છેલ્લી ત્રણેય ચૂંટણીમાં હોઠ સુધી આવેલો કોળિયો ઝૂંટવાઈ ગયેલો. ટિકિટ માટેના દાવેદારોની યાદીમાં નામ મોખરે હોય છતાં, અંતે બીજા કોઈનું નસીબ ચમકી જાય. લનભાઈને ઓળખો છોને,કાકા? જૂની ફિલ્મોનાં ચુનંદા ગીતો લોકો સુધી પહોંચાડવાનું કામ કરનાર એ સજ્જન આજે એક લગ્નમાં મળી ગયા. રાજકારણનો સાર એમણે એક જ વાક્યમાં સમજાવી દીધો. કહે કે દસ વર્ષ અગાઉ કાર્યકરો પાસે ઠોઠિયાં સ્કૂટરોય માંડ માંડ હતાં. મારા-તમારા જેવા મિત્રો પાસેથી પચાસ-સો રૂપિયા લઈને એ પેટ્રોલ ભરાવતા હતા. આજે એ બધા ચાર બંગડીવાળી ગાડીમાં વટથી ફરે છે." આટલી પૂર્વભૂમિકા બાંધીને ધનજીએ શાંતિલાલ સામે જોયું. "એ તો પાંચમાં પૂછાય એવા માણસ છે. એમના જેવાથી માંડીને છેવાડાની પબ્લીક સુધી બધાયનો મિજાજ આ વખતે સાવ જુદો છે, આ સંદેશો હાઈકમાન્ડ સુધી પહોંચી ગયો છે,એટલે બચુકાકાનું નામ કપાઈ જશે એ લાકડા જેવી વાત છે.આટલા વર્ષ તમે પાર્ટી માટે મહેનત કરી છે, એનું ફળ આ વખતે મળશે.". આમ પણ શાંતિલાલ છ મહિનાથી ચિંતાતુર હતા.પાંસઠ વર્ષની ઉંમરમાં અગાઉ આવો ઉચાટ ક્યારેય વેઠ્યો નહોતો.વેપારની ધરખમ આવક ઉપરાંત,તાલુકાની સહકારી બૅન્કમાં મોભાદાર સ્થાન હતું. છતાં ધારાસભ્ય બનવાની તીવ્ર ઈચ્છા પંદર વર્ષથી મનમાં ટળવળતી હતી. છેલ્લી ત્રણેય ચૂંટણીમાં હોઠ સુધી આવેલો કોળિયો ઝૂંટવાઈ ગયેલો. ટિકિટ માટેના દાવેદારોની યાદીમાં નામ મોખરે હોય છતાં, અંતે બીજા કોઈનું નસીબ ચમકી જાય.. "આ વખતે છેલ્લો ચાન્સ છે,કાકા, ગાડી ચૂકી ગયા તો પછી ક્યારેય ધારાસભ્ય નહીં બનાય." ધનજી સાચા અર્થમાં શાંતિલાલનો શુભચિંતક હતો.આમ તો નાનો માણસ પણ તાલુકાના રાજકારણમાં એ પહોંચેલી માયા હતો. કોઈ જ મહત્વાકાંક્ષા વગર પક્ષની ઑફિસના પગથિયાં ઘસી નાખનાર માણસ ઉપર કોઈનેય અવિશ્વાસ ના હોય.એને લીધે પક્ષની બધી મિટિંગોમાં આસાનીથી ઘુસી શકે એવું એનું સ્થાન હતું. એની હાજરીમાં મોટા નેતાઓને ખાનગી વાતચીત કરવામાં કોઈ વાંધો નહોતો. "દસ વર્ષમાં પૈસા બનાવવા સિવાય બચુભાઈએ કંઈ કર્યું નથી,એ હાઈકમાન્ડના ધ્યાનમાં છે. એનું પત્તું કાપવાની તૈયારી થઈ ગઈ છે,એટલે તમે જોર લગાવો. પાર્ટીને તમારા જેવા સિનિયર અને ચોખ્ખા ઉમેદવારની જરૂર છે." "ધનજી,તું સાચો.હાઈકમાન્ડનો મેસેજ મને મળી ગયો છે કે તૈયારીમાં રહેજો, પણ મારા જેવો જ મેસેજ એ લોકોએ વિનોદને પણ પહોંચાડ્યો છે. બીજા તો કોઈ મેદાનમાં નથી એટલે હાઈકમાન્ડે મારી કે વિનોદની જ પસંદગી કરવી પડશે. બે વર્ષથી પક્ષમાં આવેલો એ તરવરિયો બધી વાતે પૂરો છે એટલે મનમાં ફફડાટ રહે છે.એ કારીગરને અઢારેય જાતની ઊડ આવડે છે.કઈ પળે કોની બગલમાં ઘૂસી જવું ને ક્યારે કોના પગ પકડવા એ બધી કળામાં એની માસ્ટરી છે." એમના અવાજમાં લગીર હતાશા ભળી."મેં આટલા વર્ષ પક્ષની ને પ્રજાની સેવા કરી ને એ કાબો મસ્કાબાજી કરીને બે વર્ષમાં છવાઈ ગયો છે.મારા માટે ટિકિટની નવ્વાણું ટકા ખાતરીને બદલે હવે ફિફ્ટી- ફિફ્ટી ચાન્સ છે!". "એ કારીગરે કંઇક કોઠાંકબાડાં કરીને કાઠું કાઢ્યું છે." ધનજીના અવાજમાં સાચી સહાનુભૂતિ હતી."એ વિનોદ વધારે જોર લગાવે તો તમને પાડી દે.આપણે વેપારી લાઈનના માણસ,મહેનત કરીને કમાવાનું. એની સામે એ લબાડને જુગારના અડ્ડાની જબરી કમાણી છે. બધાને ગળા સુધી ધરાવી દે તો એની ટિકિટ પાક્કી!" ધનજીએ વાસ્તવિકતા કબૂલી."નીતિમાં હરિફાઈ થાય, અનીતિમાં એ ગિલિન્ડર સામે આપણો ગજ ના વાગે. આખા તાલુકામાં તમારા માટે બધાને માન છે, છતાં હાઈકમાન્ડ પેલાથી ભરમાઈ જાય એવું બને. એ મેદાનમાં ના હોત તો સો ટકા તમને જ ટિકિટ મળે."એ રાત્રે શાંતિલાલ ઊંઘી ના શક્યા.વિનોદ જેવા વંઠેલને વરમાળા મળે ને સક્ષમ હોવા છતાં પોતે લટકી જાય એ કલ્પના બિહામણી હતી. ત્રણ વખત હતાશ થયા પછી આ વખતે છેલ્લી તક મુઠ્ઠીમાં હતી. આજે નહીં તો ક્યારેય નહીં.ધનજીના શબ્દો વારંવાર કાનમાં પડઘાતા હતા. વિનોદ મેદાનમાં ના હોય તો સો ટકા તમને જ ટિકિટ મળે.પરોઢ સુધી આકરા મનોમંથનમાં અટવાયા પછી બાબુ મારવાડીનું સ્મરણ થયું અને ઉપાય જડી ગયો.આ અંતિમ યુધ્ધમાં જીતવા માટે કોઈ છોછ નહીં રાખવાનો. શાંતિલાલ કાર લઈને સવારે એસ.ટી. સ્ટેન્ડ પાસે ગયા.કાર જોઈને હોટલમાંથી બાબુ મારવાડી દોડીને ત્યાં આવ્યો. "રાત્રે દસ વાગ્યે લાઈબ્રેરી પાછળ."બારીમાંથી ધીમા અવાજે આટલો સંદેશો આપીને એમણે કાર આગળ લીધી. આખા તાલુકામાં બાબુ મારવાડીની છાપ દાદાલોગ તરીકેની હતી. છતાં એ ધંધાદારી હત્યારો છે એ હકીકતની બહુ ઓછાને ખબર હતી. લશ્કરમાં નોકરી કરીને આવ્યા પછી રાજસ્થાનમાં સરકારી જમીન મળી હતી, બાપા અને ભાઈને ખેતીવાડી સોંપીને એ ઉત્તર ગુજરાતમાં આવી ગયો હતો. તાલુકા લેવલના સમૃદ્ધ ગામમાં નાનકડી હોટલ કરી હતી. છ ફૂટની કદાવર કાયા, કિંગ કોબ્રા જેવી સળગતી આંખો અને પૈસા માટે ગમે તે કામ કરવાની તૈયારી. પોલીસ સ્પેશ્યિયલ રિવોલ્વરથી ધાર્યું નિશાન પાડવાની આવડતનો ઉપયોગ કરીને એણે કમાણી શરૂ કરી.ઉઘરાણીના કે એવા નાના કામમાં ધોલધપાટથી નિકાલ આવી જતો. વર્ષે એક કે બે વાર રિવોલ્વરનું કામ પડતું ત્યારે બાબુને લોટરી લાગતી.. રાત્રે અંધારા ઓટલા પર શાંતિલાલ અને બાબુ મળ્યા. "દોસ્ત,એક નડતર દૂર કરવાનું છે." શાંતિલાલના અવાજમાં ધ્રૂજારી હતી. "મદદ કરીશ?""અરે શાંતિકાકા, હુકમ કરો."આભારવશ અવાજે બાબુ બોલ્યો."અહીં આવ્યો ને આપણો પરિચય થયો. મેનેજરે ચોખ્ખી ના પાડેલી તોય તમે વીટો વાપરીને તમારી બૅન્કમાંથી લોન અપાવેલી એ અહેસાન યાદ છે. એમાંથી ઘર લેવાઈ ગયું એ લેવાઈ ગયું બાકી, આજેય ભાડાના ઘરમાં ટિચાતો હોત." એ ધંધાની વાત ઉપર આવ્યો. "બે મહિના પહેલા એક પાર્ટીનું કામ પતાવેલું ત્યારે પંદરે પંદર લાખ એડવાન્સ લીધેલા." શાંતિલાલની સામે જોઈને એણે વચન આપ્યું. "બીજા બધા માટે પંદરનો ભાવ છે, પણ તમારું કામ દસ લાખમાં પતાવી દઈશ. ટાર્ગેટનું નામ બોલો." શાંતિલાલ ઉચાટમાં હતા."બાબુ,તું ખોટું ના લગાડતો. તારી છાપ ઘટિયા કિસમકા ચાલુ આદમી જેવી છે એટલે બીક લાગે છે." એમણે નિખાલસતાથી કહ્યું. "ક્લબવાળા વિનોદને વેતરી નાખવાનો છે. તું એને પતાવી દે તો મને ટિકિટ મળે. જીતવાનું તો નક્કી જ છે. નસીબ જોર કરશે તો અનુભવ અને ઉંમરના હિસાબે પ્રધાન પણ બની જવાશે." લગીર અટકીને એમણે શંકા દર્શાવી." એ વખતે તું મને ખંખેરવાનું વિચારે તો મારી હાલત કફોડી થઈ જાય.સાચું કહું છું.એટલે તો મોબાઈલથી વાત કરવાને બદલે રૂબરૂ મળવા આવું છું.""અરે મુરબ્બી,મહોબતની મીઠાશમાં આ મારવાડી મિલાવટ નહીં કરે." એણે હસીને શાંતિલાલને સમજાવ્યું. "મારા કારોબારની તમને તો ખબર છે,કાકા! આ હોટલની કમાણી જ ઘરમાં રાખવાની.તમારા જેવા કોઈ શેઠિયાનો ઑર્ડર મળે કે તરત મોટરસાઈકલને અપટુડેટ કરાવવાની.પાર્ટી પાસેથી દલ્લો મળે,એમાંથી એક રૂપિયો પણ અહીં નહીં રાખવાનો. બુલેટની સાઈડમાં લોખંડની પેટી જેવી ડેકી બનાવી છે. રૂપિયા એમાં ગોઠવી દેવાના. કામ પતાવવા બાઈક લઈને જ જવાનું.ટ્રિગર ઉપર આંગળી દબાવી દીધા પછી પાછા વળીને જોવાનુંયે નહીં. મારી આંગળીઓના કસબમાં વિશ્વાસ છે. કપાળ ઉપર બરાબર બે આંખની વચ્ચે જ નિશાન લેવાનું.એક જ બુલેટથી કામ ખતમ! ટાર્ગેટ ઢળી પડે ને એની આજુબાજુ ટોળું ભેગું થાય ત્યાં સુધીમાં મારી બાઈક બે કિલોમીટર દૂર પહોંચી જાય. ચકાચક હાઈવે પર નોનસ્ટોપ ગુજરાતની બૉર્ડર ક્રોસ કરીને રાજસ્થાન ખેરવાડા પહોંચીને બ્રેક મારવાની.હાઈવેથી ચાર કિલોમીટર અંદર મારું ગામ છે.ત્યાં બાપા અને મોટા ભાઈ ખેતી સંભાળે છે.આવી રીતે આવેલા પૈસા એમને આપી દેવાના.વહેલામાં વહેલી તકે વધુમાં વધુ પૈસા ભેગા કરીને આ અંધારા કૂવામાંથી નીકળી જવું છે.મારા ટાર્ગેટમાં થોડાક ખૂટે છે.એનું સેટિંગ થઈ જાય પછી અહીંથી ભાગી જઈશ. ગામડે આરામથી આરામથી ખેતી કરીશ.""દસ લાખ કાલે સવારમાં મળી જશે." શાંતિલાલે ઠંડકથી પ્લાન સમજાવ્યો. "આજે ગુરુવાર થયો.સોમવારે ખેલ પાડી દે.એ સટોડિયો દર સોમવારે સાંજે ભોળાનાથના મંદિરે આવે છે.બહાર બેઠેલા ભિખારીઓને પણ દસ દસની નોટ આપે છે.હુંય ત્યાં આવીશ. ચબૂતરા પાસે ઊભો રહીને તારા કસબની કમાલ જોઈશ." બાબુએ સંમતિ આપી.હાથ મિલાવીને બંને છૂટા પડ્યા.. હાઈવે પાસે આવેલા ભોળાનાથના મંદિરે સોમવારે ભીડ હતી. ચબૂતરા પાસે ઊભેલા શાંતિલાલના હ્રદયના ધબકારા વધી ગયા હતા. કાળું ટિશર્ટ અને જિન્સના પેન્ટમાં સજ્જ બાબુ ભીડમાં અલગ તરી આવતો હતો.મો ટરસાઈકલ પાસે ઊભો રહીને શિકારી કૂતરાની જેમ ચારેબાજુ નજર ફેરવી રહ્યો હતો.વિનોદ આવ્યો. એને જોઈને બાબુની આંખમાં જે ચમકારો થયો એ શાંતિલાલે એટલે દૂરથી પણ જોયો. લાઈનસર બેઠેલા ભિખારીઓ આશાભરી નજરે વિનોદ સામે તાકી રહ્યા હતા. વિનોદે ખિસ્સામાં હાથ નાખીને રૂપિયાની થપ્પી બહાર કાઢી અને ધીમા પગલે એ તરફ એ આગળ વધ્યો. એ વખતે શાંતિલાલની નજર બાબુ ઉપર સ્થિર હતી. કોઈ જ ઉતાવળ વગર બાબુએ પેન્ટના ખિસ્સામાં હાથ નાખ્યો.બીજી જ સેકન્ડે હાથમાં રિવોલ્વર સાથે એ બે ડગલાં આગળ વધ્યો. લગીર આગળ વધીને શાંતિલાલે આંખો ઝીણી કરીને વિનોદ સામે જોયું.એ જ વખતે બાબુનો હાથ ઊંચો થયો. ધડામ્.. રિવોલ્વરના જોરદાર અવાજથી શાંત વાતાવરણ ખળભળી ઊઠ્યું. ભીડમાં દોડાદોડી અને ચીસાચીસ થઈ ગઈ.કપાળમાં બરાબર બે આંખની વચ્ચે બુલેટ ઘૂસી હોવાથી શાંતિલાલ ત્યાં ચબૂતરા પાસે જ ઢળી પડ્યો ! બાબુની બાઈક ધમધમાટ ભાગી હતી,પણ એના કમનસીબે એ જ સમયે જીપમાંથી ઊતરતા ઈન્સ્પેક્ટરે આ આખી ઘટના નજરે જોયેલી. એમની જીપ બાબુની પાછળ દોડી.હાઈવે પર પાછળ ધસમસતી જીપ જોઈને મરણિયા બનેલા બાબુએ ઈન્સ્પેક્ટર પર ફાયરિંગ કર્યું પણ ચાલુ બાઈકે એ નિશાન ચૂક્યો. સામે ઈન્સ્પેક્ટરે ધડાધડ ફાયરિંગ શરૂ કર્યું. બાબુ બાઈક પરથી લથડ્યો. માથામાં વાગેલી ઈન્સ્પેક્ટરની ગોળીને લીધે એના શ્વાસ અટકી ગયા! શાંતિલાલ અને બાબુ બંનેની લાશ માટે પોલીસે કાર્યવાહી શરૂ કરી.સવારે બાબુના બાપા અને નાનો ભાઈ લાશનો કબજો લેવા આવી ગયા હતા.પોસ્ટમોર્ટમ રૂમની બહાર પુત્રે પિતા સામે જોયું. "બાપા,આ લોચો સમજાતો નથી.ગયા ગુરુવારે રાત્રે મોટાએ ફોનમાં ચોખ્ખું કહેલું કે સંબંધીનું કામ છે એટલે સસ્તામાં સોદો થયો છે.સોમવારે રાત્રે દસ લાખ લઈને આવીશ."એણે પૂછ્યું."મોટાએ દસનું કહેલું તો પોલીસને પચીસ લાખ કેવી રીતે મળ્યા? વધારાના પંદર લાખ ક્યાંથી આવ્યા?". શુક્રવારે વિનોદ અને બાબુ વચ્ચે જે મુલાકાત ગોઠવાયેલી એની તો કોઈનેય ખબર નહોતી એટલે આ બાપ-દીકરો મનોમન ગૂંચવાતા હતા... |
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ov-fH3dvBvLtngD8Lx-aZp_eDZvNP0gkSHODxQhO1burw%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment