રા લક્ઝરી કાર પસાર થાય તો ધ્યાન ખેંચાય!'


એ લાંબુ નાઇટશૂટ હોય તો ડ્રાઈવરને ખોટો ઉજાગરો ન થાય, કે બેઠા ન રહેવું પડે એટલે એને કાર હાયર કરી રાખતો નથી. હમણાં એણે ચુસ્ત અનુશાસનથી ૧૩ કિલો વજન ઘટાડયું ને જૂના કપડા ફરી ફિટ થવા લાગ્યા, એનો આનંદ માણ્યો. એ મોટા ફંક્શનમાં તો પ્રોફેશનના ભાગરૂપે જાય.


લુઈ વિત્તોં મોંઘીદાટ બ્રાન્ડે એના ફોટોગ્રાફ્સની વીઆઇપી બૂક બહાર પાડેલી, એની આવક એણે ભૂકંપરાહતમાં આપી દીધી! યુગલ હમણાં ફિલ્મ જોવા ય લાઇનમાં ઊભું હતું.


ટિકિટ લેવા, પોતાની જ! (જુઓ ફોટો) ચાહકોએ ઓળખી લીધા તો સેલ્ફી પડાવી, ને ટેસથી શો રેગ્યુલેર પ્રેક્ષકની જેમ જ જોયો! એણે તો હસીને એવું ય કહેલું કે મારી ૯૦% ફિલ્મ કોઈ ઇતિહાસમાં સ્થાન પામે એવી નથી પણ કર્મ તો કરવું જ જોઈએ, એટલે આ તક મળી તો પૂરી મહેનત અને નિષ્ઠાથી આ કામ કર્યું.


હજુ આવું માથુ ખંજવાળતા હો કે આ ગાંધીવાદી કરકસરિયા ફિલ્મ સ્ટારનું શું પુરાણ માંડયું છે? તો જાણી લો. નિ:સંતાન એવા ચાઉ ઉન ફેટ અને પત્ની જસ્મીને હમણાં પોતાની અડસટ્ટે એકાવન અબજ રૂપિયાની (૭૧૪ મિલિયન યુ.એસ. ડોલર્સ) મિલકતો દાનમાં આપવાનો સંકલ્પ કર્યો છે. ચાઉ નહિ રહે ત્યારે અલગ અલગ ચેરિટી સંસ્થાઓને એ મળે એવી વ્યવસ્થા કરી છે! બુદ્ધમાં શ્રદ્ધા રાખતા ચાઉએ કહ્યું કે, હું કંઈ આ પૈસાનો માલિક નથી, ટ્રસ્ટી છું.


બોલો? આ લોભી કંજૂસ કે ઉદાર દાનવીર? બચાવેલો પૈસો એણે પોતાના પર બહુ વૈભવવિલાસમાં વાપર્યો નથી પણ ચમડી તૂટે તો ય દમડી ન છૂટે એવા ચિંગૂસવેડાને બદલે એને અલગારી સંતની જેમ નિર્લેપભાવે પરોપકારમાં આપી દેવાનો સંકલ્પ કર્યો છે! પહેલી નજરે ચાઉ લોભિયો લાગે. બીજી નજરે ઓલિયો લાગે! આવા ય લોકો હોય છે, આપણી આસપાસ!


હજારનું શર્ટ અને અઢીસોના ચપ્પલ પહેરવા અંગે કોઈએ આ 'બુલેટપ્રૂફ મોન્ક'ને પૂછેલું તો મસ્તીખોર સ્માઇલ સાથે એણે કહેલું - 'મને આ ગમ્યા તો એ પહેર્યા. કોઇને બીજા એથી વધુ કીમતી ગમે તો ભલે એ પહેરે. કપડાં આપણને ગમે માટે પહેરવા-લેવાના કે દુનિયાને ગમે એ માટે?'


અબજોપતિ થાવ કે નહિ, એની એક સલાહ છે : સુખેથી જીવવા માટે જે કોઈ કમાણી કરો, એના ૧૦%ની બચત કાયમ કરવાની આદત પાડો. બસ, જીંદગીમાં લાંબો સમય લહેર રહેશે. હા, ગજા બહારના ખર્ચ નહિ કરવાના. ટૂંકમાં, પથારી એટલી સોડ તાણવાની!


બોલો ફિલ્મી કોસ્ચ્યુમ અને પાર્ટીઓની સેલ્ફીમાં ય ઋષિઓનો આત્મા મળી આવે ને! '૮૦ના દસકામાં મોટા થયા હો, અને સિનેમાના ફેન હો તો એક ક્યુટ ક્યુરિયસ એવી ચકાચક ફિલ્મ સીરિઝ ભૂલાઈ નહિ હોય : 'હની, આઈ શ્રંક ધ કિડ્સ'! ન જોઈ હોય તો તાબડતોબ જોઈ નાખવા જેવી. એમાં એક વ્હાલા લાગે એવા નેકસ્ટ ડોર નેબર પપ્પા હતા.


વીખરાયેલા વાળવાળા, ચશ્મા પહેરેલા ધૂની સાયન્ટીસ્ટ. જે ભૂલમાં વૈજ્ઞાાનિક પ્રયોગમાં ખુદને અને બાળકોને સાવ ટચૂકડાં જંતુ જેવા કરી દે છે! એ ચહેરો ત્યારે વર્લ્ડ સિનેમામાં બહુ જાણીતો. એક પછી એક ફિલ્મ એની સુપરહિટ જતી હતી. ઘોસ્ટબસ્ટર્સ, લિટલ શોપ ઓફ હોરર્સ, ઓસબોલ્સ.... કેનેડાનો આ એવરેજ લૂકિંગ એક્ટર રોબિન વિલિયમ્સની હારોહાર મલ્ટીમિલિયોનર કોમિક હીરો બનતો જતો હતો.


એમાં એને પ્રેમ થયો. દિલફેંક મહોબ્બત. એક ફેશન ડિઝાઇનર સુંદરી એન બેલસ્કાય સાથે. હેંડ ઓવર હિલ્સ લવ. બેઉ પ્રેમીપંખીડા ચોંચ મેં ચોંચ ડાલ કે ગૂટરગૂ કરતા ફરે. ૧૯૮૬માં બેઉ પરણી ગયા. બે - મજાના દીકરો અને દીકરી ય થયા. રાચેલ એન્ડ મિચેલ. લાઈફ ઈઝ લાઈક ફેરીટેલ.


પણ ઉપરવાળા પ્રેક્ષકને સૂરજ બડજાત્યાની નહિ, અનુરાગ કશ્યપની સ્ક્રિપ્ટ જોવી ગમતી હોય છે. રિકની વાઈફ એનને બ્રેસ્ટ કેન્સર એડવાન્સ સ્ટેજમાં થયું. ત્યારે આજ જેટલી સારવાર નહિ. ઘણા પ્રયત્નો, પૈસા, સેલિબ્રિટી કોન્ટેક્સ છતાં ભૂલકાંઓને સાવ નાના મૂકીને એન ૧૯૯૧માં લગ્નના પાંચ જ વર્ષમાં ગુજરી ગઈ!


સિંગલ પેરન્ટ બનેલા રિકે થોડો સમય તો જૂના કમિટમેન્ટ નિભાવવા કામ ચાલુ રાખ્યું, પણ પછી - ઘટાડયું.


નવા કમિટમેન્ટ બંધ કર્યા. બાળકો ઉછેરવામાં સમય વધાર્યો, અંતે ૧૯૯૭માં તો ઘેર રહી સંતાનો માટે સ્ટે એટ હોમ પેરન્ટ થવા સદંતર કામ જ બંધ કરી દીધું! ફિલન્ટસ્ટોન્સ જેવી ફિલ્મો હિટ જતી હતી, તો પણ રીતસર રિટાયર થઈ ગુમનામીમાં એ જતો રહ્યો બધા પૈસા પ્રસિદ્ધિ છોડીને બાળકો ઉછેરવા! ૧૯૯૭થી હોલીવૂડ સાથે, ફિલ્મી લોકો સાથે સંબંધ જ સાવ કાપી નાખ્યો! કોઈ મીડિયા ઇન્ટરવ્યૂઝ પણ નહિ!


ઘણાને ટેમ્પરરી ફેઝ લાગેલો. પણ વર્ષો વીતી ગયા. આજે બાળકો મોટા થયા પછી ક્યારેક રિક કોઈ ચેરિટી કોન્સર્ટમાં દેખાય છે. એને મ્યુઝિકનો શોખ છે. એક-બે ફિલ્મમાં હવે નાનકડા રોલ આગ્રહને લીધે સ્વીકાર્યા છે. એને જ્યારે થોડા સમય પહેલા પૂછાયું કે અફસોસ નથી કરોડોની દોલત અને શોહરત ગુમાવવાનો? ત્યારે રિકે કહેલું કે, 'કોઈ પણ માણસની જીંદગીમાં રોજેરોજ કંઈક ને કંઈક બનતું રહે છે.


બધા માણસો એડજસ્ટમેન્ટસ કરે છે, જાતભાતની ઘટનાઓ સાથે. મેં ય કર્યું. મારે મારા બાળકોને એની માની ગેરહાજરીમાં હેપી હોમ આપવું હતું.


મારા બાળકો સ્કૂલેથી કે રમીને ઘેર પાછા ફરે ત્યારે ઘરમાં લાઇટ ચાલુ હોય, સંગીત વાગતું હોય અને કિચનમાંથી એમને ભાવતી અને ફાવતી વાનગીઓની સુગંધ આવતી હોય, એવું હસીખુશીવાળું ઘર મારે એમને આપવું હતું. એ નોકરોથી ન થાય! એ જવાબદારી માતા નહોતી, તો પિતા તરીકે મેં ઉપાડી!'


અને તો પછી ક્રિએટીવિટીનો સળવળાટ ન થયો? કરિઅર મિસિંગ ન થઇ? આ સવાલોના જવાબમાં - વર્ષો પછી મુલાકાત આપતા રિકે એટલું જ કહ્યું કે ''હું ક્યાં ક્યાથી દૂર ગયો છું? મેં મારી રચનાત્મકતા મારા ઘર અને મારા બાળકોમાં લગાવી દીધી! મેં ક્રિએટીવિટી છોડી નથી. માત્ર એંગલ બદલાવ્યો! મને એનો કોઈ અફસોસ નથી.


મારી જીંદગી ખૂબસુરત રહી. બાળકો સાથે, પરિવાર સાથે સમય પસાર થઇ ગયો. ઘણા લોકોને એમનું નામ છાપામાં જોઈને, ટીવીમાં જોઈને કિક લાગતી હોય છે. પછી એ મહત્વાકાંક્ષાઓ જ એમનું ધ્યેય અને સતત સફળતાની ભૂખ જ એમનું લક્ષ્ય બની જાય છે. મારા માટે એ બધું સારું કામ કરો એની બાય પ્રોડક્ટસ છે. ધેટ્સ ઇટ. એથી વધુ કશું નહિ!'


રિક મોરાનિસે શિખર છોડીને તળેટીમાં તંબૂ તાણ્યા પછી ય કોઈ કકળાટ કર્યો નથી. અરે, પત્નીના ગયા ને બાળકોના મોટા થયા પછી કોઇ લગ્ન કે અફેરના ય સમાચાર એના સામે આવ્યા નથી! હસબન્ડ-વાઈફ કડેધડે હોય તો ય બાળકો આયાઓ ને ડ્રાઈવરો મોટા કરે એ દ્રશ્યો આપણી આસપાસ હોય ત્યારે આ સમથિંગ સ્પેશ્યલ તો ખરું જ!


તાજેતરમાં ખોટા કારણોસર ભારતમાં બ્રાહ્મણવાદના બેનરતણા વિવાદે ચડી ગયેલા ટવીટરના સર્વેસર્વા રણીધણી બોસ જેક ડોર્સીએ થોડા સમય પહેલા કહેલું કે 'હું લેપટોપ નથી રાખતો. સ્માર્ટફોનમાં નોટિફિકેશન્સ મોટે ભાગે ઓફ રાખું છું. ઘડી ઘડી બધે એપમાં નવું શું છે, એ સોશ્યલ નેટવર્ક પર ચેક કરતો નથી.


સવારે ઉઠી તરત મોબાઇલ હાથમાં ઝાલતો નથી. તૈયાર થઈ, બ્રેકફાસ્ટ લઈ ઓફિસે જતી વખતે જ મોબાઇલ હાથમાં લઉં છું. ઘેર હોઉં ત્યારે સમય ફેમિલીનો, ફ્રેન્ડસનો. પ્રોફેશનલ ટોક ભાગ્યે જ કરવાની! મીટીંગ્સમાં ય ફોન ઓન કરી એની સામે જોયા નહિ કરવાનું. સામેવાળી વ્યક્તિ પર ફોકસ થવાનું. બધી જ પર્સનલ મોમેન્ટસ ઓનલાઇન ઢગલો કરી ઠાલવી નહિ દેવાની.' સિલેક્ટીવ શેરિંગ!


ડોર્સીએ તો ટ્વીટરાધિપતિ હોવા છતાં કહેલું કે 'ઇન્ટરનેટ ઇન્ટરેસ્ટિંગ છે, પણ ભમ્મરિયો કૂવો છે. ક્યારે ઉંડે ગરક થઈ જાવ એનું ભાન ન રહે, તો બહાર ન નીકળી શકાય. લિમિટ ન રાખો તો તબિયત કે વ્યવસાય પર અસર પડે જ!'


આવા આધુનિક અનાસક્ત ઋષિઓના અનોખા ઉદાહરણોનો સાર શું? વિવેક અને સંતુલન. બધાએ સાચા રસ્તે ખુદની ટેલન્ટને ઇન્વેસ્ટ કરી સખત પરિશ્રમ કરીને કમાણી કરી. પણ એ અંર્તજ્ઞાાન પણ રાખ્યું કે આ માર્ગ છે, મંઝિલ નથી.


પોતપોતાનો રાજીપો વાહવાહી કે કલદારની રેસને બદલે બીજે રાખ્યો. સારું કમાયા એ બીજાને દબાવવા કે ઇમ્પ્રેસ કરવા નહિ પણ મનગમતી સુખશાંતિ ખાતર. એવું ય નહિ કે માર્કેટ ને મની સાવ છોડી ભિખારી થઈ ગયા.


પણ કયાં લાઇન દોરવી એની સ્વસ્થતા રાખી. અને સૌથી મહત્વનું. કોઇને નડયા કનડયા વિના, ખુદની મરજીથી મોજ કરવાને મહત્વ આપ્યું, જેમાં પોતે જ નહિ, બીજાઓ પણ સુખી થાય એમના લીધે!

 

 


ફાસ્ટ ફોરવર્ડ

સર્વ પરવશં દુ:ખમ્, સર્વમ્ આત્મવશં સુખમ્

ભાવાર્થ : જે આપણી પાસે નથી, એ દુ:ખ પેદા કરે છે. (માટે) આપણી પાસે છે, એમાં સુખ છે


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OscUdSRgTCx_vRMPLqxzVzBpOgb7Chk0Bq-5ybq5Vbpmw%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment