Tuesday, 2 October 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ સવારના વહેલા ચાલવા જવા વિશે... (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



સવારના વહેલા ચાલવા જવા વિશે...
અમથું અમથું હસીએ-રતિલાલ બોરીસાગર

હું દરરોજ સવારે ચાલવા નીકળું છું. આમ તો સવારે વહેલાં ચાલવા નીકળવા માટે 'ફરવા જવું' એમ કહેવાય છે. વહેલી સવારે સમગ્ર વાતાવરણમાં કવિતા છલકતી હોય છે એટલે 'ચાલવા જવું' જેવા ગદ્યાળુ શબ્દપ્રયોગને બદલે 'ફરવા જવું' એવો કાવ્યમય પ્રયોગ થતો હશે, પણ મેં સકારણ 'ચાલવા જવું' એવો ભાષાપ્રયોગ કર્યો છે. અમદાવાદ જેવા શહેરમાં તો વહેલી સવારે છ વાગ્યે પણ વાતાવરણમાં કવિતા છલકાવાને બદલે વાહનોનો ઘોંઘાટ છલકાતો હોય છે મોટા જાહેર માર્ગો પર ખાસ. સવારના છ વાગ્યે પણ આમથી તેમ દોડતાં જતાં વાહનોનો અવાજ મારા જેવા નિર્બળ કાનના મનુષ્યને પણ પ્રબળપણે સંભળાય છે. સવારના પહોરમાં કોણ ભટકાવાનું હતું એમ માની જલદ (ઝડપથી વાહન ચલાવવાવાળા) વાહનચાલકો અતિજલદ બનીને વાહન ચલાવે છે. સવારની બસ કે ટ્રેન પકડવાની હોય, એલાર્મ વાગ્યું ન હોય અથવા વાગ્યું હોય તો સંભળાયું ન હોય અથવા સંભળાયું હોય પણ એલાર્મ વાગે છે એવું ઊંઘમાં સમજાયું ન હોય અથવા એલાર્મ વાગે છે એમ સમજાયું હોય પણ 'હમણાં ઊઠું છું' કરીને, એલાર્મ બંધ કરીને પાછું સૂઈ જવાયું હોય અને પછી હાંફળાં-ફાંફળાં થઈ જવાયું હોય એવા પ્રવાસીઓ રિક્ષાવાળાને કે સ્કૂટર-મોટરમાં મૂકવા આવ્યું હોય તેવા મંદચાલક્ધો જલદ બનવાની અને જલદ ચાલક્ધો અતિજલદ બનવાની પ્રેરણા સતત આપતા રહે છે. પરિણામે આવા કોઈ જલદ-અતિજલદ વાહન સાથે પોતાનો શુભસંયોગ ન થઈ જાય તેની કાળજી સવારે વહેલાં ચાલવા નીકળનારે સતત લેવી પડે છે. એટલે સવારના 'ફરવા જવું' એવો શબ્દપ્રયોગ કદાચ નાના ગામમાં કે શહેરમાં બરાબર હશે પણ અમદાવાદ જેવા મોટા શહેરમાં તો સવારના ચાલવા નીકળવું એ પ્રયોગ જ વાજબી ગણાય. એટલે 'હું દરરોજ સવારે વહેલાં ચાલવા નીકળું છું' એમ મેં કહ્યું. આમ છતાં ફરવાનો નહિ તો ચાલવાનો થોડો આનંદ મળે, આકાશ સામે, વૃક્ષો સામે નજર માંડી શકાય, પંખીઓનો કલરવ ભલે એક કાને પણ સાંભળી શકાય એ હેતુથી હું રાજમાર્ગને બદલે ઉપમાર્ગ પર ચાલવાનું પસંદ કરું છું.

એકવાર આ રીતે એક ઉપમાર્ગ પર વિહાર કરતો જઈ રહ્યો હતો ત્યાં મારી જેમ જ ચાલવા નીકળેલા એક મિત્ર મળી ગયા. એ મિત્ર પણ રોજ ચાલવા નીકળતા હશે પણ તે દિવસે પહેલવહેલી વાર મળી ગયા. મેં સવારના ચાલવાનું શરૂ કર્યું એ માટે એમણે આનંદ વ્યક્ત કર્યો અને ખાસ્સી વાર ઊભા રહી ચાલવાના ફાયદા સમજાવ્યા. સ્ટૅન્ડિંગ પોઝિશનમાં વૉકિંગના ફાયદા સમજાવી રહ્યા પછી એકાએક એમનું ધ્યાન મારા હાથમાં રહેલી નાનકડી લાકડી તરફ ગયું. એકદમ નવાઈ પામીને તેઓ બોલ્યા, 'તમારા જેવા અહિંસક માણસના હાથમાં લાકડી જોઈ નવાઈ લાગે છે.' મારો ઘણોખરો ગુણવિકાસ દુર્ગુણ કેળવવાની મારી અશક્તિને કારણે થયો છે; જેમ કે, જરૂર પડે તોપણ હિંસાનો માર્ગ ન અપનાવવો એવી સાહજિક વૃત્તિને કારણે નહિ, પણ હિંસાના માર્ગે જવાની મારી અશક્તિને કારણે હું અહિંસાનો ઉપાસક બન્યો છું. આમ છતાં, કોઈ સાચી રીતે મારામાં કોઈ દુર્ગુણનું આરોપણ કરે છે તો મારાથી સહન નથી થતું, પણ કોઈ ખોટી રીતે પણ મારામાં કોઈ ગુણનું આરોપણ કરે છે તો એ હું સહર્ષ સ્વીકારી લઉં છું, એટલું જ નહિ, જેણે મારામાં ખોટી રીતે કોઈ ગુણનું આરોપણ કર્યું હોય એવી વ્યક્તિની ગુણગ્રાહિતાની પ્રશંસા પણ કરું છું. એટલે અહિંસાના ઉપાસક હોવાના મિત્રના કથનથી કૃતકૃત્ય થઈ મેં કહ્યું, 'તમારી વાત સાચી છે, પણ આ લાકડી મનુષ્યો માટે નથી, કૂતરાંઓ માટે છે. વાહનોના ધમધમાટથી બચવા આ બાય રોડ પર ચાલવાનું રાખું છું, પણ વાહનો સામે નથી મળતાં તો કૂતરાંઓ સામે મળે છે, વાહનોનો અવાજ ઓછો સંભળાય છે તો કૂતરાંઓનો ભસવાનો અવાજ વધુ સંભળાય છે. એટલે સલામતીના ઉપાય તરીકે લાકડી રાખવી પડે છે. પ્રેમલાલભાઈ નામના મારા એક મિત્ર છે. એ મિસ્ત્રી છે ઉપરાંત કવિ છે અથવા કવિ છે ઉપરાંત મિસ્ત્રી છે. એમણે પ્રેમપૂર્વક આ લાકડી બનાવી આપી છે ને મને ભેટ આપી છે. જોકે, આ કવિની લાકડી છે એવી કૂતરાંઓને ખબર નથી એ સારું છે, નહિતર જોખમ ખેડીનેય મારા પર હુમલો કર્યા વગર ન રહે !'

મિત્ર હસીને છૂટા પડ્યા, પણ કૂતરાંઓ વિશેની મારી બીક એમને અકારણ લાગી હોય એવું એમના ચહેરા પરના ભાવો પરથી લાગતું હતું. મિત્રને મારી કૂતરાંઓની બીક અકારણ લાગી એમ વાચકોને પણ આવી બીક અકારણ લાગવા સંભવ છે. 'પ્રેમને કારણો સાથે સંબંધ કોઈએ નથી' એમ કવિ કલાપીએ કહ્યું છે એ પ્રેમ માટે સાચું છે એમ બીક માટે પણ સાચું છે. બીક્ધો પણ કેટલીક વાર કેટલીક વાર નહિ ઘણી વાર, કારણો સાથે કશો સંબંધ નથી હોતો. મને સિંહની બીક નથી લાગતી પાંજરામાં હોય એવા સિંહની બીક તો બિલકુલ નથી લાગતી, પણ સાંકળે બાંધેલા કૂતરાની પણ મને બહુ બીક લાગે છે. સિંહ, વાઘ, ચિત્તો, દીપડો જેવાં ખૂનખાર પ્રાણીઓનાં ચિત્ર જોઈને મને કશી બીક નથી લાગતી, પણ કોઈ ઘરના દરવાજે 'કૂતરાથી સાવધાન' એવું બોર્ડ જોઉં છું ત્યારે એ બોર્ડમાં દોરેલા કૂતરાના ચિત્રને જોઈને હું સાવધાન જ નહિ, અતિસાવધાન બની જાઉં છું. આવા કોઈ શ્ર્વાનપાલક મિત્રને ત્યાં જવાનું થાય છે ત્યારે ઘેરથી નીકળતી વખતે ફોન કરીને મિત્રને દરવાજે ઊભા રહેવાની વિનંતી કરું છું. મને હાર્ટનો પ્રૉબ્લેમ થયા પછી પોતાને કારણે મારી જીવનલીલા સંકેલાઈ ન જાય એવી શુભ ભાવનાથી આવા દરેક મિત્ર મારી પહેલી નજરે વાહિયાત લાગે એવી વિનંતી પણ માન્ય રાખે છે. મારું સ્વાગત કરવા દરવાજે ઊભા રહે છે અને મિત્રની ઝેડ કક્ષાની સુરક્ષા હેઠળ હું એમના નિવાસસ્થાનમાં પ્રવેશું છું.

કૂતરાંની મને શા માટે આટલી બધી બીક લાગે છે તે હું પોતે સમજી શક્યો નથી. આપણી કોઈ પણ અકારણ બીક્ધાાં કારણો આપણા અજ્ઞાત મનમાં હોય છે એવું મનોવિજ્ઞાનીઓ માને છે, પણ મને મનોવિજ્ઞાનીઓ અને જ્યોતિષીઓની પણ બહુ બીક લાગે છે એટલે મેં આ બેમાંથી કોઈ તજ્જ્ઞને આ વિશે પૂછ્યું નથી.

કૂતરાંઓની આટલી બધી બીક લાગતી હોવા છતાં સવારના વહેલાં ચાલવા જવાનો મારો નિયમ હજુ તૂટ્યો નથી એનું મિત્રોને જ નહિ, મને પણ આશ્ર્ચર્ય છે.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OshbSe%2Bwx%2B5V-va%3DqqrVizeSBXeCFcABKm76kESN5JBjw%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment