Monday, 18 February 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ વિલ યુ બી માય વેેેલેન્ટિનો અગેઇન? (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



વિલ યુ બી માય વેેેલેન્ટિનો અગેઇન?
ભવેન કચ્છી

 

 

 

 

પહેલી વખત વેલિન્ટાઈન રોઝ તો બધા આપે બીજી વખત આપવામાં પ્રેમથી ધગધગતું જિગર જોઇએ


...મયંકે રાત્રે રાધિકાને ફોન કર્યો કે ''મેં તને આજે કોલેજમાં કરેલી વેલેન્ટાઈન ઓફર મજાક ન હતી... અને રાધિકાના હૃદયના તાર ઝણઝણવા માંડયા''


મ યંક અને રાધિકા (બંનેના નામ કાલ્પનિક છે.) વચ્ચે કોલેજકાળથી જ પ્રેમ પાંગર્યો હતો. ટ્રેડીશનલ ડ્રેસ ડે હોય કે હેલોવિન ડે બંનેનું પ્રેઝન્ટેશન છવાઈ જતું હતું. અભ્યાસમાં પણ તેજસ્વી. વકૃત્વ કે નાટય સ્પર્ધામાં કોલેજમાંથી તેઓનું પ્રતિનિધિત્વ તો હોય જ. લાઈબ્રેરીમાં અને કોફી સેન્ટરમાં સાથે જ જોવા મળે.


કોલેજના આખરી વર્ષમાં 'વેલેન્ટાઈન ડે' એ મયંકે તેના ગુ્રપની હાજરીમાં જ રાધિકાને સરપ્રાઇઝ આપતા વેલેન્ટાઈન સ્ટાઇલથી જ ગુલાબ ઓફર કરતા ભારે નમ્રતાભરી અરજથી પુછ્યું 'રાધિકા વિલ યુ બી માય વેલિન્ટિનો ?' રાધિકાએ શરમાઈને ગુલાબ લઇ લીધું. બધા મિત્રોએ સીસોટી  વગાડી અને 'હિપ હિપ હુરરે' કહીને બંનેને વધાવી લીધા.


મિત્રો મજાક મસ્તી કરીને છૂટા પડયા. રાધિકા ઘેર જઇને તેના રૂમમાં શમણા જોવા માંડી. તે મયંકને ખૂબ ચાહતી હતી. તેણે વિચાર્યું કે હવે તો કોલેજ પુરી થવાને ગણતરીના દિવસો જ બાકી છે. મયંક તો મને મિત્ર માનતો હોય તેમ લાગે છે. રોઝ ડે હોય કે ફ્રેન્ડશિપ ડે કે પછી વેલેન્ટાઇન ડે ગુલાબ આપતો રહે છે. કાશ.. ખરેખર આજે વેલેન્ટાઇન ડે એ તેણે ગંભીરતાથી મને તેના પ્રેમનો એકરાર કરતા મારો હાથ માગ્યો હોત તો.


મયંક શિક્ષિત પરિવારનો મધ્યમ વર્ગીય પુત્ર હતો. રાધિકાના પિતા બિઝનેસમેન અને શ્રીમંત કહી શકાય. રાધિકા પ્રેમરોગનો શિકાર હતી તેને તો મયંક મળી જાય તો તેની જીવન પાસેથી બીજી કોઈ અપેક્ષા નથી. 'હું જ મયંકને કાલે પ્રપોઝ કરીશ અને તેને રીતસરની ધમકી આપીશ કે જો તું લગ્ન કરવા સંમત નહીં થાય તો હું બીજા કોઈ છોકરા જોડે ક્યારેય લગ્ન નહીં કરૂં.' પપ્પા-મમ્મી ના પાડશે તો તેને મનાવી લઈશ તેઓની ઇચ્છા વિરૂધ્ધ મયંક જોડે લગ્ન કરી જીવન વીતાવીશ. મોડી રાત્રિ સુધી પડખા બદલીને તે આવા વિચારવમળમાં અટવાઈ મીઠી મજા માણી રહી હતી.


ત્યાં જ રાત્રે રાધિકાનો ફોન રણક્યો... મયંકનો જ સ્ક્રીન પર ફોટો જોઇને રાધિકા હરખાઈ ગઈ. મયંકે કહ્યું કે 'હું જોઈ શક્તો હતો કે તું મારા ખ્વાબમાં જ પથારીમાં પડખા બદલતી હોઈશ... જો તેરા હાલ હૈ વો મેરા હાલ હૈ.'


રાધિકાની ધડકન તેજ થઇ ગઈ. આટલા વર્ષોમાં મયંક પ્રથમ વખત આ રીતે તેના પ્રેમનો એકરાર કરી રહ્યો હતો. રાધિકા... તને મેં વેલેન્ટાઈન ડેની ઓફર કરી તો માઠુ નથી લાગ્યું ને ? રાધિકા... તારી જોડેની પ્રથમ વખતની મુલાકાત બાદ મારા આવા હાલ છે પણ તને મારો પ્રેમ ઓફર કરવા માટે હું સક્ષમ છું તેવો પ્રશ્ન મનમાં સર્જાતા જ અટકી જતો હતો.


આજે કોલેજમાં રહેવાયું નહીં... રાધિકા મેં તને ખરા હૃદયથી બંને ઘૂંટણ વાળીને ઇશ્વરને પ્રાર્થના કરતો હોઉં તેમ પૂછ્યું હતું કે 'વિલ યુ બી માય વેલેન્ટિનો ?' તે મજાક નહોતી. પ્રેમનો આવેગ હતો. હું તો ત્રણ વર્ષથી ઉંઘી નથી શક્યો.


રાધિકા તો સાતમા આસમાન પર પહોંચી ગઈ. તું મારી ખુશી તો જો તેમ કહી વીડિયો કોલિંગ મોડ પર આવી ગઈ. રાધિકાએ પ્રેમથી સ્ક્રીન પર મયંકને ફ્લાઇંગ કિસ આપતા તેઓના ભજવેલ નાટકનો એક સંવાદ બોલતા કહ્યું કે ''તનથી જુદા છીએ તો શું ? એક જાન હૈ હમ'' બંનેએ લગ્ન કરવાના વચન આપતા અને સપના સજાવતા ૪૫ મીનીટથી વધુ વાતો કરી.


મમ્મી-પપ્પાએ રાધિકાને ઘણું સમજાવી કે મયંક સારો છોકરો છે પણ આપણી શ્રીમંતાઈ, તારો ઉછેર તારી અલાયદી સ્પેસ, શોપિંગ, કાર અને ક્લબ કલ્ચરની સામે મયંકનું કુટુંબ, ઘર, આર્થિક સ્થિતિ પણ જોવી પડે. મયંક અને તેના મમ્મી-પપ્પા સ્વભાવના ઉમદા જ હશે પણ તે પૂરતું નથી. રાધિકા ધરાર ના માની.


એક વખત રાધિકાને સાથે જ્યુસ પીવા દરમ્યાન મયંકે થોડી ચિંતા પણ વ્યક્ત કરી કે 'રાધિકા તને મારે ઘેર ગમશે ને ? તને ઓફર કરતા હુંડરતો હતો તેનું એક માત્ર કારણ આપણા બંને વચ્ચેનો ઉછેર, કુટુંબ ઘર અને આર્થિક અસમાનતા છે.


પણ ખબર નહીં તારા વગરનું જીવન કલ્પી નહીં શક્તા એકલો હોઉં ત્યારે રડી પડતો હતો. તારા સામે પ્રસન્ન ચહેરા સાથે આપણે બંને માત્ર મિત્ર છીએ તેવો ડોળ કરીને રજૂ થતો રહ્યો' રાધિકાએ મયંકને અટકાવી દેતા વાતાવરણને હળવુ બનાવી દેતા કહ્યું કે 'એ રાજા હિન્દુસ્તાની... ચાલ હવે પંડિત બનીને લગ્નનું મુહુર્ત નીકાળ'


છ મોટા રૂમ અને ગાર્ડન સાથેના મોટા બંગલા અને ગરાજો  સાથે રહેતી રાધિકા માતા, પિતા ને ભાઈ બહેન ધરાવતા મયંકના ત્રણ બેડરૂમમાં રહેવા આવી. રાધિકાને થોડુ વિચિત્ર તો લાગ્યું જ. ઘરના બધા સભ્યો ભરપૂર પ્રેમ આપતા હતા. જીવનશૈલી સાવ જુદી બધુ કામ ઘરમાં જાતે જ થતું. નોકર કે કામવાળી બાઈ નહતા.


ટોસ્ટ, બટર, કોર્નફ્લેક્સ, ફ્રુટ જ્યુસ અને પરાઠાના બ્રેકફાસ્ટની જગાએ સેવ મમરા અને ખાખરા બ્રેકફાસ્ટમાં હતા. મયંકના ઘરના બેડરૂમ જેટલો તો રાધિકાને ઘેર તેનો અલાયદો બાથરૂમ હતો. તેણે જે સાબુ કે શેમ્પુની બ્રાન્ડનું નામ ના સાંભળ્યું હોય તેવી મધ્યમવર્ગીય બ્રાન્ડ હતી. પુરા કદના અરિસાની જગાએ માથુ દેખાય તેટલા કદનો જ અરિસો હતો. રાત્રે રોજ ભોજનમાં ભાખરી-શાક-ખીચડી રહેતા.


કોલેજમાં તો તે કાર પાર્ક કરીને મયંકની, બાઈક પાછળ બેસીને રખડવા નીકળી પડતી. ઝૂલ્ફો ઉડાવતી આવી સવારીની કલ્પના જીવનભરની બની રહે તેવા વિચારો તેને તે વખતે આવતા હતા. તે મયંક જોડે તેની આવી 'જિંદગી એક સફર હે સુહાના' ગીતની યાદ અપાવતી યાદોમાં તેના નાના બેડરૂમમાં સરી પડેલી ત્યાં જ મયંકે કહ્યું કે 'રાધિકા ચાલ તારું આપણા આ નવા એડ્રેસ સાથેનું આધાર અને પાન કાર્ડ કઢાવવા જઇએ.'


રાધિકા મયંક સાથે એપાર્ટમેન્ટમાં નીચે ઉતરી એ જ મોટરસાઇકલ કે જેમાં મયંકની પાછળ બેસવા જ તે કોલેજમાં તેની કાર ઝડપથી હંકારીને આવી જતી તે જ મોટરબાઈકને તેના જેવી હરોળ બંધ પચાસેક બાઈક, સ્કુટર, સાયકલોની વચ્ચેથી મયંકે કાઢી અને કહ્યું કે 'ચાલ બેસી જા ડિયર...કાર્ડનું તો બહાનું છે કામ પણ કરીશું અને કોફી પણ પીશું.'


પણ રાધિકાને હવે આ બાઈકની પાછળ બેસવું તેના પર ટીપીકલ મધ્યમ વર્ગની છોકરીનું લેબલ લગાવાતું હોય તેમ લાગ્યું. તે તેના મમ્મી-પપ્પા જોડે જે વર્તુળમાં રહેતી હતી તેવા ડ્રેસિસ, સેન્ડલ, મેકઅપ પણ કરે તો બધા તેની સામે ટીકી ટીકીને જોતા તેવો રહેણાંક વિસ્તાર હતો.


મયંકની નોકરી પણ ઠીક હતી. તે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો પણ અભ્યાસ કરતો હતો. રાધિકાને તેના પપ્પાના મિત્રની ફર્મમાં વધુ સારા પગારથી નોકરી મળી હતી. રાધિકાના ઘરના સભ્યો રાધિકાને હૂંફ આપવા પૂરતો પ્રયત્ન કરતા હતા પણ રાધિકા મયંકને ચાહવા છતા કંઇ જામતું ન હોય તેમ રહેતી. રાધિકા તેઓ જોડે ભળવા કચરા-પોતા પણ કરતી.


કોઈ વખત બજારમાં રાધિકાને તેના પપ્પા-મમ્મીના કોમન ફ્રેન્ડસના સંતાનો કે જે તેના પણ મિત્ર હતા તે મળી જાય તો ઘણો ક્ષોભ થતો.


રાધિકાને આજકાલ કરતા આ રીતે લગ્ન થયે સાત મહિના પસાર થયા.  લગ્નના પ્રથમ વર્ષની ઉજવણી કઇ રીતે કરીશું તેની મયંક રાધિકાની હાજરીમાં રાત્રે ઓફિસથી આવી વાત કરી ટેમ્પો જમાવવાનો પ્રયત્ન કરતો ત્યારે રાધિકા મૂડ વગરની બેસતી. તેનું મોં ફૂલેલું રહેતુ, તે ભીની આંખો સાથે બીજા રૂમમાં ચાલી જતી. આવી જ એક રાત્રે મયંકે લગભગ છેલ્લા મહિનાઓથી દબાયેલી લાગણી ઠાલવતા રાધિકાને કુટુંબના સભ્યો વચ્ચે થોડા આકરા બનીને કહ્યું કે 'રાધિકા, અમે તને પ્રેમ આપવાનો કેટલો ભરપુર પ્રયત્ન કરીએ છીએ.


હું જોઉં છું કે જ્યારથી તું આવી છું ત્યારથી મોં ભારે રાખીને જ રહી છે.તને તો પહેલેથી ખબર હતી. મેં તને ચેતવી પણ હતી કે રાધિકા અમારી જોડે તું અનુકુળ નહીં થઇ શકે. હું કોલેજના ત્રણ વર્ષ સુધી લગભગ મારી જાત પર કાબુ રાખી શક્યો પણ કોલેજના આખરી વર્ષને એક મહિનો બાકી હતો ત્યારે 'વેલેન્ટાઈન ડે' આવ્યો અને મારા પ્રેમની પાળો તૂટી પડી... કાશ એ પળ મેં સાચવી લીધી હોત તો હું તો મારી જિંદગી ખેંચી કાઢત પણ તારે આ સ્થિતિમાં ના મુકાવવું પડત ને !'' જો હજુ પણ તને એવું લાગતું હોય તો રાધિકા મહેરબાની કરીને તારે ઘેર પરત થઇ શકે છે. પણ તારૂં અને ઘરનું આવુ વજનદાર વાતાવરણ મારાથી જીરવાતુ નથી.


... અને રાધિકાને તે રાત્રે બહુ લાગી આવ્યું. તે ધુ્રસ્કે ધુ્રસ્કે રડી પડી. તેને થયું કે મારે લીધે મયંકને અને તેના પરિવારનું જીવન પણ ઉદાસિન નિસ્તેજ અને બોજારૂપ બની ગયો છે. હું મયંકને ચાહુ છું પણ...


રાધિકાએ બીજે દિવસે મયંકને અને સાસુ-સસરા તેમ જ પરિવારના સભ્યોને દ્રઢવિચાર સાથે જણાવ્યું કે ''હું મારે ઘેર જઉં છું.મયંક તું ભૂલથી પણ એવું ના વિચારીશ કે હું તને છૂટાછેડા આપવાનું વિચારૂ છું. જો તેમ કરીશ તો તને પાપ લાગશે. બસ આપણે છૂટા પડી રહ્યા છીએ... મને થોડા મહિનાઓ મારા મમ્મી-પપ્પા જોડે રહેવા દે... યુ કેન સે ઇટ...  સેપરેશન''


મયંકને માથે તો જાણે આભ ફાટયું. પરિવારજનો પણ આઘાતમાં સરકી ગયા. ઘરનું વાતાવરણ એકાદ અઠવાડીયું તો શોકમય રહ્યું. મયંકે સ્વસ્થતા ધારણ કરી. રાધિકા મયંક જોડે ફોન પર વાત કરતી હતી. તે મયંકને બહાર મળવા બોલાવતી હતી. મયંક પણ તેની જોડે કોફી પીતો બંને મિત્રોની જેમ મળતા. મયંકને રાધિકા કોઈ વખત પૂછી લેતી કે 'મને છૂટાછેડા તો આપવા નથી માંગતો ને...'


મયંક કહેતો કે 'રાધિકા તને એ હદે પ્રેમ કરૂ છું કે જો તારે કોઈ બીજા જોડે લગ્ન કરવા હોય તો અત્યારેને અત્યારે જ છૂટાછેડાના પેપર્સ પર સહી કરી આપું.'


રાધિકાના સાસુને પણ રાધિકા પ્રત્યે કડવાશ નહતી. તે સમજતા હતા કે રાધિકા મયંક સહિત સૌને પ્રેમ કરે છે પણ તે અમારા ઘર, સમાજ અને વસાહતમાં સેટ નથી થઇ શક્તી.


લગ્નની પ્રથમ વર્ષગાંઠે મયંકના મમ્મીએ સુખડી ભરેલો ડબ્બો આપીને મયંકને કહ્યું કે 'લે આજે ખાસ રાધિકાને મોં મીઠું કરાવજે.'


રાધિકાએ આમને આમ પાંચ મહિના તેના મમ્મી-પપ્પાને ઘેર વીતાવ્યા. ઘેરથી મયંક જોડે સંપર્ક અને પ્રેમગોષ્ઠિ જારી રહેતી.


આ દરમ્યાન મયંક સી.એ. બની ગયો હતો. તેના કોલેજના મિત્ર જોડે ફર્મ ખોલવાની વિચારણા કરી હતી.


ફરી ૧૪ ફેબુ્રઆરી વેલેન્ટાઇન ડેનો દિવસ આવ્યો.. રાધિકાને તેના બંગલાના તેના બેડરૂમમાં મયંકે તે દિવસે કોલેજમાં વેલેન્ટાઈન ડેની ઓફર કરી હતી તે દ્રશ્ય તેની નજર સામે તરવરતું હતું... તેના સાસુ-સસરા, દિયર, મયંકની નાની બહેન બધાના સસ્મિત આવકારભર્યા ચહેરા પણ તેને  દેખાયા.


લગ્ન મંડપ વખતે પંડિતે નવદંપતિને એક શ્લોકની સમજ આપતા કહ્યું હતું કે 'પત્નીનું ખરૂ ઘર તેનું સાસરું છે. જેમ નદી સમુદ્રમાં અને સાકર દૂધમાં ભળે તેમ તમારે એકરસ બની જવાનું અને પતિએ પત્નીને સ્નેહની શીતળતા બક્ષી સમઉત્કર્ષ કરવો તે જ દામ્પત્ય ધર્મ છે.' બરાબર તે જ સમયે પપ્પાના રૂમના રેડિયોમાંથી ગીતની પંક્તિઓ સંભળાઈ કે 'ગંગા ચલી કહાં કસમ તોડ કે, હમે છોડ કે, હમે છોડ કે... જહાઁ પિયા વહાઁ મેં, મેરે પિયા વહાઁ મેં.'


રાધિકાના હૃદયના તાર ઝણઝણી ઉઠયા. રાધિકા કદાચ જિંદગીમાં પહેલી-બીજી વખત રીક્ષામાં બેઠી. મયંકને ઘેર જતા પહેલા રીક્ષાવાળાને ફુલોનીદુકાનપર એકાદ મીનીટ થોભી જવા કહ્યું.


રાધિકાએ ગુલાબનું ફૂલ ખરીદ્યું. એક ફુલોનો હાર લીધો. રીક્ષાવાળાને એપાર્ટમેન્ટનું નામ કહી ગર્વથી કહ્યું કે મારું પિયર છે ત્યાં રીક્ષા લઇ જાવ. રાધિકાએ તેના એપાર્ટમેન્ટની ડોરબેલ વગાડી. બારણું ખુલતા જ મયંક સહિત ઘરના સભ્યો 'રાધિકા... રાધિકા' કહી ખુશીથી ઉછળી ઉઠયા.


રાધિકાએ ધુ્રસ્કે ધુ્રસ્કે રડી ઘૂંટણથી વળીને બેસતા મયંકને કહ્યું કે 'વિલ યુ બી માય વેલેન્ટિનો અગેઇન પ્લીઝ...' તે પછી તરત જ સાસુમાને ફૂલોનો હાર પહેરાવ્યો. મયંકે પરિવારજનો વચ્ચે જ ગાલ પર દડતા આંસુ સાથે રાધિકાને ચુંબન આપી દીધું. પરિવારજનોએ બંનેને તાળીઓથી વધાવી લીધા... મયંકની જેમ જ રાધિકાએ સી.એ. કમ્પ્લીટ કર્યું. હવે તેઓ એક ફર્મ ચલાવે છે... મોટા એપાર્ટમેન્ટમાં શિફ્ટ થયા છે... તેમની કારમાં એક ગીત વારંવાર વાગતું હોય છે... યુ હી કટ જાયેગા સફર સાથ ચલને સે...


વેલેન્ટાઈન ડેના પ્રેમ પછી થતા લગ્ન કે પછી એરેન્જ મેરેજ બાદ કોઈ સંજોગોવસાત પતિ-પત્ની સીધા જ છૂટાછેડાની ભૂમિકા સાથે અલગ થઇ જાય તેના કરતા એકબીજાને, એકબીજાના ઘરને, તેમની પાકટતાની ત્રુટિ કે અન્યો દ્વારા દોરવાઇને છૂટાછેડા આપે તેના કરતા... પ્રતિકમણ કરી જ શકાય. નિ:સાસો લઇને કોઈ સુખી થતું નથી. એવું કહી શકાય કે પતિ-પત્ની બંને નક્કી કરીને અમુક મહિનાઓ અલગ રહે.


કદાચ વાતાવરણ અને પરિસ્થિતિ બદલાય તો વિચારવાની પ્રક્રિયામાં પણ પરિવર્તન આવી શકે. બંને નિખાલસતાથી જણાવી શકે ' આ અંતરાયો દૂર થાય તો વધુ અનુકુળ થઇ શકાશે.' બંનેને મળતા સ્પેસમાં (આવા સમયમાં) આત્મ નિરીક્ષણ કરીને પોતાની ભૂલો પણ કબુલી સુધારાની ખાતરી આપવી જરૂરી છે. ઋત્વિક રોશન અને સુઝાન આજ રીતે સમય સાથે વિતાવે છે. છતાં છૂટા છે. ફરી મિલનનો વિકલ્પ ખુલ્લો રાખ્યો છે. વેલેન્ટાઈન ડેમાં મિલન જેટલું જ પુન:મિલનનું મહાત્મ્ય ઉમેરાય તો તેમાં માત્ર યુવાનો નહીં વયસ્કો પણ હોંશભેર જોડાશે.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OvgiA5igngUtt6ZJS6tiZvDRBKKKgA3QJ%2BmjGyHzVtD9w%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment