Sunday, 17 February 2019

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ ‘ધ ઍક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર’ (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



રાફેલ, રાહુલ, મનોહર પર્રિકર અને 'ધ ઍક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર'!
સૌરભ શાહ

 

 

 

 

રાહુલ ગાંધીએ હમણાં મનોહર પર્રિકર સાથે જે કર્યું તે નવી નવાઈનું નથી. રાજકારણમાં બદમાશોની આવી પ્રવૃત્તિ જગજૂની છે જેનો દાખલો તમે ઑલરેડી એક્સ પી.એમ.ના સલાહકાર સંજય બારુની કિતાબ પરથી બનેલી એક્સલન્ટ ફિલ્મ 'ધ ઍક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર' (ટીએપીએમ)માં જોઈ ચૂક્યા છો.


મનમોહન સિંહ વડા પ્રધાન હતા ત્યારે કે. ચંદ્રશેખર રાવ નામના આંધ્ર પ્રદેશના રાજકારણી એમને મળ્યા હતા. (ચંદ્રશેખર અત્યારે તેલંગણના સીએમ છે, તે વખતે હજુ તેલંગણ આંધ્રમાંથી છૂટું પડ્યું નહોતું). મનમોહન સિંહ સાથેની મીટિંગ પછી ચંદ્રશેખર રાવે મીડિયાને જૂઠ્ઠું કહ્યું કે મારે પીએમ સાથે તેલંગણ વિશે પણ ચર્ચા થઈ હતી, જેથી તેલંગણવાસીઓમાં પોતાનો ભાવ ઊંચકાય. પીએમના ઍડવાઈઝર સંજય બારુ તે વખતે મીટિંગમાં હાજર હતા. કોઈએ એમને ફોન કરીને પૂછ્યું કે તેલંગણ વિશે શું ચર્ચા થઈ ત્યારે એમણે નક્કી કર્યું કે ચંદ્રશેખર રાવનું આ જુઠ્ઠાણું વધુ ફેલાય નહીં એ માટે પીએમઓ તરફથી ખુલાસો બહાર પાડવો કે આ વિષય પર કોઈ ચર્ચા થઈ જ નહોતી. સ્પષ્ટતા થયા પછી ચંદ્રશેખર ચાટ પડી ગયા. કૉન્ગ્રેસના સાથી પક્ષના નેતા તરીકે એમણે સોનિયા ગાંધીને ફરિયાદ કરી. સોનિયાના કહેવાથી એમની ચરણરજ માથે ચડાવતા વફાદાર સૈનિક અહમદ પટેલે સંજય બારુને રૂબરૂ મળીને ખખડાવ્યા અને કહ્યું કે તમે સ્પષ્ટતા કરી એને લીધે ચંદ્રશેખરને માઠું લાગ્યું છે, રાજકારણમાં આવી બધી વાતો થતી રહેવાની, વળી એ આપણા મિત્રપક્ષના નેતા પણ છે એટલે તમે તમારો ખુલાસો પાછો ખેંચી લો જેથી ચંદ્રશેખર સાચા છે એવું સાબિત થાય. સંજય બારુએ આવું કરવાની ઘસીને ના પાડી દીધી.


દસ વર્ષ કરતાં પણ વધુ વખત વીતી ગયો એ વાતને અને એઝ ઈફ હિસ્ટરી રિપીટ્સ ઈટસેલ્ફ એ સાબિત થતું હોય એમ રાહુલ ગાંધીએ પેલા ચંદ્રશેખર જેવી જ લબાડી મનોહર પર્રિકરને મળીને કરી. મનોહર પર્રિકર જેવા એફિશ્યન્ટ અને પ્રામાણિક રાજકારણીઓ મળવા દુર્લભ છે. ગોવાના સીએમ તરીકે અને પછી મોદી સરકારના સંરક્ષણ મંત્રી તરીકે પર્રિકરે ઊજળો હિસાબ આપ્યો છે. અત્યારે તેઓ ટર્મિનલી ઈલ હોવા છતાં યથાશક્તિ દેશની સેવા કરી રહ્યા છે. રાહુલ ગાંધી વારંવાર કહ્યા કરે છે કે રાફેલ ડીલના ખાનગી દસ્તાવેજો મનોહર પર્રિકર પાસે છે. રાહુલની આ વાત કોઈ માનતું નહોતું. આમેય રાહુલને એમના પક્ષના લોકો સહિત દેશમાં ભાગ્યે જ કોઈ સિરિયસલી લેતું હોય છે. રાહુલે નવી ચાલ ચાલી. બીમાર મનોહર પર્રિકરની તબિયતની ખબર કાઢવાના બહાને રાહુલે એમની સાથે મુલાકાત કરી અને બહાર આવીને મીડિયાને કહ્યું કે મારે મનોહર પર્રિકર સાથે રાફેલ ડીલ વિશે ચર્ચા થઈ! બ્લફમાસ્ટર રાહુલનું આ જુઠ્ઠાણું મનોહર પર્રિકરે એક જાહેર નિવેદન બહાર પાડીને ખુલ્લું કર્યું અને દેશને કહ્યું કે આવી કોઈ ચર્ચા અમારી વચ્ચે થઈ જ નથી.


રાહુલે હવે પોતાનું છેક છેલ્લું વસ્ત્ર પણ ઉતારી નાખ્યું અને કહ્યું કે પર્રિકરે દબાણ હેઠળ આવીને આ નિવેદન બહાર પાડીને મને જુઠ્ઠો સાબિત કરવાની કોશિશ કરી છે.


ભૂલી જાઓ તમે કે તમે કૉન્ગ્રેસને વોટ આપવાના છો કે ભાજપને. સ્વતંત્ર રીતે વિચારો કે શું મનોહર પર્રિકર જેવો માણસ રાહુલ જોડે રાફેલ વિશે ચર્ચા કરવા બેસે? શું મનોહર પર્રિકર જાહેરમાં જુઠ્ઠું બોલે કે મેં રાફેલ વિશે રાહુલ ગાંધી જોડે કોઈ ચર્ચા નથી કરી? તમે રાહુલનો ભૂતકાળ પણ તપાસો અને નક્કી કરો કે આ બંનેમાંથી તમે કોના શબ્દો પર, કોના ચારિત્ર્ય પર અને કોની દાનત પર ભરોસો મૂકશો.


'ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર' ફિલ્મમાં લેવાયેલી (અને બુકમાં હોય પણ ન લેવાયેલી એવી) બીજી ઘણી વિગતો છે જેના વિશે થોડીક વાતો કરીશું. 'ઠાકરે' ફિલ્મની વાત પૂરી કરીએ.


મુંબઈમાં એક જમાનામાં લાલ વાવટાવાળા કમ્યુનિસ્ટોનાં ટ્રેડ યુનિયનોની બોલબાલા હતી. મિલોમાં, ઑફિસોમાં, હૉટેલો અને દુકાનોમાં તેમ જ દરેક બજારોમાં આ લાલ બંદરોએ પગપેસારો કર્યો હતો. છાપાંઓમાં પણ એમના જ ટ્રેડ યુનિયનો રહેતાં. છાપાની એડિટોરિયલ ઓફિસોમાં તો આ લાલભાઈઓ પત્રકારનો અંચળો પહેરીને ઘૂસી જ ગયેલા, પ્રિન્ટિંગ મશીનો ચલાવનારા કામદારોને પણ ડરાવી ધમકાવીને એમણે ટ્રેડ યુનિયનો બનાવીને છાપાના માલિકોના હાથ મરોડવાનું શરૂ કરી દીધેલું. બાળાસાહેબ ઠાકરેની દૂરંદેશીથી આ બધી જ જગ્યાઓએ શિવસેનાનાં ટ્રેડ યુનિયનો સ્થપાયાં. કોઈ કહેશે કે આમાં ફાયદો શું થયો? ઊલમાંથી ચૂલમાં પડ્યા. આ તરફ ખાઈ અને પેલી તરફ વાવ (શિવસેનાનો વાઘ) જેવી પરિસ્થિતિમાં વળી પસંદગી કેવી? હું કહીશ બંને પરિસ્થિતિઓ એક સરખી ખરાબ હોય તો અને શિવસેનાનાં યુનિયનોવાળી પરિસ્થિતિ વધુ ખરાબ હોય તો પણ, કમ્યુનિસ્ટોનું જોર તૂટે એવું તો થવું જ જોઈએ. કારણ કે ઑલ સેઈલ એન્ડ ડન. તે વખતના રશિયા તથા ચીનના ઈશારે નર્તન કરતા સામ્યવાદીઓએ ક્યારેય આ ભારત દેશનું ભલું ઈચ્છયું નથી. તેઓ હંમેશાં ભારત વિરુદ્ધ, ભારતની પ્રજા વિરુદ્ધ કાવતરાં કરતા રહ્યા છે. સામ્યવાદીઓનો ઉદ્દેશ ભારતમાં અરાજકતા ફેલાવવાનો અને ભારતને અસ્તવ્યસ્ત કરી નાખવાનો રહ્યો છે. બાળાસાહેબની શિવસેનાના હૈયે, તમે કંઈ પણ કહો, ભારતનું હિત તો છે, તેઓ રાષ્ટ્રવાદી છે, રાષ્ટ્રપ્રેમી છે. સામ્યવાદી ગુંડાગીરી અને આ લોકોની ગુંડાગીરી વચ્ચે જ જો પસંદગી કરવાની હોય તો હું એક નહીં, એક લાખવાર રાષ્ટ્રપ્રેમીઓની ગુંડાગીરી જ પસંદ કરીશ. પોતાને લિબરલ, પ્રોગ્રેસિવ અને ઈન્ટલેક્ચ્યુઅલ કહેવડાવતા સામ્યવાદીઓ હાથમાં દાતરતું-હથોડાનું પ્રતીક ધરાવતો લાલ ઝંડો લઈને દેખાવો કરે કે પછી છાપાઓમાં ઘૂસીને તંત્રીઓને ધમકાવીને, મૅનેજમેન્ટને ડરાવીને કૉલમો લખવાનું કામ કરે - વસ્તુત: તેઓ ગુંડાઓ જ હતા, ગુંડાઓ જ છે અને ગુંડાઓ જ રહેવાના છે.


બાળાસાહેબે મુંબઈની મિલોને તથા શહેરનાં અનેક ક્ષેત્રોને આ લાલ માકડાઓની ગુંડાગર્દીથી મુક્ત કરવાનું ઘણું મોટું કામ કર્યું તેનો હિસાબ તમને 'ઠાકરે' ફિલ્મમાં મળે છે.


'ઠાકરે' ફિલ્મનો એક સીન જોતાં જોતાં તમને 'મુંબઈ સમાચાર' યાદ આવી જાય. 'માર્મિક' સાપ્તાહિક શરૂ કરવા માટે બાળાસાહેબ પાસે પૂરતાં નાણાં નહોતાં. દસ હજાર રૂપિયાની જરૂર હતી પણ પ્રોવિડન્ટ ફન્ડ વગેરેની બચત સાથે આંકડો પાંચ હજાર પર આવીને અટકી જતો હતો (આ વાત ફિલ્મમાં નથી પણ સાહેબના યુ ટ્યુબ પર જોયેલા ઈન્ટરવ્યૂમાં એમણે આ કહેલું. હવે પછીની વાત ફિલ્મમાં છે). બૅન્કમાંથી લોન મળે એમ પણ નહોતું. કહે છે કે 'તો મી નવ્હેચ', 'લગ્ના ચી બેડી' અને 'મોરુ ચી માઉશી' જેવાં સુપરહિટ નાટકોના લેખક તથા વિખ્યાત પત્રકાર-તંત્રી આચાર્ય અત્રેને, જેમણે દૈનિક 'મરાઠા' અને સાપ્તાહિક 'નવયુગ' જેવાં પ્રકાશનો પણ શરૂ કર્યા હતાં. એમને બૅન્ક પાસેથી 14 લાખ રૂપિયા જેવી માતબર રકમની લોનો મળી હતી. આચાર્ય અત્રે પણ શિવસેના નામનું જ રાજકીય-સામાજિક સંગઠન શરૂ કરવા માગતા હતા એવું કહેવાય છે. 'માર્મિક'નો પ્રથમ અંક 1967માં મહારાષ્ટ્રના સૌ પ્રથમ મુખ્ય પ્રધાન યશવંતરાવ ચવ્હાણના હસ્તે લોકાર્પણ પામ્યો એ દિવસ યોગાનુયોગ આચાર્ય અત્રેનો પણ જન્મદિવસ હતો અને બાળ ઠાકરેએ પ્રથમ અંકમાં આચાર્ય અત્રેને પ્રેમપૂર્વક યાદ પણ કર્યા હતા. બાળાસાહેબના પિતા, કેશવ ઠાકરે ('પ્રબોધનકાર') 'માર્મિક'ના કાર્યકારી તંત્રી હતા. એમણે સંયુક્ત મહારાષ્ટ્રની ચળવળમાં પણ ભાગ લીધો હતો જેને કારણે યશવંતરાવ સાથે એમના સારા સંબંધ હતા અને એટલે જ યશવંતરાવ પ્રબોધનકારના પુત્રના સાપ્તાહિકનું ઉદ્ઘાટન કરવા આવ્યા હતા.


આચાર્ય અત્રે અને બાળ ઠાકરે વચ્ચેની દૂરી ક્રમશ: વધતી ગઈ તે ત્યાં સુધી કે બાળ ઠાકરેની કૉન્ગ્રેસની સાથેની મૈત્રી વધી ત્યારે આચાર્ય અત્રેએ એમના પેપરમાં લખેલું કે 'શિવસેના હવે વસંતસેના બની ગઈ છે.' વસંતસેનાના બે અર્થ થાય. વિખ્યાત સંસ્કૃત નાટક 'મૃચ્છકટિકમ્' (જેના પરથી રેખાજીના લીડ રોલમાં 'ઉત્સવ' ફિલ્મ બની)ની નાયિકા વસંતસેના છે જે ગણિકા છે. આ ઉપરાંત બીજો અર્થ મહારાષ્ટ્રમાં કૉન્ગ્રેસના મુખ્યમંત્રી વસંતરાવ નાઈક જેઓ 1963થી સળંગ 12 વર્ષ સત્તા પર રહ્યા) સાથે બાળાસાહેબને ખાસ્સી મૈત્રી હતી (બેઉ પાઈપ સ્મોકર પણ હતા). વસંતરાવ નાઈકની નિકટ આવી ગયેલી શિવસેના હવે વસંતસેના બની ગઈ છે આ બીજો અર્થ. આચાર્ય અત્રેની સેન્સ ઓફ હ્યુમર બાળાસાહેબ જેટલી જ પાવરફુલ હતી.


'માર્મિક' માટે બીજે કશેથી નાણાંની વ્યવસ્થા ન થઈ એટલે બાળ ઠાકરે અને એમના ભાઈ શ્રીકાન્ત ઠાકરે મુંબઈના એક બહુ મોટા અને ખૂબ જાણીતા ન્યૂઝપેપર - મૅગેઝિનના ડિસ્ટ્રીબ્યુટરની પાસે, જે પ્રબોધનકાર ઠાકરેના મિત્ર પણ હતા, જાય છે. લોકો એમને બુઆના હુલામણા નામથી બોલાવે અને અટક એમની દાંગટ.


દાંગટ બુવા મુંબઈના નંબર વન ન્યૂઝપેપર ડિસ્ટ્રિબ્યુટર. દાયકાઓ પહેલાં એેમના કપરા વખતમાં 'મુંબઈ સમાચાર'ના માલિકોએ એમને ટેકો આપ્યો હતો. 'મુંબઈ સમાચાર'ના ખૂબ જૂના ડિસ્ટ્રિબ્યુટર. બુવાના પુત્ર બાજીરાવ દાંગટ અત્યારે કામકાજ સંભાળે છે. 'ઠાકરે' ફિલ્મમાં બુવા દાંગટ સાથે બેઠેલા બાળક બાજીરાવનું પાત્ર પણ તમે જોઈ શકો છો. 'ઠાકરે' ફિલ્મમાં બતાવ્યું છે એ પ્રમાણે 'માર્મિક' શરૂ કરવા દાંગટ બુવાએ રૂ. પાંચ હજારની સહાય કરી હતી. મરાઠી વર્ઝનમાં બસો રૂપિયા વધુ આવી ગયા છે એવું દેખાડીને બાળ ઠાકરે સો-સોની બે નોટ બુવાને પાછા આપતાં દેખાડવામાં આવ્યા છે. હિંદી વર્ઝનમાં સીધેસીધી વાત છે.


'ઠાકરે' ફિલ્મમાં બતાવ્યા પ્રમાણે ૧૯૬૦માં 'માર્મિક' શરૂ કર્યા પછી બાળા સાહેબે મરાઠી માણુસનું ઉપરાણું લેતી ચળવળો ચલાવી અને ૧૯૬૬માં શિવસેનાની સ્થાપના કરી. ૧૯૭૧માં મુંબઈને શિવસેનાના સૌ પ્રથમ મેયર ડૉ. હેમેન્દ્ર ગુપ્તે મળ્યા. બાળા સાહેબમાં દૂરંદેશી એટલી કે શિવસેના ઍક્ટિવ પોલિટેક્સમાં પડી તે પછી પણ પોતે માત્ર સેના પ્રમુખનો જ હોદ્દો પોતાની પાસે રાખ્યો. શિવસેનાનાં ટ્રેડ યુનિયનો દત્તાજી સાળવી નામના પોતાના વફાદાર સાથીને સોંપ્યાં અને મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનનો કારભાર શિવસેનાના નગરસેવકો તથા મેયરને સોંપ્યો. પોતે ન તો કૉર્પોરેટ તરીકેની ચૂંટણી લડ્યા, ન મેયરનો હોદ્દો લઈને શિવાજી પાર્કસ્થિત ભવ્ય સીફેસિંગ મેયર્સ બંગલોમાં રહેવાની લાલચ રાખી અને ભવિષ્યમાં પણ મનોહર જોષી વગેરેને મુખ્યમંત્રી પદ સોંપ્યું, પણ પોતે સી.એમ. બન્યા નહીં. શિવસેનાએ લોકસભાની ચૂંટણી લડવાનું શરૂ કર્યું, રાજ્યસભામાં પણ પોતાના સંસદ સભ્યો નીમ્યા છતાં ક્યારેય વડા પ્રધાન બનવાની ઈચ્છા ન રાખી, ન એ માટે કોઈ કાવાદાવા કર્યા - મમતા, માયાવતી, લાલુ કે અખિલેશની જેમ. બાળા સાહેબની આ નૈતિક તાકાત હતી. તમે ભલે એમની સરખામણી ગાંધીજી કે જ્યપ્રકાશ નારાયણ સાથે ન કરો પણ સક્રિય રાજકારણમાં હોવા છતાં સત્તા કે પદથી દૂર રહેવાની બાબતમાં બાળા સાહેબની પતરાળી એ બે મહાનુભાવોની પંગતમાં જ તમારે મૂકવી પડે.


'ઠાકરે' ફિલ્મનું ઓપનિંગ તમે મિસ કરતા નહીં. લખનઊની સેશન્સ અદાલતમાં બાળા સાહેબ પર બાબરી ધ્વંસને લગતો કેસ છે. બાળા સાહેબ મુંબઈથી લખનઊ એરપોર્ટ પર ઊતરીને કોર્ટમાં જવા રવાના થાય છે એવો સીન છે જેની શરૂઆતમાં તમારા સુખદ આશ્ર્ચર્ય વચ્ચે તમને ચિરપરિચિત ચહેરો દેખાય છે અંગ્રેજી ચેનલના ટીવી રિપોર્ટર તરીકે. પૃથ્વી થિયેટરમાં એમનાં ગુજરાતી નાટકો તમે ખૂબ જોયાં છે. મનોજ શાહ. ગુજરાતી સમાંતર રંગભૂમિ પર જેમનું દાયકાઓથી એકચક્રી શાસન છે એ 'માસ્ટર ફૂલમણિ'થી લઈને 'મરીઝ' અને 'હું ચંદ્રકાંત બક્ષી' સુધીનાં અનેક યાદગાર નાટકોના નિર્માતા-દિગ્દર્શક - અભિનેતા - લેખક મનોજ શાહ જેવા અગ્રણી ગુજરાતી મુંબઈગરાથી 'ઠાકરે' ફિલ્મ ઓપન થાય એ જોઈને ગૂઝબમ્પ્સ જરૂર આવે. આવવા જ જોઈએ.


કોર્ટના સીન હોય કે પછી જીવનના વિવિધ તબક્કાનું ચિત્રણ હોય - 'ઠાકરે' ફિલ્મની દરેક ફ્રેમમાં બાળા સાહેબની પારદર્શક અને સચ્ચાઈભર્યાં વ્યક્તિત્વની તમને ઝાંખી થાય છે. ક્યારેક કોઈને એ વિલન લાગે, ક્યારેક કોઈને એમની સચ્ચાઈમાંની કડવાશનો સ્વાદ ન ભાવે તો એ બાળા સાહેબનો પ્રોબ્લમ નથી, ફિલ્મ મેકર્સનો પણ પ્રોબ્લેમ નથી. દર્શકે નક્કી કરવાનું કે એણે પોતાનાં ક્યાં ત્રાજવાં કાટલાં વડે આ મહાન વ્યક્તિત્વને જોખવા-તોળવા છે - મીડિયાએ એમના વિશે જે છાપ ઊભી કરી છે તેનાથી કે મુંબઈ, મહારાષ્ટ્ર અને ભારતના મરાઠીઓ સહિતના સાચા હિંદુઓ એમને જે દૃષ્ટિએ જુએ છે તેનાથી.


બાળ ઠાકરે જેવા વ્યક્તિત્વ વિશે, એમના જીવન વિશે, એમના વિચારો વિશે સિંહાવલોકન કરવું કે વિહંગાવલોકન કરવું ખૂબ કપરું છે. તમે એ વિશે પુસ્તક લખો કે ફિલ્મ લખો - તમારે એમની પારદર્શક બાબતોમાં કોઈ રંગ ઉમેર્યા વિના, વસ્તુસ્થિતિને યથાતથ બતાવવાની હોય છે. 'ઠાકરે' ફિલ્મ આ કસોટીમાંથી શતપ્રતિશત પાર ઊતરી છે. બાળા સાહેબ બીજાઓને ન પચે એવા પોતાના વિચારોને જસ્ટિફાય કરવામાં નહોતા માનતા, એ વિચારો બદલ ક્યારેય ડિફેન્સિવ વલણ પણ નહોતા અપનાવતા. જે છે તે આ છે. તમે એમાં ન માનો તો તમારો પ્રોબ્લેમ છે, પણ પોલિટિકલી કર્રેકટ રહેવા માટે, સર્વસ્વીકાર્ય બનવા માટે હું તમે રમાડશો એમ નહીં રમું. મારી ગેમ જુદી છે અને એના નિયમો પણ જુદા છે. હું તમારી ગેમ નહીં રમું અને જો રમીશ તો મારા નિયમોથી રમીશ અને મારી ગેમ તમારે રમવી હશે તો મારા જડબેસલાક નિયમોથી જ રમવી પડશે. 'ઠાકરે' ફિલ્મનો આ જ સંદેશ છે. ફિલ્મના અંતમાં તમને એક ઔર સરપ્રાઈઝ મળે છે. ધ એન્ડને બદલે લખ્યું છે: ટુ બી કન્ટિન્યુડ.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ost%3DpgrujHtSWV67w7UBOqMQnXKURwBg3pZCBBn0nC4-Q%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment