Monday, 18 February 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ હિંદુઓની લઘુમતી એટ લે હિંદુસ્તાન? (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



હિંદુઓની લઘુમતી એટલે હિંદુસ્તાન?
ઉઘાડી બારી-ડૉ. દિનકર જોશી

amdavadis4ever@yahoogroups.com

'લઘુમતી' શબ્દ વાંચતાં, સાંભળતાં કે બોલતાંવેત આપણા મનમાં 'મુસલમાન' એવો જ શબ્દ આકાર લઇ લે છે. આપણા દેશમાં ધાર્મિક લઘુમતીને સંબંધ છે ત્યાં સુધી હિંદુઓ બહુમતીમાં છે પણ લઘુમતીમાં મુસલમાન ઉપરાંત શીખો, ખ્રિસ્તીઓ, જૈનો, બૌદ્ધો ઇત્યાદિ પણ છે. પણ વ્યવહારમાં બન્યું છે એવું કે મુસલમાન અને લઘુમતી આ બંને શબ્દો પરસ્પરનાં પર્યાય બની ગયા છે.

દેશમાં લઘુમતી માત્ર ધાર્મિક જ નથી પણ ભાષાકીય સુધ્ધાં છે. હિંદી ભાષી બહુમતી છે એનો સ્વીકાર પણ ભાષાકીય લઘુમતીઓનો તો કોઇ પાર આવે એમ નથી. પ્રત્યેક પ્રાદેશિક ભાષાઓને બાર ગાઉએ બોલી બદલાય એ સિદ્ધાંત અનુસાર સંખ્યાબંધ બોલીઓ હોય છે. આ બોલીઓ પણ એક સ્વતંત્ર ભાષા જેવી જ હોય છે. 1955માં કેન્દ્રીય સાહિત્ય અકાદમીની સ્થાપના વખતે દેશની 14 ભાષાઓનો સ્વીકાર થયો હતો. આજે એ જ અકાદમી 24 ભાષાઓનો સ્વીકાર કરે છે. જે રીતે ધાર્મિક લઘુમતીઓ માટે જુદાં જુદાં પંચો અને કાયદાઓ કાર્યરત છે એ જ રીતે ભાષાકીય લઘુમતી માટે પણ કેન્દ્રીય અને રાજ્ય સ્તરે જુદાં જુદાં પંચો અને કાયદાઓ છે જ.

જે રીતે લઘુમતીઓ માટે વિશેષ કાયદાઓ હોય છે એ રીતે બહુમતી માટે ક્યાંય રક્ષણાત્મક વિશેષ કાયદાઓ હોતા નથી. હિંદુસ્તાન માટે હિંદુ બહુમતીનો થપ્પો લાગી ગયો પણ હિંદુસ્તાન એક ઉપખંડ જેવો છે. આજે પરિસ્થિતિ એ છે કે દેશનાં ઉત્તર પૂર્વીય રાજ્યો, નાગાલેન્ડ, મિઝોરમ, અરુણાચલ ઇત્યાદિ તથા પંજાબ કે કાશ્મીર જેવાં રાજ્યોમાં હિંદુ બહુમતી નથી. આવાં જે રાજ્યોમાં હિંદુઓ લઘુમતીમાં હોય ત્યાં એમને લઘુમતીનો કોઇ દરજ્જો મળતો નથી. લઘુમતીનો જે દરજ્જો અને કાયદેસરના લાભો અન્ય ધાર્મિક જૂથોને આવાં રાજ્યોમાં બહુમતીમાં હોવા છતાં મળતા રહે છે. આ સંદર્ભમાં તાજેતરમાં સર્વોચ્ચ અદાલતમાં એક પિટિશન ફાઇલ કરવામાં આવી છે. સર્વોચ્ચ અદાલતે આ પિટિશન સુનાવણી માટે હાથ પર તો લીધી પણ લઘુમતી કોને કહેવાય એની કોઇ ચોક્કસ વ્યાખ્યા એમને હાથવગી થઇ નહીં. સામાન્ય સમજથી જે કામ થાય એ કામ અદાલતી કાર્યવાહીમાં થઇ શકે નહીં. અદાલતમાં તો અસામાન્ય સમજ જોઇએ.

પરિણામ એ આવ્યું કે સર્વોચ્ચ અદાલતે લઘુમતીની વ્યાખ્યા નક્કી કરવાનું કામ કેન્દ્રીય લઘુમતી પંચને 'જા બિલાડી મોભા મોભ' એમ સોંપી દીધું. હવે આ વ્યાખ્યા શબ્દબદ્ધ કરવા માટે હુંસાતુંસી થશે અને એમાંય પાછી અદાલતી કાર્યવાહી પણ થશે.

હમણાં ભારત સરકારે પાકિસ્તાન, બંગલાદેશ, મ્યાનમાર, અફઘાનિસ્તાન આ બધા દેશોમાંથી ભારતમાં આવીને વસેલા હિંદુઓ, બૌદ્ધો, શીખો, ખ્રિસ્તીઓ વગેરે કોમોને ભારતીય નાગરિકત્વ આપવાનો પ્રસ્તાવ સ્વીકાર્યો છે. આમાં મુસલમાનોનો સમાવેશ થતો નથી. દેખીતું જ છે કે મુસલમાનોને પણ આમાં સમાવી લેવાનો આગ્રહ કરનારાઓ આપણા દેશમાં ટોળાબંધ હોય જ. વિશ્ર્વમાં સંખ્યાબંધ મુસ્લિમ દેશો છે એ જ રીતે મોટી સંખ્યામાં ખ્રિસ્તી દેશો પણ છે. હિંદુ કહી શકાય એવો એકેય દેશ આ દુનિયામાં અત્યારે નથી. ભારતમાં હિંદુ કહેવાતી બહુમતી પણ ઉપર લખ્યું છે એમ ઘણાં રાજ્યોમાં હવે રહી નથી. નેપાળ સત્તાવાર રીતે હિંદુ રાજ્ય હતું પણ સત્તા પલટા સાથે હવે એ હિંદુ રાજ્ય રહ્યું નથી. આમ હોવાથી હવે દુનિયાભરનાં દેશોમાંથી હિંદુઓને ક્યાંય આશ્રય લેવાનો અવસર આવે ત્યારે નાગરિકત્વ માટે એમને ક્યાંય છાંયો મળે એમ નથી. આ મુદ્દો વિચાર કરવા જેવો તો છે જ. દેશમાં હિંદુ બહુમતી હોવા છતાં કેટલાંક રાજ્યોમાં હિંદુઓ લઘુમતીમાં આવી ગયા હોવાથી એમને લઘુમતી તરીકેના હકો જે તે રાજ્યોમાં મળવા જોઇએ અને અન્ય ધાર્મિક લઘુમતીઓ દેશભરમાં ભલે લઘુમતીના લાભ મેળવતી રહે પણ જે રાજ્યોમાં એમની બહુમતી હોય ત્યાં એમને આ લાભો ન મળવા જોઇએ. આ મુદ્દા ઉપર સર્વોચ્ચ અદાલત આગળની કાર્યવાહી કરવાની છે. સર્વોચ્ચ અદાલત જો આ મુદ્દો સ્વીકારે તો વાત અહીં પૂરી નથી થવાની. પેટા પ્રશ્ર્નો પણ પેદા થવાના જ છે.

અત્યાર સુધી બહુમતી અને લઘુમતીની આ સમજણ દેશવ્યાપી સ્તરે રહી છે. હવે જો એનો રાજ્ય વ્યાપી સ્તરે સ્વીકાર થાય તો આવતાં વરસોમાં જિલ્લા સ્તરે પણ આવી માગણી થવાનો ભય રહે છે. આપણું માનસ તંત્ર 1947માં જે સ્તરે કામ કરી રહ્યું હતું એ સ્તર આજે 2019માં જળવાયું નથી એનો સ્વીકાર કરવામાં-શરમ આવતી હોય તોય - વાંધો નથી. સૂત્રોચ્ચારો વડે સ્થિતિ બદલાવી શકાતી નથી. જિલ્લા સ્તરે આવી માગણી થવાનો ભય આજે આત્યંતિક લાગે છે પણ કેટલીય આત્યંતિક લાગતી વાતો આજે આપણે હકીકત બનાવી દીધી છે.

ધાર્મિક સ્તરે લઘુમતીનો દરજ્જો દુનિયાભરના કોઇ દેશમાં સ્વીકાર પામ્યો નથી. દુનિયાભરના દેશો જ્યારે લઘુમતી વિશે વિચારણા કરે છે ત્યારે એમની નજર સામે રંગભેદ હોય છે. કાળા અને ગોરા આ રંગભેદ લઘુમતી કે બહુમતી વિશે વિચાર કરે છે. હિંદુઓ આ દેશમાં બહુમતીમાં છે એવું જ્યારે આપણે કહીએ છીએ ત્યારે એક વાત સદંતર ભૂલી જઇએ છીએ કે હિંદુઓમાં પરસ્પરમાં વિધર્મીઓ કરતાંય પાર વિનાનો અસ્વીકાર કરતા પુષ્કળ સંપ્રદાયો છે. એ જ રીતે જેને લઘુમતી કહીએ છીએ તેઓ વચ્ચે પણ પરસ્પર વિરોધી વલણો પણ કંઇ ઓછાં નથી. તાજેતરમાં જ કર્ણાટક રાજ્યની ચૂંટણીઓ ટાંકણે લિંગાયત સંપ્રદાયની વાત કેવી મતલક્ષી બની ગઇ હતી એ આપણે જાણીએ જ છીએ.

ભાષાકીય લઘુમતીઓને અપાતા લાભનો એક રસપ્રદ મુદ્દો અહીં ટાંકવા જેવો છે. ભાષાકીય લઘુમતીઓ દ્વારા જે શિક્ષણ સંસ્થાઓનો વહીવટ થતો હોય એ શિક્ષણ સંસ્થાઓને સરકારી ધારાધોરણ મુજબ એડમિશન માટે પચાસ ટકા બેઠકો અનામત રાખવાનો અધિકાર હોય છે. આ અનામત બેઠકોમાં આવી સંસ્થાઓ પોતાની ભાષાના વિદ્યાર્થીઓને એડમિશન આપી શકે છે. અંગ્રેજી ભાષા પ્રત્યેના વધતા જતા વલણને કારણે માતૃભાષાને બદલે અંગ્રેજી માધ્યમ દ્વારા જ શિક્ષણ પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓ આ બેઠકો મેળવી લે છે. આવા વિદ્યાર્થીઓને માતૃભાષાનું મુદ્દલ જ્ઞાન હોતું નથી. બહુમતી ભાષિક પ્રદેશમાં લઘુમતી ભાષિકો પોતાની ભાષાને સારી રીતે સાચવી શકે, એનો વિકાસ સાધી શકે એવા હેતુથી એને રક્ષણ આપવામાં આવે છે. હવે જો એ જ ભાષાના ભાષિકો આવા સંરક્ષણનો લાભ લઇને, જેમણે એ ભાષા શીખી જ નથી એમને એડમિશનના રિઝર્વેશનનો લાભ આપે ત્યારે મૂળભૂત હેતુ જ માર્યો જાય છે.

બહુમતી અને લઘુમતી વિશેના ચોક્કસ નિર્ણયો સંખ્યાના આધારે થાય છે. સંખ્યાનો આ આધાર લેવા માટે કોઇક ચોક્કસ તાર્કિક ધોરણ સ્વીકારવું પડે. આવું કોઇપણ ધોરણ સમાજમાં નાનાં નાનાં જૂથો પોતાના લાભ માટે ખેંચતાણ કર્યા વિના રહેશે જ નહીં. આવાં જૂથોની ખરીદ-વેચાણ કરવા માટે તર્કના નામે નેતાગીરી પણ પેદા થવાની. આ નેતાગીરી પેલાં જૂથોના વિશુદ્ધ કલ્યાણ માટે નથી હોતી પણ એમના ખભા પર અસવાર થઇ જવા માટે હોય છે. આવા નેતાઓને ગાંધીજીએ 'તોપબળિયા' કહ્યા છે. બહુમતી અને લઘુમતીના સંખ્યાબળને ગાંધીજી 'અનીશ્ર્વરી' પણ કહે છે, જો કે અદાલતો આ 'અનીશ્ર્વરી' શબ્દની વિભાવના સમજી શકે એવો સંભવ બહુ ઓછો છે.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Otz9XvfTbV7%2BCPKfA5mz0xXT5yTo%3DwM48G_rbzr1SAStQ%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment