Tuesday, 2 October 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ લોચાવાળા લગ્નની જોડી (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



લોચાવાળા લગ્નની જોડી હંમેશાં બિગ બોસના ઘરમાં લખાય છે!
સિક્રેટ ડાયરી-નિખિલ મહેતા

મારા ભજનો માટે હું બહુ જ પ્રખ્યાત થયો હતો, પરંતુ આજકાલ મારા વિશે જે ચર્ચા થઇ રહી છે એવી ચર્ચા અગાઉ ક્યારેય નહોતી થઇ. બિગ બોસ સીઝન ૧૨ કાર્યક્રમમાં મેં પ્રવેશ કર્યો ને જાણે દેશભરમાં સંગીતના સૂર ફેલાઇ ગયા એવું સાંભળવા મળે છે. કેટલાક લોકો કહે છે કે આ સૂર નથી, બેસૂરો ઘોંઘાટ છે. જે હોય તે, મને એક વાત સમજાઇ છે કે લોકો જ્યારે તમારા વિશે વાતો કરવા માંડે, ખાસ તો તમારી ટીકા કરવા માંડે ત્યારે તમે કંઇક સારું કામ કર્યું છે એવું માની લેવાનું.

 

આમ તો મેં જિંદગીમાં સારા કામો જ કર્યા છે. સમજણો થયો ત્યારથી ભજનો જ ગાયા છે. આનાથી વધુ સારું કામ બીજું શું હોઇ શકે? એવું નથી કે મેં ભજનોની શોધ કરી છે, ભજનો મારા લોહીમાં છે. મારા પિતા પુરુષોત્તમદાસ જલોટા એક જાણીતા ભજન ગાયક હતા. હું પંજાબના મશહૂર શામ ચૌરાસી ઘરાણાના વારસદાર છું. અલબત્ત, સંગીત વારસામાં મળ્યું એટલે મને આપોઆપ સફળતા નથી મળી. મારે પણ એ માટે સ્ટ્રગલ કરવી પડી છે. મેં પણ કરીઅરની શરૂઆત ઓલ ઇન્ડિયા રેડીઓ પર એક કોરસ ગાયક તરીકે કરી હતી.

 

ભજન ગાયક તરીકે મારું નામ થયા પછી મને વધુને વધુ સફળતા મળતી ગઇ. મેં આઠ ભાષામાં ભજનો ગાયા છે. ભક્ત ભજનો જ નથી ગાયા. ગીતો અને ગઝલો પણ ગાયા છે. દેશવિદેશમાં મારા સંગીતના કાર્યક્રમો યોજાયા છે. છેલ્લા ત્રીસ વર્ષ દરમિયાન પાંચ દેશોમાં મેં કુલ ૫,૦૦૦ જેટલા લાઇવ પ્રોગ્રામ્સ કર્યા છે. ભજન અને ગઝલના મારા ૨૦૦ જેટલા આલબમ્સ બહાર પડી ચુક્યા છે. મારા પંદરસોથી પણ વધુ ગીતો, ગઝલો અને ભજનો રેકોર્ડ થયા છે.

 

કળાના ક્ષેત્રે આવી ઉત્તમ કરીઅર ધરાવનારની કોઇને પણ ઇર્ષ્યા થાય, પરંતુ મારા જીવનમાં કોઇને ઇર્ષ્યા થાય એવું ઓછું બન્યુ છે. ખાસ તો સ્ત્રીઓ અને લગ્નની બાબતમાં મારો તાલ ક્યારેય મળ્યો નથી. અત્યાર સુધીમાં મારા ત્રણ લગ્નો થઇ ચુક્યા છે અને હવે જો જસલીન સાથે થશે તો એ ચોથા લગ્ન હશે. ઘણા લોકો એવું વિચારતા હોય છે કે વધુ લગ્નો કરનાર પુરુષો રંગીન મિજાજનો અને શોખીન હોય, પરંતુ એ માન્યતા ખોટી છે. કોઇ પુરુષ શોખ માટે લગ્નવિચ્છેદ નથી કરતો કે બીજા લગ્ન નથી કરતો. લગ્નજીવન તૂટી પડે એ હંમેશાં ટ્રેજડી હોય છે. સ્ત્રી અને પુરુષ બંને માટે. લગ્નવિચ્છેદની વેદનામાંથી પસાર થનાર વ્યક્તિ જ એનું દુ:ખ અનુભવી શકતી હોય છે.

 

મારા પહેલા લગ્ન સોનાલી શેઠ સાથે થયા. સોનાલી મારી શિષ્યા હતી, અને એ મારા પ્રેમમાં પડી. સોનાલી ગુજરાતી હતી અને અમે પંજાબી. અમે લગ્ન કર્યા, પરંતુ એ લગ્ન બહું લાબું ન ચાલ્યા. થોડા જ સમયમાં અમે છૂટાછેડા લીધા. ત્યાર પછી સોનાલીએ મારા શિષ્ય તબલચી રૂપકુમાર રાઠોડ સાથે લગ્ન કરી લીધા.

 

સોનાલી સાથે લગ્ન થયા ત્યારે લોકો ગુરુ-શિષ્યની પરંપરાની બહુ વાતો કરતા હતા, પરંતુ સોનાલીએ પછી મારા જ શિષ્ય સાથે લગ્ન કરી લીધા ત્યારે આવી પરંપરાની વાતો કોઇએ ન કરી. મેં જોકે દરેક વાતને સહજતાથી સ્વીકારી લીધી હતી. સંગીત પ્રેમ હતો અને એની સાધના હું સાચા દિલથી કરતો હતો. સ્ત્રી બાબતે શું કરવું એ મને ક્યારેય સમજાયું નથી.

 

પ્રેમલગ્ન નિષ્ફળ ગયા એટલે મેં બીજીવાર અરેન્જ્ડ મેરેજ કર્યા. બીના ભાટિયા સાથેના મારા લગ્ન વિશે વધુ ચર્ચા ન થઇ, પરંતુ એ લગ્ન પણ નિષ્ફળ ગયા. છેવટે અમે છૂટાછેડા લીધા. હવે બે વારના નિષ્ફળ લગ્ન પછી કોઇ પણ પુરુષ એ બાબતે પૂર્ણવિરામ મૂકી દે, પરંતુ મારા નસીબમાં હજુ ઘણું લખાયું હતું. મેધા ગુજરાલ નામની વિખ્યાત પરિવારની સ્ત્રી સાથે મારા ત્રીજા લગ્ન થયા. મારા આ લગ્ન બરોબર ચાલ્યા. મેધાએ એક પુત્રને જન્મ આપ્યો અને બધુ ઠીક ચાલી રહ્યું હતું ત્યાં જ એક મોટી આફત આવી પડી. મેધા એવી બીમારીમાં પટકાઇ, જેમાંથી એ સાજી ન થઇ શકે. મેધાનું અકાળે અવસાન થયું અને એ રીતે મારા ત્રીજા લગ્નનો પણ અંત આવ્યો.

 

હવે છેલ્લાં ત્રણ વર્ષથી જસલીન મારા જીવનમાં છે. અલબત્ત, જસલીન અત્યાર સુધી સત્તાવાર રીતે મારી એક શિષ્યા જ રહી છે. એ મારી પાસે સંગીત શીખી રહી છે, પરંતુ અમારા બંને વચ્ચે પ્રેમસંબંધ ક્યારેય થઇ ગયો એની બેમાંથી કોઇને ખબર ન પડી. બીજા સંબંધોની વાત અલગ છે, પરંતુ મારા અને જસલીન વચ્ચેનો સંબંધ જરા અનોખો છે. આજે હું ૬૫ વર્ષની ઉંમર વટાવી ચુક્યો છું અને જસલીન ફક્ત ૩૭ વર્ષની છે. અમારા બંને વચ્ચે ઉંમરનો ગાળો બહુ મોટો છે.

 

અને બીજું, પ્રેમ, રોમાન્સ કે લગ્ન કરવા માટે ભારતીય સ્ટાન્ડર્ડ અનુસાર મારી ઉંમર જરા મોટી ગણાય.

 

લગ્ન અને સ્ત્રીઓ બાબતે મારું જીવન તો ગુંચવણભર્યું રહ્યું, પરંતુ જસલીન તો સીધીસાદી યુવતી છે. મારા ત્રણ લગ્નો નિષ્ફળ ગયા છે એટલે મારી સાથે જીવન વિતાવવાના વિચારથી જસલીન થોડો ડર અનુભવે એ સ્વાભાવિક છે અને બીજી તરફ એ મને છોડવા માગતી નહોતી. છેલ્લા ઘણા સમયથી અમે અમારા સંબંધ વિશે વિચારણા કરતાં હતા. એવામાં બિગ બોસ કાર્યક્રમની ઓફર આવી. અમારું કામ આસાન થઇ ગયું.

 

જે વાત જાહેર કરતાં અમે ડર અનુભવતા હતા, સંકોચ અનુભવતા હતા એ વાત આનબાન અને શાનથી કહેવાનો અમને મોકો મળી ગયો. અમારા પ્રેમસંબંધનો એકરાર અમે બિગ બોસ કાર્યક્રમથી કર્યો. બીજી તરફ બિગ બોસના ઘરમાં સાથે રહેવાના અનુભવથી એકબીજાની સાથે રહેવાનું ફાવશે કે નહીં એનો અંદાજ પણ અમને, ખાસ તો જસલીનને મળી જશે. બિગ બોસ કાર્યક્રમના સંચાલકોને પણ કદાચ ખબર નહીં હોય કે એમણે મને તથા જસલીનને કાર્યક્રમમાં લેવાને કારણે એમની ટીઆરપી આસમાને જશે.

 

આજે અમારા બંને વિશે દેશભરમાં ચર્ચા ચાલી રહી છે. લોકો મારી ઉંમરની, મારા ભજનોની મજાક ઊડાવી રહ્યા છે. સોશ્યલ મીડિયામાં મારા વિશેની જોક્સ બની રહી છે. મને એમની સામે કોઇ વાંધો નથી. મને ફક્ત જસલીનના પરિવારજનોની ચિંતા છે. એ લોકો અમારા સંબંધ વિશે સાવ અંધારામાં રહ્યા છે. એમને કદાચ આઘાત લાગ્યો હશે. અમારા લગ્નને તેઓ સ્વીકારશે કે નહીં એની ખબર નથી.

 

જસલીન સાથે મારા લગ્ન થશે કે નહીં અને થશે તો કેટલું ટકશે એની મને ખબર નથી, પરંતુ જે કંઇ બનશે એ હું સહર્ષ સ્વીકારી લઇશ. સ્ત્રીને ચાહવી આપણી મરજીની વાત છે, પરંતુ સ્ત્રી સાથેનો સંબંધ ટકી રહે કે નહીં એ આપણા હાથની વાત નથી. મેં તો આખી જિંદગી આ અનુભવ્યું છે. તો આ વખતે નવું શું છે?

 

(નિખિલ મહેતાએ કરેલી કલ્પના)


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Oua9JojAFSpgcjN7yGvMnnCE8yPWtU%2BBx-PajwtPuUQVA%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment