રાજ્યના મુખ્ય પ્રધાન સાથે કે દેશના વડાપ્રધાન સાથે અથવા તો વેપાર-ધંધાના કોઈક કાર્યક્રમમાં તમે ભાગ લીધો છે અને એ કાર્યક્રમ સમાચાર રૂપે ટી.વી. ઉપર પ્રસારિત થવાનો છે, તો એ સમાચાર જોવા માટે તમે શા માટે ઉત્સુક હો છો? તમારું ધ્યાન એ વખતે સૌથી વધારે કઈ વ્યક્તિ ઉપર હોય છે? અલબત્ત, એ સમાચાર જોવામાં તમે તમારી જાતને શોધવામાં જ રસ ધરાવતા હો છો. શક્ય છે કે કાર્યક્રમમાં તો તમારા જેવી અનેક વ્યક્તિઓ હોય અને તમે કાર્યક્રમ જોવા કે માત્ર સાંભળવા ગયા હો અને એ કાર્યક્રમ ટી.વી. ઉપર આવતો હોય તો પણ તમે તમારી જાતને જ એ કાર્યક્રમમાં આતુરતાપૂર્વક શોધી રહ્યા હશો.
હજારો માણસ વચ્ચે પણ માણસ પોતાની જાતને જ શા માટે શોધે છે? કારણ કે દરેક માણસ પોતાની જાતને જ મહત્ત્વની માને છે.
માણસ પોતાને મહત્ત્વ મળે એ માટે ધન કમાય છે. લડાઈઓ લડે છે. પર્વતો ચડે છે. સમુદ્ર તરે છે. જોખમીમાં જોખમી કાર્યો કરે છે. ક્યારેક લૂંટફાટ, ખૂનખરાબા પણ કરે છે. અને ક્યારેક આપઘાત પણ કરે છે.
ઉપર ઉપરથી જોતાં આપણને ઘણીવાર એમ લાગે છે કે, માણસને સૌથી વધુ એશઆરામના સાધનો ગમે છે, સગવડો ગમે છે. પૈસા ગમે છે, સત્તા ગમે છે, પરંતુ સહેજ ઊંડી નજર કરીએ એટલે ખબર પડે કે એ તો માત્ર બહારનું આવરણ છે. પોતાનું મહત્ત્વ વધારવા માટે જ માણસ એનો ઉપયોગ કરે છે.
પૈસા અમુક હદ સુધી માણસને જરૂરી કામ આપે છે. પૈસા દ્વારા માણસ આનંદ-પ્રમોદના સાધનો વસાવી શકે છે કે સલામતીની સ્થિતિ પ્રાપ્ત કરી શકે છે, પરંતુ એક હદથી વધારે પૈસા કમાનાર માણસ પૈસાનો એવો કોઈ ઉપયોગ કરી શક્તો નથી. માણસ પાસે જે તે સમયે વધારે રૂપિયા હોય તો પોતાના અંગત ઉપયોગ માટે તેમાંથી કેટલા વાપરી શકે? અને છતાં એક અબજ કમાનાર એનાથી વધુ અને પાંચ અબજ કમાનાર એનાથી પણ વધુ કમાવાની યોજનાઓ કર્યા કરે છે. શા માટે?
માત્ર, પોતાનું મહત્ત્વ વધારવા માટે. એ સ્થિતિમાં પૈસા, પૈસા તરીકેનું મહત્ત્વ ગુમાવી દે છે અને એક 'સ્ટેટસ સિમ્બોલ' બની જાય છે.
એટલું જ નહિ. પોતાનું મહત્ત્વ વધારવા માટે માણસ પૈસા આપી દેવા, દાન કરી દેવા પણ તૈયાર થઈ જાય છે.
એવું જ સગવડોનું છે. માણસને સગવડ ગમે છે, પણ પોતે સ્વીકારેલ કોઈક ઉચ્ચ ધ્યેય માટે સગવડોનો તે ત્યાગ પણ કરે છે. એ ત્યાગ દ્વારા એ પોતાનું મહત્ત્વ વધારવા માગે છે.
એશઆરામ બધાને ગમે છે, પરંતુ એને છોડીને માણસો ધગધગતી રેતીમાં મુસાફરી કરે છે, વિકટ પર્વતો ચડે છે, તોફાની સાગરો તરે છે.
આ બધાં જ કામો માણસ પોતાનું મહત્ત્વ વધારવા માટે કરે છે.
રમત-ગમતમાં, હરીફાઈઓમાં, પર્વતારોહણમાં કે સાગર તરવામાં માણસ પોતાનો જ રેકોર્ડ તોડવા કેમ પ્રયત્ન કરે છે? પોતે જ સ્થાપેલ રેકોર્ડ ઓળંગી જઈને એ શું મેળવવા માગે છે?
દરેક માણસ પોતાનું મહત્ત્વ જળવાઈ રહે અને એ વધતું રહે એવું જ વર્તન કરે છે. ચોર-લૂંટારાઓ પણ એ જ રીતે વર્તે છે.
વિચારવાનું એ રહે છે કે, દરેક વ્યક્તિ ઉત્તમ ગાયક, લેખક, ચિત્રકાર કે કલાકાર બની શક્તી નથી કે વડાપ્રધાન કે મુખ્યમંત્રી બની શક્તી નથી, તો પછી એ પોતાનું મહત્ત્વ કઈ રીતે સ્થાપિત કરી શકતી હશે?
જીવનની એ જ ખૂબી છે. એના અખૂટ ખજાનામાંથી દરેક વ્યક્તિને ઈશ્વરે બીજા કરતાં એવું કશુંક વિશિષ્ટ આપ્યું હોય છે કે, જેના ઉપર એ પોતાનું મહત્ત્વ જાળવી શકે છે.
જીવનનું ચક્ર એવું છે કે એમાં વ્યક્તિ બીજાની પાછળ પણ હોય છે અને એ જ વખતે બીજાની આગળ પણ હોય છે, વર્ગમાં અભ્યાસમાં ઠોઠ વિદ્યાર્થી રમત-ગમતમાં વધુ હોશિયાર હોઈ શકે છે, એ રીતે એનું મહત્ત્વ સ્થાપિત થઈ જાય છે.
બીજી એક વાત એ પણ સમજવા જેવી છે કે જે ક્ષેત્રને માણસ પોતાનું ગણે છે એમાં જ એ પોતાનું મહત્ત્વ જાળવી રાખવા માગતી હોય છે. એક ખેડૂત માટે તો, પોતાના ગામમાં સૌથી વધારે કપાસ પોતાના ખેતરમાં થયો એ વાત જ મહત્ત્વની હોય છે.
માણસ ગુપ્તદાન કરે ત્યારે એની ઈચ્છા કોની પાસે મહત્ત્વ મેળવવાની હોય છે?
– એવા ગુપ્તદાન દ્વારા માણસની ઈચ્છા પોતાની જાત પાસે મહત્ત્વ મેળવવાની હોય છે. મહત્ત્વ મેળવવાના ક્ષેત્રમાં આ સૌથી અગત્યનું ક્ષેત્ર છે. જયારે માણસ પોતાની જાત પાસે મહત્ત્વ ગુમાવી દે છે ત્યારે એ 'ડિપ્રેશન'માં સરી પડે છે અને જીવન એના માટે અકારું બની જાય છે.
માણસની ઈચ્છા તો જગતભરમાં નામના મેળવવાની હોય છે, પરંતુ બધા માટે એ શક્ય નથી હોતું. એટલે માણસ પોતાના મહત્ત્વ માટેના ક્ષેત્રો પોતે જ નક્કી કરી લે છે. પોતાનો જિલ્લો, પોતાનું ગામ, પોતાનો સમાજ, પોતાની જ્ઞાતિ, પોતાનું કુટુંબ અને એ દ્વારા પોતાની જાતને એ સહારો આપે છે. માણસને જ્યારે ક્યાંય મહત્ત્વ નથી મળતું ત્યારે પણ એ પોતાની જાતને એવું ઠસાવવા જ પ્રયત્ન કરે છે કે, પોતે મહત્ત્વની વ્યક્તિ હોવા છતાં કોઈ એને સમજી શક્તું નથી. જો એ એવું ન માને તો એનો છેલ્લો સહારો પણ જતો રહે છે.
આપણને સમાજમાં ધિક્કાર અને નફરતથી ભરેલા, વાંકદેખા અને નિરાશાવાદીઓ જે માણસો મળે છે એ બધાનું મહત્ત્વ એક યા બીજી રીતે ઘવાયેલું હોય છે. મહત્ત્વ એ તો માણસના વ્યક્તિત્વનું કેન્દ્ર છે. માણસ મહત્ત્વ ગુમાવી બેસે છે ત્યારે ક્યારેક કડવો, ગુનેગાર કે ગાંડો પણ બની જાય છે. બાળકનું મહત્ત્વ ઘવાય તો એ પણ રિસાઈ જાય છે.
કદરૂપા ચહેરાવાળી વ્યક્તિ પણ ગ્રૂપફોટોમાં પોતાનો જ ચહેરો શોધતી હોય છે, એટલે, ટીકા, દલીલ કે ચર્ચાથી ક્યારેય કોઈનું મહત્ત્વ ઘટાડવા પ્રયત્ન કરશો નહિ, કારણ કે મહત્ત્વ એ જ માણસ છે. મહત્ત્વ નહિ રહે તો એ માણસ માણસ જ નહિ રહે.
એટલે, બની શકે તો બીજાનું અને પોતાનું બંનેનું મહત્ત્વ વધે, પોતાનું અને બીજાનું જીવન ધન્ય બને એવી થોડી પ્રશંસા પણ તમારા મુખેથી નીકળે એવો પ્રયત્ન જરૂર કરતા રહેશો.
|
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OtkfqTHot6SoJL%2BPK06mbDc7pxWrmG6rpvVfygkCJ2ZRw%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment