ચીજવસ્તુઓ કે સેવાની ખરીદીમાં ડોકાતું ગ્રાહક ખરીદી વર્તન અનેક પરિબળો ઉપર આધારિત હોય છે- જેવાં કે ગ્રાહકની જાતિ, તેની ઉંમર, તેની આવક, તેના શિક્ષણનું સ્તર, તેની જીવનશૈલી, તેનું વ્યક્તિત્વ, તેને અન્ય તરફથી પ્રાપ્ત થતી અભિપ્રેરણા, તેની નવું નવું શીખવાની જિજ્ઞાસા, તેનો વ્યક્તિગત ખ્યાલ, તેના પોતાનાં કૌટુંબિક પરિબળો, સામાજિક ધારાધોરણો ઈત્યાદિ; એ પૈકી પરિબળોમાં વધુ એક પરિબળ છે – તે જે સભ્યતા કે સંસ્કૃતિમાં જન્મે છે જેમાં તેનો ઉછેર થાય છે, તેનો પણ તેના ખરીદી વર્તન ઉપર નોંધપાત્ર પ્રભાવ હોય છે. સભ્યતા કે સંસ્કૃતિ એટલે વિવિધ માન્યતાઓ મૂલ્યો, જે તે સમાજનાં મૂલ્યો, વલણો, વિવિધ વિભાવનાઓની જે તે સમાજમાં વિવિધ અર્થચ્છાયાઓ, તેની ધાર્મિક માન્યતાઓ, તેને પરંપરાગત વારસામાં પ્રાપ્ત થયેલ સામાજિક-ધાર્મિક પ્રણાલીઓ-કલા-સાહિત્ય-સંગીતનો વારસો, પાકશૈલી, તેનો સામાજિક દરજ્જો ઈત્યાદિનો સંચયી સરવાળો. તેણે કઈ ચીજવસ્તુનો બહુધા ઉપભોગ કરવો શું ખાવું? કયાં ખાવું? તેણે મીજબાનીઓ-પાર્ટીઓમાં શું પીરસવું? લગ્નોત્સવોમાં શું પીરસવું? કેવાં વસ્ત્રપરિધાન ધારણ કરવાં – ઈત્યાદિ બાબતોમાં, તો તેની સભ્યતા-સંસ્કૃતિમાંથી માર્ગદર્શન મેળવતો હોય છે. માર્કેટરે તેની ચીજવસ્તુ કે સેવાના ઉત્પાદન, વિતરણ અને વિજ્ઞાપન કરતી વેળાએ આ સઘળી બાબતોથી સતત વાકેફ રહેવું જ પડે. માર્કેટરો તેના ગ્રાહકવર્ગનાં વિધિવિધાનો, તેમના પારંપારિક રીતરિવાજોથી પરિચિત રહી, તે અનુસાર જ પોતાની ચીજવસ્તુ કે સેવા બજારમાં મૂકવી જોઈએ. સમાજમાં ઉજવાતા વિવિધ ઉત્સવો, વિવિધ વિશિષ્ટ દિવસો જેવા કે વેલેન્ટાઈન ડે, મધર્સ ડે, ફાધર્સ ડે, લગ્નોત્સવો, ગ્રેજ્યુએશનની ઉજવણી ઈત્યાદિથી સતત સતર્ક રહી તેને આનુસંગિક ચીજવસ્તુઓનું વેચાણ કરવું જોઈએ. દા.ત. લગ્નોત્સવોમાં લગ્નની વિવિધ ભેટો, ઉપર જણાવ્યાએ વિશિષ્ટ દિવસોમાં તે મુજબનાં કાર્ડ્ઝ-કાંડા ઘડિયાળો, સેવિંગ્ઝ બોન્ડ્ઝ, નૂતનવર્ષની પૂર્વસંધ્યાએ કે નૂતનવર્ષે વિશિષ્ટ પ્રકારની ભેટ સોગાદો-મીઠાઈઓનું વેચાણ અત્યંત નફાકારક નીવડે છે. વિવિધ દેશોમાં ઉજવાતા વિવિધ ઉત્સવોમાં, કોઈ વિશિષ્ટ પ્રકારની ખાદ્ય વાનગીઓનો જ આગ્રહ રખાતો હોય છે જેમ કે, અમેરિકામાં Thanks Givingના દિવસે લાખ્ખોની સંખ્યામાં ત્યાંના લોકો 'ટર્કી' આરોગતા હોય છે. આપણે ત્યાં દશેરાએ ટનબંધ ફાફડા-જલેબી આરોગાય છે, ઉત્તરાયણના દિવસે કરોડો રૂપિઆનાં ઊંધીયું-જલેબી સ્વાહા થઈ જતાં હોય છે. વળી બાળક કુમળી વયથી જે કુટુંબમાં કે ધાર્મિક માન્યતામાં જન્મ ધરે અને તેમાં તેનો ઉછેર થાય તે રીતે જ તેની પસંદગીઓ, તેનાં મૂલ્યો, તેનું ચીજવસ્તુઓ પ્રત્યેનું ખરીદી વર્તન-વલણ, તેનું તે પરત્વેનું દ્રષ્ટિબિંદુ આ સઘળાનું ઘડતર થતું હોય છે- પછી તે વયસ્ક થાય તોય તેમાં કોઈ ઝાઝો ફેર પડતો નથી. ગ્લોબલાઈઝેશનના આ જમાનામાંય વિવિધ દેશોની વિવિધ સભ્યતાઓ, તેમની પરંપરાઓ, તેમની ધાર્મિક માન્યતાઓને અનુસાર જ ચીજવસ્તુઓ કે સેવાઓ બજારમાં મૂકાતી હોય છે. તેમની જીવનશૈલી, તેમની રસ-રુચિથી વિરુદ્ધ કશું જ તેમને ખપતું હોતું નથી. કોઈ ફેશન જે મિડલ ઈસ્ટમાં પ્રચલિત હોય તે પશ્ચિમી જગતમાં નહિ ચાલે, ચીનની ફેશનની રસ-રુચિ ભારતથી અલગ, તો જાપાનની ફેશનપરસ્તી અમેરિકાથી અલગ. અરે! એક જ દેશના વિવિધ વિભાગોમાંય ખાદ્ય સામગ્રી, વસ્ત્ર પરિધાન, ઉત્સવ ઉજવણીમાં ભિન્નતા જોવા મળે છે. ભારતના વિવિધ વિભાગોમાં વિવિધ સંસ્કૃતિ-ઉપસંસ્કૃતિનાં દર્શન થાય છે. જગવિખ્યાત મલ્ટિનેશનલ કંપનીઓ, વિશ્વની વિવિધ સભ્યતાઓનો તલસ્પર્શી અભ્યાસ કરી, એ મુજબ જ પોતાની ચીજવસ્તુઓ માર્કેટમાં મૂકે છે; બ્રાન્ડ એક જ હોય અને તોય વિવિધ ભૌગોલિક વિસ્તારોમાં ચીજવસ્તુ ભિન્ન હોય. એક જ સભ્યતા હેઠળ કેટલી બધી ઉપ-સભ્યતાઓ અસ્તિત્વમાં હોવાનું જોવા મળે છે. આવી ઉપ-સભ્યતાઓ તેમના વિવિધ ધર્મો, વિવિધ ભૌગોલિક વિસ્તારો, વિવિધ સામાજિક વર્ગોમાં પ્રતિબિંબિત થતી હોય છે. કોઈ એક જ ચીજવસ્તુની મેટ્રો સિટીમાં માંગ, બી-ગ્રેડ સિટીમાં માંગ, નાના શહેરમાં માંગ અલગ-અલગ હોય છે. સામાજિક સ્તર અનુસાર છ ઉપવર્ગો વ્યાખ્યાયિત થયા છે- Upper-Upper, Lower Upper, Upper Middle, Lower Middle, Upper -Lower „અને Lower-Lower. આ પ્રત્યેક વર્ગની રસ-રુચિ, અપેક્ષાઓ ભિન્ન-ભિન્ન હોય છે. માર્કેટરો તેનો ઊંડો અભ્યાસ કરી, બને તો જે તે ઉપ-સભ્યતાના લોકો સાથે તેમના પ્રતિનિધિઓને લાંબા સમય સુધી તેમના સહવાસમાં રાખી, તેમના રસ-રુચિ અને અપેક્ષાઓને જાણી શકે છે. સભ્યતાના કેન્દ્રમાં હોય છે તેનાં મૂલ્યો, પરંતુ તેના પરિધીપથ ઉપર હોય છે- જે તે સભ્યતામાં પ્રચલિત શબ્દો, ચિત્રો, વસ્તુઓ, બોલીઓ અને ભાષાઓ- માર્કેટરોની ચીજવસ્તુઓ કે સેવાઓનાં વિજ્ઞાપનોમાં આ સઘળું પ્રતિબિંબિત થતું હોવું જોઈએ. દા.ત. ભારતના અન્ય ભાગોમાં વિખ્યાત ઠંડા પીણાની વિજ્ઞાપન હિન્દી કે અંગ્રેજીમાં સફળ છે, પરંતુ દક્ષિણ ભારતમાં તો તેના રાજ્યોની માતૃભાષામાં જ તે પ્રદર્શિત કરવી પડે. કેટલાક ગ્રામીણ વિસ્તારોમાં માર્કેટરોની ચીજવસ્તુઓ ઉપર જો પૌરાણિક પાત્રો દર્શાવવામાં આવે તો તે તેમને વધુ આકર્ષે. ચીજવસ્તુઓ કે સેવાની ખરીદીને સભ્યતા જાણે કે કોઈ Invisible Handની જેમ પ્રભાવિત કરે છે. |
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OtE9U0-R8KzLsiVp-zU81MoERX2wYyCTgX_uuEa73-Ljg%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment