Wednesday, 20 February 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ અમરત્વની શોધ વસ્તુત: આત્માની જ શોધ છે... (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



અમરત્વની શોધ વસ્તુત: આત્માની જ શોધ છે!
ઉપનિષદ અમૃત - ભાણદેવ

amdavadis4ever@yahoogroups.com

પરમ પ્રાપ્તવ્ય

માનવવર્તનના પ્રેરકબળને સમજવાના પ્રયત્નો અતિ પ્રાચીનકાળથી થતા આવ્યા છે. આધુનિક મનોવિજ્ઞાનના કાર્યક્ષેત્રમાં, 'માનવવર્તનના પ્રેરકબળો' એક મહત્ત્વનું પ્રકરણ ગણાય છે. મેકડૂગલ, ફ્રોઇડ, એડલર, યુંગ આદિ મનોવૈજ્ઞાનિકોએ માનવવર્તનના પ્રેરકબળો અને તેના દ્વારા માનવવર્તનના સ્વરૂપને સમજવાના ઘણા પ્રયત્નો કર્યા છે. સૌથી અદ્યતન પ્રયત્ન મેસ્લોવનો ગણાય છે. માનવવર્તનના પ્રેરકબળોને સમજવા માટે મેસ્લોવનો સિદ્ધાંત સૌથી અદ્યતન અને સૌથી વધુ સ્વીકૃત ગણાય છે.

મેસ્લોવ માનવવર્તનના પ્રેરકબળોને પાંચ વિભાગમાં વહેંચે છે:

(૧) ખોરાક, પાણી, કામ આદિ જૈવીય શારીરિક જરૂરિયાતો.

(૨) સલામતીની જરૂરિયાતો.

(૩) પ્રેમ, મૈત્રી, કદર, સ્વમાન આદિ જરૂરિયાતો.

(૪) જ્ઞાનાત્મક અને સૌંદર્યાત્મક જરૂરિયાતો, બોદ્ધિક પ્રવૃત્તિઓ, અભિરુચિ, શોખની પ્રવૃત્તિઓ, કળાત્મક પ્રવૃત્તિઓ આદિ.

(૫) આત્મસાર્થક્ય કે આત્મઆવિષ્કારની જરૂરિયાત.

આ પાંચે તબક્કાની જરૂરિયાતો ઉત્તરોત્તર વધુ ને વધુ સૂક્ષ્મ, વધુ ને વધુ ઉચ્ચતર કક્ષાની જરૂરિયાતો છે. પ્રથમ તબક્કાની જરૂરિયાતો સંતોષાય પછી જ માનવ દ્વિતીય તબક્કાની જરૂરિયાતો પ્રત્યે જાગૃત બને છે, પછી જે તેનો દ્વિતીય તબક્કાની જરૂરિયાતમાં પ્રવેશ થાય છે. તે જ રીતે દ્વિતીય કક્ષાની જરૂરિયાતો સંતોષાય પછી જ તેનો તૃતીય કક્ષાની જરૂરિયાતોમાં પ્રવેશ થાય છે. જ્યાં સુધી માનવને અન્નવસ્ત્ર કે સલામતી ન મળે ત્યાં સુધી તેનો બૌદ્ધિક પ્રવૃત્તિઓ કે કળાત્મક પ્રવૃત્તિઓમાં પ્રવેશ થાય કેવી રીતે?

આ રીતે વિકસતાં વિકસતાં માનવ સૌથી સૂક્ષ્મ અને સૌથી ઉચ્ચતમ તબક્કામાં પહોંચે છે. આ સૌથી શ્રેષ્ઠ જરૂરિયાત, પાંચમા તબક્કાની જરૂરિયાત છે - આત્મસાર્થક્ય કે આત્મઆવિષ્કારની જરૂરિયાત (તયહર ફભિીંફહશતફશિંજ્ઞક્ષ).

આત્મસાર્થક્ય - તયહર ફભિીંફહશતફશિંજ્ઞક્ષ એટલે શું?

જેના દ્વારા માનવ પોતાના જીવનની સાર્થકતા અનુભવે, જીવનની ધન્યતા અનુભવે તે આત્મસાર્થક્ય- આત્મઆવિષ્કાર (તયહર ફભિીંફહશતફશિંજ્ઞક્ષ ) છે.

દા.ત., એક દેશભક્ત કે સમાજસેવક દેશ માટે પોતાનું જીવન અર્પિત કરીને જીવનની સાર્થકતા-ધન્યતા અનુભવે છે.

એક કલાકાર પોતાની કળાના સર્વોચ્ચ શિખરે પહોંચીને જીવનની સાર્થકતા ધન્યતા અનુભવે છે.

એક લેખક સર્જન દ્વારા જીવનની સાર્થકતા-ધન્યતા અનુભવે છે. આ આત્મસાર્થક્ય છે.

મેસ્લોવના આ પ્રેરણા-સિદ્ધાંત નીચેની રીતે રજૂ કરવામાં આવે છે.

હવે આપણી સમક્ષ પ્રશ્ર્ન એ છે કે મેસ્લોવ પ્રદત્ત આ પ્રેરક પરિબળોની યાદી સંપૂર્ણ છે? શું આત્મસાર્થક્યની વૃત્તિ માનવવર્તન અને માનવજીવનનું સર્વોચ્ચ પ્રેરકબળ છે? શું આનાથી ઉચ્ચતર કોઇ પ્રેરકબળ હોઇ જ ન શકે?

અધ્યાત્મવિદ્યા કહે છે કે આ યાદી હજુ સંપૂર્ણ નથી. હજુ આ યાદીમાં છઠ્ઠું પ્રેરકબળ ઉમેરવું જોઇએ. આ છઠ્ઠું પ્રેરકબળ સર્વોચ્ચ પ્રેરકબળ છે. આ છઠ્ઠા પ્રેરકબળનું નામ છે - આત્મસાક્ષાત્કાર (તયહય યિફહશુફશિંજ્ઞક્ષ). મેસ્લોવની યાદીમાં શ્રી રમણ મહર્ષિ અને મીરાંનો સમાવેશ થઇ શકે તેમ નથી. જીવનની પરમકૃતાર્થતા મેસ્લોવના પાંચમા પ્રેરકબળની પૂર્તિ દ્વારા થઇ શકે તેમ નથી. આ છઠ્ઠા પ્રેરકબળને સમજવા માટે શ્રી મેસ્લોવે અરુણાચલ કે દક્ષિણેશ્ર્વરની મુલાકાતે આવવું જોઇએ. આ છઠ્ઠા પરિબળને આત્મસાક્ષાત્કાર, ભગવત્સાક્ષાત્કાર, બ્રહ્મનિષ્ઠા, મોક્ષ, કૈવલ્ય આદિ કોઇ પણ નામ આપી શકાય તેમ છે, પરંતુ જીવનના પ્રેરકબળોમાં સર્વોચ્ચ સ્થાન તો તેનું જ છે, તેમ ઋગ્વેદથી માંડીને રમણ મહર્ષિ સુધીના સૌ અધ્યાત્મપુરુષોએ એકમતે કહ્યું છે :

માનવીની શોધનાં સાત કેન્દ્રો છે. ૧. અમરત્વ ૨ શાંતિ ૩. જ્ઞાન ૪. શક્તિ ૫. પ્રેમ ૬. આનંદ ૭. સૌંદર્ય.

જ્ઞાનપૂર્વક કે અભાનપણે પરંતુ માનવ આ સાતમાંથી કોઇ એક કે વધુ તત્ત્વો પામવાનો પ્રયત્ન કરી રહ્યો છે. આ સાતે કેન્દ્રો જ્યાં કેન્દ્રિત થાય છે તેવું કોઇ પરમ કેન્દ્ર છે? હા, તે પરમ કેન્દ્ર છે - આત્મા.

આપણે હવે જોઇએ કે આત્મા સર્વ કેન્દ્રોનું કેન્દ્ર કેવી રીતે છે? આપણે જોઇએ કે આત્મા આપણી સર્વ પ્રવૃતિઓનું કેન્દ્ર કેવી રીતે છે? આપણે જોઇએ કે આત્મા સર્વ પ્રેરકબળોનું પ્રધાન પ્રેરકબળ કેવી રીતે છે?

જેમ રથનું ચક્ર ધરીની

આજુબાજુ ઘૂમે છે, તેમ આપણાં જીવનનું ચક્ર આત્માની આજુબાજુ ઘૂમે છે. આપણે હવે જોઇએ કે કેવી રીતે?

ઉપરોક્ત સાતે કેન્દ્રોનું કેન્દ્ર આત્મા છે, તેમ ફલિત થાય તો આત્મા જ સર્વ પ્રેરકબળોનું, સર્વ પ્રવૃત્તિઓનું, સમગ્ર જીવનનું કેન્દ્ર છે તેમ આપોઆપ ફલિત થશે કારણ કે તો આત્મા કેન્દ્રોનું કેન્દ્ર સિદ્ધ થશે અને તેથી જીવનમાં તેની સર્વોચ્ચ મહત્તા સહજ સરળ રીતે સમજી શકાશે.

૧. અમરત્વ :

પોતાનું અસ્તિત્વ સતત ચાલુ રહે, કાયમી ધોરણે ચાલુ રહે તેવી ઝંખના માનવમાત્રમાં છે જ. આ ઝંખના આપણી અમરત્વની શોધનું જ એક રૂપ છે. પણ આ અમરત્વ સિદ્ધ થાય કેમ? આપણાં અસ્તિત્વમાં એવું શું છે જે અજર, અમર, શાશ્ર્વત છે.

આપણો આત્મા

અર્થાત્ આપણે પોતે જ અજર, અમર, શાશ્ર્વત છીએ. આત્માનો સ્વીકાર કરનાર સર્વ દર્શનોએ એકી અવાજે સ્વીકાર્યું છે અને વેદ, ઉપનિષદ, ગીતા આદિ પ્રમાણભૂત ગ્રંથોએ નિશ્ર્ચયાત્મક સ્વરૂપે કહ્યું છે કે આત્મા ત્રિકાલાબાધિત તત્ત્વ છે. તે અજન્મા છે અને અમરણધર્મા પણ છે. આત્મા દેશ, કાળ અને વસ્તુને આધીન નથી.

તેથી આપણી અમરત્વની શોધ વસ્તુત: આત્માની જ શોધ છે. આપણી અમરત્વની શોધની પરિપૂર્તિ ત્યારે જ થશે, જ્યારે આપણે આપણા આત્માને, આપણાં સ્વરૂપને પામીએ.

૨. શાંતિ :

માનવ શાંતિ ઇચ્છે છે, પરમ શાંતિ ઇચ્છે છે અને શાશ્ર્વત શાંતિ ઇચ્છે છે. આ યથાર્થ શાંતિનું સાચું સ્થાન ક્યાં છે?

શાંતિ આત્માનું સ્વરૂપ છે. આત્મસ્થ પુરુષ પરમ શાંતિને પામે છે. જ્યાં જ્યાં શાંતિનો આભાસ મળે છે ત્યાં ત્યાં આત્માની શાંતિનો જ અંશ કે આભાસ હોય છે. આત્મા સર્વશાંતિનું કેન્દ્ર છે. માંડૂક્યોપનિષદના સાતમા મંત્રમાં આત્માને 'શાન્તમ્' કહેલ છે.

...પ્રપગ્ચોપશમં શાન્તં શિવમદ્વૈતં ચતુર્થં મન્યન્તે સ આત્મા સ વિજ્ઞેય: ાા૭ ાા

"જ્યાં સર્વ પ્રપંચોનો સર્વથા અભાવ છે, જે શાંત છે, કલ્યાણ સ્વરૂપ છે, અદ્વિતીય છે, જેને જ્ઞાનીઓ ચતુર્થ માને છે, તે આત્મા જાણવાયોગ્ય છે.

આત્મા સ્વરૂપત: જ શાંત હોવાથી આત્મસ્થને શાંતિ શોધવા જવું પડતું નથી. તે સહજ રીતે જ શાંત છે અને આત્માને જાણ્યા સિવાય કોઇ યથાર્થ શાંતિને પામી શકે નહીં કારણ કે યથાર્થ શાંતિ અન્યત્ર નથી. માનવ શાંતિ શોધે છે, તે પણ વસ્તુત: તો આત્માની જ શોધનું એક સ્વરૂપ છે.

૩. જ્ઞાન :

આપણી જિજ્ઞાસાવૃત્તિ, આપણી પરમજ્ઞાનની શોધનું માનસિક સ્વરૂપ છે. આત્મા જેમ આનંદાદિ સ્વરૂપો ધરાવે છે, તેમ આત્મા જ્ઞાનસ્વરૂપ પણ છે. સચ્ચિદાનંદનું 'ચિત્' પદ જ્ઞાન અને શક્તિ, બન્ને સૂચિત કરે છે. તેથી સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા જ્ઞાનસ્વરૂપ પણ છે. આત્મા માટે બોધસ્વરૂપ અને જ્ઞપ્તિ આદિ શબ્દો પણ વપરાય છે, તે આત્માના જ્ઞાનસ્વરૂપને સૂચિત કરે છે. જાણ્યે કે અજાણ્યે આપણે સતત કશુંક જાણવા-સમજવાનો પ્રયત્ન કરીએ છીએ, તેની પાછળ આપણી જ્ઞાનઝંખના જ કામ કરી રહી છે અને આપણી જ્ઞાનઝંખનાનું અંતિમ લક્ષ્ય આત્મજ્ઞાન છે. આત્મજ્ઞાન જ સર્વજ્ઞાનનું કેન્દ્રસ્થ જ્ઞાન છે. આ જ્ઞાનને કેન્દ્રમાં રાખીને ભગવાન ગીતામાં કહે છે :

આપણી શોધના કેન્દ્રોમાં જ્ઞાન પણ એક કેન્દ્ર છે અને સર્વ જ્ઞાનનું કેન્દ્ર આત્મા છે. એક આત્માને જાણવાથી બધું જાણી શકાય છે. આત્મા આપણા અસ્તિત્વનું કેન્દ્ર છે અને કેન્દ્રસ્થ ચેતનાના જ્ઞાનથી, બાકી સર્વનું જ્ઞાન હાથવગું બને છે તેથી આત્મજ્ઞાન જ આપણી જ્ઞાનશોધનું પરમ લક્ષ્ય છે.

૪. શક્તિ :

આત્મા બધી શક્તિનો આદિ સ્રોત છે. જ્યાં જ્યાં અને જે જે સ્વરૂપે શક્તિ જણાય છે, તે આખરે તો આત્માની શક્તિનો આભાસ, ઝલક કે અંશ હોય છે. એક મહાબળવાન પુરુષના શરીરમાંથી ચૈતન્ય ચાલ્યું જાય, પછી બાકી રહેલા શરીરમાં એટલે કે શબમાં શું શક્તિ રહે છે? બળવાન શરીરની શક્તિ પાછળ આખરે તો આત્માની શક્તિ છે. પ્રાણશક્તિ અને મનોમયશક્તિ પણ આખરે તો આત્મશક્તિના જ આવિષ્કારો છે. એક શક્તિમાન રૉકેટ કે અણુબૉમ્બની પાછળ પણ આત્મશક્તિનો સ્પર્શ છે જ. પદાર્થમાં રહેલી સુષુપ્ત શક્તિ પણ આત્મશક્તિનું એક રૂપ છે. એ સુષુપ્ત શક્તિને જાગ્રત સ્વરૂપ આપનાર વૈજ્ઞાનિકની બુદ્ધિ પણ આત્મશક્તિને આધારે છે. કોઇ વૈજ્ઞાનિકના મૃતદેહ દ્વારા કોઇ સંશોધન થયાનું જાણ્યું છે? વિદ્યુતશક્તિ એક મહાન શક્તિ છે, પણ વિદ્યુતશક્તિ પણ આખરે તો પદાર્થમાં ઊતરી આવેલ આત્મશક્તિનું જ એક સ્વરૂપ છે. તેલ, કોલસો, પવન અને સૂર્યશક્તિ પણ આત્મશક્તિનાં ભૌતિક સ્વરૂપો છે. ચિન્મયી આત્મશક્તિ જ આદિ શક્તિ અને સર્વશક્તિનું કેન્દ્ર છે અને તેથી આપણી શક્તિ માટેની દોડ પણ જાણ્યે કે અજાણ્યે આપણી આત્મશોધનું જ એક રૂપ છે.

૫. પ્રેમ :

માનવી સતત કોઇકનો પ્રેમ પામવા અને કોઇકને પ્રેમ આપવા ઇચ્છે છે. અરે! જીવમાત્ર પ્રેમ માટે તલસે છે. પશુપક્ષી જ નહીં, પરંતુ વનસ્પતિ સૃષ્ટિ પણ પ્રેમ ઇચ્છે છે. સમગ્ર અસ્તિત્વ સ્નેહ માટે આતુર છે.

આપણી સમક્ષ પ્રશ્ર્ન એ છે કે આપણી પ્રેમશોધનું કેન્દ્ર ક્યાં છે? આપણી પ્રેમશોધની યથાર્થ પરિણતિ ક્યાં છે? આત્મા જ આપણા પ્રેમનું કેન્દ્ર છે કારણ કે આત્મા પ્રેમસ્વરૂપ છે. પ્રેમ દ્વારા પણ આપણે વસ્તુત: તો આત્માને જ શોધીએ છીએ, કારણ કે પ્રેમનું મૂળ કેન્દ્ર આત્મા જ છે. જાણ્યે કે અજાણ્યે આપણે પ્રેમ દ્વારા આત્માને જ પામવાનો પ્રયત્ન કરીએ છીએ.

માનવીય પ્રેમ તો પરમપ્રેમનો માત્ર આભાસ છે, છતાં તેની પ્રાપ્તિ માટે માનવ કેવો અને કેટલો તલસે છે. આવો આભાસી પ્રેમ પણ આટલો પ્રિય લાગે છે, તો પરમપ્રેમસ્વરૂપ આત્મા કેટલો પ્રેમાસ્પદ હશે! આપણા આસક્તિજન્ય પ્રેમની પાછળ પણ આખરે તો આત્માના પ્રેમનો આધાર છે. પ્રેમનું મૂળ કેન્દ્ર આત્મા છે. પ્રેમના અન્ય સર્વસ્વરૂપો તે આત્માની જ ઝલક કે આભાસ છે. પ્રતિબિંબ પ્રત્યેના આકર્ષણનું કેન્દ્ર મૂળ તો બિંબમાં જ હોય છે. પ્રતિબિંબ પરથી બિંબ પર જવાની કલા જ આસક્તિ પરથી પરમ પ્રેમ પર જવાની કલા છે.

જ્યાં સુધી કેન્દ્રસ્થ ચૈતન્ય આત્મતત્ત્વને ન પામી શકાય ત્યાં સુધી આપણી પ્રેમયાત્રાની પૂર્ણાહુતિ થતી નથી.

૬. આનંદ :

આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ છે, તેથી આનંદ આત્માનો સ્વરૂપગત ધર્મ છે. આનંદનાં જે કોઇ રૂપો અનુભવાય છે તે બધાં મૂલત: આત્માનંદ-બ્રહ્માનંદના જ આંશિક કે આભાસી સ્વરૂપો છે. ભોગાનંદ પણ આત્માનંદનું જ આભાસી અર્થાત્ પ્રતિબિંબિત રૂપ છે. અરે! સુખ અને દુ:ખ બન્ને આનંદના જ છદ્મ સ્વરૂપો છે. સમગ્ર બ્રહ્માંડ પરમાત્માની આનંદલીલા છે. બધું આનંદમાંથી નીકળી આનંદ તરફ ગતિ કરી રહ્યું છે.

"આનંદ જ બ્રહ્મ છે, તેમ નિશ્ર્ચયપૂર્વક જાણવું. આનંદમાંથી આ સર્વ પ્રાણીઓ ઉત્પન્ન થાય છે; ઉત્પન્ન થઇને આનંદ વડે જ જીવે છે અને આ લોકમાંથી પ્રયાણ કરીને આનંદમાં જ પ્રવેશ કરે છે.

અહીં 'આનંદ' આત્મવાચક શબ્દ તરીકે વપરાયો છે. આત્મા આનંદસ્વરૂપ હોવાથી, આત્મા આનંદ અને આનંદ આત્મા છે, એમ પણ કહી શકાય છે. સમગ્ર સૃષ્ટિ આનંદસ્વરૂપ આત્મામાંથી નીકળી, આનંદસ્વરૂપ આત્મામાં જીવે છે અને અંતે આનંદસ્વરૂપ આત્મામાં પ્રવેશે છે.

આપણી સુખની શોધ મૂલત: તો આનંદની જ શોધ છે. ભોગાનંદમાં પણ આખરે તો જીવ બ્રહ્માનંદ જ શોધે છે; ભલે તે શોધ ગલત દિશામાં છે અને યથાર્થ આનંદ ત્યાં મળી શકે નહીં છતાં આપણી શોધ તો બ્રહ્માનંદની જ છે.

સુખની શોધની ચરિતાર્થતા આત્માનંદની પ્રાપ્તિમાં છે. પ્રતિબિંબનો આનંદ અર્થાત્ આભાસી આનંદ કદી તૃપ્તિ આપી શકે નહીં. પ્રતિબિંબને છોડીને બિંબ સુધી પહોંચ્યા વિના આપણે યથાર્થ કૃતાર્થતા પામી શકીએ નહીં. તેથી આત્માનંદ સુધી પહોંચવું તે જ આપણી આનંદયાત્રાનું યથાર્થ લક્ષ્ય છે.

૭. સૌંદર્ય :

સુંદર આપણા ચિત્તને આકર્ષે છે. આપણે સુંદર તરફ દોડીએ છીએ. તે પણ આપણી આત્મશોધનું જ એક સ્વરૂપ છે. જ્યાં જ્યાં સૌંદર્ય છે, ત્યાં ત્યાં આત્માની જ કોઇક સ્વરૂપની અભિવ્યક્તિ છે. આત્મા જ સૌંદર્યનો આદિ સ્રોત છે. પરમાત્માને પરમ સુંદર કહ્યા છે, તેનો અર્થ જ એ છે કે પરમાત્મા પરમ સુંદર તો છે જ અને તે સર્વ સૌંદર્યનું કેન્દ્ર પણ છે.

બ્રહ્માંડમાં જ્યાં જ્યાં અને જે જે સ્વરૂપે કશુંક સુંદર છે ત્યાં ત્યાં પરમાત્મા કોઇક સ્વરૂપે અભિવ્યક્ત થયો છે. ગમે તેટલો સુંદર માનવદેહ ચૈતન્ય વિના સુંદર રહી શકે નહીં. ચૈતન્યના ચાલ્યા ગયા પછી ચેતનાહીન શબ કેમ સુંદર લાગતું નથી? કારણ કે સૌંદર્ય, આખરે તો પરમ સુંદરની એક ઝલક છે. પ્રકૃતિના ભિન્ન ભિન્ન સ્વરૂપોમાં જણાતું સૌંદર્ય આખરે શું છે? તે પરમાત્માનો જ વિલાસ છે. આત્માના અનંત પાસાં છે. સૌંદર્ય પણ તેનું જ એક પાસું છે. સૌંદર્ય એટલે સ્થૂળમાં ઊતરી આવેલો પરમાત્મા. જ્યાં સુધી માનવી પરમસુંદરને પામે નહીં, ત્યાં સુધી તેની સૌંદર્યની શોધ ચરિતાર્થ થઇ શકે નહીં. પરમસુંદર એટલે આત્મા-પરમાત્મા.

માનવી ઝંખે છે અમરત્વ, પરંતુ અમરત્વ ક્યાં છે? માનવી શોધે છે શાંતિ, પરંતુ શાંતિનું યથાર્થ કેન્દ્ર ક્યાં છે? માનવી ઇચ્છે છે જ્ઞાન, પરંતુ સર્વોચ્ચ જ્ઞાન ક્યાં છે? માનવને જોઇએ છે શક્તિ, પરંતુ શક્તિનો પરમ સ્રોત ક્યાં છે? માનવી ઝંખે છે પ્રેમ, પરંતુ પરમ પ્રેમાસાદ અને પરમ પ્રેમ સ્વરૂપ કોણ છે? માનવી તલસે છે આનંદ માટે, પરંતુ આનંદગંગાની ગંગોત્રી ક્યાં છે? માનવની આંખો આતુર છે સૌંદર્ય માટે, પરંતુ પરમસુંદર કોણ છે? આ બધા પ્રશ્ર્નોનો એક જ ઉત્તર છે આત્મા, પરમાત્મા, બ્રહ્મ!

આત્મા આપણી સર્વપ્રાપ્તિનું સર્વોચ્ચ લક્ષ્ય છે. આત્મા પરમ પ્રાપ્તવ્ય છે. આપણી બધી દોડ આત્મા તરફ જ છે. તે દોડ જ્યારે યથાર્થ સ્વરૂપ પામે છે ત્યારે તેને કહેવાય છે - અધ્યાત્મ.

અધ્યાત્મ = અધિ + આત્મ. અધિ એટલે તરફ, પ્રત્યે. આત્મા તરફ ગતિ એટલે અધ્યાત્મ અને તે ગતિનું વિજ્ઞાન તે - અધ્યાત્મવિદ્યા!


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ou0NeU6Deb-nPKsknX%3DB_i_nvd9n-FbCGWdx6Vke20YSg%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment