Thursday, 22 November 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ આખલો (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



આખલો!
માવજી મહેશ્વરી
 

 


આગમણમાં સુપડોએક રાખ ભેગી થઈ ગઈ હતી. ચૂલા પાસે ઉભડક પગે બેઠેલી શાંતુએ ધુમાતા લાકડાને ફૂંક મારી. તેણે સાવચેતી રાખી તોય રાખ ઉડી. રાંધણિયું ધુમાડાથી ભરાઈ ગયું. શાન્તુની આંખોમાં પાણી આવી ગયાં, હવાયેલાં લાકડાં આગ પકડતાં ન હતાં. શાન્તુએ ફરી ફૂંક મારી.


એય..... છોરી... જરા ઘાસતેલ નાખને. જોતો ખરી આખું ઘર ધુમાડાથી ભરાઈ ગયું છે. આતો આવડો ધુમાડો જોયો એટલે થયું કે જરા જાઉં.


જાનુ ડોશીનો તીણો અવાજ સાવ નજીકથી સંભળાયો. ઘાસતેલનું નામ સાંભળી શાંતુએ એકદમ પાછળ ફરીને જોયું, જાનુ ડોશી ઓશરી પાસે આવી ગઈ હતી. નાનકડા રાંધણિયામાં બેઠેલી શાંતુની આંખો બળતી હતી. એને ઉધરસ ચડી. ઓઢણીના છેડાથી આંખો લૂછતી બહાર આવી. ધુમાડો જવાથી આંખો લાલ થઈ ગઈ હતી.


તારી હાલત તો જો. મોઢા પર રાખ ચોટી છે. મને બીક લાગી કે આવડો ધુમાડો કેમ નીકળે છે ?


જાનુ ડોશી ઓશરીની વચ્ચે બેસી ગઈ. શાંતુનું ધ્યાન ઝાંપા તરફ ગયું. શાંતુના ઘરને ફરતે ઉંચી વાડ હતી, ઘરની બરાબર સામે પતરાંનો ઝાંપો હતો. જાનુ ડોશીએ આવતી વખતે ઝાંપો બંધ કર્યો ન હતો. અને ખુલ્લા ઝાંપાની વચ્ચે એક આખલો આવીને ઉભો રહી ગયો હતો. શાંતુએ લાકડી ઉપાડી દોટ મૂકી. શાંતુને દોડતી આવતી જોઈ આખલો જરા પાછો હટ્યો અને વળી ગયો.. શાંતુ ધીમે પગલે આવીને જાનુ ડોશી પાસે બેસી ગઈ. રાંધણિયામાંથી હજી ધુમાડો નીકળતો હતો.


આનું કાંક કરને. કહીને જાનુ ડોશીએ નાક આડે ઓઢણીનો છેડો દાબી ધુમાડા ભણી હાથ લાંબો કર્યો.


ફુઈ માવઠું થ્યું તેમા બધુંય બળતણ હવાઈ ગયું.... શાંતુ વાત કરતા અટકી ગઈ.


જાનુ ડોશી અને શાંતુ વચ્ચેની જ્ગ્યામાં ધુમાડો આવ-જા કરવા લાગ્યો. કારતક માસની ધૂંસર સાંજ આંગણામાં ઉતરી આવી હતી. પંદરેક દિવસ પહેલા થયેલા માવઠાને કારણે હવામાન જ બદલી ગયું હતુ. જાનુડોશી શાતુંના જરા ભીનેવાન પણ ઘાટીલા શરીરને જોઈ રહી. એને લાગ્યું જાણે શાંતુની આંખોમાંથી ધુમાડાના ગોટ નીકળી રહ્યા છે. બેય વચ્ચેની ચુપકીદી જરા લાંબી થઈ ગઈ. એટલે શાંતુએ જ શરુઆત કરી.


ફુઈ તુ ખીચડી ઓરી આવી કે ભાભી આવીને કરશે ?


જાનુ ડોશી બબડતી હોય તેમ બોલી ; એને ઓરવી હશે તો ઓરશે. મેં એવી વ્યાધી કરવાનું છોડી દીધી છે. ઈ જાણે ને એમના કામ જાણે. મારા બાપનું ઘર છે એટલે રોટલાનો મારો હક થાય છે.


રાંધણિયામાં ઉઠતા ધુમાડાને જોઈ શાંતુને થયું, ઘાસતેલ નાખવું પડશે કે શું ? જોકે એને ઘાસતેલની વાસથી ઉબકા આવી જતા હતા, ઘાસતેલનું નામ સાંભળીને જ જાણે કંઈક ભડભડ સળગી ઉઠતું હતું. હંમેશા રાંધણિયામાં પડી રહેતા ઘાસતેલના ડબલાને તે ઘરની દખણાદી ભીંત પાસે મૂકી આવી હતી. શાંતુને ખોવાયેલી જોતાં જાનુડોશીએ પૂછ્યું ; શાંતુ તારી મા હજી રોકાશે  ? આજે પંદરેક દી તો થ્યા.


શાંતુથી અકારણ ઝાંપા સામે જોવાઈ ગયું. પેલો આખલો સાચે જ પાછો આવી ગયો હતો. એના અણીદાર શીંગડાં વાડ ઉપરથી દેખાતા હતા. જાનુ ડોશી શાંતુના જવાબની વાટ જોઈ રહી હતી. શાંતુએ રાખોડી થતા જતા આકાશ સામે જોતાં કહ્યું : હા, કાલે બાપા આવ્યા, એ કહેતા હતા કે એ હજુ રોકાશે.  ત્યાં બે નાના છોકરાં છે, હવે એનુંય ધ્યાન રાખવું પડશે ને.


જાનુ ડોશીએ ઘેરો નિસાસો નાખતા કહ્યું;


હા, બા. જેવી ઉપરવાળાની મરજી. મને તો હજી ઈ વાત જ માન્યામાં નથી. આવડીક ઉમરમાં ઈ બિચારી.... ભગવાનને ઘેર નિયા જ નથી. હવે ઈ ફૂલ જેવા બે છોકરાનું શું ? ભાયડાને બીજી બાયડી મળી રે, છોરાને બીજી મા નથી મળવાની.


નીંભર આખલાએ પતરાંના ઝાંપામાં શીંગડા ભટકાવ્યા. આ જોઈ શાંતુને ગુસ્સો ચડ્યો. તે ફરી લાકડી લઈને દોડી. આ વખતે આખલો તેની ભારેખમ કાયા ઝડપથી ફેરવી ન શક્યો. શાંતુએ ફટકારેલી લાકડીનો છેડો  એને બરાબર ત્યાંજ વાગ્યો જે એની શોભા હતી. આખલો ઝડપથી ભાગ્યો. આખલાને ભાગતો જોઈ શાંતુએ નાની એવી ગાળ ફેંકી. આખલાને લાકડી ફટકારી શક્યાનો આંનંદ એની આંખોમાં ડોકાઈ રહ્યો. ઝાંપામાં પ્રવેશતા જ ડાબા હાથે નાની ક્યારીઓમાં શાતુએ બકાલું વાવ્યું હતુ. ટમેટાં, રીંગણ, અને મરચાના છોડ ખાસ્સા એવા મોટા થઈ ગયા હતા. દૂધીનો વેલો વાડ પર ચડવા માંડ્યો હતો. શાંતુ જીવની જેમ એ ક્યારીઓનું ધ્યાન રાખતી. એના ઘેર આવનાર ઝાંપો ખુલ્લો મૂકી દે ત્યારે  એને ખીજ ચડતી. રખડતા આખલા બેધડક અંદર ઘૂસી આવતા.


પોતાનું હથિયાર હોય એમ લાકડી બાજુમાં મૂકી શાંતુ જાનુ ડોશીને પડખે બેસી ગઈ. શાંતુની ભરાવદાર કાયા પર નજર માંડતાં જાનુ ડોશીએ પૂછ્યું;


શાંતુ મેં સાંભળ્યું છે કે તારા બાપા ત્યાં વેણ દઈ આવ્યા છે. આવા ટાણે આવી વાતો તારી હારે કરવી મને ગમતી તો નથી પણ આતો મેં સાંભળ્યું છે એટલે તને પૂછું છું. બાકી સાચું ખોટું રામ જાણે !


ગુંદીના ઝાડમાં ભરાયેલી ચકલીઓએ એકાએક શોરબકોર કરી મૂક્યો. શાંતુએ ગુંદીના ઝાડ સામે જોયું એટલે જાનુ ડોશી બોલી; પંખી બચાડા બિલાડાને ભાળે એટલે બીકના માર્યા રાડારાડ કરે. જીવ તો બધાને વા'લો હોય ને.


શાંતુના શરીરમાં અકારણ ભયનું લખલખું ફરી વળ્યું. તેણે જાનુ ડોશીને ભળતો જ પ્રશ્ન કર્યો.


ફુઈ હું  સાવ નાની હતી ત્યારથી તને અંઈ જ જોઉં છું. તારા લગન નો'તા થ્યા ?


જાનુ ડોશીએ માથે ઓઢેલું સરખું કર્યું અને ધીમેથી બોલી;  થ્યા'તા ને.


તો પછી તું માવતરે કાં હાલી આવી છો ?


યાદ આવતું ન હોય અને યાદ કરવા મથતી હોય એમ જાનુ ડોશી આકાશને જોતી રહી. શાંતુની ધીરજ ખૂટી. તેણે જાનુ ડોશીની બાં પકડીને નાની કિશોરીની જેમ કહ્યું:  ફુઈ કે ને જલ્દી. કે પછી કેવા જેવું નથી ?


જાનુ ડોશીએ ઝાટકાથી ગરદન ફેરવી.


છોરી એ બધી વાતું મને યાદેય નથી, ને યાદ કરવીય નથી. મારા લગન થ્યા ત્યારે હું તેર વરસની હતી. પણ કોઈના બાપથીય બીતી નોતી. નાની હતી તોય બધું સમજતી હતી.


પણ માવતરે વળી આવવાનું કોઈ કારણ તો હશે ને ?


જાનુ ડોશીની આંખો પલકારા મારવા માંડી. તે માટીના  ઢેખાળાનો ઘા કરતી હોય તેમ બોલી;


મેલને ઈ વાતું. મુઆ ભાયડાઓ બધા પેલા આખલાઓ જેવા. લીલુ જોયું નથી કે હડી કાઢી નથી. પણ હું તો એને ઊંઘતો મેલીને અધરાતે હાલી નીકળેલી. મેં મારા બાપાને બધું જ કઈ દીધું. મારો બાપ જીગરવાળો માણસ હતો. એણે નાત વચ્ચે ધરાર ફારગતી લખાવી. તેદી'ની ઘડીને આજનો દી; મેં એ રસ્તે પાછું વળીને જોયું નથી. આયખું કાઢી નાખ્યું માવતરના ઘરે. આપણે બાયડીઓ શું માણસ નથી ?


શાંતુનો ચહેરો ધુમાડો ધુમાડો થઈ ગયો. તે જાનુ ડોશીના ગળામાં ત્રોફાવેલા મોરને અપલક જોઈ રહી. એને થયું એ જાનું ડોશીને કહે,  ફુઈ તારો બાપ જીગરવાળો હતો પણ મારો બાપ તો જમાઈના પગ પુજે છે. બાપા ને ખબર જ નથી કે ખરેખર શું બન્યું છે.


શાંતુએ આકાશ સામે જોયું. આજ આકાશ પંદર દિવસ પહેલા ઘેરાયું હતું.  અચાનક ચડી આવેલાં વાદળ એટલું બધું વરસ્યા કે બધું તણાઈ ગયું.


જે સાંજે આભ ગોરંભાયુ. એ દિવસે જ ખેતરમાંથી મગફળી ઉખેડીને બધા ઘેર આવ્યા હતા. બાપાના મોં ઉપર ઉચાટ હતો. ભાઈ-ભાભીનેય ચિંતા હતી કે માવઠું થશે તો આખાય ચોમાસા પર પાણી ફરી વળશે. છતાં વરસાદ તુટી પડ્યો. લાઈટ ચાલી ગઈ. ચોમેર અંધારું ફરી વળ્યું. બાપા ચાલીની ધાર પર બેસી નસીબને રોતા હતા. એ વખતે લખમીને સાસરેથી એક જણ  ફટફટિયાથી આવ્યો. તેણે બાપાને ઝાંપા બહાર જ બોલાવ્યા. બાપા ઉપર બીજું માવઠું તુટી પડ્યું. મા બહાર દોડી ગઈ. ત્યારે બાપાએ એટલું જ કીધેલું કે , લખમી ચુલા કને લપસી પડી છે ને થોડુંક દાઝી ગઈ છે. ભાઈ દોડતોક જીવાજીની જીપ કરી આવ્યો..


દે માર વરસાદ પડતો હતો. માવઠાના પાણી ખૂંદતી જીપ જ્યારે લખમીને આંગણે પહોંચી ત્યારે ત્યાં ઘેરો સન્નાટો હતો. ઓશરીમાં ટીંગાળેલી કંદીલનાં માંદલા અજવાળાંમાં ઊભેલાં ઓળા આઘાપાછા થવા લાગ્યા.


અંદરના ઓરડામાં ખાટલા પર પડેલી લખમી બધાં સામે તગતગતી આંખે જોઈ રહી. ઘાસતેલ, આગ અને લખમીનું શરીર એક થઈ ગયું હતું, છતાં કોઈ કારણસર ગળાથી ઉપરનો ભાગ જરાય દાઝ્યો ન હતો. લખમીની હાલત જોઈ માએ પોક મૂકી. ભાઈ એને બહાર લઈ ગયો. લખમીએ મહામહેનતે પોતાનો હાથ પકડી બધાને બહાર જવાનો ઈશારો કર્યો. તે જ વખતે ખ્યાલ આવી ગયો કે બેન પોતાને જ કંઈક કહેવા માગે છે.


અસહ્ય પીડા ભર્યા અવાજે લખમીએ જે કહ્યું તે સાંભળી જાણે પોતાના પર કોઈએ ઘાસતેલ છાંટીને દીવાસળી ચાંપી હોય એવી આગ લાગી ગઈ. લખમીને હજુ પણ કંઈક કેવું હતું, બહાર વીજળીનો જોરદાર કડાકો થયો. જાણે નળિયા તોડીને વીજળી અંદર ત્રાટકી અને લખમીને ઉપાડી ગઈ. પોતાની ચીસ સાંભળી બધા અંદર દોડી આવ્યા.


કોઈને ઝાઝી ખબર પડે તે પહેલા લખમીનું શરીર ભોંમાં ભંડારાઈ ગયું એના  થોડાક બોલ કાનમાં જીવડાં પેઠે ઘૂસી ગયા છે. કાનમાં ત્રમત્રમ બોલે છે.


પણ હવે  કહેવું કોને?


મા અને બાપા જમાઈ પર આવી પડેલું દુખ જોઈને અડધા થઈ ગયા છે. પોતાની સગી દીકરી ચાલી ગઈ છે તેની પડી નથી, પણ જમાઈની ચિંતા એમને ખાઈ જાય છે.


શાંતુને ખોવાયેલી જોઈ જાનુ ડોશીએ એના બરડા પર હાથ ફેરવ્યો અને શાંતુ સામે જોઈ માથું હલાવતા મીઠું હસી. જાનુ ડોશી શા માટે હસી ? આવો એક વિચાર શાંતુને આવ્યો. તેને સમજાયું નહીં તોય ગમ્યું. તેની આંખમાં નવતર ભાવ આવ્યા. અચાનક ચૂલામાં ધુમાતા લાકડાંએ આગ પકડી. થોડીવારમાં જ રહ્યો સહ્યો ધુમાડો બહાર નીકળી ગયો. રાંધણિયાની કાળી ભીંતો પર કેશરી અજવાળું પથરાયું. ઝડપથી ઉઠીને શાંતુએ ચૂલા પાસે  જઈ બળતું સરખું કર્યું. જાનું ડોશી રાંધણિયા નજીક સરી. શાંતુ પોતાની કોઈ સખીને જોતી હોય તેમ જાનુ ડોશી સામે જોતાં બોલી: ફુઈ તારે કાંક જાણવું લાગે છે. પૂછ વેલી, નંઈતર તને આફરો ચડશે.


જાનુ ડોશી જરા ઝંખવાઈ ગઈ તોય તે જમાનો જોઈ ચુકેલી હતી, તેણે જુદી રીતે કહ્યું;  શાંતુ મેં સાંભળ્યું છે તે સાચું કે ખોટુ ?


શાંતુ જાનુ  ડોશીની આંખોમાં તાકી રહી  તેની આંખોમાં તોફાન હતું. આ જોઈ જાનુ ડોશીએ આંખો ઉલાળતાં વહાલથી કહ્યુ:  કાં રાંડ આમ કાં જોશ ?


શાંતુ જોરથી હસી પડી. કેટલીયવાર હસતી રહી. તેને આમ ગાંડા કાઢતી જોઈ જાનુ ડોશી અકળાઈ ગઈ હોય તેમ ઉતાવળે બોલી ગઈ, એય છોરી ખસી તો નથી ગ્યુંને ? આમ ડાકણની જેમ દાંત કાં કાઢશ ?


માંડ હસવું ખાળતાં શાંતુ બોલી; કંઈ નંઈ આ તો તેં મનેં રાંડ કીધી એટલે હસવું આવ્યું. વગર લગ્ને રંડાઈ જવાતું હોય તો સારું ને. કોઈની પાછળ રડવું તો ન પડે. પણ  ફુઈ તું જીગરવાળી છે હોં. આમ અધરાતે ધણીને મેલીને માવતરે હાલ્યા આવવું એ જેવી તેવી વાત નથી.


જીવતર બગાડવા કરતા એક ગાળ ખાઈ લેવી સારી. દુનિયા બે'દી વાતું કરે ઈ જ ને  ? પણ તેં મારી વાતનો જવાબ ન દીધો.


શાંતુ જોરથી હસી પડી. તેણે જુદા જ લહેકામાં કહ્યું: ફુઈ તું તો થોડા વરસમાં મરી જઈશ. પછી આ ફળિયામાં બીજી જાનબાઈ નંઈ ખપે ? તારી ખીચડી ઓરી દઉં છું. આજે આપણે બેય હારે ખાશું.


ઘડીભર જાનબાઈની આંખો ચમકી અને પછી તેનું મોં હસી પડ્યું.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OtoZGhtQYXH%2BPpb%3D0B6QsK%3DchCJ522TKuvXLhtVm8Oy9A%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment