Thursday, 21 February 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ સુપરમેનને ચાહતી દુનિયાની સુપરવિલન પરત્વે લાપરવાહી... (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



સુપરમેનને ચાહતી દુનિયાની સુપરવિલન પરત્વે લાપરવાહી!
અભિમન્યુ મોદી

 

 

 

જોહન ગેઓર્ગ ફોસ્ટ એમનું નામ. જર્મન જ્યોતિષ હતો, જાદુગર હતો અને કીમિયાગર એટલે કે એલ્કેમિસ્ટ પણ હતો. પંદરમી સદીમાં થઈ ગયેલો માણસ જેને અમુક લોકો બહુ જ માનથી જોતા. પણ તેની વ્યાવસાયિક કારકિર્દી ઉપર નજર નાખીએ તો સમજી જઈએ કે તેણે કંઈ જ નક્કર કામ કર્યું નહીં. બસ જાદુટોણા ને પારા જેવી ધાતુને સોનામાં ફેરવવાના કીમિયા શોધવામાં જિંદગી ગુજારી. પરંતુ જર્મન કથાઓમાં ફોસ્ટનું નામ અમર થઈ ગયું. ફોસ્ટીયન એપ્રોચ કે ફોસ્ટીયન સ્પિરિટ તરીકે એક રૂઢિપ્રયોગ જાણીતો બન્યો. અત્યારે દુનિયાના ઘણા બધા દેશો ફોસ્ટીયન સિદ્ધાંત અનુસરી રહેલા લોકોની પકડમાં છે. કરોડો લોકોને તેને કારણે નુકસાન થઈ શકવાનું છે. તો શું છે આ ફોસ્ટીયન એપ્રોચ? તે સમજવા માટે ફોસ્ટ નામના પાત્રની કહાની જાણવી પડે.


પ્રસિદ્ધ જર્મન પાત્ર ફોસ્ટની જાણીતી લોકકથા આવી કઈંક છે. ફોસ્ટ બહુ હોશિયાર હતો, સ્કોલર હતો અને માટે તે એકલવાયો થઈ ગયેલો. જિંદગીથી કંટાળી ગયો. હોંશિયારી અમુક લેવલ પછી સંતોષ ન આપે. ફોસ્ટે શેતાનની પૂજા કરવાનું ચાલુ કર્યું. શેતાન પાસે વધુ જ્ઞાન અને જાદુમંત્રો માંગ્યા. આ દુનિયા ઉપર રાજ કરવા માટે તેની પાસે દુનિયાના ગૂઢ રહસ્યોની વિદ્યા શીખવવા કહ્યું. શેતાનોનો એક પ્રતિનિધિ નામે મેફિસ્ટોફિલિસ ફોસ્ટની માંગણી સ્વીકારવા રાજી થયો પણ એવી શરત મૂકી કે તારી જિંદગીના અંતમાં તારા આત્મા ઉપર મારો કબજો રહેશે. અનલિમિટેડ પાવરની લાલચના નશામાં ધૂત થઈ ગયેલા ફોસ્ટે વિચાર્યું નહીં અને તે શરતે મંજૂરી આપી દીધી. પછી શું થયું હશે?


શરૂઆતમાં ફોસ્ટને ખૂબ મીઠું લાગ્યું. ગ્રેચન નામની યુવતી સાથે લગ્ન કર્યા. તે બંનેનું એક સંતાન હતું જેને ગ્રેચને જ મારી નાખ્યું. ગ્રેચન ખૂની હોવા છતાં તે નિર્દોષ સાબિત થઈ અને તેને સ્વર્ગમાં જગ્યા મળી. શાંતિ અને સંતોષ ઇચ્છતા ફોસ્ટને સતત નિષ્ફળતા જ મળતી રહી અને એ નિષ્ફળતા ઢાંકવા માટે કે ફેઈલ્યોરને કારણે ઘવાયેલા અહમ્ને રૂઝવવા માટે તે વધુને વધુ પાપ કરતો જ રહ્યો. કળણમાં ફસાયેલો માણસ બહાર નીકળવા જેમ વધુ ધમપછાડા કરે એમ તેને દલદલવાળી જમીન વધુને વધુ નીચે ખેંચતી જાય એ જ હાલત ફોસ્ટની થઈ. જર્મન લોકકથાઓના અમુક વર્ઝન મુજબ તેને પછી યુગયુગાંતર સુધી મેફિસ્ટોફિલિસના ગુલામ રહેવું પડ્યું. ફોસ્ટની તો લાઈફ બગડી પણ તે અડધી દુનિયાને કાયમી નુકસાન પહોંચાડતો ગયો. પોતાની જીદને કોઈ પણ ભોગે સંતોષવાના અભિગમને અમુક અંશે ફોસ્ટીયન સ્પિરિટ કહેવામાં આવે છે અને તે લાક્ષણિકતા ધરાવતા પાવરફુલ માણસો માણસોના એક મોટા જૂથને તબાહ કરી શકવાની ક્ષમતાના અધિપતિ બની જતા હોય છે.


અહીં ગર્ભિત ઈશારો કોઈ એકલદોકલ વ્યક્તિ તરફ નથી. વાત છે અમુક ચોક્કસ જૂથની કલેક્ટિવ કૉન્શિયસની. સામૂહિક ચેતના જ્યારે ઝાંખી પડે ત્યારે આવા ફોસ્ટની સંખ્યા વધે છે. માનવઇતિહાસમાં મેફિસ્ટોફિલિસ જેવા દૈત્યો તો દરેક સમયે હતા. પણ તેઓને વિનાશ કરવા માટે એક માધ્યમ જોઈએ. શેતાન સીધો માણસને નુકસાન ન પહોંચાડી શકે. શેતાને માણસના જ એક વૃંદમાંથી કોઈ ચોક્કસ માનવ પસંદ કરવો પડે, તેની અંદર રહેલી ખરાબીને ખાતર-પાણી આપવું પડે અને તેને શેતાન બનાવવો પડે. ઘેટાના ટોળામાં ભળી જવા માટે શિયાળે ઘેટાનું ચામડું પહેરવું પડે.


શું એવું નથી લાગતું કે જેમ જેમ સમય વધતો જાય છે તેમ તેમ આવા ફોસ્ટની સંખ્યા વધતી જાય છે? જરૂરી નથી કે એ ફોસ્ટ કોઈ મોટો અધિકારી જ હોય. એ ફોસ્ટ આપણી અંદર પણ હોઈ શકે. સ્ક્રીન ઉપર અવલંબિત એવા ડિજિટલ નેટવર્કના પ્લેટફોર્મ ઉપર સતત રહેવા માટે આપણને પ્રેરિત કરતા પ્રેરકબળો જ હોઈ શકે. માર્કેટ સર કરી રહેલા મુઠ્ઠીભર લોકોનો સમૂહ પણ હોઈ શકે. આપણા પડોશમાં પણ હોઈ શકે અને આપણાં દોષમાં પણ. આપણો આઇડલ પણ હોઈ શકે અને આપણો દુશ્મન પણ. સવાલ એ છે કે મીઠા લાગતા ચેપી ઝેરને આપણે ઓળખી શકીએ છીએ ખરા?


ડાર્વિનનો સિદ્ધાંત છે કે મોટી માછલી નાની માછલીને ગળી જાય. આ તો કુદરતનો નિયમ થયો. એમાં તો દરેક માછલીએ લડત આપવી જ રહી. પણ જ્યારે મોટી માછલીઓ બીજી મોટી માછલીને પોતાની સેનામાં ભેળવી દે કે દરિયામાં આઠ-દસ મોટી માછલીઓ જ વધે ત્યારે નાની માછલીઓએ ચિંતા કરવા જેવું ખરું. ગાફેલવૃત્તિ ઘાતક નીવડતી હોય છે.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OsL7SLqiZHx%2BwnY3oExNvJ8Un%2BxXXrGpLYgX0edYK6pNQ%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment