Tuesday, 2 October 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ અમદાવાદનું હ્રદયઃ ખાડિયા-રાયપુર (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



અમદાવાદનું હ્રદયઃ ખાડિયા-રાયપુર!
વિનોદ ભટ્ટ

 

 

રાયપુર-ખાડિયા વિસ્તાર અમદાવાદનું હ્રદય છે જે સદાય ધબક્યા કરે છે. આ વિસ્તારને કારણે જ અમદાવાદ અમદાવાદ છે. જાણકારો કહે છે કે અહમદશા બાદશાહના કૂત્તા-સસલાવાળો કિસ્સો અહીં, આ વિસ્તારમાં બની ગયેલો. પોતાના સસરાના બગીચા પર બાદશાહ પોતાના 'પપી ડૉગ' સાથે શિકાર કરવા નીકળેલો. સામેથી એક સસલો આવ્યો. બાદશાહના કૂતરા અને સસલા વચ્ચે ગેરસમજ થઈ. કૂતરો સસલાને અલ્સેશિયન ડૉગ સમજ્યો ને સસલો પેલાને સામાન્ય સસલું ધારી તેની સામે ધસી આવ્યો. આ દ્રશ્ય જોઈને બાદશાહને ભારે રમૂજ થઈ. તેને થયું કે આ જગ્યાએ જો શહેર વસાવવામાં આવે તો ભારે ગમ્મત થાય. આ શહેરમાં બધું અવનવું ને વિચિત્ર બન્યા કરશે. આમ કહે છે કે આ વિસ્તારના એક સસલાને પરાક્રમે અમદાવાદ શહેર બન્યું.

 

એ દિવસથી માંડીને તે આ ક્ષણ સુધી રાયપુર-ખાડિયા બધી નવી-અવનવી બાબતોમાં આગળ છે. આ ખાડિયા નામ તો બી,બી.સી. પર પણ ચમકી ગયું છે. અહીંથી કોઈ પરદેશ જાય ત્યારે હજુય કોઈ વિદેશી કુતૂહલવશ પૃચ્છા કરે છેઃ 'વ્હોટ ઈઝ ખારિયા?' આ ખાડિયા ને રાયપુર વિસ્તાર આમ તો અલગ અલગ છે પરંતુ એ બે વિસ્તારો એકબીજામાં એવા તો વણાઈ ગયા છે, ઓતપ્રોત થઈ ગયા છે કે ક્યાંથી ખાડિયાની હદ શરૂ થાય છે ને રાયપુરની હદ પૂરી થાય છે એ નક્કી કરવું અઘરું પડે. તેમ છતાં છોકરી રાયપુર વિસ્તારની છે કે ખાડિયાની એ નક્કી કરવા માટે કેટલીક મનોવૈજ્ઞાનિક કસોટીઓ છે. દાખલા તરીકે, આ વિસ્તારમાંથી પસાર થતી વયસ્ક છોકરી સામે તમે નજર કરો ત્યાર પહેલાં એ જ તમને નીરખવા માંડે તો માનજો કે તે રાયપુરની છે. ને તમે સામે જુઓ ત્યારે તમારી સામે જોયા પછી પોતાની ચંપલ સામે નજર કરે તો જાણજો કે તે ખાડિયાની છે. બીજી એક કસોટી ચોટલાની છે. બંને ચોટલા પાછળ હોય અને ચોટલાને વીંઝતી સિંહણની જેમ પાછળ જોતી ચાલતી હોય તો તે રાયપુરની હશે. એક ચોટલો આગળ ને એક પાછળ હોય તો તે ખાડિયાની હોવાની. આવી છોકરીએઓથી સલામત અંતરે ચાલવું હિતાવહ છે. (આ માહિતી એક મજનૂની ડાયરીમાંથી ઉપલબ્ધ થઈ છે.)

 

ખાડિયાનું એક નામ અકબરપુર છે. મોગલકાળમાં આ વિસ્તારમાં ક્ષત્રિયોની વસતિ હતી એવું મગનલાલ વખતચંદે પોતાના અમદાવાદના ઈતિહાસમાં નોંધ્યું છે. આ વિસ્તારમાં તોફાન ચાલતાં હોય ત્યારે તો એમ જ લાગે છે કે આજેય ખાડિયામાં (ખાડિયા લખું એટલે રાયપુર તેમાં આવી ગયું) ક્ષત્રિયોની જ વસતિ છે. ખાડિયા બહાદુરીનું નામ છે. ગીતા જો આ યુગમાં લખાઈ હોત તો ભગવાન શ્રીકૃષ્ણે અર્જુન માટે કૌંતેય, મહાબાહુ, સવ્યસાચિ, કુરુશ્રેષ્ઠ વગેરે વિશેષણો વાપર્યા છે તેમાં એક વધુ વિશેષણ 'હે ખાડિયે!' પણ ઉમેર્યું હોત! અમદાવાદના રેડિયો યા ટી.વી. પાર જ્યારે સમાચાર આવે કે એક-બે વિસ્તારોને બાદ કરતાં શહેરમાં શાંતિ છે ત્યારે સુજ્ઞ લોકો વગર કહે સમજી જવાના કે એક તો જાણે ખાડિયા, પણ આ બીજો વિસ્તાર કયો હશે? એને માટે તર્ક-વિતર્ક કરવામાં આવે.

 

જહાંગીરે આ શહેરને ગર્દાબાદ તો કહ્યું જ છે, પણ જો તોફાન વખતે એકાદ વખત પણ ખાડિયામાં ઊભા રહીને તેણે પથ્થરોનો વરસાદ જોયો હોત તો આ શહેરને તે પથરાબાદ કહેવાનું ના ચૂકત. બી.એસ.એફ.વાળા લશ્કરી જવાનો ખાડિયા-રાયપુરમાં રહેવા કરતાં મોરચા પર લડવાનું વધુ પસંદ કરે છે. મોરચા પર સામેથી જ ગોળીઓ આવતી હોય છે, જ્યારે રાયપુર-ખાડિયામાં કઈ દિશામાંથી પથ્થર આવશે એની અટકળ કરી શકાય નહીં. કોઈ મેચમાં ભારત જીતે કે ચૂંટણીમાં વિરોધ પક્ષના ખાડિયા વિસ્તારના નેતાનો વિજય થયો હોય તો સૌથી પહેલાં ફટાકડા અહીં ફૂટવાના.

 

આ વિસ્તારમાં જન્મનાર બાળકને ગળથૂથીમાં પથરા મળે છે. તે બધું જ ખાય છે. પચાવે છે. પછી તે અંબિકાની ફૂલવડી હોય, વાડીલાલનો આઈસ્ક્રીમ હોય, બરફનો ગોળો હોય કે થ્રી નોટ થ્રીની ગોળી હોય- બધું જ પચી જવાનું. કોઈ જુદી જ તાસીર છે અહીંના છોકરાની. મોતનેય ડરાવનાર તેજ તેની આંખમાં છે. આ વિસ્તારમાં ગોળીબાર કરતી પોલીસને હંમેશા એ જ ડર રહે કે ગોળીઓ ખૂટી તો નહિ જાય ને! ખાડિયામાં આડેધડ ગોળીબાર થતો હોય ત્યારે રાયપુર ચકલાના ટિળક કે ગોખલે પાન હાઉસ પાસે એકસોવીસનો મસાલો ચગળતો યુવાન આરામથી ઊભો રહેશે. ખાડિયામાંથી તોફાન ખસીને રાયપુર ચકલાના બસ-સ્ટોપ સુધી પહોંચે ત્યારે એ યુવાન જરાય ઉતાવળ કર્યા વગર શાંતિથી ચાર ડગલાં ભરીને બાજુની ગલીમાં વળી જાય છે. તેના હ્રદયની ગતિ સહેજ પણ તેજ થતી નથી.

 

પણ ખાડિયા માત્ર તોફાન જ કરે છે એવી ગેરસમજ કરવા જેવી નથી. તે શાંત પણ એટલું જ રહી શકે છે. ખાડિયા પાસે એક આગવી શિસ્ત છે. ક્યારેક તમે જાણે યુદ્ધના મેદાનમાં ઊભા હો એવું લાગે તો અડધા-પોણા કલાક બાદ આ વિસ્તારમાં જાણે કે કશું જ બન્યું ન હોય તેમ રાબેતા મુજબનો વ્યવહાર લાગે. આ લતામાં ઈન્દુચાચા ફરતા, રવિશંકાર મહારાજ પણ ફરતા ને કૃષ્ણવદન જોષી ફરે છે. પણ કોઈ દંભી પોલિટિશિયન બંધ મોટરમાંય આ વિસ્તારમાં પસાર થઈ શકતો નથી. ખાડિયાને દંભની બહુ ચીડ છે. સાચા સેવકોની ખાડિયાને કદર છે. દર વર્ષે ખાડિયા-રાયપુરની જે વ્યક્તિઓએ સમાજમાં નોંધપાત્ર યોગદાન આપ્યું હોય તેની કદરરૂપે તેને સન્માને છે. તેના યોગદાનની યોગ્ય પ્રશંસા કરે છે.

 

રાયપુરના એક કોર્પોરેટર મિત્રને મેં પૂછ્યું,
'તમે આ જે સન્માનો કરો છો એની પાછળનો આશય શો છે?'


'લોકોની સાહસવૃત્તિ વધે એ… અમે સાહસોને બિરદાવીએ છીએ…' તેમણે સમજૂતી આપી.


'તો તમારે મારુંય સન્માન કરવું જોઈએ…' મેં પ્રસ્તાવ મૂક્યો.

 

'પણ તમે ક્યાં રાયપુર-ખાડિયાના છો?'


'રાયપુર-ખાડિયાનો ભલે ન હોઉં, પણ તમારા વિસ્તારની છોકરી સાથે પરણ્યો છું ને! એ કંઈ જેવુંતેવું સાહસ કહેવાય? કમ સે કમ મારી આ સાહસવૃત્તિની કદર કરીને જાહેરમાં મને સન્માનવો જોઈએ, આથી રાયપુર-ખાડિયાના ભાવિ જમાઈ થવાની યુવાનોને પ્રેરણા થશે…'

 

'જોઈએ'. કહીને એ મિત્ર સરકી ગયો. આ પરથી લાગે છે કે સાહસ બાબત રાયપુર-ખાડિયા પાસે આગવા ખ્યાલો છે.

 

આ રાયપુર-ખાડિયાની એક લોકસભા રાયપુર ચકલામાં રોજ બેસે છે. સ્થળ રિક્ષા સ્ટેન્ડની સામે કોઈ બંધ દુકાનના ઓટલે! કોઈ કોર્પોરેશન, ખોટું કામ કરે તો કોર્પોરેશનમાં તેની ટીકા થાય છે. કોર્પોરેશન ખોટું કરે તો તેની આકરી ટીકા ક્યારેક વિધાનસભામાં થાય છે. વિધાનસભા અયોગ્ય પગલું ભરે તો લોકસભા તેની ઝાટકણી કાઢે છે ને દેશ ખોટું કાર્ય કરે તો 'યુનો' તેની ખબર લઈ નાખે છે. પણ જો 'યુનો' કશુંક ખોટું કરે તો આ રાયપુર-ખાડિયાની લોકસભા તેના પર માછલાં ધૂએ છે. આ લોકસભા ઘણી જાગ્રત છે.

 

આખા શહેરના સમાચારો જાણવા માટે પત્રકારોને બધે રખડવાની જરૂર નથી પડતી. રાયપુર-ખાડિયામાં ચક્કર મારે એટલે તેને છાપવા માટે જોઈતો મસાલો મળી જ રહે છે. ખાડિયાને અન્ય લોકો ઈઝરાયલના મીનીએચર તરીકે ઓળખાવે છે.

 

હવે જો નવો કક્કો લખાશે તો તેમાં 'ખ' ખડિયાનો નહીં પણ ખાડિયાનો લખાશે!


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Osn_bDKOAC3yRqNywJNzWhh5E%2BoTGUJjX1Tko_UuKv3Dg%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment