Tuesday, 24 July 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ ચાર અશ્રુઓનો પત્ર (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ચાર અશ્રુઓનો પત્ર!
સ્પર્ધકની કૃતિ-જસ્મીન દેસાઈ (રાજકોટ)

આખરે કાર્તિક તેની પત્ની દેવી સાથે મુંબઈ પહોંચ્યો. સારું ભણેલો હતો એટલે સારો કહી શકાય એવો પગાર પણ આ નવી નોકરીમાં મળ્યો. કંપનીએ લોન આપતાં ઘર પણ લઈ લીધું... અને વિષાદોનાં વાદળો વચ્ચે એ બંને 'સ્થિર' થવા પ્રયત્નો કરવાં માંડ્યાં... વાદળો તો ધીરે ધીરે વિખરાય એવું વિષાદનું થયું, પરંતુ લોહીના સંબંધની લાગણી અને કોઈને ભલે મોડે મોડે પણ સમજણનાં પુષ્પો ઊગે તો એ આનંદની વાત છે.

 

આજ સુધી તો કાર્તિક અને દેવી પોરબંદર ખાતે એક નોકરીમાં કાર્તિક હતો ત્યારે તેઓ બંને પોરબંદરમાં કાર્તિક પોતાનાં માતા-પિતા સાથે રહેતો આથી તેની પત્ની દેવીને સાસુ-સસરા સાથે રહેવું પડતું હતું અને આ જ અસંતોષ-વિષમતાનું કારણ દેવીને હતું. રોજ રોજ આથી દેવીને સાસુ-સસરા સાથે કોઈને કોઈ નાની મોટી વાતે અને ઘણી વાર વજૂદ વિનાની વાતે નાના મોટા ઝઘડા ઘરમાં થતાં. ઘરનું વાતાવરણ કલુષિત થતું. કાર્તિક તો લોહીના સંબંધની લાગણીઓથી માતા-પિતા સાથે જોડાયેલો હતો એ તો સ્વાભાવિક હતું તો બીજી બાજુ દેવી તેની જીવનસંગીની હતી તો એ પ્રેમબંધનથી તેની સાથે જોડાયેલો હતો ત્યારે કાર્તિક આવા ઝઘડાઓમાં કોને ન્યાય આપે? એ વાતે મૂંઝાતો તેની સ્થિતિ તો ઘડિયાળના બંને બાજુ ફરતા 'લોલક' જેવી થઈ ગઈ હતી. એક બાજુ માતા-પિતા હતાં તો બીજી બાજું પત્ની હતી. આમાં ઘણી વાર બંને પક્ષોએ એટલે કે કાર્તિકના માતા-પિતા સાથે અને બીજી બાજુ પત્નીદેવી સાથે ઘર્ષણો થતાં. લાગણીઓ કુંઠિત થાય.

 

કાર્તિકને તો પોતાનાં માતા-પિતા સાથે લોહીના સંબંધે લાગણીઓના વાવેતર હતાં જ્યારે તેની પત્નીદેવી બહારનું લોહી હતું.

 

આખરે કાર્તિકના માતા-પિતાએ હૃદય-ઉપર ભાર મૂકી એક અતિ કઠિન, પરંતુ વધુ વાત વણસે એ પહેલાં... લાગણીઓને કાયમી ઠેશ ન પહોંચે એવા સમજદારી વિચારથી કાર્તિકને એક દિવસ પ્રેમ-પૂર્વક કહી દીધું કે તમે બંને-છૂટાં થઈ જાઓ!! આ શહેરમાં જ ક્યાંક મકાન શોધી લો... પરંતુ આપણે કાયમી આમ ઝગડતા રહીને ઘરને સળગતું રાખવું નથી...' કાર્તિકનાં માતા-પિતાએ એમ પણ ઉમેર્યું કે 'અમે સશક્ત છીએ-આર્થિક રીતે ઠીક ઠીક સધ્ધર છીએ... જરૂર પડશે તો એ લોકોની મદદ લઈ લેશે.

 

ઓહ! કાર્તિકને તો બહુ આઘાત લાગ્યો કે માતા-પિતાને કેમ આ રીતે તરછોડવાં... લાગણીનાં બંધન ભલે તોડવાના નહોતાં, પરંતુ જાણે 'ડબ્બામાં પૂરી દેવાનાં હતાં. દેવી આ નિર્ણયથી મનોમન ખુશ હતી અને કાર્તિક અને દેવીનું દામ્પત્ય જીવન કલુષિત થાય એ તે બંનેને પોષાય તેમ નહોતું. તેઓ તો આપસ આપસના પ્રેમમાં ઓતપ્રોત હતાં. આજે આવી પરિસ્થિતિમાં ઘરમાં પરમ-શાંતિ પ્રાપ્ત કરવા સઘળા પક્ષોને ભારે કિંમત ચૂકવવાનો સમય આવ્યો.'

 

આખરે, કાર્તિકે અને તેના માતા-પિતાએ હાલ પૂરતાં લાગણીઓનાં પુષ્પોને હૈયામાં સંગ્રહીને મુંબઈ જવાનું નક્કી કરી લીધું. વિશેષમાં સંતોષ માન્યો કે ક્યારેક રૂબરૂ આવીશું અને બાકી મોબાઈલ ઉપર સ્વરદેહે રૂબરું મળી લેશું! આમેય કોઈ પણ અણગમતી બાબત/પરિસ્થિતિ સકારાત્મક રીતે-હકારાત્મક અભિગમ સાથે વિચારીએ-સ્વીકારીએ તો તેનું દુ:ખ ઓછું તો જરૂર થઈ જાય. અહીં, સંબંધો-લાગણીઓમાં પૂર્ણવિરામ મુકાઈ જાય એના કરતાં અલ્પવિરામ મુકાય એ હિતાવહ હતું એમ સમજાયું હતું.

 

આમ, આખરે કાર્તિક અને દેવી મુંબઈ આવી ગયાં. આમ તો દુ:ખના અંગને કાપી નાખીને રાહત મેળવવા જેવું હતું તો કહો કે 'સબ કુછ લૂટાકે હોંશ મેં આયે તો ક્યા હુઆ' જેવું હતું...

 

હવે કાર્તિક અને દેવી મુંબઈમાં અને કાર્તિકનાં માતા-પિતા પોરબંદરમાં હતાં છતાં લાગણીનું ગણિત તો અદ્ભુત હોય છે કે જુદાઈના તાપમાં થીજી ગયેલ લાગણીઓ વધુ પ્રવાહી અને બળવતર બને છે અને ઝરણારૂપે વહેવાનું શરૂ થાય. હવે તો દેવી આખરે એક હૃદયવાળી સ્ત્રી હતી તેને પણ ઊંડે ઊંડે વિષાદ થતો કે આ શું થઈ ગયું! તેને પણ હવે જુદા રહેવાથી અતીત વળગી વળગીને તેની 'મરુભૂમિ'ને મૃદુ મૃદુ કરી રહ્યો હતો અને લાગણીઓની કુંપળો જાણે કૂદવા માંડી હતી! કાર્તિક તો મોબાઈલ કરતાં જ રડી પડતો. બીજી બાજુ પોરબંદર ખાતે તેનાં માતા-પિતા પોરબંદરના ખાલી ઘરમાં દીવાલો સાથે વાતો કરતાં... તેમાં એક સમયે પડેલા શબ્દો-પડઘા બનીને પડતા હતા, વળી કાર્તિક અને હવે તો દેવીમાં તો શું અહીં પોરબંદર કાર્તિકનાં માતા-પિતામાં જે લાગણીઓનું તત્ત્વ અતિ ઘેરું-ઊંડું હોય તો પણ 'સળવળતું' તો રહે જ. પ્રકૃતિમાં જેમ વસંત અને પાનખર બંને આવે એ પછી પાનખરમાં સુકા થયેલા વૃક્ષને નવપલ્લવિતનાં શણગાર થાય છે અને વૃક્ષ કાયમના રૂક્ષ થઈ જતું નથી એમ જીવનમાં પણ વસંત-પાનખર આવે, પરંતુ રૂક્ષતા કદી ન આવતાં પાનખરમાં સુપ્ત થયેલી લાગણીઓ વસંત આવતાં જાગી ઊઠે છે અને માનવીમાં લાગણીઓ ક્યાંક ક્યાંક ઊંડે જીવિત હોય છે જ. આજ સંબંધનું તત્ત્વ છે. આવું સઘળું હવે અહીં હતું.

 

એવામાં એક દિન કાર્તિકને મુંબઈ ખાતે એક પત્ર મળ્યો! તેમણે પત્ર ઉઘાડ્યો અને પત્ર જોઈ એ સ્તબ્ધ થઈ ગયો! ઓહ! આ શું? તેમાં ઉદ્બોધન હતું. 'વહુ-દીકરા... પછી કોઈ આગળ લખાણ જ નહોતું!! હા, પત્ર ઉપર પાણી જેવાં પાણીનાં ચાર રેલાયેલાં ટીપાં હતાં!! કાર્તિકે પત્રના નીચેના ભાગે જોયું તો લખેલું હતું કે 'પોરબંદથી બા-બાપુજીના આશીર્વાદ!! કાર્તિકે બેબાકળા થઈને દેવીને બોલાવી અને કહ્યું દેવી, જો તો આ પત્ર... એ બોલ ઊઠી હા, આ તો મમ્મી-પપ્પાનો પોરબંદરથી જ આવેલો પત્ર છે... તેમણે પણ પેલાં ચાર રેલાયેલાં બિન્દુઓ જોયાં... અને કાર્તિક, ઓહ! આ તો જરૂર બા-બાપુજીનાં નયનોમાંથી લાગણીઓના વહેણમાંથી છૂટી પડેલાં અશ્રુઓ જ છે. એ સમજી ગયો તેની સુષુપ્ત લાગણીઓ સજાગ થઈ ગઈ. જરૂર આ અશ્રુઓ જ આ પત્ર પર છે. બીજી બાજુ, દેવી ઋજુ ભાવે ઊભરાઈ, તેઓ બંનેના હૃદય પ્રદેશ ભંડારી રાખેલી લાગણીઓ અનોખી લહેરરૂપે પ્રસરી ગઈ અને કાર્તિક ઉદ્ગારી ઊઠ્યો દેવી, જો બા-બાપુજી લાગણીઓનો ઊભરો આવ્યો હશે ને આપણને પત્ર લખવાં બેઠાં હશે, પરંતુ તેના પ્રવાહમાં તણાતાં કંઈ લખી શક્યાં નહીં હોય! તેઓ કોઈ નાજુક પળોમાં ઉત્કંઠીત થઈ-ભાવવાહી થઈ પત્ર લખવાની ઉત્કંઠાસહ લખવાની શરૂઆત કરી હશે, પરંતુ આવી નાજુક સ્થિતિમાં કંઈ લખી નહીં શક્યાં હોય અને લાગણીના ઉભરા સ્વરૂપે તેઓ બંને પોતાની બંનેની આંખોમાંથી બબ્બે અશ્રુઓ પત્ર ઉપર વહાવી રહ્યાં હશે! પત્રને પેક કરીને સરનામું કરીને અહીં મોકલી દીધો હશે. દેવી ટહુકી ઊઠી હા, લાગણીઓની વાચાને શબ્દો ક્યાં હોય છે? છતાં એ પ્રબળ હોય છે. ઘણું કહી છે.

 

ત્યાર બાદ કાર્તિક હોંશથી બોલી ઊઠ્યો 'દેવી, બા-બાપુજીને અહીં જ રહેવા બોલાવીએ તો? ત્યાં તો હવે લાગણીઓથી તરબતર દેવીએ કહ્યું હા, હા, હવે હું કદી ઝગડો નહીં કરું. કાર્તિક તારા સોગંદ' અને...

 

એક દિવસ કાર્તિક-દેવી સાથે પોતાના માતા-પિતાને ઘેર પહોંચી ગયો પોરબંદર! એ લોકોને ઓચિંતા જોઈને તેના માતા-પિતાને સુખદ આશ્ર્ચર્ય થયું. તેઓ બંને બા-બાપુજીને પગે લાગ્યાં અને કાર્તિકે હોંશે હોંશે કહ્યું, 'બા-બાપુજી હવે તમારે અમારી સાથે જ મુંબઈ જ રહેવાનું છે... ત્યાં તો દેવીએ પણ લાગણીસભર કહ્યું' 'હા, તમારે અમારી સાથે જ આવવાનું છે' ત્યાર બાદ, કાર્તિકે કહ્યું કે 'તમારો જરૂરી અને થોડો ઘણો સામાન સાથે લઈ લો, બાકી બધું ત્યાં જ છે. ઘરની ચાવી મનુકાકાને આપી દેશું વખત આવે એને વેંચી નાખશું અને એની રકમ દાનમાં આપી દેશું એટલે કોઈ કહી ન જાય કે દીકરા-વહુ ઘરની રકમની લાલચમાં મા-બાપને મુંબઈ લઈ ગયા. બાએ કહ્યું 'દેવી વહુ ગાડીમાં ખાવા નાસ્તો કરી લઈએ. દેવીએ કહ્યું 'ના મમ્મી, આપણે પ્લેનમાં જવાનું છે. તમો બંનેને આવડી મોટી ઉંમરે ગાડીના આટલા લાંબા રસ્તાની તગડ કંઈ અપાય! બસ હવે વિશ્ર્વનો સૌથી મોટો લાગણીઓનો ધોધ વહી રહ્યો.

--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OtRUP%2BQso0E-vAiNcp3Sy6Zx%3DY%3DCgJX%2BoER4yY8i51NtQ%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment