Tuesday, 4 December 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ બેટા, તું ડાબોડી છે? (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



બેટા, તું ડાબોડી છે?
સૌરભ શાહ

 

 

 

જમવાની એટિકેટ વિશે અગાઉ ઘણું લખ્યું છે. પીવાની અને મન્ચિંગની રીતભાત વિશે પણ લખી ચૂક્યો છું, હવે એ બાબતમાં આગળ લખવું નથી પણ ભોજનની બાબતમાં જરૂર લખવું છે.

 

કોઈને ત્યાં જમવા જવાનું હોય તો જે ટાઈમે તમને બોલાવ્યા હોય તેના કરતાં વહેલા ન પહોંચી જવું. હોસ્ટ કદાચ છેલ્લી ઘડીની તૈયારી કરતા હોય કે પછી બધી તૈયારી પૂરી કરીને નાનકડો શાવર લઈને ફ્રેશ થવા બાથરૂમમાં હોય તો એમના માટે તમારું આગમન ઍમ્બરેસિંગ પુરવાર થશે. પાંચ-દસ-પંદર મિનિટથી વધુ મોડા પણ ન પહોંચવું. ટ્રાફિક એટલો બધો હતો કે આવતા મોડું થઈ ગયું, સૉરી એવી બહાનાબાજી ગૂગલ મૅપના જમાનામાં નહીં ચાલે. ટ્રાફિક રહેવાનો જ છે. તમારે મૅપમાં ચૅક કરીને ટ્રાફિકની પોઝિશન જાણી લેવાની અને સમયસર પહોંચી જવાનું. હું પોતે જોકે, મારે ત્યાં આવનારા મિત્રો જમવાના સમય કરતાં વહેલા જ આવી જાય એવું ઈન્સિસ્ટ કરતો હોઉં છું જેથી સૂર્યાસ્તની સાથે સાથે વાતોનો દૌર શરૂ થઈ જાય. અને હવે મેં 'ટ્રાફિકને લીધે' મોડા આવતા મહેમાનો વિશે ફિકર કરીને અકળાવાનું છોડી દીધું છે. બધાની બૅડ હૅબિટ્સ સુધારવાનો ઈજારો ભગવાને મને નથી આપ્યો એવું સ્વીકારી લીધા પછી બી.પી. નૉર્મલ રહે છે. મહેમાનની આગતાસ્વાગતાની બધી તૈયારી થઈ ગઈ હોય તો એમની રાહ જોઈને ઘડિયાળ સામે વારંવાર નજર કરવાને બદલે ગમતું પુસ્તક વાંચવા કે ગમતો શો જોવા નેટફ્લિક્સ કે એમેઝોન પ્રાઈમ શરૂ કરી દેવાનું. ટેન્શન નહીં.

 

રેસ્ટોરાંમાં જમવા ગયા હોઈએ તો પહેલેથી છેલ્લે સુધી પ્રસન્ન રહેવાનું. રસ્તામાં બીજા કોઈ મોટરિસ્ટ જોડે, ટૅક્સીવાળા કે રિક્શાવાળા જોડે કે પછી સ્પાઉઝ જોડે માથાકૂટ થઈ ગઈ હોય તો એ ભૂલીને રેસ્ટોરાંમાં દાખલ થાઓ ત્યારે દરવાન તમને વિવેકથી આવકારે તો તમારે પણ સ્માઈલ આપીને (અને વિદાય લેતી વખતે એના હાથમાં સટલ રીતે એક કરન્સી નોટ થમાવીને) તમારો મૂડ બનાવી લેવાનો. સારી રેસ્ટોરાં હોય તો બૉટલ્ડ વૉટર નહીં મગાવો તો ચાલશે. વેઈટર પૂછે તો હસીને પોલાઈટલી ના પાડવી. ઑર્ડર આપતી વખતે બહુ બધી ડિટેલ્સ નહીં લખાવવાની, બહુ સૂચનાઓ નહીં આપવાની. રેસ્ટોરાંના રસોડામાં તમારા એકલા માટે નહીં, અનેક ટેબલો પર બેઠેલા બીજા કેટલાય ગેસ્ટ્સ માટે વાનગીઓ બનતી હોય છે અને ધારો કે તમે આપેલી એકાદ બે નાની સૂચનાઓ પણ પાળવામાં ન આવી તો કાં તો ચલાવી લેવાનું, કાં સ્ટુઅર્ડ સાથે અવાજ ઊંચો કર્યા વિના વાત કરવાની. ક્રિસ્પને બદલે નૉર્મલ બટર નાન આવી હોય તો ચલાવી લેવાનું. બુન્દી રાયતાને બદલે પાઈનેપલ રાયતું આવ્યું તો રિક્વેસ્ટના ટોનમાં પાછું મોકલીને તમને જે જોઈએ છે તે મગાવવાનું. ઈન કેસ સ્ટુઅર્ડ કહે કે સર, તમે પાઈનેપલ રાયતાનો જ ઑર્ડર આપ્યો હતો તો અદાલતમાં વકીલો લડતા હોય એ રીતે પુરાવાઓ માગવાને બદલે કે સામે આક્ષેપ કરવાને બદલે સ્વીકારી લેવાનું: ઓકે, મારી ભૂલ થઈ ગઈ લાગે છે અને તમને જે જોઈએ છે તે મગાવી લેવાનું, જે નથી જોઈતું તેના પૈસા બિલમાં ઉમેરી દેજો એવું સામેથી હસીને કહી દેવાનું. નાઈન્ટી નાઈન પોઈન્ટ નાઈન પર્સેન્ટ પેલો નહીં ઉમેરે.

 

તમારી સાથે કે તમારા ગેસ્ટ સાથે નાના બાળકો હોય તો એમને ક્ધટ્રોલમાં રાખવાં, બગીચામાં રમવાં આવ્યાં હોય એમ છુટ્ટા નહીં મૂકી દેવાના, ચીસાચીસ નહીં કરવા દેવાની, કાચની ડિશ પર સ્ટીલના ચમચાથી સંગીત નહીં વગાડવા દેવાનું, ટેબલ પર પડેલી ચીજવસ્તુઓ સાથે રમવા નહીં દેવાનું.

 

પણ જો આવું જ બધું બાજુના ટેબલ પર થતું હોય તો સહેજ પણ અકળાયા વિના તમારા ભોજનનો આનંદ અખંડ રાખવાનો.

 

બિલમાં સર્વિસ ચાર્જ ઉમેર્યો હોય તો પણ જો તમે રેગ્યુલરલી આ પર્ટિક્યુલર જોઈન્ટમાં જતાઆવતા હો તો બિલના દસ ટકા કે તેથી વધુની ટિપ અચૂક મૂકવી. નેક્સ્ટ ટાઈમ વધુ સારી સર્વિસ મળતી હોય છે. નાની મોટી ડિમાન્ડ્સ પણ પૂરી થતી હોય છે. અમુક સાદી જગ્યાઓએ પ્લેટ ઊંચકનારો તથા પાણીના પ્યાલા લાવવા-લઈ જવાવાળો સ્ટાફ જુદો હોય છે. એ બંનેને અલગ અલગ નાની નાની ટિપ આપીને તમારે રાજી થવું. તમારી મનગમતી જગ્યા હોય, જમવાનું બિલ એસી રેસ્ટોરાં કરતાં ઘણું ઓછું આવતું હોય ત્યાં, ટેન પર્સેન્ટ ટિપને બદલે ગણતરી કર્યા વિના વીસ-પચ્ચીસ-ત્રીસ ટકા જેટલી ટિપ થતી હોય તો ફિકર કર્યા વિના ઉમંગથી આપવાની.

 

આપણા જેવાના કલ્ચરમાં ટેબલ મૅનર્સ માટે કયો કાંટો, કઈ છરી કે કયો પ્યાલો ક્યારે વાપરવો તેની ટિપ્સ કામની નથી, કારણ કે એક જ છરી, એક જ કાંટો ને એક ચમચો ગોઠવેલાં હોય છે. એટલે એક બિલકુલ સાદી વાત. છરી કાંટાથી ખાવું હોય તો છરી હંમેશાં જમણા હાથે પકડવાની. કાંટો ડાબે હાથે. કાંટાને વાનગીમાં ભરાવીને સ્થિર રાખવાનો, છરી હલાવીને ટુકડો કરવાનો. કાંટાથી એ ટુકડો મોઢામાં મૂકવાનો. છરી કે કાંટો-બેમાંથી કશુંય ચાટવું નહીં, વાનગી ગમે એટલી સ્વાદિષ્ટ હોય તોય. પિત્ઝા ખાવા માટે છરી કાંટાની જરૂર નથી, પંજાબી માટે પણ નહીં, ગુજરાતીમાં તો હરગિજ નહીં. ક્યારેક માત્ર એકલા કાંટાથી જ ખાવું હોય જમણા હાથે પકડવાનો.

 

હું સ્કૂલમાં હતો, ટીનેજ પહેલાંની વાત છે, ત્યારે એક દિવસ અમારા શ્રીમંત કુટુંબીના વાલકેશ્ર્વરના બંગલે ડિનરનું આમંત્રણ હતું. કાકાકાકી નવાં નવાં યુ.એસ.થી આવેલાં. છરી કાંટાથી જમવાનું હતું અને હું ડાબા હાથમાં છરી પકડીને જમણા હાથે કાંટો પકડીને સ્ટ્રગલ કરી રહ્યો હતો. મારી ડિશમાં ખેલાઈ રહેલો જીવનમરણનો ખેલ જોઈને મારી રૂપાળી ફોેરેન રિટર્ન્ડ કાકી મારી પાસે આવીને મારા પર ચિડાવાને બદલે કે મારું અપમાન થાય એવું વર્તન કરવાને બદલે પ્રેમપૂર્વક બોલી: 'બેટા, તું ડાબોડી છે?' હું લેફ્ટી નહોતો. મેં કહ્યું, 'ના.' એટલે કાકી કહે, 'તો પછી તું નાઈફ જમણા હાથે પકડીશ તો તને વધારે ફાવશે!'

 

નાના બાળકને ટોકવાને બદલે એને શિખવાડવાની પણ કેવી ખાનદાની, આભિજાત્યભરી રીત. એ વાતને તો દાયકાઓ વીતી ગયા. પણ આજેય કોઈને જાહેરમાં એમની ભૂલ બદલ ટોકવાને બદલે આટલી સલુકાઈથી, સંસ્કારી રીતે પણ સુધારી શકાય એવી એટિકેટની જન્મદાત્રી એવી મા સમાન કાકી મને યાદ છે.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OuAFngEWrqrYg6%3DbHPd4K0i3v%2BM%2Bd6Yw92gR8wvuSJBDQ%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment