Tuesday, 4 December 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ તૂટી પડવાની અણીએ લટકી રહેલા પર્ણ જેવી જિંદગી (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



તૂટી પડવાની અણીએ લટકી રહેલા પર્ણ જેવી જિંદગી!
દિલની વાત -દિનેશ દેસાઈ

 


નીલા સૂનમૂન પથારીમાં પડી હતી. ગંધ મારતી ચાદર અને મેલી પથારી. આસપાસ માખીઓનો ગણગણાટ. પેશન્ટ માટેનું વ્હિલ-ટેબલ અને તેના ઉપર થોડાં વાસણ. થોડી દવાઓ, કાચનો ગ્લાસ અને એક પેટ-બોટલ. નીલાનો નિખાર ઉતરી ગયા પછી આ જ અસબાબ બાકી રહ્યો છે. તેના રૂપનો સૂરજ હવે અસ્ત થઈ ગયો છે. વારે વારે ખાંસી લેતી નીલા તમને ટી.બી. પેશન્ટ લાગે પણ એવું નહોતું. મહિલા આશ્રમવાળાઓ પહેલા તો તેને રાખવા જ રાજી નહોતા.


ઘણી બધી કાકલૂદી કરીને નીલાએ કહ્યું હતું: મારે ક્યાં તમારા ત્યાં જિંદગી આખી કાઢવી છે? થોડાક દિવસો કે મહિનાભરની તો વાત છે.


આમ તેનું માંડ ઠેકાણું પડ્યું હતું. જો કે આશ્રમવાળા ભલે કુણા પડ્યા હતા પણ નીલાને જુદી ઓરડીમાં રાખવામાં આવી હતી. અગાઉ કદાચ ચોકીદાર આ ઓરડી વાપરતો હશે એમ લાગ્યા વિના ન રહે. મહિલા આશ્રમની નિવાસી બહેનોમાં નીલા ચર્ચાના કેન્દ્રમાં હતી. છેવાડાની ઓરડી કદાચ એટલે પસંદ કરી હોય કે અહીં કોઈ ફરકે નહિ. કદાચ આ ઘૃણા નહિ તો બીજું શું?


બે ટાઈમ ચા અને બે ટાઈમ જમવાનું આપવા આવતી સેવિકા બહેન પણ જાણે અભડાઈ જવાની હોય તેમ બંધ બારણાને ટકોરા દઈને આગમનની જાણ કરતી અને બંધ બારણાના ઉંબરા પાસે જ પીરસેલી સામગ્રી મૂકીને ચાલી જતી.


આશ્રમની નિવાસી બહેનોની ચર્ચા આ સેવિકાના કાને પણ પડી હતી: પેલી ઓરડી પાસે તો ફરકવું જ નહિ. જાળવીને રહેવું સારું. ચેપ તો ગમે ત્યારે લાગી શકે ને?


સરકારી હોસ્પિટલમાં નીલાને ખસેડવામાં આવી ત્યારે તો પતિ રાહુલ પાસેને પાસે જ બેસી રહેતો. આમ તો સામાન્ય તાવની બીમારીને લઈને જ તેને એડમિટ કરવામાં આવી હતી. પંદર પંદર દિવસથી તાવ ઉતરતો નહોતો. તેર અને ચૌદ વર્ષની બે દીકરી અને અગિયાર વર્ષનો દીકરો પણ ડેડી સાથે માની ખબર જોવા આવતા અને કલાકો સુધી માના બિછાના પાસે બેસી રહેતા. મેડિકલ રિપોર્ટ આવ્યા પછી રાહુલે સંતાનોને માઁથી દૂર રહેવા કહ્યું અને ધીમે ધીમે રાહુલ પોતે પણ પત્નીને હોસ્પિટલમાં એકલી છોડી દઈને ગાયબ થઈ ગયો.


નીલાના શરીરમાં લોહીમાંથી રક્તકણો ઓછા થઈ રહ્યા હતા. તેનો મેડિકલ રિપોર્ટ એચ.આઈ.વી. પોઝિટિવ આવ્યો હતો. ફરજ ઉપરના ડોક્ટરે અને સ્ટાફ નર્સે પેશન્ટના ફર્સ્ટ રિલેટીવ તરીકે પતિ રાહુલને માંડીને વાત કરી હતી: જુઓ, મિસ્ટર. તમારી વાઈફને એચ.આઈ.વી. પોઝિટિવ છે. એઈડ્સ લાસ્ટ સ્ટેજમાં છે અને બહુ મોડું થઈ ગયું છે. હવે તેમને બચાવી શકાય એમ નથી. તમે હવે પેશન્ટને ઘરે લઈ જઈ શકો છો. વી આર હેલ્પલેસ...


આ ઘડીથી રાહુલ ગાયબ થઈ ગયો હતો. નીલાએ અને હોસ્પિટલ સ્ટાફે ત્રણ-ચાર દિવસ રાહ જોઈ. રાહુલ સાવ આ રીતે પોતાને છેહ દેશે એવી તો નીલાને કલ્પના પણ નહોતી.


બહેન, આ રોગમાં તમારી સાથે જ આવું બને છે, એવું નથી. એઈડ્સના બધા જ પેશન્ટ્સ સાથે આવું જ બનતું આવ્યું છે. મોટા ભાગના પેશન્ટ્સ સાથે તેમના ખુદના ફેમિલીવાળાઓ જ આભડછેટ રાખતા હોય છે. મોટા ભાગના કિસ્સામાં આમ મરવા માટે તરછોડી જ દેતા હોય છે. નર્સે કહ્યું.


નર્સે એમ કહીને વાતમાં મોણ નાખ્યા વિના પૂર્ણવિરામ મૂક્યું કે બહેન, હવે તમારે આ બેડ ખાલી કરવો પડશે.


બિલ બાકી હોવા છતાં વોર્ડની આયા બહેન પરાણે નીલાનો હાથ પકડીને હોસ્પિટલની બહાર સુધી મૂકવા આવી હતી અને નીલાના કહ્યા પ્રમાણે તેને ઑટો રિક્ષામાં બેસાડી આપી હતી. તે આત્મવિશ્ર્વાસ સાથે ઘરે પહોંચી હતી. પહોંચ્યા પછી ખબર પડી કે પોતાનું સરનામું જ બદલાઈ ગયું છે.


પાડોશીઓએ કહ્યું કે તમારા હસબન્ડ તો બે દિવસ પહેલા જ મકાન ખાલી કરીને બાળકોને લઈને ક્યાંક જતા રહ્યા છે.


આ સાંભળીને તો નીલાના પગ નીચેથી જાણે ધરતી સરકી ગઈ. હજુ તો રિક્ષાવાળાને ભાડું ચુકવવાનું બાકી હતું. તેની પાસે તો ફૂટી કોડીય નહોતી. તે ભોંય ઉપર ફસડાઈ પડી.


રિક્ષાવાળાએ કહ્યું: બહેન, શું વાત છે? ઘરના લોકો ક્યાંક ચાલ્યા ગયા છે, એમ જ છે ને? પણ તમે ચિંતા ના કરશો. જેને કોઈનો સહારો ન હોય એવી બહેનો માટે સદગુરુ મહિલા આશ્રમ ચાલે છે. તમે જો કહેતા હોવ તો તમને ત્યાં સુધી મૂકી જાઉં.


નીલાની નીલી આંખો ભીની થઈ ગઈ. તેની જે આંખો ઉપર લોકો મરતા હતા તે આંખો ભરજુવાનીમાંય ઊંડી ઉતરી ગઈ હતી. જે રૂપ વેચીને તે ઘરનું ગુજરાન ચલાવતી હતી તે રૂપ હવે કરમાઈ ગયું હતું. કોઈ જ કામધંધો કર્યા વિના ઘરમાં જ બેસી રહેતા રાહુલે પત્નીની કમાણી બંધ થતાની સાથે જ દગો દીધો હતો. જે દિવસથી પતિએ તેને બહાર મોકલવા માંડી હતી તે એક એક વાત આજે હવે તેને યાદ આવતી ગઈ. નીલાએ ઑબ્ઝર્વ કર્યું હતું કે પોતે બહાર જવા માંડી એ પછીથી ધીમે ધીમે રાહુલ પોતાની સાથે રહેતો હોવા છતાં દૂર દૂર રહેવા માંડ્યો હતો.


નીલાએ એક દિવસ પતિને પૂછી જોયું પણ હતું: એવું તો શું થઈ ગયું છે કે તું હવે મારાથી દૂર દૂર રહેવા લાગ્યો છે? મને સુખનો એક શ્ર્વાસ તો આપ. બહાર ભલે બધું જ હોય પણ તારા વિના હું અધુરી છું.


જવાબમાં રાહુલ ના બોલવાનું ગમે તેમ બોલી ગયો હતો. એલફેલ બોલતા પતિને ચુપ કરવા પહેલી વાર નીલાએ જબાન ચલાવવી પડી હતી: તારામાં કમાવવાની ત્રેવડ નથી ત્યારે મારે ઘરની બહાર નીકળવું પડે છે ને? કઈ સ્ત્રીને આવી જીવતા દોઝખ જેવી જિંદગી ગમે?


નીલા મહિલા આશ્રમના સંચાલકોને અંધારામાં રાખવા માગતી નહોતી. તેણે પોતાની મેડિકલ રિપોર્ટવાળી ફાઈલ બતાવી હતી અને રહેવા દેવા માટે આજીજી કરી હતી. આશ્રમવાળા પીગળ્યા હતા અને તેને જીવતરનો છેલ્લો આશરો મળી ગયો હતો. તેને ખુદને પણ એ વાતની ખબર હતી કે પોતે હવે થોડા દિવસોની જ મહેમાન છે. ઉછીના શ્ર્વાસ ઉપર જિંદગી ટકી રહી નથી પણ લટકી રહી છે, જેમ ફૂલ-પાન તૂટવાની અણી ઉપર લટકતું હોય.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OtGj5UXyTofnY6KRmK-EyQsR6%2BYRbwYChdCbpwBwymg_g%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment