Thursday, 21 February 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ ગુડ મોર્નિગ ગુજરાત - નિઃશુલ્ક તબીબી સારવાર... (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ગુડ મોર્નિગ ગુજરાત!
રમેશ તન્ના

 

 

 

 

માત્ર નિઃશુલ્ક નહીં, જ્યાં પૂરા પ્રેમ અને સન્માન સાથે ગરીબોને તબીબી સારવાર મળે છે તેવી અદ્યતન હોસ્પિટલની આત્મીય વાતો...

 

સાવરકુંડલામાં વિદ્યાગુરુ પ્રતિષ્ઠાન સંચાલિત "શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર"નો મુખ્ય દરવાજો સવારનો ખુલે એટલે દરદીઓનો વણથંભ્યો પ્રવાહ શરૂ થઈ જાય. નવ વાગ્યાથી લોકો આવવા લાગે. સ્ત્રીઓ, બાળકો, વડીલો, યુવાનો... એક પછી એક લોકો આવતા જાય અને હોસ્પિટલના જુદા જુદા વિભાગોમાં જતા જાય. દરેકના ચહેરા પર એક સાથે બે ભાવ જોવા મળે. દરદનું દુઃખ અને હવે સારવાર થઈ જશે તેવી આશાની ધરપત.


અહીં આવતા દરેક દરદીને પૂરા સન્માન સાથે સારવાર અપાય છે. અને હા, તેના માટે એક પણ પૈસો ચાર્જ કરાતો નથી. જાન્યુઆરી-2015થી સપ્ટેમ્બર-2015 સુધીના સમયગાળામાં આ હોસ્પિટલમાં પાંચ લાખથી વધુ દરદીઓની સારવાર થઈ છે. દરરોજ આશરે એક હજાર દરદીઓને સારવાર અપાય છે. સેવાભાવનાથી ચાલતી આ હોસ્પિટલ એકદમ અદ્યતન છે અને વિવિધ વિભાગના નિષ્ણાત ડોક્ટરો દ્વારા તબીબી સારવાર કરાય છે.


જાન્યુઆરી-2015થી સપ્ટેમ્બર-2015 સુધીના સમયગાળામાં આ હોસ્પિટલમાં પાંચ લાખથી વધુ દરદીઓની સારવાર થઈ છે. દરરોજ આશરે એક હજાર દરદીઓને સારવાર અપાય છે, અને તે પણ નિઃશૂલ્ક.


આ હોસ્પિટલને આરોગ્ય મંદિર તરીકે ઓળખીએ એ વધારે ઉચિત ગણાશે કારણ કે તેની સ્થાપના અને સંચાલનમાં પવિત્રભાવ પડેલો છે અને જાણીતા કથાકાર પૂજ્ય મોરારી બાપુ તેમાં જોડાયા હતા.

***

વાતની શરૂઆતમાં જ હાસ્ય લેખક રતિલાલ બોરીસાગરને યાદ કરવા પડશે. ના, તેમના કોઈ અવતરણ રૂપે નહીં કે તેમણે કહેલા કોઈ હાસ્ય પ્રસંગ માટે પણ નહીં. અહીં તો તેઓ મુખ્ય નિમિત્ત છે. હાસ્યલેખક તરીકે કીર્તિ પામેલા રતિલાલ બોરીસાગર મૂળ તો શિક્ષક. ઉત્તમ, સંવેદનશીલ અને વિદ્યાર્થી પ્રિય શિક્ષક. સાવરકુંડલા તેમનું વતન. કારકિર્દીના પ્રારંભનાં ૨૫ જેટલાં વર્ષો પ્રાથમિક, માધ્યમિક અને કોલેજ કક્ષાએ શિક્ષક તરીકે તેમણે સાવરકુંડલામાં ફરજ બજાવી હતી. તેમના હૃદયના સાનિધ્યે અને હાથ નીચે અનેક વિદ્યાર્થીઓનું ઉત્તમ ઘડતર થયું. ઉત્તમ સનદી અધિકારી તરીકે જાણીતા જે. બી. વોરા સાહેબ જેવા તેમના વિદ્યાર્થી તો માત્ર તેમના પ્રોત્સાહનના કારણે જ આઈએએસ થઈ શક્યા. ગુજરાતી પત્રકારત્વમાં સત્વશીલ સંપાદક તરીકે જાણીતા ભિખેશ ભટ્ટ હોય, મુંબઈમાં વસતા હરેશ મહેતા જેવા મહાજન હોય, અરવિંદ બારોટ જેવા કવિ-ગાયક કે સંવેદનશીલ વ્યક્તિ હોય કે પછી ડો.નંદલાલ માનસેતા જેવા સેવાભાવી તબીબ જેવા હોય, અનેક વિદ્યાર્થીઓના જીવનઘડતરમાં બોરીસાગર સાહેબનું મોટું પ્રદાન.


ઈ.સ. ૨૦૧૧ની સાલમાં વિદ્યાર્થીઓએ ગુરૂજન બોરીસાગર સાહેબનું સન્માન કરવાનું વિચાર્યું. રતિલાલભાઈ પંચોતેરે પહોંચ્યા હતા તેથી અમૃત મહોત્સવ પણ ઉજવ્યો ગણાય. એ વખતે ઘણા વિદ્યાર્થીઓ તો ષષ્ઠિપૂર્તિ ઉજવી શકાય તેટલા મોટા થઈ ગયા હતા. અરે, બોરીસાગર સાહેબે સાવરકુંડલા છોડી દીધાને પણ ૩૭ વર્ષ થઈ ગયાં હતાં. અંતર્મુખી સ્વભાવ ધરાવતા રતિલાલભાઈને આવું સન્માન સ્વીકારવામાં સંકોચ થયો, પણ પોતાના વહાલા વિદ્યાર્થીઓના પ્રેમના આક્રમણ સામે તેઓ હારી ગયા.


હવે એન્ટ્રી થઈ મોરારી બાપુની. તેમના હસ્તે રતિલાલ બોરીસાગર સાહેબનું સન્માન થયું.


વાત અહીં પૂરી થઈ જવાની હતી, પણ શરૂ થઈ. રતિલાલ બોરીસાગરના નામનું પ્રતિષ્ઠાન રચાયું. આ પ્રતિષ્ઠાનના ઉપક્રમે પછી તો દર વર્ષે શિક્ષણ અને સાહિત્ય એમ ઊભયકેન્દ્રી પર્વો યોજાવા લાગ્યાં. દર વર્ષે મોરારી બાપુની હાજરી સમગ્ર અવસરને ભવ્યતા આપતી. પ્રતિષ્ઠાન સાથે પોતાનું નામ જોડાયું તેનો રતિલાલ બોરીસાગરને સતત સંકોચ રહ્યા કરે. તેમના વિદ્યાર્થીઓ નામ નબદલવા અડગ, પણ છેવટે મોરારી બાપુની સામેલગીરીથી બોરીસાગર સાહેબની વાત સ્વીકારાઈ અને પ્રતિષ્ઠાનનું નામ પરિવર્તન પામ્યું: શ્રી વિદ્યાગુરૂ ફાઉન્ડેશન.

***

રતિલાલ બોરીસાગરનું શિક્ષણ અને સાહિત્યમાં માતબર પ્રદાન, પણ હોસ્પિટલ નિર્માણ સાથે તેમનું નામ કેવી રીતે સંકળાયું તેવો પ્રશ્ન ઘણાને થાય. તેમણે ડો. ચન્દ્રકાન્ત શેઠના માર્ગદર્શનમાં પીએચડી કર્યું એટલે તેઓ ડોક્ટર તો કહેવાય, પણ તેનાથી કંઈ તેઓ મેડિકલની પ્રેક્ટિસ ના કરી શકે. હા, તેમણે દરદી તરીકેના ઘણા લેખો લખીને આપણને હસાવ્યા છે, પણ એ કંઈ હોસ્પિટલ નિર્માણ માટે પૂરતું ના કહેવાય!


સાવરકુંડલાની હોસ્પિટલ નિર્માણનો છેડો જાય છે અમદાવાદમાં રહેતા ડો. માનસેતા અને મુંબઈમાં વસતા હરેશ મહેતા સુધી. ડો. માનસેતાને આવી એક હોસ્પિટલ હોય તેવું સતત થયા કરતું હતું તો હરેશભાઈના મનમાં પણ આ સંકલ્પ ઊગ્યો. હરેશભાઈ શ્રી વિદ્યાગુરૂ ફાઉન્ડેશનના પ્રમુખ છે. એક વખત તેઓ ટીવી પર મોરારી બાપુની કથા સાંભળતા હતા. બાપુએ કહ્યું કે નબળી આર્થિક સ્થિતિના માણસને આરોગ્યની નિઃશુલ્ક સારવાર મળવી જોઈએ અને તે પણ પૂરા સન્માન સાથે. હરેશભાઈના હૃદયમાં આ વાત બરાબર ચોંટી ગઈ. એમાં વળી ડો. માનસેતા સાહેબનો વિચાર સહયોગ મળ્યો. તેઓ સાવર કુંડલામાં નિઃશુલ્ક હોસ્પિટલ કરવા ઝંખતા હતા. જાન્યુઆરી, ૨૦૧૪માં સાવરકુંડલામાં યોજાયેલા વાર્ષિક પર્વમાં હરેશભાઈ અને ડો. માનસેતાએ જાહેરમાં આ ભાવના વ્યક્ત કરી. પૂ. મોરારીબાપુએ તેને શિવસંકલ્પ ગણાવ્યો. તેમણે કહ્યું હું જે કરવા ધારતો હતો તે તમે કરવા જઈ રહ્યા છો. તેમના હસ્તે હોસ્પિટલનો પ્રારંભ થયો અને એ પછી તો તેમણે હોસ્પિટલ માટે યજમાન સહિતની રામકથા પણ આપી.

***

૨૦૧૪માં હોસ્પિટલ માટેનો સંકલ્પ થયો. એવું કહેવાયું છે સદ્કાર્ય જેમ બને તેમ ઝડપથી શરૂ કરી દેવું. તેમાં રાહ ના જોવી. માત્ર એક જ વર્ષમાં સાતમી જાન્યુઆરી, ૨૦૧૫ના રોજ મોરારીબાપુના વરદ્ હસ્તે 'શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર'ના પ્રથમ ચરણનું લોકાર્પણ થયું. પછી તો દર વર્ષે બાપુના હસ્તે આ હોસ્પિટલમાં નવા નવા વિભાગો શરૂ થતા જ રહે છે.


આ હોસ્પિટલ અનેક રીતે અનોખી છે. અહીં ગરીબોને તમામ સારવાર નિઃશુલ્ક અપાય છે અને તે પણ પૂરા સન્માન સાથે. છેવાડાના, ગરીબ તથા મધ્યમ વર્ગના માણસોને અહીં એ ગ્રેડની સુવિધા મળે છે. આ હોસ્પિટલમાં અત્યારે જનરલ ઓપીડી, ગાયનેક, ડાયાલિસિસ સેન્ટર, પેથોલોજી, ડેન્ટલ વિભાગ, બાળ આરોગ્ય વિભાગ, ફિઝિયોથેરાપી, હોલિસ્ટીક હેલ્થકેર, સર્જિકલ સહિત અનેક વિભાગો છે. અહીં દરરોજ ડાયાલિસીસ થાય છે. તેનું અદ્યતન યુનિટ છે. તેના માટે એક પણ પૈસો લેવાતો નથી. આ આખા પંથકમાં આવી સુવિધા ભાગ્યે જ છે. બાળ રોગો માટેનો અદ્યતન વિભાગ છે. સંસ્થાના મંત્રી ભરતભાઈ જોશી સંસ્થાને સમર્પિત છે. તેઓ હરેશભાઈના સહાદ્યાર્થી હતા. તેઓ એકસાથે લોકધર્મ અને મિત્રધર્મ અદા કરી રહ્યા છે. તમને એક એક વિભાગ જાતે સાથે આવીને અત્યાંત ધીરજથી બતાવે છે. દરમિયાન સાથી કર્મચારીઓને જરૂરી સૂચના પણ આપતા રહે છે. જાણીતા સાહિત્યકાર રમણલાલ સોનીનાં પુત્ર-પુત્રવધુ ડો. શ્રીરામ સોની અને ડો. રેણુકા સોની પણ અહીં પૂર્ણ સમય માટે જોડાઈ ગયાં છે. કોઈ અમદાવાદ છોડીને સાવરકુંડલા જાય એ સાચી સામાજિક નિસબત હોય તો જ બને, નહીંતર ના જ બને.


આવા અનેક સમર્પિત કર્મચારીઓ દરરોજ સમયસર પૂજા કરે છે અને આ આરોગ્યમંદિરમાં નિરામય આરોગ્યની આરતી, પૂજા અને અર્ચન થતાં રહે છે. અહીં યોગ્ય ભોજનશાળા પણ છે. અહીં દરદીઓને તથા દરદીઓ સાથે આવતા કે રહેતા લોકોને સંસ્થા તરફથી નિઃશુલ્ક જમવાનું પણ અપાય છે. પોતાના કર્મચારીઓને બોનસમાં મર્સિડિઝ ગાડી આપવા જાણીતા અને શૂન્યમાંથી સર્જન કરનારા સુરતસ્થિત ઉદ્યોગપતિ સવજીભાઈ ધોળકિયાએ આજીવન રસોડાના ખર્ચની જવાબદારી વહન કરવાનો શિવસંકલ્પ કર્યો છે.


પ્રાંગણમાં ધન્વંતરી ભગવાનનું મંદિર છે. ડોક્ટરો, નર્સો સહિતનો સ્ટાફ પૂરા આદર અને પૂરતા સ્નેહ સાથે દરદીઓની સારવાર અને સેવા માટે તત્પર રહે છે. અહીં વિવિધ ટેસ્ટ માટે લેબોરેટરી છે અને આઈસીયુ વિભાગ પણ છે. બે એમ્બ્યુલન્સ વાન છે, આધુનિક બિલ્ડિંગો છે તો વિશ્વકક્ષાનાં ઉપકરણો છે. એમ્બ્યુલન્સ વાન નિયમિત રીતે આજુબાજુનાં ગામોમાં જાય છે. એક ડોક્ટર પોતાના વારા પ્રમાણે જાય. વાનમાં જરૂરી દવાઓ હોય. કુલ 20 ગામોમાં આ કાર્ય ચાલી રહ્યું છે.


અને હા, આરોગ્ય મંદિરમાં સ્વચ્છતાનું ધોરણ જોઈને તમને થાય કે આપણે ભારત બહાર છીએ. મોરારી બાપુએ એક વખત કહ્યું હતું કે જેનું સોણું (સપનું) ય આવવું મુશ્કેલ છે તેવું આ આરોગ્ય મંદિર છે. અને હા, ખરેખર આ મંદિર છે, કારણ કે અહીં દરદીને "નારાયણ" માનીને તેમની પૂજા રૂપી સારવાર કરાય છે.


સાવરકુંડલા તુલા (ત્રાજવાં) માટે જાણીતું છે. કવિ પ્રણવ પંડ્યા કહે છે કે અહીં તુલા છે તો અતુલ્ય કહી શકાય તેવો આરોગ્ય યજ્ઞ પણ છે.


જાણીતાં કવયિત્રી પન્ના નાયક જૈફ વયે નટવર ગાંધી સાથે જોડાયાં તેમ સાવરકુંડલા સાથે પણ જોડાયાં છે. મિત્રનું મૂળ એ પોતાનું પણ મૂળ. નટવર ગાંધી સાવરકુંડલાના છે. પન્ના નાયક અને કવિ નટવર ગાંધીની માતાઓનાં નામ હોસ્પિટલના અદ્યતન પ્રસૂતિગૃહ સાથે જોડાયાં છે. તેમણે આ વિભાગો માટે એ વખતે 50 હજાર ડોલરનું અનુદાન આપ્યું હતું. આ બે સર્જકોની સંવેદનાને અહીં નવો આયામ સાંપડ્યો છે.


આવા આરોગ્ય મંદિરના જતન, સંવર્ધન અને વિસ્તરણ માટે મોરારી બાપુએ સામા પગલે કથા આપી હતી. તેમણે પોતે વાર્ષિક તિથિદાન માટે સમસ્ત તલગાજરડા ગામ અને ચિત્રકુટ ધામ વતી એક લાખ રૂપિયા નોંધાવ્યા હતા. ગયા વર્ષે હોસ્પિટલના ચાર નવા વિભાગોનું પણ લોકાર્પણ થયું હતું.


આ હોસ્પિટલનો લાભ સાવરકુંડલા ઉપરાંત અમરેલી જિલ્લાનાં અનેક ગામોને પણ મળી રહ્યો છે. એકસોથી વધુ ગામો માટે આ હોસ્પિટલ આશીર્વાદરૂપ બની છે. એક સંવેદનશીલ શિક્ષક અને તેમના ઉત્તમ શિષ્યો દ્વારા સ્વસ્થ સમાજના નિર્માણ માટે કેવું કેવું સરસ કાર્ય થઈ શકે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે. ગુજરાતને અનેક સેવાભાવી ડોક્ટરો મળ્યા છે,


અનેક દાતાઓએ વિશાળ હોસ્પિટલ સ્થાપી છે, પણ કોઈ શિક્ષક તરફના ઋણ ચૂકવવાના પ્રયત્નરૂપે, તેમની હયાતીમાં જ આવી વિશાળ અને આધુનિક હોસ્પિટલનું નિર્માણ થયું હોય તેવી આ અજોડ ઘટના છે. રતિલાલ બોરીસાગર નિસબતી જણ રહ્યા છે. તેમણે શિક્ષણને વ્યવસાય માનવાને બદલે વ્રતનો દરજ્જો આપ્યો.


હાસ્ય લેખનમાં પણ ગંભીરતાથી કાર્ય કર્યું. સ્વસ્થ સમાજનો એક આદર્શ નાગરિક કેવો હોય તેનું ઉદાહરણ આપી શકાય તેવું તેમનું જીવન અને કવન રહ્યું છે ત્યારે તેમના નામે અને નિમિત્તે આવાં સદ્કાર્યો થાય તેની નવાઈ ના લાગે; ના થાય તો જ નવાઈ લાગે!


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OuV3NtaLD7St1%3DbC2-pFM_K%3DAYeEmratjJhuM9-FXdWOQ%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment