હાલમાં મુંબઈના ત્રણ સંશોધકોએ સાબિત કર્યું કે દાંતના ચોકઠાનું ફિટિંગ બરાબર ન હોય તો એ ઓરલ કૅન્સરનું કારણ બની શકે છે. આ સિવાય પણ બીજાં ઘણાં કારણો છે જેને લીધે ઓરલ કૅન્સરનું રિસ્ક વધે છે. અમુક જ કૅન્સર છે જેના થવા પાછળનાં કારણો આપણે જાણીએ છીએ. એને લીધે એ કૅન્સરથી બચવાની શક્યતા પણ આપણી પાસે છે. મોઢાનું કૅન્સર એમાંનું એક છે. ભારતમાં દર કલાકે ૧૪ લોકો આ કૅન્સરથી મૃત્યુ પામે છે ત્યારે જાણીએ એના થવાનાં કારણો વિશે વિસ્તારમાં. છેલ્લાં કેટલાંક વર્ષોમાં ભારતમાં કૅન્સરના કેસ ઘણી વધુ ઝડપે વધી રહ્યા છે. ખાસ કરીને બધાં કૅન્સરમાં ભારતમાં સૌથી વધુ માત્રામાં જોવા મળતું કૅન્સર એટલે મોઢાનું કૅન્સર. એક સરકારી આંકડા મુજબ કૅન્સરના દસ દરદીઓમાંથી ચાર દરદીઓ ઓરલ કૅન્સરના હોય છે. દર વર્ષે ૧,૩૦,૦૦૦ લોકો ઓરલ કૅન્સરનો ભોગ બને છે. એમાંથી દર કલાકે ૧૪ લોકો મૃત્યુ પામે છે. એમાં પણ જે લોકો ઓરલ કૅન્સરનો ભોગ બને છે તેઓ મોટા ભાગે ત્રીસથી પચાસ વર્ષની ઉંમરના હોય છે. એમાં સૌથી વધુ લોકોને જીભનું કૅન્સર થાય છે; એટલું જ નહીં, ૬૦થી ૮૦ ટકા લોકો ઍડ્વાન્સ સ્ટેજના કૅન્સર સાથે જ ડૉક્ટર પાસે જાય છે.
તમાકુ ભારતમાં દુનિયાના ૪૦ ટકા સ્મોકર્સ વસે છે. આમ તમાકુના ઉત્પાદનમાં જ નહીં, એની ખપતમાં પણ આપણે દુનિયામાં અગ્રેસર છીએ અને એનું જ કારણ છે કે આપણે ત્યાં ઓરલ કૅન્સરના કેસ સૌથી વધુ પ્રમાણમાં જોવા મળે છે. એ વિશે વાત કરતાં વૉકહાર્ટ હૉસ્પિટલ-મુંબઈ સેન્ટ્રલના ઑન્કોલૉજિસ્ટ ડૉ. મેઘલ સંઘવી કહે છે, 'કોઈ પણ પ્રકારનું તમાકુ જેમાં ચાવીને ખાવાનું તમાકુ કે બીડી-સિગારેટના ફૉર્મમાં લેવાતું તમાકુ ઓરલ કૅન્સર માટે જવાબદાર ગણી શકાય છે. ખાસ કરીને એમાં પણ ચાવીને ખવાતા તમાકુનો વપરાશ ભારતમાં સૌથી વધુ છે. એને કારણે જીભનું, ગલોફાનું, અન્નનળી કે શ્વાસનળીનું કૅન્સર જેવાં અલગ-અલગ કૅન્સર થઈ શકે છે. કોઈ પણ તમાકુનું સેવન કરતી વ્યક્તિને આ કૅન્સર થવાનું રિસ્ક ઘણું વધારે રહે છે. એનાથી બચવા તમાકુનો સંપૂર્ણ ત્યાગ જરૂરી છે. ઓરલ કૅન્સરથી બચવાનો એ સરળ ઉપાય છે.'
રિસર્ચ હાલમાં મુંબઈના તાતા મેમોરિયલ સેન્ટરના ત્રણ સંશોધકોએ સાબિત કર્યું કે મોઢામાં દાંત પડી જાય ત્યારે એની જગ્યાએ પહેરવામાં આવતાં ચોકઠું જો વ્યવસ્થિત ફિટિંગનું ન હોય તો એના દ્વારા થતા લાંબા ગાળાના ઇરિટેશનને કારણે વ્યક્તિને મોઢાનું કૅન્સર થઈ શકે છે. મોઢામાં જે પણ પિંક રંગનું એક પડ કે આવરણ દેખાય છે એને મ્યુકોસલ કહે છે. આ મ્યુકોસલ ફક્ત મોઢામાં જ નહીં, શરીરના અલગ-અલગ ભાગમાં રહેલું હોય છે. આ રિસર્ચ અનુસાર જ્યારે દાંતનું ચોકઠું વ્યવસ્થિત ફિટિંગનું ન હોય ત્યારે એ સતત મ્યુકોસલ જોડે ઘસાય છે અને આ મ્યુકોસલ તૂટી જાય છે. મ્યુકોસલ એક પ્રકારનું રક્ષણાત્મક કવચ છે જે તૂટી જાય તો કોષો પર અસર થાય છે અને એ અસરને કારણે કૅન્સર થવાની શક્યતા રહે છે. આ પ્રકારનું કૅન્સર મોટા ભાગે જીભનું કૅન્સર બનીને સામે આવે છે. જોકે કેટલો સમય આ પ્રકારના ચોકઠાનો પ્રયોગ કરવાથી કૅન્સર થઈ શકે છે એ બાબતે આ રિસર્ચ કંઈ કહી શક્યું નથી. જો આ પ્રકારના કૅન્સરનું જલદી નિદાન કરવામાં આવ્યું તો દરદીનાં આગળ પાંચ વર્ષ જીવવાની શક્યતા પંચાવનથી ૬૦ ટકા જેવી હોય છે. બાકી જો નિદાન મોડું થાય તો આ શક્યતા ત્રીસથી ૪૦ ટકા જેટલી ઘટી જાય છે. આખી દુનિયામાંથી બાવીસ જેટલા સ્ટડીઝ જે મ્યુકોસલ ટ્રૉમા અને કૅન્સર વચ્ચેની લિંક ધરાવતા હતા એમનો અભ્યાસ કરીને આ પરિણામ તારવવામાં આવ્યું હતું. આ રિસર્ચ દ્વારા સંશોધકો કહેવા માગતા હતા કે ભારતમાં એક્સપર્ટ ડેન્ટિસ્ટ પાસે જ લોકો ચોકઠું બનાવે છે એવું નથી. ખાસ કરીને ગામડાંમાં જ્યાં હેલ્થની સુવિધાઓ ઘણી ઓછી છે ત્યાં આ પ્રકારનું રિસ્ક વધુ રહે છે. આ બાબતે જરૂરી પગલાં લેવામાં આવે એ અનિવાર્ય છે, કારણ કે ચોકઠા જેવી બાબતને લીધે કોઈ વ્યક્તિ કૅન્સરનો ભોગ બને એ કેટલી હદે યોગ્ય છે એ પ્રશ્ન આ રિસર્ચે લોકો સમક્ષ મૂક્યો હતો.
બીજાં કારણો ૮૦ ટકા ઓરલ કૅન્સર પાછળ તમાકુ, સોપારી, સ્મોકિંગ અને કેટલીક હદે આલ્કોહૉલનું સેવન પણ જવાબદાર છે. જોકે ઓરલ કૅન્સરના દરદીઓમાં દસ ટકા દરદીઓ એવા પણ હોય છે જેમને આ પ્રકારનું કોઈ પણ વ્યસન હોતું નથી. છતાં તેઓ આ કૅન્સરનો ભોગ બને છે. ઓરલ કૅન્સર માટે જવાબદાર આ બીજાં કારણો કયાં છે એ જણાવતાં ડૉ. મેઘલ સંઘવી કહે છે, 'ઓરલ કૅન્સર મ્યુકોસલ ટ્રૉમાને કારણે થાય એ સાબિત થયેલું સત્ય છે. આ ટ્રૉમા અત્યંત તીખા કે સ્પાઇસી ખોરાકને લીધે પણ થઈ શકે છે. ઘણા લોકોના દાંત ખૂબ જ અણીવાળા હોય અને એ સતત મ્યુકોસલ જોડે ઘસાયા કરતા હોય તો પણ ટ્રૉમા આવી શકે છે. આ સિવાય HPV વાઇરસ જે સર્વાઇકલ કૅન્સર માટે જવાબદાર છે એ HPV વાઇરસને કારણે મોઢાનું કૅન્સર થઇ શકે છે. HPV વાઇરસ સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ પ્રૉબ્લેમ છે. આજકાલ એને કારણે HPVની વૅક્સિન ઓરલ કૅન્સર માટે પણ આપવામાં આવે એવી રેકમેન્ડેશન બહાર આવી રહ્યા છે.'
વહેલું નિદાન ઓરલ કૅન્સર એક એ પ્રકારનું કૅન્સર છે જેનું વહેલું નિદાન શક્ય છે. એનું કારણ એ છે કે મોઢું એ શરીરનો બહારનો ભાગ છે. આ ભાગમાં કોઈ પણ તકલીફ હોય તો એ તકલીફ બહાર તરત જ દેખાય આવે છે અથવા મેહસૂસ થાય છે. આ બાબતે વાત કરતાં ડૉ. મેઘલ સંઘવી કહે છે, 'આપણે ત્યાં લોકોની બેદરકારી અને ડરને કારણે ઓરલ કૅન્સર જેવું કૅન્સર પણ ઍડ્વાન્સ સ્ટેજમાં ખબર પડે છે જે શરમજનક છે. ઓરલ કૅન્સરની શરૂઆતમાં જ વ્યક્તિને તરત જ ચિહ્નો દેખાવા લાગે છે. એ ભાગમાં ઇરિટેશન થાય કે કોઈ ઊપસેલો ભાગ દેખાય અથવા જીભમાં હોય તો જીભ પહેલાં કરતાં થોડી હેવી લાગે. આ પ્રકારનાં કોઈ પણ ચિહ્નો અવગણવાં એ મૂર્ખામીભર્યું છે. જો ઓરલ કૅન્સરનું નિદાન વહેલું થઈ જાય તો ચોક્કસ દરદીને બચાવી શકાય છે.'
બચાવ જરૂરી ઓરલ કૅન્સર એક એવું કૅન્સર છે જેમાંથી માણસ બચી જાય તો પણ તે જીવનભર માટે અપંગ બની શકે છે. જો એકદમ શરૂઆતના સ્ટેજમાં એ પકડાય જાય તો કોઈ કેસમાં એવું પણ બની શકે કે સર્જરીની જરૂર ન પડે, પરંતુ મોટા ભાગના કેસમાં સર્જરી જરૂરી બની જાય છે અને વ્યક્તિનો એ ભાગ કાપવો પડે છે જ્યાં કૅન્સર ફેલાયેલું હોય છે અને આ સર્જરી વ્યક્તિનો જીવ બચાવવા જરૂરી રહે છે. જો એ ભાગ કાપી નાખીએ તો વ્યક્તિ હંમેશ માટે તેનો હોઠ કે જીભ કે ગાલ ગુમાવી બેસે એવું બની શકે છે જે કોઈ પણ વ્યક્તિ માટે તકલીફદાયક હોય છે, કારણ કે એનાથી તેનું આગળનું જીવન કપરું બને છે. આ રિસ્કને સમજીને આ કૅન્સરથી બચવું અત્યંત જરૂરી છે. અમુક કૅન્સર એવાં હોય છે જે શા કારણે થાય છે એ જ ખબર હોતી નથી એટલે એનાથી બચવું શક્ય હોતું નથી. જોકે ઓરલ કૅન્સર શેનાથી થાય છે એ આપણે જાણીએ છીએ એટલે એનાથી બચાવના પૂરા પ્રયત્નો કરવા જરૂરી.
|
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ot6EH-5Rah4VTg3FELkeLD89p%2Bq7BPz8uV5vRjgXhKw0w%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment