એ... એવું કેમ હશે કે, માની ન શકાય એવી ખુબસૂરતી ધરાવતી સ્ત્રી સાલી સાવ ડોબા પણ અબજોપતિને જ પરણી હોય? તપાસ કરી લો, તમારા સર્કલમાં કે, આવું કેટલા બધા કિસ્સાઓમાં બન્યું છે? વાઈફ સુંદર હોય ને ગોરધન ઘાસલેટ હોય, એવું તમે ય તમારા સર્કલમાં કેટલા બધા કેસોમાં જોયું છે? પૈસો જોઈને પરણનારી સુંદર સ્ત્રીઓ શું ખરેખર બેવકૂફ હોય કે ગણત્રીબાજ? વેલ. ખાસ કરીને મારા પોતાના કિસ્સામાં તો આમાંથી કાંઈ લાગતું-વળગતું નથી, એટલે પર્સનલ ચર્ચા આપણે છોડી દઈએ... ને આમે ય, અમારા બા'મણભ'ઈઓમાં અબજોપતિ હોવાની તો વાતે ય ન હોય ને? અજાયબપતિ ઠેરઠેર મળી આવે... જેમાંના એકને તમે હાલમાં વાંચી રહ્યા છો! દયા પછી આવે, જીવ પહેલા બળે કે, જસ્ટ બીકૉઝ... પેલો કરોડપતિ છે, પણ દેખાવ અને સ્માર્ટનેસમાં પૈસા પડી જાય, એ જાણવા છતાં સુંદર સ્ત્રીઓ આવા લલ્લુઓને કેમ પરણતી હશે? આપણે બધા ભગવાન થઈ ગયા'તા, તે નજરમાં ન આયા? જમાનો જ્યારે અમારો ચાલતો હતો, ત્યારે ખાડીયાની એક એક બ્યૂટી-ક્વીનો સાલી કરોડપતિ લલ્લુઓને પરણી ગઈ, એટલે પછી અમારા જેવાઓનો હૅન્ડસમ લૉટ કંટાળીને કુકરવાડા, જોરાજીના મુવાડા, ધરાસણા કે ધ્રાંગધ્રા-ફાંગધ્રા પૈણી આયો! શું કરીએ બીજું? ભવિષ્યમાં કમ-સે-કમ એક ડોસીને કૂંવારી મરતી બચાવવી તો પડે! એક ફાયદો ગામડાની ગોરીઓને પરણવાનો અમને બધાને થયો કે, એ લોકો કરતા તો અમે વધારે સમાર્ટ દેખાતા હતા. બીજો ફાયદો ખરો ને વળી... કે, આંગડીયું ગામડેથી છોડાવ્યું હોય એટલે અમદાવાદમાં બીજા કોઈ નજર તો ન બગાડે. નહિ તો, અમદાવાદમાં ''ભાભી... ભાભી...'' કહીને આપણને જેઠ-દિયર બનાવી દેનારાઓ ઓછા નથી, ભ'ઈ! પણ તો ય... માણસ છીએ ને સારા માણસ છીએ. કાગડા દહીંથરાં લઈ જાય ને આપણે જોતા રહેવાનું, એટલે જીવો તો ભડભડભડ બળે ને?... કોઈ પંખો ચાલુ કરો... બફાઈ મરાય છે! યસ. કોઈની બળી જાય તો ભલે બળી જાય, પણ બધાએ કબુલ તો કરવું પડશે કે, ગુજરાતીઓમાં સૌથી સુંદર સ્ત્રીઓ બ્રાહ્મણ હોય છે. સુંદરતા પણ ગુજરાતીઓમાં જ્ઞાતિ-જ્ઞાતિએ જુદી પડે છે. બ્રાહ્મણ-સ્ત્રીઓ સૌથી સુંદર હોય, એ દસ્તાવેજ ઉપર હે વાચકો... તમે દસ્તખત કરી આપો, એટલે બીજી કઈ જ્ઞાતિઓની સ્ત્રીઓ ઓછી વત્તી સુંદર કે ડબલાંછાપ હોય છે, એ ચર્ચા મોટું મન રાખીને તમે પતાવી દેજો. મને આમાંથી બહાર રાખજો. હવે જૂના ઘા ફરી તાજાં કરીએ. ચલો, સ્વીકારી લઈએ કે, કરોડપતિ લલવો શહેરની શ્રેષ્ઠ સુંદરીને પરણી ગયો... ઈશ્વરને ગમ્યું, તે ખરૂં, પણ એ બન્ને ઘરની બહાર કેવી રીતે નીકળતા હશે? એ બન્ને બહાર નીકળે ત્યારે સમાજ ઉપર કેવા પ્રત્યાઘાતો પડતા હશે? વટેમાર્ગુઓ પુરૂષ હોય કે સ્ત્રી, કોઈ પેલા રાભાની સામે જોતું હશે ખરૂં? અરે, જે એને બોલાવતું પણ હોય, એ એની વાઈફ પાસે બે ઘડી ઊભા રહેવા મળે, માટે બોલાવે ને? કેમ કોઈ બોલતું નથી? મારો કૅસ ઢીલો પડી રહ્યો છે! આ વખતે પેલીનો મૂડ તો છલ્લમછલ્લા હોય, પણ એના ગણપતને કાંઈ નહિ થતું હોય? અરે, તમારા જેવો કોઈ હિંમતવાળો નીકળી આવે, તો એના જ વરને કહી દે, ''ગણપત... બે અડધી કહી આય...!'' પત્ની સુંદર હોય ને આપણે ડોબા હોઈએ, એ કાંઈ બહુ ખુશ થવા જેવી વાત નથી. સાલા વગર કારણે મિત્રો વધતા જાય છે. 'ભાભી... ભાભી...' કરતા હજારો ઘરમાં ઘુસી આવે છે અને 'મેહમાં જો હમારા હોતા હૈ, વો જાન સે પ્યારા હોતા હૈ'ના ધોરણે આપણે ય મોંઢા હસતા રાખીને આવકારો તો આપવા પડે. અહીં તો અમે સાલી કોઈ બ્યુટીક્વીનને પરણ્યા નથી, છતાં... ''ઓહ દાદુ તમે...? કેમ છો ભાભી, કેમ છો... આજકાલ તો દેખાતા જ નથી!'' તારી ભલી થાય ચમના, મારી વાઇફને હું રોજ એક વાર જોઈ લઉં, એ પૂરતું છે... તારે એને દેખીને શું કામ છે? આમાં પાછી આપણી વાઇફો ય હખણી રહેતી ન હોય ને સામો જવાબ આપે, ''ઓહ, કેમ છો પિલ્લુભા'આય...? વાસંતિભાભીને હારે નો લી આઇવા...?'' સાલો આપણો જ રૂપીયો ખોટો હોય, એમાં દોષ કોને દેવો? પિલીયાએ જીંદગીમાં પહેલી વાર આજે સારૂં કામ કર્યું છે ને એની વાસ મારતી વાસંતિને સાથે લઈ આવ્યો નથી... ને આવડી આ પાછી યાદ દેવડાવે કે, સાથે કેમ નથી લાવ્યા? આઈ ટૅલ યૂ... એની વાઇફ વાસંતિને એક વાર જોઈ લો પછી આગામી છ મહિના સુધી પરસ્ત્રીઓને જોવાના તમારા કાર્યક્રમો પડતા મૂકવા પડે! ઘણા તો બૈરાં ય એવા ઉઘરાવી લાવે છે કે, એવીઓને જોયા પછી આપણી સગ્ગી વાઈફો ય આપણને સગી બહેન જેવી લાગવા માંડે! મૂડ ના ઉતરી જાય? એક જાણિતી જોકમાં નહોતું આવતું કે, જંગલની પહાડીઓ ખૂંદી ખૂંદીને એક માણસ એક બાવા પાસે ગયો ને પ્રાર્થના કરી, ''સ્વામીજી, મને મારી વાઈફ ગમતી નથી... કોઈ ઉપાય બતાવો!'' ''ગધેડા... ઉપાય મળ્યો હોત તો હું બાવો બન્યો હોત?'' જો કે, સદરહૂ બાવો ય ડોબો હશે, નહિ તો શોખ સ્ત્રીઓનો હોય તો આપણા દેશમાં સાધુ બનવા જેટલી જાહોજલાલી ફિલ્મોમાં ય નથી. ફિલ્મોમાં તો કાસ્ટિંગ-કાઉચ પકડાય તો હલવઈ જવાય... સંત-સાધુઓનો તો સરકાર પણ વાળ વાંકો કરતી નથી. સુઉં કિયો છો? પાછું ગતાંકથી ચાલુ કરીએ તો, પિલ્લુ મારા દેખતા જ મારી વાઇફને હસતા હસતા કેમ જાણે કોઈ મોટી જોક મારી હોય એમ ફરિયાદ કરે, ''ભાભી, તમે આ રાક્ષસના પનારે ક્યાં પડયા? આ માણસ તો ઘરમાં એક મિનિટે ય રહે છે? આખો દહાડો બહારનો બહાર...!'' સાલાને ક્યાંથી ખબર પડી ગઈ હશે કે, હું આખો દહાડો એના ઘેર હોઉં છું...? એની અપરણિત સાળી... દિખને મેં બુરી નહિ હૈ! પાછૂં જે કરોડપતિ આટલી મનોહર, સુંદર અને પ્રાતઃસ્મરણીય પત્નીને ઉપાડી લાવ્યો હોય, એ હોય બહુ વહેમીલો! વાઇફ સુંદર ને પોતે ઘાસલેટ એટલે પળેપળે એને ફફડાટ રહેતો હોય કે, આવી આ કોક દહાડો મને પડતો મૂકી દેશે... ને એમાં ય, સામે આપણા જેવો હૅન્ડસમ માણસ મળ્યો હોય...! આ તો એક વાત થાય છે. આપણે ત્રણે મળીએ ત્યારે નોંધવા જેવું છે કે, એની વાઈફ તો આપણી સામે હસી હસીને કેવી નિર્દોષતાથી વાતોએ ઉપડી હોય... મામલો ઘરનો કહેવાય, એટલે બીજીઓ કરતા આપણે એને હસાવીએ પણ વધારે, પણ એ વખતે હસીને રીસ્પૉન્સ આપવાને બદલે એનો ગોરધન સાલો આપણી સામે કતરાતી નજરે જોતો હોય! સાલા, ગામમાં અમે બીજાની વાઇફો જોઈ નહિ હોય? એકલી તું જ લઈને બહાર નીકળ્યો છે? ભગવત ગીતામાં ય કીધું છે, જ્યારે સૃષ્ટી ઉપર પાપનો ભાર વધી જાય છે ને અત્યાચાર થાય છે, ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ ધરતી પર ઉતરી આવે છે ને ઍકઝૅક્ટ એ તબક્કે, આપણે પણ સાક્ષાત શ્રીકૃષ્ણસ્વરૂપે ઉતરી આવ્યા હોઈએ છીએ! સુઉં કિયો છો? અલબત્ત, આપણા દેશના મહાન ચિંતક અને વિચારપુરૂષ શ્રી. અશોક દવેજીએ ક્યાંક લખ્યું છે કે, માણસનું ચરીત્ર બીજાની વાઇફોને જોવાથી બગડતું નથી, પણ બીજો કોઈ આપણી વાઇફને જોયે રાખે, તો ચરીત્રના ભડાકા થવા માંડે છે... તારી બીજી વાર ભલી થાય ચમના... જે ઘરમાં ફિટ કરાવેલી છે, તેને જ અપ્સરા માની લે... બહાર તારા કોઈ ચણા ય નહિ આલે! મોટા ખર્ચા કરીને જેને તું પરણી લાયો છું, એ જ તારી કૅટરીના, જોલી.... એ જ સની લિયોન ને એ જ તારી ઍન્જેલિના. આઈ મીન... ડિમ્પલની આખી વાત અલગ છે! સિક્સર ભાષણોમાં ઘાંટાઘાંટ કરીને બોલવા ઉપરાંત, હવે તો રાહુલ બાબા દરેક વાક્યનો છેલ્લો અક્ષર કોની પાસેથી શીખીને લંબાવે છે? |
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Os%2BrjiBipEeegrHR1fmaJa_FRw%2BfKaffPru7jjJREKDQg%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment