નગરના રાજાએ એક સૂફી સંતને મારી નાખવાનો હુકમ કર્યો. સૈનિકો એના ઘરની આસપાસ ગોઠવાઈ ગયા. હવે રાજા આવે એની જ પ્રતીક્ષા હતી. એ જ વખતે એક જાણીતા સંત એ સૂફી સંતને મળવા ગયા. એમની સામે અનેક લોકો બેઠા હતા. લોકો અંદરોઅંદર વાત કરી રહ્યા હતા. ખાસ્સો એવો ઘોંઘાટ હતો. સૂફી સંતની આંખો ખુલ્લી હતી, એ ક્યાંક તાકી રહ્યા હતા. એમની સામે બેઠેલા લોકોના અવાજ, એમને મળવા આવેલા સંતની સાથે આવેલું ટોળું અને આસપાસમાં બની રહેલી કોઈ ઘટનાની જાણે કે એમના પર કોઈ અસર જ નહોતી. જે મળવા આવ્યા હતા એ સંતે થોડી પ્રતીક્ષા કર્યા પછી પેલા સૂફી સંતને પૂછ્યું, 'ત્યાં શું જોઈ રહ્યા છો?' 'મંજિલ!' એ સંતે જવાબ આપ્યો.
'આ આસપાસનો ઘોંઘાટ ખલેલ નથી પહોંચાડતો? આ સૈનિકો અને મૃત્યુનો ભય નથી લાગતો તમને?' પેલા સંતથી પૂછ્યા વિના ન રહેવાયું. આપણે એક જ દિશામાંથી આવ્યા છીએ અને એક જ દિશામાં જવાના છીએ છતાં આસપાસની ચીજોમાં રસ પડ્યા કરે છે. જે કરવાનું છે એ સિવાયનું બધું કરવામાં મજા પડે છે અને જે કરવાનું છે એ રહી જાય છે. 'તમે કોઈ દિવસ બિલાડી જોઈ છે? ઉંદરનો શિકાર કરવા બેઠી હોય ત્યારે એને ધ્યાનથી નિહાળી છે?' પેલા સૂફી સંતે પૂછ્યું, 'જ્યારે એ ઉંદરનો શિકાર કરવા બેઠી હોય ત્યારે એને એક જ અવાજ સંભળાય છે, ઉંદરનાં દબાતાં પગલાંનો. એને એક જ વસ્તુ દેખાય છે, ઉંદર. એને એક જ સુગંધ આવે છે, ઉંદરની અને એનું ધ્યાન એક જ દિશામાં હોય છે, જે તરફ એણે તરાપ મારવાની છે તે દિશામાં.' એમણે આગળ કહ્યું, 'એ વખતે કોઈ બિલાડીનો શિકાર કરી જાય તો? એને ખબરય ન પડે, ખરું ને?' પેલા સંત સમજ્યા નહીં, 'તમે શિકાર કરવા બેઠા છો?' એમણે પૂછ્યું. 'હા!' સૂફી સંતે કહ્યું, 'હું મારો જ શિકાર કરવા બેઠો છું. મને એક જ અવાજ સંભળાય છે, મારી ભીતરનો. એક જ સુગંધ આવે છે, દિવ્ય તત્ત્વની. એક જ વસ્તુ દેખાય છે, નિર્વાણ અને જે તરફ જવાનું છે એની ખબર પડી ગયા પછી આસપાસની કોઈ ચીજ પર ધ્યાન રહે જ કેમ?'
આપણે બધા મલ્ટિટેલેન્ટેડ, મલ્ટિટાસ્કમાં અટવાયેલા લોકો છીએ. આપણે ફોકસ નામના શબ્દને ભૂલી ગયા છીએ. બહુ શાંતિથી વિચારીએ તો સમજાય કે જીવનમાં સાચા અર્થમાં એક જ તરફ ગતિ થઈ રહી છે. આપણે એક જ દિશામાંથી આવ્યા છીએ અને એક જ દિશામાં જવાના છીએ તેમ છતાં આપણો પ્રોબ્લેમ એ છે કે આપણને આસપાસની કેટલીયે ચીજોમાં સતત રસ પડ્યા કરે છે. ખરેખર જે કરવાનું છે એ સિવાયનું બધું જ કરવામાં આપણને મજા પડે છે અને એને કારણે જે કરવાનું છે એ રહી જાય છે. મજા ન કરવી? ઇન્દ્રિયોનો આનંદ ન લેવો?
આ જગતમાં આવ્યા પછી જગત સાથે જોડાયેલી બાબતોને અણદેખી કરીને માત્ર ભગવત ભજનમાં પરોવાયેલા રહેવું એ જ સત્ય છે? જરાય નહીં. બધું જ કરવું અને છતાંય જે તરફ જવાનું છે તે ભૂલવું નહીં. એ સાચો અને ઇચ્છનીય રસ્તો છે. આ શરીરને પોતાના ધર્મો છે. જો ઇન્દ્રિયોનો આનંદ ન લેવાનો હોય તો રચના કરનારે ઇન્દ્રિયો આપી જ શું કામ હોત? જો આપણા જીવનમાં સુખને સ્થાન ન હોત, ફક્ત ત્યાગ અને સમર્પણ, સંયમ અને ધર્મ સિવાયની કોઈ ચીજ કામની જ ન હોત તો આ જગતનિયંતા રચના કરનારે આવો ફાલતુ સમય વેડફ્યો જ ન હોત ને, પરંતુ એણે આ બધું એટલા માટે આપ્યું છે કે શરીર એને માણી શકે. ભાઈ રમેશ ઓઝાના એક ઇન્ટરવ્યૂમાં એમણે એક વાત કહી, 'ઈશ્વર જ્યારે અવતાર લે છે. અવતાર કાર્ય કરે છે ત્યારે એ માનવ સ્વરૂપે એ બધું જ કરે છે જે આપણે કરીએ છીએ. આપણને અવતાર વધુ નિકટ અથવા પ્રિય લાગે છે, કારણ કે એ વખતે આપણો ઈશ્વર આપણા જેવો હોય છે. સંસ્કૃતમાં સીડીને 'અવતરણીય' કહેવાય છે. ઊતરવા માટેનો રસ્તો. (આનો અર્થ એ પણ થાય છે કે, ચઢવું તો જાતે જ પડે છે. ઊતરવા માટે કોઈ ને કોઈ કારણ મળી રહે છે) આ અવતરણીય ઉપરથી અવતાર શબ્દની વ્યુત્પત્તિ થઈ હોવી જોઈએ. જે ઉપરથી નીચે ઊતરે છે તે અવતાર છે.' આવા અવતારોનાં જીવન જોઈએ તો આપણને સમજાય કે એમનામાં માનવીય નબળાઈઓ હતી જ. માનવીય ગુણો પણ હતા, દેહના ધર્મો પણ હતા અને એની સાથે જોડાયેલાં કર્મનાં ફળ પણ એમણે ભોગવ્યાં જ છે. અર્થ એ છે કે, ઈશ્વર પણ જ્યારે સામાન્ય માણસ બનીને આવે છે ત્યારે એ સુખ-દુ:ખ, ભોગ-ઉપભોગ, રસ અને વૈભવને માણવામાં કચાશ રાખતો નથી, પરંતુ એની સાથે સાથે એના પોતાના અવતાર કાર્યની સ્મૃતિ પણ રહે જ છે! આપણે પણ આમ તો 'અવતાર' જ છીએ. ઉપરથી આવેલા, ઊતરી આવેલા, નથી આપણે? આપણી પાસે પણ અવતાર કાર્ય છે. આપણા જન્મ સાથે આપણને કંઈક સોંપવામાં આવ્યું છે. આપણે એ કાર્ય ભૂલી જઈએ છીએ. માત્ર સુખ-દુ:ખ, ભોગ-ઉપભોગ, રસ અને વૈભવને માણવામાં આપણને યાદ નથી રહેતું કે આપણે અહીં શા માટે આવ્યા છીએ? ભગવાન વેદ વ્યાસે શુકદેવને જ્ઞાનની પ્રાપ્તિ માટે જનક પાસે મોકલ્યા. રાજા જનકની મિથિલાનો વૈભવ જોઈને શુકદેવને જરા નિરાશા થઈ. એમણે મનોમન વિચાર્યું, આવા રંગરાગ અને ભોગવિલાસ વચ્ચે આ રાજા વળી શું જ્ઞાન અને વૈરાગ્યની વાતો શીખવશે! આવું વિચારતાં એ જનક પાસે પહોંચ્યા. એમણે જનકરાજાને પૂછ્યું, 'આ ભોગવિલાસ વચ્ચે વળી જ્ઞાન ને વૈરાગ્યની તમને શું સમજ છે? જેને જ્ઞાન વૈરાગ્યની સમજ હોય એ આવા ભોગવિલાસમાં અને ઇન્દ્રિયોના આનંદમાં અટવાય જ નહીં.' જવાબ આપવાને બદલે જનકરાજાએ કહ્યું, 'આ શુકદેવને તેલથી ભરેલું એક કોડિયું આપો. એમાં દીવો પ્રગટાવો અને એને આખા નગરમાં ફેરવો. જો દીવો બુઝાય કે તેલ ઢોળાય તો શુકદેવને મારી નાખજો. મારી આજ્ઞાની પણ પ્રતીક્ષા નહીં કરતા. તેલ ઢોળાયું કે દીવો બુઝાયો તો શુકદેવ જીવતો ન બચવો જોઈએ.' શુકદેવ દીવો લઈને નગરમાં ફરવા લાગ્યા. એમણે મનોમન વેદ વ્યાસને અને જનકને કેટલીયે અયોગ્ય વાતો કહી, પરંતુ દીવો સાચવ્યા વગર એમની પાસે બીજો કોઈ રસ્તો નહોતો. એ નગરમાં ફરીને પાછા ફર્યા ત્યારે જનકે એમને પૂછ્યું, 'સુંદર છે ને અમારું નગર? ભોગવિલાસ, વૈભવની સાથે સાથે અમે કેવા સુંદર બાગબગીચા અને ફુવારા બનાવ્યા છે. જોયું ને તમે? આનંદ આવ્યો કે નહીં?' શુકદેવ છેડાઈ પડ્યા. એમણે અકળાઈને કહ્યું, 'અહીંયાં રંગરાગ જોવાની કોને પડી જ છે? હું તો આ દીવો સાચવવામાંથી ઊંચો નથી આવ્યો. જીવ જવાની ધમકી હોય ત્યારે વળી રંગરાગની કોને પડી છે?' કોડિયા વગર દીવો ન થઈ શકે. તેલ વગર રૂ બળી જાય. રૂ વગરનું તેલ ભડકો કરે અને આ ત્રણેય ભેગાં થાય તો જ્યોતિ અંધારાને દૂર કરે. જનક રાજા હસી પડ્યા. એમણે કહ્યું, 'હું પણ આ ભોગવિલાસ અને રંગરાગની વચ્ચે મારા આત્માનો દીપક સાચવીને પ્રજ્જ્વલિત રાખવાનો પ્રયાસ કર્યા કરું છું. રાજા છું એટલે મારા દેહના અને દેહધર્મનાં કાર્યો છે, જે મારે પૂરાં કરવાં જ રહ્યાં, પણ એની સાથે સાથે આ અવતારનું પણ એક કાર્ય છે. હું મારા આત્માના દીવાને સંપૂર્ણપણે સંભાળીને આ રંગરાગમાં જીવું છું. હું એમને સ્પર્શું છું, એ મને સ્પર્શી શકતા નથી.' શુકદેવ એમને નમી પડ્યા. દીવાને જલતો રાખનાર તત્ત્વ કયું છે? કોડિયું, તેલ, વાટ અને જ્યોતિ. ધર્મ, અર્થ, કામ અને મોક્ષના આ પ્રતીક છે. કોડિયા વગર દીવો ન થઈ શકે. તેલ વગર રૂ બળી જાય. રૂ વગરનું તેલ ભડકો કરે અને આ ત્રણેય ભેગાં થાય તો જ્યોતિ અંધારાને દૂર કરે. આત્માના દીવાને પ્રજ્જ્વલિત રાખવા માટે આ ચાર પુરુષાર્થ છે, પરંતુ પાંચમો પુરુષાર્થ એ પ્રેમ છે. અજવાળું. આ અજવાળું જો થઈ શકે તો આપણે સ્વયં દીવો બનીને પ્રકાશિત થઈ શકીએ. બૌદ્ધ ધર્મ એ બીજું કંઈ ન શીખવી શક્યો હોત અને 'અપ્પ દીપો ભવ:' (તું જ દીવો બન)નું માત્ર એક આ જ વાક્ય બુદ્ધના મુખેથી સર્યું હોત તો પણ, એ બુદ્ધ જ હોત, કારણ કે બુદ્ધિ ઉપર પ્રેમનું નિયંત્રણ આપણને સૌને બુદ્ધ બનાવે છે.
|
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OtvsiNb8PpHcMfW8ibBoCVAzfUj5SReaxHeUPLuy7O%3Duw%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment