Tuesday, 4 December 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ હકીકતમાં હું શુષ્ક, નીરસ અને કઠોર છું: ઈંદિરા ગાંધી (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



હકીકતમાં હું શુષ્ક, નીરસ અને કઠોર છું: ઈંદિરા ગાંધી!
સ્મરણ-ઓરિઆના ફલાસી

 

 

 

(ભારતને સ્વતંત્ર થયાને ૭૧ વર્ષ થઈ ગયા છે. આ સમયગાળામાં આપણે ઘણા વડા પ્રધાનો જોયા, જેમનો શાસનકાળ ઈંદિરા ગાંધી કરતાં વધારે પણ રહ્યો હોય, પણ ભારતીય રાજકારણમાં જે પ્રભાવ ઈંદિરા ગાંધીનો છે એવો પ્રભાવ બીજા કોઈ વડા પ્રધાનનો નથી સર્જાયો, તે એટલે સુધી કે એમના પિતા અને ભારતના પહેલા વડા પ્રધાન જવાહરલાલ નહેરુનોય નથી રહ્યો. આગામી ૧૯ નવેમ્બર, ૨૦૧૮ના દિવસે ઈંદિરા ગાંધીનો ૧૦૧મો જન્મદિવસ છે. ઈંદિરા ગાંધીના વ્યક્ત્વિનાં બહુ બધા જટિલ પાસાંઓ છે. તેઓ મોટાભાગે ઈન્ટરવ્યૂથી આઘાં રહેતાં હતાં. જોક્ે, ઈટાલિયન પત્રકાર ઓરિઆના ફલાસીએ ફેબ્રુઆરી ૧૯૭૨માં એમનો એક વિગતવાર ઈન્ટરવ્યુ કર્યો હતો, જેમાં એમણે પોતનાં જીવનના અનેક અણસ્પર્શ્યા પાસાને ફંફોસ્યા હતા. શ્રીમતી ઈંદિરા ગાંધીના ૧૦૧માં જન્મ દિવસે એમના વ્યક્તિત્વને સમજવા માટે આ ઈન્ટરવ્યૂ બહુ જરૂરી હિસ્સો છે. અહીં એ વિસ્તૃત ઈન્ટરવ્યુનો સંપાદિત અંશ.)

 

ઓરિઆના: શ્રીમતી ગાંધી તમને પૂછવા માટે મારી પાસે બહુ સવાલો છે. વ્યક્તિગત અને રાજકીય એમ બેઉ બાબતો વિશે. એટલે વ્યક્તિગત સવાલો હું ત્યારે જ પૂછીશ જ્યારે મને એટલું સમજાઈ જાય કે આખરે બહુ લોકો તમારાથી ડરે કેમ છે અને તમને શુષ્ક, ખરેખર નીરસ અને કઠોર કેમ માને છે?

 

ઈંદિરા ગાંધી: એ લોકો આવું એટલા માટે કહે છે કે હું ઈમાનદાર છું, એટલે સુધી કે હું કઈંક વધારે જ ઈમાનદાર છું. વળી, સામાન્ય રીતે ભારતમાં લોકો કરે છે એમ હું 'તમે કેમ છો' 'તમારા બાળકો કેમ છે', 'તમારા પૌત્ર-પૌત્રીઓ કેમ છે' જેવી લચ્છેદાર, નાની નાની વાતોમાં સમય વેડફતી નથી, લોકોને મારો આ વ્યવહાર પસંદ નથી પડતો અને એમને જ્યારે કહું છું કે 'જલદી મુદ્દા પર આવી જાય' એનું ખરાબ લગાડી બેસે છે. હું એવું માનું છું કે હું શુષ્ક, વાસ્તવમાં નીરસ અને કઠોર છું. આની પાછળ બીજું કારણ એ પણ છે કે હું સ્પષ્ટવાદી છું. હું ઢોંગ નથી કરી શકતી. હું જે છું એ જ દેખાઉં છું. હું જો ખુશ છું તો હું ખુશી પ્રગટ કરીશ અને જો નારાજ છું તો એ પણ વ્યક્ત કરું છું, એ પણ બીજાઓ એની કેવી રીતની પ્રતિક્રિયા આપશે એની પરવા કર્યા વગર.

 

ઓરિઆના: બહુ સરસ. હું શરૂઆત સૌથી વધારે કડવા સવાલથી કરું છું. તમે એક યુદ્ધ જીત્યું છે, પણ અમારામાંથી મોટા ભાગના લોકો એને ખતરનાક-જોખમી જીત માને છે. શું તમે એવું માનો છો કે બાંગલાદેશ તમારી સાથે એવું જ મિત્રવત રહેશે જેવી તમે કલ્પના કરી છે? તમને શું એ વાતનો ભય નથી કે એ મિત્રને બદલે અણગમતો બોજ બનીને રહી જશે?

 

ઈંદિરા: જુઓ, જિંદગી તો અનેક ખતરા-જોખમોથી ભરેલી છે અને હું નથી માનતી કે કોઈએ આ જોખમોને ટાળવા જોઈએ. વળી, હું એમ પણ માનું છું કે વ્યક્તિએ એ જ કરવું જોઈએ જેને એ ઠીક માનતી હોય અને કોઈ સાચી વાતમાં જોખમ સામેલ છે તો... એ જ સાચું... વ્યક્તિએ જોખમ ઉઠાવવું જ જોઈએ. મારો સિદ્ધાંત જ એ છે. મેં ક્યારેય કોઈ પણ જરૂરી કામનાં પરિણામની ચિંતા કરી નથી. જ્યારે કોઈ નવી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે હું પરિણામોની પરખ પછી કરું છું, ત્યારે તો પરિસ્થિતિનો સામનો કરું છું. તમે કહો છો આ વિજય ખતરનાક છે. હું કહું છું કે આજ સુધી કોઈએ એમ નથી કહ્યું કે આ જીત ખતરનાક છે. મારા કથન પ્રમાણે હું આમાં કોઈ જોખમ જોતી નથી. જો કોઈ આશંકા વાસ્તવિકતામાં પલટાય તો... હું નવી વાસ્તવિકતા અનુસાર પગલાં ભરીશ. મને ખાતરી છે કે, હું કહેવા માગું છું કે અમારી અને બાંગલાદેશ વચ્ચે દોસ્તી રહેશે અને એ નક્કી જ એક તરફી નહીં હોય. કોઈ પણ કોઈને માટે નિ:સ્વાર્થ ભાવે કશું નથી કરતું, કોઈને કંઈ આપવાનું હોય છે તો કશું મેળવવાનું હોય છે. જો અમે બાંગલાદેશને કશું આપીએ છીએ તો એ પણ અમને કશું આપી રહ્યું છે. વળી, બાંગલાદેશ પોતાનો વાયદો નિભાવાને લાયક કેમ ન હોય, ભલા? આર્થિક રૂપે એ પૂર્ણપણે સાધનસંપન્ન છે અને પોતાના પગ પર ખડું રહી શકે છે. જે શરણાર્થીઓએ અહીં આશરો લીધો છે એ પોતાના ઘરે પાછા જવાના છે...

 

ઓરિઆના: તમારે માટે સમાજવાદનો શો અર્થ છે?

 

ઈંદિરા: ન્યાય. જી હા, એનો અર્થ ન્યાય જ છે. એનો અર્થ છે સમતાવાદી સમાજમાં કામ કરવું.

 

ઓરિઆના: પણ વ્યવહારિક અર્થોમાં એનો અર્થ છે વિચારધારાઓથી મુક્ત.

 

ઈંદિરા: હા, એ એટલા માટે કે જેમાંથી તમે કશું હાંસલ નથી કરી શકતા, તો કોઈ વિચારધારામાં બંધાઈ રહેવાનો શો અર્થ છેે. મારો એક સિદ્ધાંત છે, તમે એકાંતમાં કે એકલાં કામ ન કરી શકો, તમારે કોઈ ને કોઈ પર વિશ્ર્વાસ-ભરોસો કરવો જ પડે છે. મારા પિતાએ કહ્યું હતું એમ, તમારે તમારાં દિમાગને ખુલ્લું રાખવું પડશે અને તમારે તેમાં નાખતા રહેવું પડશે, નહીં તો વિચાર મૂઠીમાંની રેતીની જેમ સરી જશે. જો મારી કોઈ વિચારધારા છે તો એનો અર્થ એવો કદાપિ નથી થતો કે હું કોઈના પર મારા વિચારો ઠોકી બેસાડીશ. વિશ્ર્વ બહુ ઝડપથી બદલાઈ રહ્યું છે, એવામાં તમે કોઈના પણ ઉપર તમારા વિચારો લાદી શકતા નથી, એ પણ એટલે સુધી કે ૨૦ વર્ષ અગાઉ તમે જે ઈચ્છતા હતા તે આજે પ્રાસંગિક રહ્યું નથી, કાલબાહ્ય થઈ ગયું છે. જુઓ, આટલા વર્ષોમાં મારા માટે જે વાત નથી બદલાઈ એ છે, ભારતમાં હજીય બહુ ગરીબી છે. એક બહુ મોટો હિસ્સો એ લાભ મેળવવાથી વંચિત છે, જે એમને સ્વતંત્રતા બાદ મળવો જોઈતો હતો. નહીં તો સ્વતંત્રતાનો અર્થ જ શો છે?

 

ઓરિઆના: શું તમે નારીવાદી છો, શ્રીમતી ગાંધી?

 

ઈંદિરા: ના, ક્યારેય નહીં. મને એની જરૂર જ નથી લાગી. મારે જે કરવું છે એને માટે હું સક્ષમ છું. બીજી તરફ, મારી માતા નારીવાદી હતી. એ માનતી હતી કે નારી હોવું નુકસાનદાયક છે. આવું વિચારવા માટે એમના પોતાના કારણો હતા. એમના કાળમાં મોટા ભાગની સ્ત્રીઓને એકાંતવાસમાં રહેવું પડતું હતું. મોટાભાગના ભારતીય રાજ્યોમાં એમને રસ્તે નીકળવાની સુધ્ધાં મનાઈ હતી. મુસ્લિમ મહિલાઓને પરદામાં બહાર નીકળવું પડતું હતું. હિન્દુ મહિલાઓને ડોળીમાં બેસીને નીકળવું પડતું હતું. મારી માતા મને આ બધી વાતો ભારે કડવાશ અને નારાજગી સાથે કહેતી હતી. એ બે બહેનો અને બે ભાઈઓમાં સૌથી મોટી હતી. એમનો ઉછેર અનેક બંધનો-મર્યાદાઓમાં થયો હતો. કેટલાક સમય બાદ એમનું કુટુંબ જયપુર ખાતે સ્થળાંતર કરી ગયો હતો, જ્યાં કોઈ પણ સ્ત્રી પરદા કે ડોલી સિવાય બહાર નીકળી જ નહોતી શકતી. એમને દિવસ ને રાત ઘરમાં જ રહેવું પડતું હતું. ક્યાં તો રસોઈનું કામ કરવું પડતું તો ક્યારેક નિષ્ક્રિય બેસી રહેવું પડતું. મારી માતાને ન રાંધવાનું પસંદ હતું, ન ઠાલા બેસી રહેવું. આ કારણે એ બહુ નબળી અને બીમાર રહેવા લાગી હતી. એમની તબિયત જોઈને મારા નાનાજી કહેતા કે, આવી હાલતમાં આની સાથે લગ્ન કોણ કરશે? ત્યારે મારા નાનાના ઘરની બહાર જતા તો મારી નાની મારી માતાને ભાઈઓના કપડાં પહેરાવી એમની સાથે બહાર મોકલતી હતી. મારી માતાએ આ બધી વાતો સાવ નિર્વિકાર ભાવે કહી હતી. આ અન્યાયને એ છેલ્લા શ્ર્વાસ સુધી નહોતી ભૂલી શકી. જ્યાં સુધી જીવતી રહી ત્યાં સુધી સ્ત્રી અધિકારો માટે લડતી રહી હતી. એ એક મહાન વ્યક્તિત્વ હતું.

 

ઓરિઆના: તમે તમારા પિતાને કેટલું ચાહતાં હતાં?

 

ઈંદિરા: મારા પિતા સંત હતા. એ બહુ સારા હતા. મેં હંમેશાં એમનો બચાવ કર્યો છે, કમસે કમ એમની નીતિઓનો અવશ્ય બચાવ કર્યો છે.

 

ઓરિઆના: અને મહાત્મા ગાંધી?

 

ઈંદિરા: એમના નિધન પછી અનેક કથાઓ ફરતી થઈ હતી, પણ એક તથ્ય તો અટલ છે કે તેઓ એક અસાધારણ વ્યક્તિ હતા. અત્યંત બુદ્ધિમાન હતા અને લોકો સાથે જોડાયેલા હતા. સત્ય પ્રત્યે એમને અગાધ આસ્થા હતી. મારે એમની સાથે સંકળાવાનું ત્યારે થયું જ્યારે તેઓ મારા માતા-પિતાની સાથે અમારા ઘરે આવતા-જતા થયા. સ્વતંત્રતા પછી મેં એમની સાથે બહુ કામ કર્યું હતું, એ પણ એવા સમયે જ્યારે દેશમાં હિન્દુ-મુસ્લિમો વચ્ચે તંગદિલીની સ્થિતિ હતી. એમણે મને મુસ્લિમોની દેખભાલ કરવાનું અને એમને સલામતી આપવાની જવાબદારી સોંપી હતી. ચોક્કસ જ તેઓ એક મહાન પુરુષ હતા... તો પણ જે સમજણ અને એકમત મારી અને મારા પિતા વચ્ચે હતો એવો એમની સાથે નહોતો. તેઓ હંમેશ ધર્મને વિશે વાત કરતા હતા. એમને એવો ભરોસો હતો કે તેઓે સાચા છે...પણ સત્ય તો એ છે કે, અમારી નવી પેઢીના લોકો એમની ઘણી વાતો સાથે સહમત નહોતા.

 

ઓરિઆના: ચલો, પાછા જઈએ. એ કહો કે શું તમે લગ્ન કરવા નહોતાં માગતાં?

 

ઈંદિરા: એ સાચું છે. ૧૮ વર્ષની વય સુધી એ સાચું હતું, હું મારી શક્તિ દેશ માટે સમર્પિત કરવા માગતી હતી. મને લાગતું હતું કે લગ્ન કર્યા બાદ મારું લક્ષ્ય હું ચાતરી જઈશ, પણ પછી મેં હળવે હળવે લગ્ન વિશે વિચાર કરવાનું શરૂ કર્યું, પતિ મેળવવા માટે નહીં, પણ બાળકો માટે. મને હંમેશાં બાળકો જોઈતા હતા. જો મારું ચાલતું હોત તો મને ૧૧ બાળકો હોત, પણ મારા પતિને બે જ સંતાનો જોઈતા હતા અને ડૉક્ટરોએ મને સલાહ આપી હતી કે એક પણ બાળક ન થવું જોઈએ. મારી તબિયત ઠીક નહોતી અને એમનું કહેવું હતું કે ગર્ભાવસ્થા મારે માટે જાનલેવા બની શકે છે. ત્યારે મેં કહેલું કે તો પછી હું લગ્ન માટે શું કરું? એના જવાબમાં મને વજન વધારવાનું કહેવામાં આવ્યું હતું. તમામ પ્રયાસો છતાં વજનમાં એક અંશનોય ફરક ના પડ્યો. એ પછી મસૂરી જઈને મેં મારી રીતે વજન વધારવાના પ્રયાસો કર્યા અને એમાં હું સફળ રહી. તમે પણ અનુભવ્યું હશે કે હું દૃઢનિર્ધારવાળી સ્ત્રી છું.

 

ઓરિઆના: જોકે, હું એક ગૃહિણીના રૂપમાં તમારી કલ્પના નથી કરી શકતી.

 

ઈંદિરા: તમે ખોટાં છો. હું એક આદર્શ ગૃહિણી હતી. એક માતા તરીકે મારી જે જવાબદારીઓ હતી એને મેં સૌથી વધારે પસંદ કરી. હું એ દિવસોને સંપૂર્ણપણે જીવી હતી. મને લાગે છે કે મારા દીકરાઓનો ઉછેર મેં સર્વોત્તમ રીતે કર્યો છે.

 

ઓરિઆના: શ્રીમતી ગાંધી, શું તમે એક ખુશ સ્ત્રી છો?

 

ઈંદિરા: મને તો ખબર નથી. ખુશી એક ક્ષણભંગૂર વિચાર છે. નિરંતર ખુશી જેવી કોઈ બાબત નથી હોતી. ખુશીની કેટલીક ઘડીઓ જ હોય છે-સંતુષ્ટિથી પરમ આનંદ સુધી. જો ખુશીનો તમારો અર્થ પરમ આનંદનો છે તો હા, હું એ આનંદને જાણું છું અને આવું કહી શકવું એ એક વરદાન જ છે, કારણ કે ઓછા લોકોને એનો અનુભવ થાય છે. પરંતુ પરમ આનંદ લાંબો સમય ટકતો નથી અને ભાગ્યે જ એને દોહરાવવામાં આવે છે. જો ખુશીનો અર્થ સંતુષ્ટિનો છે તો હા, હું તૃપ્ત છું, પણ સંતુષ્ટ નથી અને હું મારા દેશને માટે કદાપિ સંતુષ્ટ નથી રહી શકતી. એ જ કારણે હું મુશ્કેલ રસ્તે ચાલું છું. પાકી સડક અને પગદંડી પરથી ચાલીને પહાડો સુધી પહોંચી શકાય છે, મેં પગદંડીને પસંદ કરી છે.

 

(આ મુલાકતનો અનુવાદ કર્યો છે, વરિષ્ઠ પત્રકાર યામિની રામાપલ્લીવારે)


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OspuSq55tmObEpQUHcmdhbQ_h1QjsnQOnSzZSwvZ%2B5VUQ%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment