Tuesday, 4 December 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ કિરણ કી પાઠશાલા (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



કિરણ કી પાઠશાલા!
કવર સ્ટોરી-દર્શના વિસરીયા

 

 

 


તમારી ખુદની સ્થિતિ જ જ્યાં ડામાડોળ હોય એવામાં તમારો પહેલો પ્રયાસ શું હશે, તમારી સ્થિતિ સુધારવાનો કે પછી તમારા કરતાં જેમની સ્થિતિ વધુ કથળેલી છે એ લોકોની સ્થિતિ સુધારવાનો? સવાલ વાંચીને એકાદ મિનિટ તો મનમાં ચોક્કસ જ વિચાર આવા વેદિયાવેડા તો પુસ્તકોમાં જ શોભે રિયલ લાઈફમાં નહીં. પણ અજમેરની કિરણ રાવત તમારી આ વિચારશૈલી પર એક જોરદાર લપડાક છે.

 

'મુંબઈ સમાચાર' સાથે વાત કરતાં અજમેરના બંદિયા ગામની આ દીકરી કહે છે કે 'બધાને પરિવર્તન લાવવું છે, પણ એની શરૂઆત કોઈએ કરવી નથી. પણ મારે પરિવર્તન લાવવું છે અને એની શરૂઆત મેં કરી દીધી છે. આ મારું ઝનૂન છે, મારું લક્ષ્ય છે.'

 

સમાજસેવાની પ્રેરણા ક્યાંથી મળી એવું પૂછવામાં આવતા કે 'મને મારી માતા ગુલાબી રાવત પાસેથી આ કામની પ્રેરણા મળી છે, કારણ કે તેઓ ખુદ એક સમાજસેવિકા છે. આને કારણે હંમેશાથી જ મેં મારી આસપાસમાં એવા ગરીબ બાળકોને જોયા છે કે જેઓ ગરીબીને કારણે શાળામાં નહોતા જઈ શકતા. તેમને જોઈને મને ખૂબ જ તકલીફ થતી હતી.'

 

જીવનમાં શિક્ષણ કેટલું મહત્ત્વનું છે એ એ જ વ્યક્તિ જણાવી શકે છે જે પોતે ગરીબી અને મુશ્કેલીનો સામનો કરીને ભણતર મેળવી રહી હોય. કિરણ પોતે કૉલેજમાં ભણે છે અને તે આજની તારીખમાં એકલા હાથે ૫૦થી ૬૦ બાળકોને ભણાવવાનું કામ કરે છે. કિરણ ખુદ સરકારી શાળામાં ભણી છે અને તેથી જ સરકારી શાળામાં શિક્ષણનું સ્તર કેવું અને કેટલું હોય છે તેનાથી તે ખૂબ જ સારી રીતે માહિતગાર છે.

 

આ વિશે વાત કરતાં તે જણાવે છે કે 'જ્યારે હું દસમા ધોરણમાં ભણતી હતી એ વખતે મેં મારા શિક્ષકને પૂછ્યું હતું હતું કે 'ટૅન્સ (યિંક્ષતય) શું હોય છે અને અંગ્રેજીમાં ગ્રામર કોને કહેવામાં આવે છે? આ બંને સવાલો પૂછવાનું તાત્પર્ય એટલું જ કે સારી ગુણવત્તાના શિક્ષણનો અભાવ. પરંતુ જ્યારે હું કૉલેજમાં પહોંચી ત્યારે મને જાણ થઈ કે હું આજે જે કંઈ પણ છું એ મારી મહેનત અને લગનને કારણે છું.'

 

'હું જે ગામમાંથી આવું છે ત્યાં બાળકો સ્કૂલ જવાને બદલે કામ ધંધો કરવાનું વધારે પસંદ કરે છે અને જે રળ્યાખળ્યા બાળકો શાળામાં જાય છે એ લોકોનું પણ શાળામાં જવાનું એક જ કારણ હોય છે અને એ એટલે મિડ-ડે મિલ (શાળામાં આપવામાં આવતું ભોજન). બસ એટલે મારું મૂળ લક્ષ્ય આ બાળકોને ભણાવવાનું છે.

 

કિરણ આજે પોતાના ઘરે 'કિરણ કી પાઠશાલા' ચલાવે છે. ૨૦૧૬માં જ્યારે તેણે આ પાઠશાળા શરૂ કરી ત્યારે માત્ર ૧૦ જ બાળકો ભણવા માટે આવતા હતા, પરંતુ હવે આ બાળકોની સંખ્યા ૫૦નો આંકડો પાર કરી ગઈ છે. ભણવા આવનાર બાળકોમાં મોટા ભાગની છોકરીઓ જ છે તેથી કિરણ દરેક છોકરીને તેની રૂચિ અને રસને ધ્યાનમાં લઈને ડાન્સ, ગાવાનું અને પેઈન્ટિંગ શિખવાડે છે. કિરણનું ખૂબ જ દૃઢપણે એવું માનવું છે કે એક પેન, એક બાળક, એક પુસ્તક અને એક ટીચર જો નક્કી કરે તો આખી દુનિયાનો નક્શો બદલાવી શકે છે.

 

આ 'મિશન કિરણ વિશે વાત કરતાં કિરણ આગળ જણાવે છે કે 'મારી આવનારા બાળકોમાં સિનિયર કેજીથી લઈને નવમા ધોરણ સુધીના બાળકો છે. ભણતરના અભાવે આ બાળકો મેલા-ઘેલા જ રહેતાં હતા, જેને કારણે કેટલાય બાળકોને બીમારી પણ થઈ ગઈ હતી. જ્યારે પણ હું બાળકોને પૂછતી કે શું આજે તમે દાંત ઘસીને આવ્યા છો તો બાળકોનો એક જ જવાબ રહેતો કે દીદી અમારા ઘરમાં એક જ બ્રશ અને આખો પરિવાર એ જ બ્રશથી દાંત સાફ કરે છે. એટલું જ નહીં નહાવા માટે પણ બાળકો કપડાંના સાબૂનો ઉપયોગ કરતાં હતા. જેને કારણે તેમને ત્વચાની બીમારી થઈ ગઈ હતી.'

 

જે સોશિયલ મીડિયાનો પર તમે કે હું માત્ર ટાઈમપાસ કરવા કે અપડેટ કરવા ઉપયોગ કરતાં હોઈએ છીએ એ જ સોશિયલ મીડિયા પરથી કિરણે આ બાળકો માટે બ્રશ, સાબૂ અને અન્ય જીવનજરૂરિયાતની વસ્તુ એકઠી કરી. એટલું જ નહીં પણ કિરણે તેમના માતા-પિતાને પણ બાળકોને સાફ-સુથરા રાખવા અને કપડાં પહેરાવવા માટે સમજાવ્યા.

 

એવું નથી કે કિરણ આ પરિવર્તનની શરૂઆત લોકોને શિક્ષાદાન આપીને જ કરવા માગી રહી છે. તેણે ૫૦ હજારથી વધુ કપડાં જરૂરિયાતમંદ ગરીબ બાળકોમાં વેચ્યા છે. કિરણ 'મિશન કિરણ' હેઠળ એક સાથે અનેક પ્રવૃત્તિ કરે છે. 'મિશન કિરણ'ના શ્રીગણેશ વિશે વાત કરતાં કિરણ જણાવે છે કે '૨૦૧૪માં જ્યારે જમ્મુ કાશ્મીરમાં પૂર આવ્યા હતા એ વખતે ટીવી પર આવી રહેલાં સમાચારને જોઈને મારી મમ્મીએ કહ્યું કે જો આપણી પાસે પૈસા હોત તો આપણે પણ આ લોકોને મદદ કરી હોત. એ વખતે મેં મારી મમ્મીને જણાવ્યું કે મદદ કરવા માટે પૈસા નહીં પણ દાનત હોવી જોઈએ.' એ દિવસે કિરણે આખો દિવસ ગામમાં ફરીને રૂ. ૪,૬૩૧ ભેગા કર્યા અને કાશ્મીર માટેના રાહતકાર્યમાં જમા કરાવી દીધા.

 

મિશન હેઠળ કિરણ નેત્રદાન, અવયવદાન, કપડાં બેંક સહિતની અનેક સામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલી છે. સોશિયલ મીડિયા પર પણ તેણે આ માટે એક ઝૂંબેશ ચલાવી છે અને આજે આ ઝૂંબેશમાં ૧૦૦૦થી વધુ લોકો જોડાઈ ચૂક્યા છે. કપડાં બૅંકના માધ્યમથી અત્યાર સુધી ૮૦,૦૦૦થી વધુ લોકોને કપડાં પહોંચાડ્યા છે. આ ઉપરાંત તેણે એક નવો જ સૂત્ર સમાજ સમક્ષ મૂક્યો છે કે 'ભીખ નહીં પણ પુસ્તકો આપો'. આ ઉપરાંત કિરણ બાળકોને 'ગુડ-ટચ, બૅડ ટચ'નું પ્રશિક્ષણ પણ આપે છે, જેથી તેમની સાથે કંઈ પણ ખોટું થઈ રહ્યું છે તો બાળકોને તેની તાત્કાલિક જાણ થાય.

 

કિરણ છોકરીઓને લઈને ગામવાસીઓના જે વિચારો છે, તેમની જે માનસિકતા છે તેને બદલાવવા માટે પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરે છે. શું તને લાગે છે પહેલાંની સરખામણીએ મહિલા-બાળકીઓની સ્થિતિ અત્યારે સારી થઈ રહી છે? જેના જવાબમાં કિરણ કહે છે કે મને નથી લાગતું પરિસ્થિતિ ખાસ કંઈ બદલાઈ હોય. આજે ૨૧મી સદીના મારા ભારતમાં કચરા પેટી અને નાળામાંથી માત્ર બાળકીઓ જ મળી આવે, મેં ક્યારેય કોઈ બાળક કચરાના ઢગલામાંથી મળી આવ્યું હોવાની કે પુત્ર થવાને કારણે કોઈ માતા-પિતાએ તેને તરછોડી દીધા હોવાના સમાચાર નથી વાંચ્યા. તો પછી હું કઈ રીતે રહી શકું કે મહિલાઓની સ્થિતિ સુધરી રહી છે?'

 

નાનકડી કિરણનો સવાલના જવાબમાં પૂછવામાં આવેલો આ કડવો પણ વરવી વાસ્તવિકતા દર્શાવતો સવાલ દિલને હચમચાવી મૂકવા માટે સમર્થ છે.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OtQt8rwz%3DyTaufsLcs8H8OFWJjM-hf1w6an45BGVubBdA%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment