Thursday, 21 February 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ અનિવાર્ય ઉધારી, નિવાર્ય ઉધારી... (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



અનિવાર્ય ઉધારી, નિવાર્ય ઉધારી!
ઝીણી નજરે : રમેશ દેસાઈ

 

 

 

 

કરો વાત. ગયા અઠવાડિયે અમેરિકાનું રાષ્ટ્રીય દેવું ૨૨ ટ્રિલિયન ડોલરને આંબી ગયું. આ બિલિયન-ટ્રિલિયનના આંકડા આમ પણ આપણને સમજાય તેવા નથી હોતા. એમાં વળી, અધધધ ટ્રિલિયન ડોલરને ભારતીય રૂપિયામાં કન્વર્ટ કરીએ તો પણ એ આપણા ભેજામાં ઝટ ઘૂસતાં નથી. જેમ કે, ૨૨ ટ્રિલિયન ડોલરને રૂપિયામાં (૧ ડોલરના ૭૧ રૂપિયા લેખે) કન્વર્ટ કરીએ તો જે આંકડો આવે છે તે આ છેઃ ૧૫૬૪૯૭૦૦૦૦૦૦૦૦૦૦. બોલો, આમાં શું સમજાય? આ આંકડો વાંચવો કઈ રીતે? ૧૫૬૫ લાખ કરોડ રૂપિયા?


છોડો માથાકૂટ. ટૂંકમાં એટલું સમજી લો કે અમેરિકાના માથે એટલું બધું દેવું ચડી ચૂક્યું છે કે એ કઈ રીતે ચૂકવી શકશે એ તો ઠીક, એ ચૂકવી શકશે કે નહીં એ વિશે પણ સવાલ જાગી રહ્યા છે.


જો કે હકીકત એ જ છે કે કોઈપણ રાષ્ટ્ર પોતાનું દેવું શૂન્ય કરી દેવા બાબતે ભાગ્યે જ ચિંતિત હોય છે. થોડુંઘણું દેવું તો માથા પર હોય… ઇટ્સ ઓકે… એવી નીતિ લગભગ બધાં જ રાષ્ટ્રો ધરાવતા હોય છે. અમેરિકાની જ વાત કરીએ તો તેના આખા ઇતિહાસમાં, એના માથે હંમેશાં દેવું રહ્યું છે, સિવાય કે ફક્ત એક જ વર્ષ, ૧૮૩૫નું વર્ષ, એવું હતું ખરું જ્યારે અમેરિકી પ્રમુખ એન્ડ્રૂ જેક્સને દેશ પરનું સઘળું દેવું ચૂકતે કરેલું.


ખેર, દેશના હિતમાં, પ્રજાના હિતમાં જરૂરી ખર્ચ તો કરવો જ પડે… આવી હાથવગી દલીલ તમામ સરકારો કરતી હોય છે. અમેરિકામાં પણ શાસકીય દલીલ એ જ છે કે દેવાના આંકડાની કોઈ ચિંતા કરવા જેવી નથી, કારણ કે જે જરૂરી ખર્ચ છે એ જ કરવામાં આવી રહ્યો છે. અચ્છા, અમેરિકાના વિક્રમસર્જક દેવામાં જે મુખ્ય ખર્ચ ગણાવાય છે તે આ ચાર છેઃ ૧. ઇરાક અને અફઘાનિસ્તાનમાં લડાયેલાં યુદ્ધો (આતંકીઓને તો અંકુશમાં રાખવા જ પડે). ૨) ૨૦૦૮માં અમેરિકામાં આવેલી મહામંદી પછી દેશનું અર્થતંત્ર ફરી ચેતનવંતુ કરવા માટે ઓબામા-શાસને વહાવેલો નાણાંનો ધોધ (માંદા અર્થતંત્રને સાજું તો કરવું જ પડે). ૩) પ્રમુખ ટ્રમ્પે ૨૦૧૭માં જાહેર કરેલી ટેક્સ-રાહતો (લોકોને ટેક્સમાં રાહત આપવી એ તો સારી બાબત ગણાય). અને ૪) અમેરિકામાં ઝડપથી વધી રહેલી વયસ્કોની વસતીને મેડિકેર અને સોશિયલ સિક્યુરિટી પૂરી પાડવા માટેની યોજનાઓનાં ખર્ચ (પ્રૌઢો-વૃદ્ધોને સરકાર મદદરૂપ બને એનાથી રૂડું શું?). ટૂંકમાં, તમામ ખર્ચને વાજબી રીતે વાજબી ઠરાવી શકાય તેમ છે.


ઝીણી નજરે જોતાં આ આખી વાતમાં વિચારવા જેવો એક જે મુદ્દો દેખાય છે તે આ છેઃ એ ચાહે એક મસમોટો દેશ હોય કે એ જગતના કોઈ ટચૂકડા દેશનો સામાન્યમાં સામાન્ય માનવી હોય, સૌ કોઈ ઉધારીને વાજબી રીતે વાજબી ઠરાવવામાં કાબેલ હોય છે.


આ વૃત્તિ જોખમી છે.


આપણે ચિંતા અમેરિકાની નથી કરવાની, આપણી કરવાની છે. આપણે પોતે પણ ઉધારીના મામલે અમેરિકાની જેમ જ બધું વાજબી ઠરાવી દેવાના એક્સપર્ટ હોઈએ છીએ. જેમ કે, દીકરીનું લગ્ન તો ધામધૂમથી કરવું જ પડે, આપણે જેટલાં લગ્નોમાં ગયાં હોઈએ એ સૌને આપણી દીકરીના લગ્નમાં તો બોલાવવા જ પડે, લગ્નના મેન્યૂમાં કમસે કમ આટ-આટલી વાનગી તો રાખવી જ પડે… ટૂંકમાં, ઘરમાં લગ્નનો પ્રસંગ આવે ત્યારે માણસ પોતાનું ગજું કેટલું છે તેના તરફ સહેજ તીરછી નજરે અને કેટલી ઉધારી મેળવી શકાય તેમ છે તેની સામે તીક્ષ્ણ નજરે જોતો રહે છે.


એ જ રીતે, ઘર-કાર-ટીવી-લેપટોપ-મોબાઈલ-વોશિંગ મશીન… કંઈપણ લેવું હોય ત્યારે બે ગુપ્ત દલીલો આપણા સુષુપ્ત મનમાં સળવળતી હોય છેઃ ૧) પૈસા ભેગા કરીને, બચતની રકમ વડે વસ્તુ લેવાની રાહ જોઈએ તો તો ક્યારે આરો આવે? ૨) 'આ માણસ આટલી લોન ભરી શકે તેમ છે' તેની બરાબર ચકાસણી કરી લીધા પછી જ લોન આપતી હોય છે. મતલબ કે મારું જેટલું ગજું છે એટલી જ લોન મને મળી રહી છે.


આ બધી દલીલો બધી રીતે સાચી હોય તો પણ, એક વાત યાદ રાખવીઃ અમેરિકા એનું દેવું નહીં ચૂકવે તો એને ટૂંકા ગાળે કદાચ વાંધો ન પણ આવે, પરંતુ આપણને તરત બોચીએથી પકડવામાં આવી શકે. કવિ કહી ગયા છે કે સમરથ કો નહીં દોષ ગુંસાઈ. બાકી નાનો માણસ નાનું દેવું કરે તો પણ એ મુદ્દલ વત્તા વ્યાજ ચૂકવ્યા વિના છૂટી શકતો નથી, ભાગીને પરદેશ જઈ શકતો નથી. અને હવે તો આપણી સરકાર પણ વિદેશ ભાગી ગયેલા લોકોને પાછા લાવવા કટિબદ્ધ બની છે. આવામાં, લોનની તરફેણમાં મગજ કસવાને બદલે લોન લેતી વખતે લોનનો સૌથી મોટો ગેરફાયદો યાદ રાખવોઃ લોન આફ્ટરઓલ ભરપાઈ કરવા માટે હોય છે.


બાકી તો, પછેડી પ્રમાણે સોડ તાણવાના ભારતીય સંસ્કારોને ભૂલીને અતિ ઉપભોગની પિૃમી સંસ્કૃતિના વાયરામાં આપણે બધા તણાઈ જ રહ્યા છીએ. સાંસ્કૃતિક આક્રમણની વાત કરીએ ત્યારે વેલેન્ટાઇન્સ ડે છોડો, વિશેષ ચિંતા એ કરવા જેવી છે કે જે વધુ ઉપભોગ કરે, વધુ ખર્ચ કરે તે જ વધુ સફળ, તે જ વધુ મોટો મોટો, તે જ વધુ સુખી… આ આપણા સંસ્કાર નથી, પરાયા સંસ્કાર છે. ચોતરફ દેખાતી લલચામણી જાહેરાતોથી લોભાઈને કે સામાજિક દેખાદેખીથી પ્રેરાઈને કે જાણે ગળાનાં સમ આપીને લોન આપવા મથતા હોય એવો ફોન કોલ્સથી ફોસલાઈને લોન લેવાની ઉતાવળ કરવાની નહીં. આ મામલે પિૃમના સંસ્કારથી ભારતીય સંસ્કાર તરફ ઘરવાપસી કરવા જેવી છે.


અને હા, પેલું અમેરિકા પણ ભલે પોતાની જાતને તોતિંગ ઉધારી સામે ગમે તેટલું અડીખમ અને ફૂલપ્રૂફ સમજે, છેવટે તો એને પણ ભીંસ પડી જ શકે. ટાઈટેનિક વિશે મનાતું હતું કે એ ડૂબી ન શકે, પણ એ પહેલી જ ખેપમાં ડૂબેલું. એમ, અમેરિકા પણ ડૂબી શકે. અને એ ડૂબે કે ન ડૂબે, આપણે ન ડૂબવું અને આ સૂત્ર મગજમાં કોતરી રાખવું : બચત ઝિંદાબાદ, દેવું મુર્દાબાદ.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ov7OG2RaayR690hZJYmK3yr7CVP1%2BRL7xOocpBPR79xtg%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment