Thursday, 21 February 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ ૧૯ વર્ષે પૂરું કર્યું મિત્રનું સપનું... (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



૧૯ વર્ષે પૂરું કર્યું મિત્રનું સપનું!
કવર સ્ટોરી-દર્શના વિસરીયા

amdavadis4ever@yahoogroups.com

એકાદ વર્ષ પહેલાં પંદર-પંદર દિવસ સુધી બૉલીવૂડના મિસ્ટર ખિલાડી અક્ષય કુમાર અને તેમની પત્નીની ઊંઘ હરામ કરી નાખનાર ભારતીય લશ્કરમાં ફરજ બજાવનાર લૅફ્ટનન્ટ કર્નલ સંદીપ અહલાવત યાદ છે? કદાચ ભૂલાઈ ગયું હોય તો જોઈ લઈએ એક જસ્ટ ક્વીક ફ્લેશબૅક...

ફિલ્મ 'રૂસ્તમ'માં નૅવી ઑફિસર બનેલા અક્ષય કુમારના યુનિફોર્મની લિલામીના સમાચાર વાંચતા જ ધૂંઆફૂંઆ થઈ ઉઠેલાં સંદીપ અહલાવતે ટ્વિટર પર જ ટ્વિન્કલ ખન્ના અને અક્ષય કુમારની ઊંઘ હરામ કરી નાખી હતી. બાવીસ લશ્કરી અધિકારીઓએ કર્નલ સાથે મળીને લીગલ નૉટિસ મોકલી હતી, તેમની આ નોટિસને પગલે જ યુનિફોર્મની લિલામી રદ્દ કરી નાખવામાં આવી હતી. આજની આપણી કવર સ્ટોરીના હીરો છે એ જ લૅફ્ટનન્ટ કર્નલ અહલાવત.

હરિયાણાના ડિંગલ નામના ગામમાં એક ખેડૂત પરિવારમાં જન્મેલા સંદીપ અહલાવત એક ધરતીપુત્ર હોવાની સાથે સાથે ભારતમાતાના એક બહાદુર સિપાહી છે અને તેઓ હાલમાં હિસાર મિલિટરી કૅન્ટમાં પોસ્ટેડ છે. એટલું જ નહીં તેઓ લશ્કરમાં જોડાવાની ઈચ્છા ધરાવનાર કોઈ પણ યુવક-યુવતીને ખાસ સમય કાઢીને બધી જ આવશ્યક તૈયારીઓ કરાવડાવે છે. સામાન્યપણે લોકો નિવૃત્તિ પછી આવી પ્રવૃત્તિઓ કરતાં હોય છે, પણ કર્નલ અહલાવત અલગ માટીના બનેલા છે અને એનાથી પણ અલગ છે તેમના વિચારો.

કર્નલ છેલ્લાં દોઢ બે વર્ષથી દેશની સ્કૂલ, કૉલેજો અને ઈન્સ્ટિટ્યૂટમાં જઈને વિદ્યાર્થીઓને ભારતીય લશ્કરમાં જોડાવાની પ્રેરણા આપે છે અને દર વખતે જ્યારે કર્નલ આ રીતે કોલેજમાં જઈને પ્રવચન આપે છે ત્યારે વિદ્યાર્થીઓ સહિત શિક્ષકો, પ્રોફેસર અને પ્રિન્સીપલની પણ આંખો ભીની થઈ જાય છે. 'સ્ટુડન્ટ આઉટરિચ કૅમ્પેઈન' હેઠળ અત્યાર સુધી તેઓ દિલ્હી, રોહતક, પંજાબ, હિસાર, ગુડગાંવ, ચંદીગઢની ૩૦થી વધારે શાળા-કૉલેજ અને યુનિવર્સિટીમાં જઈને ૬૦,૦૦૦થી વધારે વિદ્યાર્થીઓને ભારતીય સૈન્યમાં જોડાવા માટેની પ્રેરણા આપી ચૂક્યા છે.

'આપણે આવનારી પેઢીને જો સારું વાતાવરણ કે પછી ઉજ્જ્વળ ભવિષ્ય ના આપી શકવાના હોઈએ તો શું ફાયદો આપણા હોવાનો? દેશના અને બાળકોના ભાવિ ઘડવામાં આપણે જ મહત્ત્વનો ભાગ ભજવવો પડશે. આપણે આપણા દીકરા-દીકરીઓને ભારતીય લશ્કરમાં જોડાવાના ફાયદા જણાવવા પડશે અને ફાયદા કરતાં પણ આ આપણી નૈતિક ફરજ છે પહેલાં તો એ જ સમજવાની અને સમજાવવાની જરૂર છે. આપણે તો બસ અહીંથી ડિગ્રી અને ઉચ્ચ શિક્ષણ મેળવીને પરદેશમાં જઈને ડૉલર્સ અને પાઉન્ડમાં કમાવવું છે. આ છે આજની યુવાપેઢીનો હેતુ. આપણી પ્રતિભા, કૌશલ્ય આપણા દેશને કામ આવે તેનાથી બીજી મોટી વાત કઈ હોઈ શકે?' એવા વિચારો છે કર્નલ અહલાવતના.

હાલમાં જ એક સ્કૂલમાં વિદ્યાર્થીઓને ભારતીય લશ્કરમાં જોડાવવાની પ્રેરણા આપ્યા બાદ તેમણે આપેલી એક મુલાકાતમાં જણાવ્યું હતું કે 'અમારો મૂળ હેતુ છે કે દેશની જે શ્રેષ્ઠ પ્રતિભા છે એ ભારતીય સેનામાં હોવી જોઈએ અને આને કારણે આપણી ભારતીય સેના વધુ મજબૂત બનશે. અમે લોકો વિદ્યાર્થીઓને દબાણ નથી કરતાં પણ તેમના વિચારોને એક યોગ્ય દિશામાં વાળવાનો પ્રયાસ કરીએ છીએ અને તેમને અહેસાસ કરાવીએ છીએ કે અન્ય પ્રોફેશનની જેમ ભારતીય સૈન્ય પણ એક સન્માનનીય અને મહત્ત્વનું પ્રોફેશન છે.'

મિશન આઉટરિચ સ્ટુડન્ટ એ મૂળ તો ભારતીય લશ્કરના શહીદ કૅપ્ટન કૅશિંગ ક્લિફૉર્ડ નોનગ્રુમ (કે જેઓ કર્નલ અહલાવતના એકદમ બેસ્ટ ફ્રેન્ડ અને કૉર્સમેટ હતા અને કર્નલ તેમને ક્લિફી તરીકે જ સંબોધતા)નું સપનું હતું. ૧૯૯૯માં જ્યારે કૅપ્ટન ક્લિફી તેમના ઘરે વેકેશન પર આવ્યા ત્યારે તેમણે પોતે જ્યાં ભણ્યા હતા એ કૉલેજની મુલાકાત લીધી અને કૉલેજના પ્રિન્સીપાલે કૅપ્ટનને વિદ્યાર્થીઓને રાષ્ટ્રના નિર્માણમાં ભારતીય સૈન્યના રૉલ વિશે માહિતી આપવા આમંત્ર્યા.

કૅપ્ટને તેમનું વેેકેશન પૂરું થયું ત્યાં સુધી ત્રણ વખત વિદ્યાર્થીઓ સાથે આ વિશે વાત કરી. પણ આટલાથી કૅપ્ટનનું પેટ નહોતું ભરાયું અને તેઓ ઈચ્છતા હતાં કે તેમના કૉર્સમેટ પણ આ વિશે વાત કરે. પણ તેમની આ ઈચ્છા પૂરી થાય એ પહેલાં જ કૅપ્ટન ક્લિફી કારગિલના યુદ્ધમાં શહીદ થઈ ગયા. પણ તેમના મિત્ર કર્નલ અહલાવતને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેમણે ૧૯ વર્ષ બાદ મિત્રનું એ સપનું પૂરું કરવાનો નિર્ણય લીધો અને જન્મ થયો આ મિશનનો. મિશનની શરૂઆત કૅપ્ટનની કૉલેજથી જ થઈ. કૅપ્ટન અહલાવત સાથે લૅફ્ટનન્ટ કર્નલ સોફિયા કુરેશી પણ સ્કૂલ, કૉલેજમાં જઈને વિદ્યાર્થીઓને ઈન્ડિયન આર્મી શું છે, અને કઈ રીતે ઈન્ડિયન આર્મી દુનિયાની બેસ્ટ ઈન્સ્ટિટ્યૂશન છે એ સમજાવે છે.

ખૂબ જ મહત્ત્વની વાત દરેક ભારતીય નાગરિકે સમજી લેવા જેવી છે કે વર્તમાન સમયમાં જે સ્વતંત્રતાનો આનંદ આપણે ઉઠાવી રહ્યા છીએ એ સાવ મફતમાં નથી મળી, એના માટે કંઈ કેટલાય નરબંકાઓએ પોતાની જાનની બાજી લગાવી દીધી છે અને આપણે એમના માટે શું કરીએ છીએ? કશું જ નહીં અને એનો આપણને વસવસો સુધ્ધાં થાય છે ક્યારેય? સ્વતંત્રતા માટેની ખૂબ મોટી અને મોંઘી કિંમત બોર્ડર પર ચૂકવી રહ્યા છે આપણા જવાનો અને તેમના પરિવારજનો.

આ વિશે પોતાના વિચારો વ્યક્ત કરતાં તેઓ કહે છે કે 'તમારો દીકરો કે દીકરી કૉલેજ કે શાળાએથી અડધો કલાક મોડો આવે તો પણ જો તમારા કાળજું કપાઈ જતું હોય તો જરા વિચાર કરો એ માનો કે જેણે પોતાના દીકરાને હસતાં મોઢે દેશસેવા કરવા માટે બૉર્ડર પર મોકલી આપ્યો છે. સીમા પર થતાં ગોળીબારો અને નાની નાની લડાઈઓના સમાચાર સાંભળીને એનું કાળજું નહીં કંપી ઉઠતું હોય? આ બધા સવાલો હું તમને નથી પૂછતો પણ તમે તમારી જાતને પૂછી જુઓ એક વખત.'

દેશના નાગરિકો શાંતિથી જીવી શકે, નિરાંતે રાતે ઊંઘી શકે એ માટે સતત બૉર્ડર પર જાગતા રહેતાં ભારતીય લશ્કરના જવાનોનો ક્યારેય રાતે ઊંઘતા પહેલાં કે સવારે ઊઠીને આભાર માન્યો છે ખરો? કદાચ નહીં, ૧૦૧ ટકા આ સવાલનો જવાબમાં ના જ હશે. આપણે ભારતીય લશ્કર અને તેના જવાનોને ખૂબ જ ટેકન ફોર ગ્રાન્ટેડ લઈએ છીએ અને એવું માની જ લીધું છે કે બોર્ડર પર ૩૬૫ ડ ૨૪ ડ ૭ તહેનાત રહેવું એ એમની ફરજ છે, રાઈટ? પણ એવું નથી. જરા વિચારજો કે જો બોર્ડર પર એક પણ જવાન નહીં હોય ત્યારે દેશમાં કેવી અરાજક્તા ફેલાશે? દેશની રક્ષા કોણ કરશે? લૅફ્ટનન્ટ કર્નલ સંદીપ અહલાવત અને લૅફ્ટનન્ટ કર્નલ સોફિયા કુરેશીની હિંમતને સૅલ્યુટ અને તેમના પ્રયાસમાં બંનેને સફળતા મળે એવી અઢળક શુભેચ્છાઓ!

 


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OsY%2BtoMXh8dYL6GeOh3F%3DATx8fTv6qCHN3_gC%2BYnkAmaQ%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment