Monday, 24 September 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ જેટલીને મળ્યા હોય તોય માલ્યા આરોપી મટી નથી જતા (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



જેટલીને મળ્યા હોય તોય માલ્યા આરોપી મટી નથી જતા
તંત્રીલેખ
 

 

ભારતીય જનતા પક્ષ (ભાજપ)ના નેતૃત્વ હેઠળની એનડીએ સરકાર સામે લંડનથી એક અણીદાર તીર છૂટ્યું છે. આ તીક્ષ્ણ શસ્ત્રથી ભાજપ સરકાર સાવ ખતમ નહીં થાય તોય થોડી ઘણી ઈજાગ્રસ્ત જરૂર થશે.

લીકર બેરોન વિજય માલ્યા પર રૂ. નવ હજાર કરોડની છેતરપિંડી અને મની લોન્ડરિંગનો લંડનમાં ખટલો ચાલે છે, કેમ કે અચાનક 2016માં ભારતમાંથી છૂ થઈને લંડન જતા રહ્યા અને ભારત સરકારે એમના પ્રત્યર્પણની માગણી કરી છે.

કિંગફિશર એરલાઈન્સના આ ભૂતપૂર્વ બોસ બુધવારે લંડનની કોર્ટમાં હાજર થયા ત્યારે તેમણે પત્રકારો સમક્ષ 'બૉમ્બ' ફેંક્યો અને કહ્યું કે હું દેશ છોડતા પહેલાં નાણાં પ્રધાનને મળ્યો હતો અને મેં તેમને બૅન્કો સાથે સેટલમેન્ટ કરવાની વાત વારંવાર દોહરાવી હતી. માલ્યાએ અરુણ જેટલીનું ફોડ પાડીને નામ ઉચ્ચાર્યા વગર એના ગળામાં 'ગાળિયો' નાખી દીધો.

'મેં અગાઉ પણ કહ્યું છે કે હું તો 'રાજકીય ફૂટબોલ' બની ગયો છું. આથી વિશેષ હું શું કરી શકું. મારો અંતરઆત્મા સાફ છે. મેં કર્ણાટક હાઈ કોર્ટના ટેબલ પર મારી અંદાજે રૂ. 15000 કરોડની એસેટ સુધ્ધાં મૂકી દીધી હતી. હું 'બલિનો બકરો' બની ગયો છું. બૅન્કો કેમ આ બાબતમાં કંઈ કરતી નથી એવો સવાલ બૅન્કોને પૂછવો જોઈએ? માલ્યાએ એક પછી એક તીર છોડવાનું ચાલુ રાખ્યું.

વિપક્ષોને 'ભાવતું હતું ને વૈદ્યે કહ્યું', એવું થયું. રાજકીય રીતે ખોડંગાયેલી કૉંગ્રેસે તરત જ મુદ્દો પકડી લીધો. સરકારે વિજય માલ્યાને દેશ કેમ છોડવા દીધો? સરકાર આ વાતનો ખુલાસો કરે. કૉંગ્રેસે ત્યાં સુધીનો આક્ષેપ કર્યો કે માલ્યા અને અન્યોના નાસી જવામાં સરકારની સામેલગીરી છે. અરુણ જેટલી અને વિજય માલ્યાની એ મીટિંગમાં શું રંધાયું હતું એની કલ્પના જ કરવી રહી. જોકે, રાબેતા મુજબ ચબરાક નાણાં પ્રધાન અરુણ જેટલીએ વળતો જવાબ આપીને માલ્યાના દાવાને નકારી કાઢ્યો. જેટલીએ પોતે માલ્યાને મળ્યા હોવાની આખી વાત નકારી કાઢી. 'રાજ્યસભાના સભ્ય હોવાને નાતે એકાદવાર માલ્યા લૉબીમાં મારી સાથે થઈ ગયેલા ત્યારે એવું હળવેથી બોલેલા કે તેઓ સેટલમેન્ટની ઓફર કરી રહ્યા છે, આટલા શબ્દો જેટલીએ કહ્યા ખરા. માલ્યાનો ઈરાદો સ્પષ્ટ રીતે ભારતના રાજકીય પાણીને ડહોળી નાખવાનો છે. 2019ની ચૂંટણી ટાણે એમનું આ તીર ધાર્યું નિશાન પાર પાડશે એટલું તેઓ સારી રીતે જાણે છે.

ચૂંટણીઓ આવી રહી છે ત્યારે મોદી સરકાર પર અવારનવાર - જાણી-અજાણી જગ્યાએથી ગોફણમાંથી પથ્થરો મારવામાં આવશે.

વિજય માલ્યાને ભારતમાં પાછા લાવવાના જોરદાર પ્રયાસો થઈ રહ્યા છે ત્યારે રાજ્યસભાના સભ્ય રહી ચૂકેલા વિજય માલ્યા પણ ગાંજ્યા જાય એવા નથી. તેઓ જાયન્ટ બિઝનેસમેન હોવા ઉપરાંત રાજકારણના રંગે પણ રંગાયેલા છે. કઈ ઘડીએ કયુ શસ્ત્ર વાપરવું એ એમને ખબર છે. જોકે માલ્યા જેટલીને મળ્યા હોય કે ન હોય તેનાથી એ કાંઈ આરોપી મટી નથી જતા.

ભારત સરકાર અને વિવિધ એજન્સીઓની માલ્યાની પ્રત્યાર્પણની કોશિશો કામિયાબ થશે કે કેમ એ લંડનની અદાલતના ચુકાદા પર નિર્ભર છે, પરંતુ અત્યારે તો માલ્યાએ ભારતના વિપક્ષો ઉશ્કેરાઈને ભાજપ સરકાર પર પસ્તાળ પાડે એવો માહોલ સર્જ્યો છે.

રિઝર્વ બૅન્કના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજને પણ સુપરત કરેલા અહેવાલમાં ભાજપ સરકારને મૂંઝવણમાં મૂકતી વાત કરી જ હતી કે બૅન્કોની એનપીએ એ ગંભીર મુદ્દો છે. પીએમઓને પણ જાણ કરેલી. આમ છતાં યુપીએ અને ત્યાર પછીની સરકારોએ કોઈ નક્કર પગલાં લીધા નથી.

ભાજપના નેજા હેઠળની સરકારે આવા ટીકાસ્ત્રો માટે અને વિપક્ષી હુમલાઓ માટે સજ્જ રહેવું પડશે.

--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OvGBjPsWiuqrjun2kgYTJKj4CMJAYHbuquh%2BzMK-kUBXQ%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment