Tuesday, 24 July 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ મહેમાનગતિ (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



કેટલાકની જિંદગી મહેમાનગતિ કરવામાં નીકળી જતી હોય છે!
વાહ જનાબ!-મયૂર ચૌહાણ

મહેમાન અને સાપમાં એક જ સામ્યતા છે. બન્ને એકવાર પ્રવેશ કરે એટલે ઘર કરી જાય. જોકે એક માટે દર હોય છે તો બીજા માટે બીજાનું ઘર તેનું આશ્રયસ્થાન હોય છે.

 

આપણા ડાયરાના કલાકારો જેટલું મહેમાનો વિશે બોલે છે તેટલું લખાતું નથી. કારણ કે આપણા હાસ્યલેખકો ઘરની વાતો છતી કરવામાં નથી માનતા હોતા. મહેમાન ઘર કરી ગયા તેની તો બિલ્કુલ નહીં!

 

મને તો દયા આવે છે આપણા રાજા મહારાજાઓની. જેમને ત્યાં વેકેશન મનાવવા માટે ઉંટો લઇ ધાડેધાડાં ઉતરતા હતા અને જ્યાં સુધી વિરોધી રાજા આક્રમણ ન કરે ત્યાં સુધી ઘરે પણ નહોતા જતા. આવી સ્થિતિમાં આપણા રાજા જ બિચારા મનોકામના કરતા હોય કે હવે કોઇ વિદેશી રાજા આક્રમણ કરે તો સારું, કારણ કે આ મહેમાન છેલ્લા એક મહિનાથી હથિયાર વિના આક્રમણ કરી રહ્યા હોય.

 

અમારા નજીકના સગાને ટેવ. વેકેશન પડવાનું હોય એટલે ઘેરથી માલ સમાન પેક કરી ધામા નાખે. છોકરાની પરીક્ષા પૂરી થવાની જ રાહ જોઇ બેઠા હોય. પછી સાત લોકોનો પરિવાર તેમને ત્યાં સર્જિકલ સ્ટ્રાઇકની જેમ ત્રાટકે.

 

રોજ જમવાનું અને ફાંકા મારવાના આના સિવાય તેમને કોઇ કામ નહીં. કોઇવાર મને તેમની દયા આવી જતી ત્યારે તેમને પૂછી લેતો કે તમને આવા મહેમાનને મારવાનું મન નથી થતું. ત્યારે તે હળવેકથી મટકું મારતા, 'મન થાય છે પણ શું કરું બે મહિના પહેલા હું તેમને ત્યાં બે મહિના રોકાયેલો.' પછી મારાથી વાત આગળ ન થઇ શકે.

 

એ મહેમાન કેવા ઉતાવળા અને તાલાવેલીવાળા ગણવા કે અમારા સજ્જન જાય તેની જ રાહ જોઇ બેઠા હોય. જેવા તે ત્યાં જાય કે પાછળ પાછળ બીજા જ દિવસે આવી પહોંચે. એકવાર તો હતી નો હતી થઇ ગયેલી. અમારા આ સજ્જન સગા એક મહિનો રોકાઈ, જ્યારે પાછા આવ્યા તો જેમને ત્યાં રોકાયેલા તે લોકોને પણ સાથે લઇ આવેલા.

 

મારા ઘર જૂનાગઢમાં ખતરાની ઘંટી માથે જ ઊભી હોય છે. ફરવા માટેના એટલા બધા સ્થળ કે મારી આજુબાજુના સગાં ધામા નાખવા પહોંચી જાય. અમારા ખાનદાનના કેટલાક સગાઓને તો કુટેવ પડી ગયેલી છે. વર્ષની શરૂઆતથી જ ફોન પર જણાવી દીધેલું હોય કે અમે શિવરાત્રીના દિવસે આવશું. એ શિવરાત્રીના પાંચ દિવસ રોકાય ઉપરથી તેમને બાવા સાધુ સાથે મેળાપ કરાવવો અને ગાંજો પીવડાવવો એ નોખું. તે દર વર્ષે આવતા એટલે મારા મગજનો ખૂટો છટકી ગયો. એકવાર એક અઘોરી સાધુ પાસે શિવરાત્રીના મેળામાં ભાંગ પીવા માટે બેઠા તો હું તેમને ત્યાં જ છોડી આવ્યો. પણ નશામાં ધૂત માણસ ગમે તે કરે! એ પ્રમાણે મારા તે સગા ગાંજાનો નશો ઉતર્યો ત્યારે એક બીજા બાવાને પણ લાવ્યા.

 

મેં પૂછ્યું, 'તમે આવ્યા તે તો બરાબર પણ આને શું કામ લાવ્યા?'

 

તેમણે શાંતિથી કહ્યું, 'હવે આને સંસારમાં આવવાનો શોખ જાગ્યો છે.'

 

તે દિવસથી પેન્ટ શર્ટ પહેરીને તે આધુનિક અને ભૂતપૂર્વ સાધુ પણ મારા ઘરના મહેમાન બનેલા. એટલેથી ઓછું હોય તેમ સક્કરબાગ ઝૂની મુલાકાતે, ખાપરા કોઢિયાના ભોયરા જોવા, બોદ્ધ ગુફા, અશોક શિલાલેખ જેવી અઢળક ઐતિહાસિક વસ્તુને જોવા માટે મારો વર્તમાન બગાડવા તેઓ આવ્યા કરતા હતા. પરિણામ શું આવ્યું? એ જૂનાગઢમાં આવવાનું ભૂલવાના નહોતા એટલે હું અમદાવાદ ભાગી આવ્યો. અહીં એવા કોઇ મોટા મેળા નથી ભરાતા જેથી તેમને ધક્કો ખાવો પડે. એ દિવસ આજની ઘડી અમારી મુલાકાત નથી થઇ.

 

મારા મિત્ર રમેશ દેથલીયાને ત્યાં આવતા મહેમાન એવા ડાંડ હતા કે તેમના ઘરે આવ્યા પછી જ માંદા પડવું એ તેમનો રિવાજ હતો. એકવાર તો રમેશનું મગજ ચસકી ગયું તે ડોક્ટરને ત્યાં ફરિયાદ કરવાની જગ્યાએ તેણે પોલીસ સ્ટેશને ફરિયાદ કરી દીધેલી. પોલીસ સ્ટેશને ગયા અને પોલીસને એફઆઇઆર લખવાનું કહ્યું. 'પોલીસ ઉવાચ, બોલો શું થયું?'

 

'દર મહિને એ મારા ઘરે ધાડ પાડવા આવે છે.'

 

'અલ્યા દર મહિને ધાડ પાડવા આવે છે, તે તમે આજ ફરિયાદ કરો છો, બોલો કોણ છે એ ચકચાર મચાવનાર ગઠીયો? શું તમે તેને ઓળખો છો?'

 

'હા, ઓળખું છું!! તે ઘરે આવે છે એક મહિનો રોકાય છે અને પછી ચાલ્યો જાય છે ઉપરથી તેની માંદગીનો પણ ખર્ચ મારે જ ભોગવવાનો વારો આવે છે.'

 

'કોણ છે એ?' પીએસઆઇ સાહેબે પેટ પર હાથ રાખતા પૂછ્યું. કદાચ તેમનું મગજ ત્યાંથી કામ કરતું હશે.

 

'રઘલો મારો મહેમાન' પછી પોલીસ સાહેબે રમેશને રિમાન્ડ પર લીધો. ન તો કોઇ વારદાત કરેલી ન તો કોઇ ગુનો, આમ છતાં પોલીસે મારા મિત્ર રમેશને વડલે બથુ ભરાવી ભરાવીને માર્યો.

 

મારે પોલીસ સાહેબ પાસે જઇ કહેવું પડ્યું કે હવે રમેશને છોડો આવી ભૂલો નહીં કરે. ત્યારે પોલીસ સાહેબે કહ્યું, 'આમને કહો ઘરની ઘરમાં રાખે, આમ બહાર તેમાં પણ પોલીસ સ્ટેશને આવી વાતો લઇને ન આવવી. મારા ઘરે પણ બે મહિનાથી મહેમાન ધામા નાખીને બેઠા છે, મેં મારા સાહેબને ફરિયાદ કરી? '

 

રમેશ અને હું મુંઝાયા પણ સાહેબની પરેશાની અમે સમજી શકતા હોવાના કારણે અમે ત્યાંથી ભાગી છૂટવું મુનાસીબ માન્યું. આજ કાલ રમેશ પણ અમદાવાદમાં જ છે ત્યારથી તે મહેમાન રમેશને ત્યાં કોઇ દિવસ નથી આવ્યા. અમારા એક મુરબ્બી કહેતા હતા કે, જો કોઇ તમારા ઘરમાં એક વર્ષ કરતા વધારે રહે તો તે ઘર તેની માલિકીનું બની જાય છે. તેમની વાતમાં કેટલું સત્ય છે તેની મને જાણ નથી, પણ તમારા ઘરમાં મહેમાન ઘર કરી જાય અને તે પણ એક મહિના સુધી ત્યારે તે ઘર તેનું થઇ જાય તેની મને પાક્કી ખબર છે.

 

કહેવાય કે તિથિ વિનાના આવે તે અતિથિ. એક દિવસ રોકાય તેને મહેમાન કહેવાય, પછી બે દિવસ રોકાય તેને હેવાન અને પછી એક મહિના સુધી બોરિયા બિસ્ત્રા બાંધી પડ્યા રહે તેની શૈતાન સાથે તુલના કરવામાં કોઇ અતિશ્યોક્તિ નથી. આવા અઢળક શૈતાનો મારા ઘરની આજુબાજુ વસવાટ કરે છે. જૈન ધર્મના નીતિ નિયમો મને અતિ પ્રિય છે. તમે સાધુ બની ચૂક્યા છો તો પછી એક જગ્યાએ સ્થિર ન રહેવું જોઇએ. તેઓ ભટક્યા કરે છે. કોઇ એક જગ્યાએ માંડ એકાદ દિવસ રોકાય છે. બાકી મારા ઘરના મહેમાનોને મેં ઘરેથી જવાના પૈસા આપેલા છે, છતાં તેઓ બેફિકરાઇથી એવું બોલે છે કે, 'રહેવાદો આમ પૈસા ન અપાય, ચાલો તમારું માન રાખી ત્રણ દિવસ વધુ રોકાઇ જઇશું.' આવું બોલે ત્યારે મારા મણકા ખસી જાય છે.

 

લેખક જ્યારે કશું લખી નથી શકતો ત્યારે તેના બની બેઠેલા ફેનો તેને કહેતા હોય છે, 'તમે રાઇટર્સ બ્લોકમાં ચાલ્યા ગયા લાગો છો.' હું જ્યારે નથી લખતો ત્યારે મારા મિત્રો મને ફોન કરે છે, 'તમારા ઘરે મહેમાન આવ્યા લાગે છે, બાકી તમને રાઇટર્સ બ્લોક ન થાય.'

 

અઢળક સાહિત્યનું સર્જન કરનારા એવા મહાન સાહિત્યકારો હંમેશ મહેમાનોથી દૂર રહ્યા છે. કેટલાકે તો લગ્ન જ નથી કર્યાં એટલે મહેમાનનું આવાગમન ઉપાગમન હોય જ નહીં. જ્યારે કેટલાકે એટલા બધા લગ્ન કરી લીધાં કે પછી મહેમાન સાચવવામાં જ જિંદગી ચાલી ગઇ.

 

એક વિવેચકને ત્યાં મહેમાન આવે તો તે તેમને વખોડી કાઢે. કવિની કવિતા સાંભળી મહેમાન પંદર મિનિટમાં ભાગી જાય. નવલકથાકારને ત્યાં મહેમાન ઓછા આવે, કારણ કે તે અશ્ર્વિની ભટ્ટની માફક શોધ સંશોધન કરવા માટે બહાર ગયા હોય. કટાર લેખકના ઘરે તો ભૂલથી પણ ન જવાય. વાર્તાકાર તો આવ્યા ગયા તેની ભાનમાં જ ન હોય, તે કલ્પના સૃષ્ટિમાં જ વિહરતા હોય, પણ એક હાસ્યલેખકને વિડંબણા ખરી.

 

તેમના મહેમાનો આવે એટલે પત્યું. જોક્સ સંભળાવી સંભળાવીને થાકી જવું પડે. પાછા પ્રત્યુતર પણ આપતા હોય કે, 'આ ટૂચકો ખૂબ ભંગાર હતો.'

 

રશિયન સાહિત્યકાર લિયો ટોલ્સટોયે પોતાની પત્ની સોફિયા ટોલ્સટોયને કહેલું, 'મારી આ નવલકથા પૂરી ન થાય ત્યાં સુધી તું કોઇ મહેમાનને અંદર ઘૂસવા ન દેતી.' પત્નીએ એમ જ કર્યું. એક મહેમાન દર મહિને કોઇવાર પંદર દિવસે ત્રાટકે પણ ટોલ્સટોયને મળી ન શકે. આખરે છ વર્ષ પછી તેમને મળાયું ત્યારે ખબર પડી કે તેઓ વોર એન્ડ પીસ જેવી લાંબી લચક નવલકથા લખી રહ્યા હતા. જેને આઠ વખત તો તેમણે રિ-રાઇટ કરી હતી. ૧૨૨૫ પેજની આ નવલકથામાં મહેમાનને મળ્યા વિના તેમણે કલ્પના શક્તિથી આટલાં પાત્રોનું સર્જન કર્યું તે પણ પીઠ થપથપાવવા જેવું કામ કહેવાય. આપણે તો મહેમાન આવે તો જ જોક્સ અને જોકર જેવા પાત્રોનું સર્જન થાય.

 

મારે નિયમ છે કે સાંજના પાંચેક વાગ્યે હું વોકિંગમાં નીકળું, કોઇવાર કૂતરૂ પાછળ પડે તો વોકિંગ રનિંગમાં પણ બદલી જાય. એવી એક ચોમાસી સાંજે ચાલતો જતો હતો. ત્યાં મારા મિત્ર પ્રતીક ગોંડલિયા મને સામા મળ્યા. તેનો હાંફળો ફાફળો ચહેરો જોઇ મને કંઇક અજુગતું થયું હોવાનો ભાસ થયો. મેં તેને આમ ભાગતા આવવાનું કારણ પૂછ્યું તો કહે, 'તારા ઘરે દસ લોકો થેલા ભરીને આવ્યા છે.' મારા ગળામાં થૂક અટવાય ગયું. પણ સારામાં સારી વાત એ હતી કે, મારો મોબાઇલ હું ઘેર ભૂલી ગયો હતો. એટલે બચવાના ચાન્સિસ પૂરેપૂરા હતા.

 

મેં પ્રતીકને મનાવી લીધો કે, તે લોકો ત્યાંથી ચાલ્યા ન જાય ત્યાં સુધી હું તારા ઘરમાં રહીશ. તેણે હા કહી, પણ ફસાવાનો વારો પણ તેનો જ આવ્યો. બે દિવસ સુધી હું તેના ઘરે રહ્યો અને તેના ૩૮ની સાઇઝના પેન્ટને પહેરી ઓફિસે જતો હતો.

 

મારા ઘરે તો ડોકિયું કરવાનો પણ મેં વિચાર માંડી વાળેલો. પણ પછી બીજાના ઘરે વધારે ન રહેવાય અને સમસ્યા સામે તો સામી છાતીએ લડવું આવું મનને કહી મેં મારા ઘર તરફ પગ ઉપાડ્યા.

 

ઘરે પહોંચ્યો તો કોઇ નહોતું. દરવાજો ખોલી અંદર ગયો અને મોબાઇલમાં રહેલા ૫૦૦ મિસકોલ્ડ સાથે એક મેસેજ ફરતો હતો તે વાંચ્યો. તેમાં લખેલું હતું, 'અમે ઉધાર આપવા આવ્યા હતા, પણ તમે નહોતા એટલે પછી હવે આવતા મહિને.' નિરાશા મારા ચહેરાને ઘેરી વળી. પણ મોબાઇલ મૂકું ત્યાં ચાર લોકો ઘરમાં પ્રવેશ્યા અને તેમણે ઘરને બાનમાં લીધું. જે સાચા મહેમાનો હતો. કેટલાકની જિંદગી મહેમાનગતિ કરવામાં કેટલાકની પરોણાગતમાં નીકળી જતી હોય છે.




--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Os08PFaD41UNnq%2BYD6EXxsB4PK6JrR0i9cywHqV7G_EyA%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment