કેટલાંક લખાણ એટલાં અગત્યનાં હોય છે કે તે ખોવાઈ જાય તે ન પોસાય. તો શું કરવું? સાદો જવાબ છેઃ એવાં લખાણને ગ્રંથસ્થ કરી લેવાં. પણ પુસ્તકમાં આવ્યા પછી લખાણ ભૂલાઈ-દટાઈ-ખોવાઈ જાય તો શું કરવું? તેનો એક જ રસ્તો છેઃ તેને વારંવાર યાદ કરતાં રહેવું. વાર્તા-નવલકથા-કવિતાઓ તો એક યા બીજી રીતે રસિકો દ્વારા યાદ થઈ શકે, પણ એ સિવાયનાં નક્કર-વિચારપ્રેરક લખાણનું શું? આવો વિચાર 'સદીનું સરવૈયું' નામના સંપાદનમાં મનુભાઈ પંચોળી 'દર્શક'નો લેખ વાંચીને આવ્યો. એ લેખમાં વ્યક્ત થયેલા વિચારો સાડા ત્રણ દાયકા પછી પણ સમાજ અને જાહેર જીવનની વર્તમાન સ્થિતિ અંગે પાયાનું વિશ્લેષણ અને નિદાન પૂરું પાડે છે. ચિંતનના નામે શબ્દાળુતાના છીછરા વ્યાપારનો રાફ્ડો ફટયો હોય, ત્યારે મનુભાઈનો લેખ નરવું સમાજચિંતન કેવું હોય તેનો પણ નમૂનો બની રહે છે. 'એક બાજુ ઝૂકેલું ઝાડ' એવું શીર્ષક ધરાવતા લેખમાં મનુભાઈએ આરંભે જ લખ્યું હતું કે ઇતિહાસની પ્રક્રિયામાં બધી પાંખો એકસરખી ગતિથી આગળ વધી શકતી નથી. કોઈ આગળ વધે, કોઈ પાછળ રહી જાય એવું બને. પણ જો આવું લાંબા સમય સુધી ચાલ્યા કરે અને બીજી પાંખોને સાથે લીધા વિના એક જ પાંખ આગળ વધવાનું ચાલુ રાખે, તો 'એક જ બાજુ ઝુકેલું ઝાડ જેમ તૂટી પડે છે તેમ સંસ્કૃતિ નાશ પામે છે.' સદીઓથી આવું ચાલતું આવ્યું છે, પણ મનુભાઈએ ૧૯૮૨માં સચોટ રીતે કહ્યું હતું કે, પહેલાં સમય ભરપૂર હતો. હવે સમયનો પ્રશ્ન છે. તેમણે લખ્યું હતું કે લોકો અવારનવાર ઉછળે તો ખરા, પણ તેથી કંઈ પ્રશ્નો ઉકલી જતા નથી. કારણ કે પ્રશ્નોના ઉકેલની લોકોને ખબર હોતી નથી. 'લોકો તો એટલું જ કહે કે અમને અહીં દુઃખે છે, અને પછી કેટલાક બનાવટી વૈદ્યો–કેટલાક ઊંટવૈદ્યો પણ હોય-બધા બતાવે છે કે ચાલ તને હું મટાડી દઉં. ભોળા લોકો એમ પણ કહે છે કે સારું ત્યારે, તું અમારો નેતા!' હવે તો મેકિયાવેલી સાથે નેતાઓની સરખામણીઓ કરવાનું ફેશનેબલ ગણાય છે, પણ મનુભાઈએ જયપ્રકાશ નારાયણ સાથેની વાતચીતમાં એક નેતાના સંદર્ભે કહ્યું હતું કે એ તો ઉત્તમ પ્રકારના કૂટરાજનીતિજ્ઞા-એક્સેલન્ટ મેકિયાવેલીઅન છે. એવા નેતાઓનાં તેમણે ચાર લક્ષણ ગણાવ્યાં: ૧) સત્તા ન છોડવી. સ્ત્રી મરી જાય, છોકરાં મરી જાય, ધન લૂંટાઈ જાય- ન રોવું, સત્તા જાય ત્યારે રોવું. ૨) સત્તામાં કોઈને મિત્ર ન ગણવો-મિત્ર એટલે ભાગીદારી. ૩) ધર્મમાં માનવું નહીં, પણ માનવાનો દેખાવ કરવો. ૪) લોકો ભીરુ અને લાલચુ છે એ પાયા પર ગોઠવવું.
તેમણે લખ્યું હતું,'તમે મતદારોને કેળવણી નથી આપતા ત્યારે તમારે મતદારોને કોઈ ને કોઈ રીતે રીઝવવા પડે છે…કેળવવાની હિંમત નથી. કેળવવાની કોઈની ધીરજ નથી. કેળવવાની કોઈની તૈયારી નથી, અને કેળવવા માટે જોઈતું સાતત્ય નથી. પણ કેળવવા એટલે શું? પ્રોપેગન્ડા એ કેળવણી નથી. એ તો જાગીરી પ્રચાર છે, સત્ય નહીં. આ ચાલે તો પછી મતદાર જેવી કોઈ ચીજ જ નહીં રહે.' મનુભાઈની આ ભવિષ્યવાણી કેટલી ભયંકર હદે સાચી પડી છે, તે આપણે જોઈ શકીએ છીએ. તેમણે રાજનેતાઓ ઉપરાંત 'ભણેલા લોકો'ને ઉદ્દેશીને કહ્યું હતું, 'આપણા મતદારો ને આપણી વચ્ચે મોટું અંતર પડી ગયું છે. આપણે એમને નથી સમજતા, એ આપણને નથી સમજતા. એ અંતર ભાંગવું કેવી રીતે?…(એ) નહીં ભાંગીએ તો આ છે એ બધું ભાંગી જશે, બાકી રહ્યું છે થોડુંઘણું એ પણ. આખરે આપણી ભણેલા લોકોની એ ફ્રજ છે કે જેની પાસેથી મત લઈને રાજ્ય લેવામાં આવે છે અને પછી મતદારોને ભૂલી જવામાં આવે છે, તે મતદારોને જાગ્રત કરવા.' લોકશાહી સમાજવ્યવસ્થા બચાવવા માટે તેમણે બે બાબતો મહત્ત્વની ગણાવી હતીઃ એક તો, લોકશાહીમાં સત્તાનાં-બળનાં-વિચારનાં-અનુભવનાં કેન્દ્રો અનેક હોવાં જોઈએઃ મજૂરોનું એક કેન્દ્ર, માલિકોનું એક, ખેડૂતોનું એક, અધ્યાપકોનું એક… રાજ્યનો અંકુશ હોવો જોઈએ, પણ આ બધાં કેન્દ્રો તરફ્થી પણ વિચારો આવવા જોઈએ. રાજ્યનું કામ તેમનું સંયોજન કરવાનું અને કોઈ એક કેન્દ્રને ફવી જતું રોકવાનું હોવું જોઈએ. બીજો મહત્ત્વનો મુદ્દો તે આર્થિક અસમાનતા. તેમણે કહ્યું હતું કે '૧થી ૧૦ ગણાથી વધારે આવક હવે કોઈને ન હોય. સંપત્તિ કહો કે આવક કહો, પણ ૧થી ૧૦ જેટલો ગાળો રાખો. આ નિયમને કારણે બધાં જ સેન્ટરો આર્થિક રીતે સ્વાયત્ત હોય, પણ બીજી બાજુથી કોઈ માથાભારે નહીં હોય.' આને તેમણે 'લોકશાહી સમાજવાદ' ગણાવ્યો અને સમાજવાદની ગુલાબી કલ્પના કરનારા વાસ્તવથી કેટલા અજાણ હતા, એ વિશે પણ ટિપ્પણી કરી. તેમણે કહ્યું હતું કે ગાંધીજીએ સમાજના મધ્યમ-ઉપલા મધ્યમ વર્ગને પાશ્ચાત્ય ખ્યાલોમાંથી બહાર કાઢીને, સામાન્ય માણસના કામમાં અને હિતમાં જોતર્યો. એવું ન થાય તો ધોળા અંગ્રેજ જાય ને કાળા અંગ્રેજ આવે. મનુભાઈએ ચોટદાર શબ્દોમાં આ વાત કહી હતી, 'બાપુની તાલીમ પામેલા માણસોને બાદ કરો તો મોટા ભાગનાના મનમાં એમ હતું કે આ અંગ્રેજો જાય એટલે એની જગ્યાએ અમે કામ કરવા માંડીએ, એની લીટીએ કામ કરીએ-થોડુંઘણું લોકોમાં વેરીએ અને સ્વરાજનાં ગુણગાન ગાઈએ – પણ મનમાં મૂર્તિ તો પશ્ચિમમાં ઓક્સર્ફ્ડ-કેમ્બ્રીજ-સોરબોન-બર્લિન-મોસ્કોની રાખીએ.' એકેય વિચારો લેવા સામે મનુભાઈને વાંધો ન હતો, પણ તેમના જ શબ્દોમાં, 'દવા નક્કી કરતાં પહેલાં દરદીની હાલત પૂરી તપાસવી તો જોઈએ ને?' 'જોબલેસ ગ્રોથ'ની ચર્ચા બહુ ચાલે છે, પણ તેનાં મૂળભૂત કારણોમાં ઉતરવાને બદલે વચનોનાં આંબાઆંબલી બતાવીને મતદારોને હંકારવામાં આવે છે. 'ચાળીસ વર્ષ કેળવણીમાં ગાળનારા' જણ તરીકે મનુભાઈએ લખ્યું હતું, 'તમારે નોકરીમાં જનારા જેટલા લોકો હોય તેને જરૂર કેળવણી આપવી, પણ તમે ૧૦૦ ટકાને કોઈ દિવસ એવી કેળવણી આપી સાર નહીં કાઢો. એને ભણાવીને ક્યાં લઈ જવાના? ફેસીઝમ તરફ? વ્યવસાયી કેળવણીની પ્રતિષ્ઠા સિવાય રસ્તો નથી અને વ્યવસાયો પૂરબહારમાં ત્યારે જ ખીલશે કે જ્યારે જનારાને સન્માન અને ૧:૧૦ વચ્ચેની આજીવિકા મળે.' આ અને આવા બીજા મહત્ત્વના વિચારો ધરાવતો લેખ સાહિત્ય પરિષદે રણજીતરામ મહેતાની જન્મશતાબ્દિ નિમિત્તે યોજેલા સેમિનાર પરથી પ્રકાશિત કરેલા, રઘુવીર ચૌધરી સંપાદિત 'સદીનું સરવૈયું' (૧૯૮૩)માં સામેલ છે. જાહેર જીવન, સમાજ, રાજકારણ, લોકશાહી, દેશપ્રેમ જેવી બાબતોમાં રસ ધરાવનારા સૌ કોઈ માટે તે ઉપયોગી વિચારભાથું પૂરું પાડે છે. |
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OvQ6_MsG5aN74jF464ntYSZv%2B7V9Q%2B8W4HRjYfr%3D7%2BAGA%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment