ગ્રીક કહેવત મને ઘણી ગમે છે: 'એક હજાર માણસો ભેગા થઇને પણ એક નાગાને વધુ નાગો કરી શકતા નથી.' પરંતુ થોડાં વરસ અગાઉ બર્કલીની કેલિફોર્નિયા યુનિવર્સિટીને એક નગ્નતાવાદી વિદ્યાર્થીને વર્ગમાં કપડાં પહેરીને આવવા કોર્ટનું દબાણ લાવવા તેની સામે અદાલતમાં જવું પડ્યું હતું. ચોવીસ વર્ષના લુઇસે કોર્ટને જણાવ્યું હતું કે આ રીતે કપડાં પહેર્યાં વગર વર્ગમાં બેસવાનો બંધારણીય અધિકાર તે ધરાવે છે. ભણાવનારનું કામ ફક્ત ભણાવવાનું છે, વિદ્યાર્થીએ કપડાં પહેર્યાં છે કે નહીં એ જોવાનું નથી, કિન્તુ તેને કપડાં પહેરાવવાનો આગ્રહ સેવનારી યુનિવર્સિટીએ અદાલતનાં બારણાં ખટખટાવ્યાં હતાં. બસ, આટલી જ અમને ખબર છે. પછી એ યુનિવર્સિટી એ યુવાનને કપડાં પહેરાવવામાં કે યુવાન યુનિવર્સિટીનાં કપડાં વાચ્યાર્થમાં ઉતારવામાં સફળ નીવડેલો કે કેમ તેની વિગત મળી આવતી નથી.
માણસ નગ્ન અવસ્થામાં અવતરે છે. પણ તે મોટો થાય છે તેમ તેમ પોતાની નગ્નતા માટે શરમ અનુભવે છે. જોકે કેટલાક એવા લોકો પણ છે જે પોતાનાં કપડાંની હરાજી કરીને નગ્નતા મેળવે છે ને એને પોતાનું ઘરેણું ગણી રાજી થાય છે. ઘણાં વર્ષો થયાં એ વાતને. ગુજરાત સાહિત્ય અકાદમીએ ગોઠવેલ કવિ-સંમેલનના સંચાલક લેખે કેટલાક કવિઓ સાથે હું હૈદ્રાબાદ ગયો હતો. પોતાની દિગંબરી શૈલી માટે જાણીતા એક કવિ મિત્ર મને ફાળવેલી રૂમમાં બેસીને બીજા એક કવિ જોડે પત્તાં રમતા હતા. મોંમાં સિગારેટ, ગળામાં લાલ રૂમાલ, અને લુંગી-બનિયનમાં તે કવિ કરતા કોઇ માફિયા ગેંગના ટપોરી જેવા વધારે લાગતા હતા. અમે ગુજરાતી સાહિત્યના પ્રતિનિધિ તરીકે ત્યાં ગયા હતા. બાથરૂમમાંથી સ્નાનવિધિ પતાવી બહાર આવીને મેં આ દૃશ્ય જોયું. મને ના ગમ્યું એટલે એ કવિને મેં પ્રેમથી કહ્યું: 'તારે આ રીતે જો પત્તાં જ (આમ તો તીન પત્તીનો જુગાર) રમવાં હોય તો તારી રૂમ પર જઇને રમ, મારી રૂમમાં નહીં. આપણને અહીં આ લોકો સાહિત્ય સર્જક તરીકે કેટલું બધું માન આપે છે અને તું જો! કેટલીક દીકરીઓ આપણા ઓટોગ્રાફ લેવા લોબીમાં આંટા મારી રહી છે ને બે ઉદ્યોગપતિઓ આપણી મુલાકાત માટે રાહ જોઇ રહ્યા છે. આપણા માટે એમના મગજમાં કેટલી મોટી ઇમેજ હશે! મારી આ અપ્રિય વાણીથી ગુસ્સે થઇ જતાં એ કવિ મારી સામે આંખો સ્થિર કરી બોલ્યા: 'વિનોદ, તને તો ખબર છે કે હું નાગો માણસ છું...!'
'ઇટ ઇસ બિયોન્ડ ડાઉટ' (એ શંકાથી પર છે.) મેં ધીરેથી શબ્દો છૂટા પાડતાં કહ્યું: 'પણ એ વાતનો પ્રચાર કરવા માટે આપણે અહીં હૈદ્રાબાદ સુધી નથી આવ્યા.' જોકે કવિને એ જણાવવાનું હું ચૂકી ગયેલો કે નાગાબાવાઓ પણ પોતે નાગા હોવાની જાહેરાત નથી કરતા. આ બધી કહેવાની નહીં, સમજવાની વાત હોય છે.
અલબત્ત નગ્નતાનો હું વિરોધી છું એવુંય નથી. જીવનનાં ઘણાં નગ્નસત્યો જાણવા મને ગમે છે. બાળકની અને પાગલની નગ્નતા નિર્દોષ હોય છે એની મને ખબર છે. પેલા બે પાગલોનો કિસ્સો પણ મને યાદ છે જેમાં બે પાગલો જાહેર રસ્તા પર મળી ગયા. બેમાંના એક પાગલના શરીર પર માત્ર લંગોટી હતી. જ્યારે બીજો પાગલ તદ્દન નગ્ન હતો. લંગોટી પહેરેલ પાગલ પેલા વસ્ત્રવિહોણા પાગલ પર ગુસ્સાથી તપી જતાં બોલ્યો: 'આવડો મોટો થઇને આ રીતે નંગધડંગ ફરતા તને લાજ-શરમ નથી આવતી! લે આ મારી લંગોટી ને એનાથી તારું ઉઘાડું અંગ ઢાંક...' એમ કહી પેલા લંગોટીવાળા પાગલે તેની લંગોટી નગ્ન પાગલ પર ફેંકી... આ કારણે મારો ચાર વર્ષનો પૌત્ર મારી સામે કપડાં વગર ઊભો હોય ત્યારે તેને 'શેઇમ... શેઇમ' કહી તેને હું શરમાવતો નહીં. એમ તો મોસમનો પહેલો વરસાદ પડતો હોય ત્યારે ઘણીવાર મને બાળપણ ગુમાવ્યાનો રંજ થાય છે.
અશ્લીલતાની માફક નગ્નતા પણ વસ્તુગત નહીં, ભાવનાગત હોય છે. એક દંતકથા પ્રમાણે હોલિવૂડની સૌંદર્ય સામ્રાજ્ઞી મેરલીન મનરો રશિયા ફરવા ગઇ ત્યારે માત્ર મોજ ખાતર તે જન્મદિન પોષાકમાં જાહેરમાં ફરવા નીકળી પડી. તેના શરીર પર ચામડી સિવાયનું એક પણ કપડું ન હતું, પગમાં ફક્ત બૂટ જ પહેરેલા, ઔર કુછ ભી નહીં. અને લોકો પોતાના ઘરની બાલ્કનીમાંથી ને કેટલાક રસ્તા પર ઊભા ઊભા જોતા હતા, પરંતુ એ બધાની નજર મનરોના નગ્ન શરીર પર નહીં, તેના બૂટ પર જ હતી. કેમ કે એ દિવસોમાં ત્યાં પગરખાંની તંગી હતી. તેમને માટે બૂટ જોવાની નવાઇ હતી.
એટલે માત્ર નગ્નતામાં જ નગ્નતા કે અશ્લીલતા નથી હોતી. દસકાઓ પૂર્વે વાર્તાકાર સ્વ. કેતન મુનશીએ લખેલી વાર્તાનું સ્મરણ થાય છે. વાર્તાનું નામ છે 'એક વલ્ગર વાર્તા' એક સ્ત્રી માત્ર બિકિની કોસ્ચ્યુમ પહેરીને દરિયામાં નહાવા પડે છે. કોસ્ચ્યુમ ફાટી ગયું હોય છે. તે દરિયા કિનારે પડી છે. બધા તેને જોવા ટોળે વળે છે. 'આવી નગ્નતા!' બોલતાં કેટલાક ખીજાય છે. ત્યાં જ ખબર પડે છે કે તે ગુજરી ગઇ છે. હવે તેનો નગ્ન મૃતદેહ જોઇને નોર્મલ માણસને અનુકંપા સિવાયની અન્ય કોઇ લાગણી થતી નથી. ખુદ નગ્નતા જ અહીં મરી પરવારે છે.
આગળ કહ્યું એ ફરી દોહરાવું તો નગ્નતા એ વસ્તુગત નથી, ભાવનાગત છે. મારા ગીધુકાકાની વાત કરું તો સંસદમાં અત્યારે જે નગ્ન દૃશ્યો ભજવાય છે ને એનું ટી.વી. પર પ્રસારણ થાય છે એ જોઇને તેમને ઉબકા આવે છે. કાકા ડચકારો બોલાવતાં મને પૂછે છે કે કેવાં નગ્ન ને બીભત્સ છે આ દૃશ્યો?
આ નગ્નતા પણ આમ તો સાપેક્ષ છે. કોઇ અડધાંપડધાં વસ્ત્રો પહેરેલી ભિખારણને જોઇને આપણને એ દૃશ્ય નગ્ન કે વલ્ગર નથી લાગતું, પણ ફક્ત પેટ માટે જ કોઇ કેબરે ડાન્સર આછાં કપડાં પહેરીને નાચતી હોય ત્યારે જોનારને જુદા જ પ્રકારની લાગણી થાય છે-પોતે જાણે નગ્નતા ખરીદતો હોય એવો ભાવ પણ કેટલાક જોનારને થતો હશે. આની અલબત્ત આ ડાન્સરોને ખબર હોય છે. વિદેશમાં શું કે અહીં શું, ઘણી ડાન્સરો પહેરે છે એ વસ્ત્રો કરતાંય તેમના નામની લંબાઇ વધારે છે. દા.ત. મેડોના. તેના જન્મ દાખલામાં તેનું આખું નામ છે- મેડોના લુઇસ વેરોનિકા સિકોન. તેનો કપડાંનો ખર્ચ ઘણો ઓછો છે. જ્યારે પણ તેને પહેરેલાં વસ્ત્રોનો ભાર લાગે ત્યારે ભર શિયાળામાં, ન્યુમોનિયા થઇ જવાના ડર વગર, પહેરવા ખાતર પહેરેલ નજીવાં વસ્ત્રો સાથે ભર શિયાળામાં તે સ્ટેજ પર મોજથી નાચે-ગાય છે. આને તે કળા કહે છે. પાછી ઉમેરે છે કે મારી કળા સાથે સમાધાન હું કેવી રીતે કરી શકું? આનો સીધો સાદો અર્થ એ થયો કે તે જે કંઇ કરી રહી છે એને તે કળા ગણે છે-વસ્ત્રો આમાં વચ્ચે આવતાં નથી.
અંગ્રેજીમાં બે શબ્દો છે. નેકેડ અને ન્યૂડ. નેકેડનો અર્થ અનક્લોથ્ડ-વસ્ત્રવિહીન થાય છે. જ્યારે ન્યૂડનો અર્થ અનપ્રોટેક્ટેડ-નવસ્ત્રું, અરક્ષિત થાય છે. આ બંનેને ગુજરાતીમાં તો આપણે લૂગડાં વગરના, નાગા જ કહીએ અને સમજીએ છીએ. અને આ એક જ શબ્દથી અર્થ સરતો હોય તો પછી એના પર્યાયો શોધવાની ભાંજગડમાં શું લેવા પડવું! જોકે કપડાં પહેરેલાં કે કપડાં વગરના નાગાઓ સમાજમાં ઓછી સંખ્યામાં હોવા છતાં આપણા લોકો પર તેમની કેટલી મોટી ધાક હોય છે! એટલે તો એક કહેવતમાં કહેવાયું છે કે, 'નંગા ખુદા સે ભી જોરાવર-આ નાગાઓનું સર્જન પણ ઇશ્વરે જ કર્યું હોવા છતાં ખુદ ઇશ્વર પણ તેમનાથી સલામત અંતરે રહેવાનું પસંદ કરતો હોવો જોઇએ. 'નાગાની પાંચ શેરી ભારે' એવુંય એક જૂની કહેવતમાં કહ્યું છે. પણ તેનું વજન આજે પાંચ શેરમાંથી પચાસ કિલો કરતાંય વધી ગયું છે એની ખબર આપણને રોજનાં છાપાં પરથી પડે છે.'
અને આજે સવારે અમે ટાઉન હોલ પાસે એક સુંદર ભિખારણને જોઇ. ઉંમર તેની ત્રીસ વર્ષથી વધારે નહીં હોય. મેડોનાની જેમ તેના શરીર પર પણ બહુ જ ઓછાં વસ્ત્રો હતાં. જોકે મેડોનાની મરજિયાત નગ્નતા આગળ આની કોઇ વિસાત નહોતી. પણ મેડોના કરતાં એક વધુ વસ્ત્ર તેણે આંખે ઓઢ્યું હતું- લાચારી…
|
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OtHbGK%2BV7XAZRC6vOw5XZh47Jymq_sA1vhq-B6S4HzjWw%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment