Friday, 23 November 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ દુહા સંદર્ભ અને સત્ત્વ (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



દુહા સંદર્ભ અને સત્ત્વ!
દુહાની દુનિયા-બળવંત જાની

 

 

દુહા, એકત્રીકરણ, પ્રસ્તુતિકરણ અને આસ્વાદ સંદર્ભે વાંચવા-વિચારવાનું બને ત્યારે મારી તરુણવયનો પ્રસંગ હંમેશા યાદ આવી જતો હોય છે. ઉચ્ચ અભ્યાસ માટે વતન છોડી વિવિધ શહેરોમાં નગરવાસી બનવાનું આવ્યું પણ વેકેશનના કે એકાદ સપ્તાહના અનધ્યયનના દિવસોમાં મોટે ભાગે રજાઓમાં જયારે-જયારે વતનમાં કમળાપુર રહેવાનું બને ત્યારે દાદાજી બપોરના સમયે ઊંઘાડવાને બદલે મારી પાસે અમારો જૂનો હસ્તપ્રત ભંડાર સરખો કરાવરાવે, પુસ્તકો ગોઠવવાનું કાઢે અને સવાર-સાંજ કથા વારતા-કથન માટે મને પલોટે. કેવી રીતે દૃષ્ટાંતો કહેવા? કથાને કેવી રીતે ટૂંકાવવી-લંબાવવી અને કથાનકને કંઠસ્થ સ્વરૂપે રજૂ કરવું? વગેરે સમજાવે. સાંજે તેમની કથામાં પ્રત્યક્ષ્ા હાજર રહીને બધું સાંભળવું અને એમ સમય પસાર થતો.

 

 મને બરાબર યાદ છે એક વખત ઓખાહરણની કથા પ્રસંગે મને વચ્ચેથી કથા આગળ ધપાવવા માટે કહ્યું. મેં આખા ગામલોક સમક્ષ્ા જાહેરમાં પ્રથમ વખત જ દાદાજીની તાલીમને કારણે ખૂબ જ પ્રભાવક રીતે કથા કહેલી. પછી તો સાત-આઠ વરસ સુધી ઓખાહરણ, પુરુષ્ાોત્તમ મહાત્મ્ય અને ગરુડપુરાણ કે સત્યનારાયણની કથા ખૂબ કરી છે. પણ પ્રથમ વખતની કથા પછી, દાદાજી સાથે રાત્રે મારી કથા કહેણી માટે પ્રતિભાવ મેળવવા પૃચ્છા કરી અને જે પ્રત્યુત્તર પ્રાપ્ત થયેલો તે મારા ચિત્તમાં ચિરસ્મરણીય બની રહેલો છે.

 

મેં કથામાં એ સમયે પ્રસંગને અનુરૂપ, માનવજીવનમાં મૃત્યુની અનિવાર્યતાની, એની સામેની માનવીની લાચારીને પ્રગટાવતો દાદાજી પાસેથી સાંભળેલો પાલરવભાનો દુહો :

'હરખ નથી તોય હાલવું, હરમત નથી તોય હા ;

નાથ નો કેવાય ના, તારા સંદેશાને શામળા.'

 

રજૂ કરેલો અને એને કથામાં સરળ રીતે વણી લીધેલો. એવું પણ યાદ છે ત્યારે શ્રોતામાંથી હરે નમ: ને બદલે વાહ બોલી ઊઠેલું પણ ખરું, અને હું ત્યારે પોરસાયેલો પણ હતો.

 

દાદાજીએ તે રાત્રે કહેલું કે તને દૃષ્ટાંત, ભજન કે ધૂનને બદલે દુહો ક્યાંથી યાદ આવ્યો ? મેં કહેલું કે તમે જ પાલરવભાની વાતો અનેક વખત કરી છે અને એમના દુહા પણ. એમાંના મને ઘણાં યાદ છે. તો કહે કે બરાબર, દુહા તને યાદ હોય પણ તું પેલું યાદ રાખજે કે આપણે કથાકાર છીએ, કલાકાર નથી. દાદાજીનું વાક્ય મને ત્યારે બરાબર સમજાયેલું ન હતું, મેં આજ્ઞાંકિત બનીને ક્યારેય પછી તો દુહા રજૂ ર્ક્યા નથી, પણ ત્યારથી દુહા પરત્વેનો મારો પક્ષ્ાપાત આરંભાયો.

 

દાદાજી ભારે મર્મી અને ઓછાબોલા હતા. કોઈ વાતને બે-ત્રણ વખત કહી હોય એવું સ્મરણમાં નથી. તેઓ પોતે માનતા કે, એક વખત કીધે જેને ગળે ન ઊતરે તેને વારંવાર કહીને ગળે ઉતરાવવાનો પણ કશો અર્થ નહીં. મને હવે સમજાય છે કે મોટેભાગે કોઈ ધર્મકથાનક્યુક્ત ગ્રંથ દુહાબંધમાં નથી, એટલે જ, છપ્પા, કવિત અને વિવિધ દેશી, ઢાળમાં જ ચાલે છે. જયારે મનોરંજનમૂલક રચનાઓ મોટેભાગે દુહાબંધમાં જ હોય છે. દુહા તરફની અપાર પ્રીતિએ મને એના સંગ્રહક બનવા તરફ, એના સ્વરૂપના સતત અભ્યાસ તરફ વાળ્યો છે. કદાચ પાલરવભાના તમામ દુહાઓ એકત્ર કરવાનું હાથ પણ ધરાયું એની પાછળ અસંપ્રજ્ઞતાપણે પેલો દાદાજીવાળો સંવાદ પણ ધરબાયો હોય. મને જણાયું છે કે દુહો ભારે સમૃદ્ધ સ્વરૂપ છે અને સહસ્ત્રાધિક વર્ષ્ાોથી, પરંપરામાં જળવાતો, કહેવાતો, રચાતો આવ્યો છે. રાજ કે જનસમુદાયમાં કથાના દેશી, ઢાળ, ઘોળ કે કવિત કરતાં દુહો ભારે જોડાઈ ગયો છે. લોકકંઠે, લોકજીભે અમર બેસણાં તો દુહાનાં જ છે, એને સમાજની સ્વીકૃતિ પણ ભારે સાંપડી છે. બહુમૂલ્યવાન જણાયા છે દુહાને માધ્યમ તરીકે સ્વીકારનારા સર્જકો.

 

પાલરવભા પંચાળના પણ શામળા નામછાપથી દુહા સર્જન દ્વારા વિશ્ર્વનું નાગરિકત્વ પ્રાપ્ત કરી શક્યા. એમનો કાઠિયાવાડમાં કોક દિ ભૂલો પડ ભગવાન તો બહુ પ્રખ્યાતિ પામ્યો છે. પાલરવભાએ વિપુલ માત્રામાં દુહાઓ રચેલા. એમાં મૃત્યુના મર્મને ઉદ્ઘાટિત કરતા દુહાઓ એમની કલ્પનાશક્તિ અને અભિવ્યક્તિ કૌશલ્યના ઉજજવળ ઉદાહરણરૂપ છે. એના થોડાં ઉદાહરણો જોઈએ.

 

હવેલીએ હીંચક્તો, (એક દી) હાકેમ હીંડોળો,

(ઈ) કરમી કરગઠિયે, મેં સુતા જોયા શામળા...(૧)

સાટા જલેબી સુખડી, (ઈ) ખાંતેથી ખાતા,

ઈ ભૂપત વણ ભાતા, સરગે હાલલ્યા શામળા...(ર)

પોતાના વળ્યા પાછા, વહાલા વોળાવ્યે,

આંતમ રાજા એકલો, સરગે હાલ્યો શામળા...(૩)

આંસે ઊંધા હાલતા, તાતા થઈને તે,

સમશાને સીધા તે, સૂતા જોયા શામળા...(૪)

કેછે ત્યાં કાકો નહીં, મા ન મળે માધા,

સગપણના સાંધા, સરગાપુરામાં શામળા...(પ)

મારી અંતવેળાએ એકલો, નટવર આવીશ નહીં,

મોળી રાધામાને, સાથે લાવજે શામળા...(૬)

 

મોગલ સલ્તનતના સમયમાં ભવ્ય સુખસાહ્યબી ભોગવતા હાકેમ-સુબાને ઉદ્બોધન કરીને પાલરવભા આમ તો સમસ્ત સમાજને કહે છે કે હવેલીએ હીંડોળે હીંચક્તા હાકેમ-સુબાઓને પણ સૂકા લાકડાના-કરગઠિયામાં સૂઈને સળગતા મેં જોયા છે. આમ કહીને માનવની મૂળભૂત નિયતિ-અંતિમ અવસ્થાને ચીંધીને ત્યાં કેવી સમાનતા છે એનો નિર્દેશ કરે છે.

 

એમ જ બીજા દુહામાં પણ હંમેશા સાટાં જલેબી, સુખડીનું ભાતું બાંધીને નિરાંતે ખાતા લોકોને અંત સમયે તો વગરભાતાએ સ્વર્ગાપુરીના રસ્તે ચાલી નીકળવાનું છે એમ નિર્દેશ થયેલો છે. પાલરવભા એકલતાપણાની વિગતને ત્રીજા દુહામાં પણ ભારે માર્મિક રીતે મૂકે છે. સગાં-વહાલાં થોડે સુધી વળાવવા આવે પણ પછી અંતે તો આતમ રાજવીને એકલું જ સ્વર્ગની વાટે નીકળવાનું છે.

 

ખૂબ ક્રોધી, જોહુકમી કરનારા અને દરેક બાબતમાં મદને કારણે ઊંધું ચાલનારાઓ સ્મશાનમાં સીધા થઈને પડયા રહે છે અને સળગી મરે છે. માનવીની વૃત્તિઓ - દાબ પણ કેવો અંતે શમી જાય છે એનો નિર્દેશ ભારે સૂઝથી અહીં થયેલો છે. એ જ ભાવને પાંચમા દુહામાં ત્યાં કોઈ કાકો કે મા નથી અને સગપણના સાંધા અર્થાત્ સગપણનો અભાવ અનુભવાશે. પાલરવભા ભારે મોટા ગજાના કવિ છે. આવું બધું પરિસ્થિતિનું નિદર્શન કરીને, અંતે ચબરાકીથી પોતાની કલ્પનાશક્તિનો પરિચય અહીં કરાવે છે. પિતા તો બરછટ હોય, પણ માતા ભારે કોમળ હૃદયની અને પુત્રપ્રીતિ ધરાવનારી હોય. એ કારણે પાલરવભા અહીં અંતકાળે માત્ર કૃષ્ણદર્શનની અપેક્ષ્ાા સેવતા નથી. કહે છે કે મારી રાધામા સાથે જ આવજો. એકલા કૃષ્ણને નહીં આવવાનું કહેતા પાલરવભા એક નાનકડા દુહા દ્વારા કેવું મોટું સત્ય સૂચવે છે.

 

દુહાઓ ભલે સાવ લઘુ લાગે, પણ એ તીખારા જેવા તાતા અને તેજસ્વી છે, તથા એમાં અગ્નિનું તેજ પ્રગટાવવાની તાકાત છે. પાલરવભાના આવા હજારેક દુહાઓ સંપાદિત કરીને 'સ્વર્ગ ભુલાવું શામળા' શીર્ષ્ાક સાથે રાજકોટના પ્રવીણ પુસ્તક ભંડાર દ્વારા પ્રકાશિત કરાયા છે.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OsG0LMG6U_bO58k1Rh1HskVbCnHiVWYt3SeWstoKQEu4Q%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment