Tuesday, 4 December 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ બોલવા દો બાળકોને ઈમેજિનરી દોસ્ત સાથે (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



બોલવા દો બાળકોને ઈમેજિનરી દોસ્ત સાથે!
વિશેષ-મીરા રોય

 

 

 

આજનો વિષય વાંચીને વિચારવા જેવો તો ખરો જ! ત્રણ વર્ષનો અક્ષત પોતાના એક ઈમેજિનરી ફ્રેન્ડ (કલ્પનામાં રહેતા મિત્ર) સાથે બહુ લડે છે, ઝઘડે છે અને કયારેક તો એ દોસ્તને પોતાની કાલ્પનિક જેલમાં પૂરી દે છે. વળી ક્યારેક એ એની મમ્મીને બૂમ મારીને કહે છે કે, "મમ્મી, જોને આ 'પરમાણું' (ઈમેજિનરી ફ્રેન્ડ-મનમાં વસેલા કાલ્પનિક મિત્રનું નામ કદાચ કોઈને કોઈ કૉમિક કેરેક્ટર પરથી લેવાયેલું છે) મને જોરથી પકડી લીધો છે, મને ખેંચીને લઈ જાય છે, મને જેલમાં પૂરી દેશે. મમ્મા..., બચાવો. એના વળતા જવાબમાં મમ્મી કહે છે કે, "તું બૉડી બિલ્ડર નથી? બટર-રોટી ને રોટી-દાલ નથી ખાતો? જો ખાતો હોય તો પરમાણુંને પાડી નાખ. એને હરાવીને મારી પાસે આવી જા. અક્ષત હવામાં થોડી મુક્કાબાજી કરે છે અને પરમાણુંને હરાવીને માની ગોદમાં લપાઈ જાય છે અને માતાને જોશમાં પોતાની વિજયગાથા સંભળાવે છે. 'વાત સાંભળીને નહીં કંટાળતી' માતા એને કહે છે કે, "એ પરમાણુંને કહેજે કે મારી મમ્મી મારી ટીમમાં છે. હવે મને હાથ પણ લગાડીશને તો મારી મમ્મી તારી ધુલાઈ કરી નાખશે. અક્ષત હવામાં વાત કરતાં પરમાણુંને માતાએ કહેલી વાત પોતાની કાચી જબાનમાં કહી સંભળાવે છે.

 

અક્ષતની આ વાત સાંભળીને મોટા ભાગના માતાપિતા પરેશાન થઈ રહ્યાં હશે. એમને એમ પણ થતું-લાગતું હશે કે એક ટેણિયું એમ હવામાં કોઈની સાથે વાતો કેમ કરી શકે અને મજા તો જુઓ એની મા બધું જાણતી-સમજતી હોવા છતાં બચ્ચાંને સાથ આપે છે? કેટલાકને તો વળી આ આખો મામલો કોઈ માનસિક રોગ જેવો પણ લાગતો હશે. જોકે, એવાં અનેક સંશોધનો આ બાબતે એવો ખુલાસો કરી ગયા છે કે, જે બાળકોને કાલ્પનિક દોસ્ત હોય છે તેમની પર્સનાલિટીનું ડેવલપમેન્ટ બહેતર રીતે થાય છે. આવા બાળકો હમેશાં મોટા પ્રમાણમાં ઈન્ટરઍક્ટિવ હોય છે એટલે કે ક્રિયા-પ્રતિક્રિયા કરનારાં હોય છે અને પોતાના મનની વાત દિલ ખોલીને કરે છે.

 

ખરી વાત જ એવી છે કે જે બાળકમાં આ પ્રકારની ક્લ્પનાશીલતા હોય છે તેઓ કદી એકલાં પડતાં નથી, એમને એકલાપણું લાગતું નથી, કારણ કે આવું બાળક સાવ એકલું હોય તો પણ પોતાની કલ્પનાના દોસ્ત સાથે હોય છે. એની સાથે ઢગલાબંધ વાતો કરે છે. પોતાની સાથે જે કંઈ બને છે, સારું કે નરસું, એ બધું જ પોતાના ઈમેજિનરી ફ્રેન્ડની સાથે શેર કરે છે. આવી રીતે શેર કરવાથી આવું બાળક પોતાને અભિવ્યક્ત કરવાનું-એક્સપ્રેસ કરવાનું શીખી જાય છે. એટલું જ નહીં, પણ ઈમેજિનરી ફ્રેન્ડ હોવાને કારણે આવું બાળક ક્યારેય નેગેટિવિટીથી-નકારાત્મકતાથી ઘેરાઈ જતું નથી. આ એક એવી લક્ષણિકતા છે જે તેમને અન્ય બાળકોથી અલગ પાડે છે. વળી, એ પણ જરૂરી નથી કે ઈમેજિનરી દોસ્ત હંમેશાં હવામાં જ વાત કરે. કેટલાંક બાળકો પોતાને બહુ ગમતાં રમકડાંને કે ફેવરિટ ટૉયને પણ પોતાનો ઈમેજિનરી દોસ્ત બનાવે છે.

 

આવું બાળક જ્યારે કોઈની સાથે રમતું નથી ત્યારે તે પોતાના કાલ્પનિક મિત્ર સાથે કલાકોના કલાકો વીતાવે છે. ઈમેજિનરી દોસ્ત બનાવનારા બાળકો વધારે કલ્પનાશીલ હોય છે. એ ક્યારેય પોતાને એક હદ-સીમા-મર્યાદામાં બાંધીને વિચાર કરતું નથી. મગજ ચકરાવી નાખતી વાત તો એવી છે કે વયમાં બહુ નાના હોવા છતાં આવાં બાળકો પોતાના ઈમેજિરી દોસ્ત થકી વાર્તા-કથાઓ ઘડી કાઢવાનું શીખી જતાં હોય છે, એ વાત અલગ છે કે એમની વાર્તાઓ અધકચરી-શીખાઉ અને કાચી હોય છે. માતાપિતાઓ બાળકોની આવી વાર્તાઓને ધ્યાનથી સાંભળે તો એમને સમજાશે કે, આ બાબત બાળકની મૌલિક ક્ષમતાના વિકાસ માટે કેટલી બધી જરૂરી છે, કારણ કે આગળ જતાં બાળકને એની પ્રોફેશનલ લાઈફમાં આ ક્લ્પનાશીલતા બહુ કામની સાબિત થાય છે. આ કલ્પનાશીલતા જ બાળકો માટે સફળતાનું બારણું ખોલે છે.

 

જોકે, એવાં પણ માતાપિતા છે જેમનું માનવું છે કે, ઈમેજિનરી દોસ્ત કે દોસ્તો સાથે આમ કલાકો વીતાવતું રહેતું બાળક બહારની દુનિયાના સંપર્કોથી કપાઈ જાય છે અને આવું વર્તન એનાં ઉછેર અને વિકાસ માટે યોગ્ય નથી. એમને શારીરિક-માનસિક રૂપે શ્રેષ્ઠ બનવું હશે તો વાસ્તવિક દોસ્તોની જરૂર પડવાની જ. આવી શંકા-કુશંકાઓ માતાપિતાઓને પરેશાન કરે એ વાતમાં કોઈ શંકા નથી..., પણ પોતાનું નાનું બાળક એના કાલ્પનિક મિત્રો સાથે કલાકોના કલાકો પસાર ના કરે એ તો માતાપિતાએ નક્કી કરવાનું છે. જો બાળકને પરાણે રોકવાનો પ્રયાસ કરવામાં આવે તો કાલ્પનિક દોસ્તો બાળકના વાસ્તવિક દોસ્તો પર હાવી થઈ શકે છે. એટલા માટે કાલ્પનિક દોસ્ત સાથે રહેવાનો બળકનો સમય નક્કી કરવો જરૂરી છે. એમ જોવા જાવ તો બાળકનો એના કાલ્પનિક દોસ્ત સાથે ખેલવા-રમવાનો કોઈ નિર્ધારિત સમય નથી હોતો એ પણ નોંધવું રહ્યું.

 

પોતાનું બાળક એના ઈમેજિનરી ફ્રેન્ડની સાથે જરૂર કરતા વધારે સમય તો નથી ગાળી રહ્યુંને, એ બાબતે માતાપિતાએ ધ્યાન રાખવું આવશ્યક છે અને જો એમ લાગે કે બચ્ચું વધારે પડતો સમય ગાળી રહ્યું છે તો માતાપિતા તરત જ પોતાનાં બાળકનું ધ્યાન એ કલ્પનાના દોસ્તમાંથી બીજી તરફ વાળે. એને કશું બીજું કરવા અથવા ટીવી જોવા પ્રવૃત્ત કરી શકે અથવા એને આઉટડૉર ગેમ ખેલવા બહાર મોકલી દઈ શકાય છે. જોકે, એક વાતનું ધ્યાન હંમેશાં રાખો કે અગર તમારા બાળકનો કોઈ ઈમેજિનરી દોસ્ત છે તો એનો આધાર લઈને બાળકને પોઝિટિવ રહેવા-બનવા મોટિવેટ કરો-પ્રેરિત કરો. એ માટે બાળકની સાથે તમે પણ એના એ કાલ્પનિક દોસ્ત સાથે વાતો કરો. આમ રમતાં રમતાં તમને બાળકના વિશે એવી વાતો જાણવા મળશે જેના પર તમે કદી ધ્યાન જ ન આપ્યું હોય! એની ખુબીઓ-ખામીઓ બધું જ તમારી સમક્ષ આવીને ઊભું રહેશે. વળી, તમે એના ઈમેજિનરી ફ્રેન્ડનો આધાર લઈને બાળકને શું સારું-શું નરસું, ખોટું અને ખરું શું, લોકો સાથે કેવી રીતે વર્તન કરવું વગેરે શીખવી શકો છો અને બચ્ચું જેમ કલ્પનાના મિત્ર દ્વારા ઘણું શીખી શકે છે એમ માતાપિતા પણ પોતાના સંતાન વિશએ ઘણું ઘણું શીખી-જાણી શકે છે.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OutQjY%3D1zN_MAh6SZGVjRe7nOLPP7HUkpeCNGB0OEC7Hw%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment