Wednesday, 25 July 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ મૃત્યુ વખતે સાવ એકાકી ન રહેવા માટે સદભાગ્ય જોઈએ (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



મૃત્યુ વખતે સાવ એકાકી ન રહેવા માટે સદભાગ્ય જોઈએ!
શિશિર રામાવત
 

 

 

નોબલ પારિતોષિક વિજેતા લેખક ગેબ્રિઅલ ગાર્શિયા માર્ક્વેઝે લેટિન અમેરિકન સાહિત્યને વિશ્વના નકશા પર મૂકવાનું મોટું કામ કર્યું છે. એમણે મેજિકલ રિઅલિઝમનું તત્ત્વ શી રીતે શોધી કાઢયું હતું?

 

"...અને મેં મારી જાતને વર્ષોથી નહીં, પણ દાયકાઓથી માપવાનું શરૃ કર્યું. પચાસનો દાયકો નિર્ણાયક પુરવાર થયો, કેમ કે મને ભાન થવા માંડયું કે મોટાભાગના લોકો મારા કરતાં ઉંમરમાં નાના છે. સાઠથી સિત્તેર વર્ષનો ગાળો સૌથી ઇન્ટેન્સ રહ્યો, કેમ કે મને સતત એ વાતની સભાનતા રહેતી કે મારી પાસે હવે ભૂલો કરવાનો સમય બચ્યો નથી. સિત્તેરથી એંસીનો દાયકો સૌથી ભયજનક હતો. જીવનનો આ અંતિમ દાયકો બની રહેશે તેવી સંભાવના સતત હવામાં ઝળુંબ્યા કરતી. છતાંય મારી જિંદગીના નવમા દાયકાના પહેલાં દિવસે હું જીવતો હતો. હવે મને બહુ આસાનીથી રડવું આવી જાય છે. કંઈ પણ કોમળ કે ભલમનસાઈભર્યું જોઉં યા તો અનુભવું તો હવે તરત મારી છાતીમાં ડૂમો ભરાઈ આવે છે."


જીવનનું આ સત્ય 'મેમરીઝ ઓફ માય મેલેન્કલી વ્હોર્સ' નામની લઘુનવલના નાયકનું છે. આ અનામી નાયક એક લેખક છે. પોતાના નેવુંમા બર્થડે પર એ ખુદને એક વર્જિન વેશ્યાની ભેટ આપે છે. એવી વેશ્યા જે હજુ માંડ તરુણી છે, જેની જુવાની પણ હજુ પૂરી ફૂટી નથી. 'મેમરીઝ ઓફ માય મેલેન્કલી વ્હોર્સ' નોબેલ પ્રાઇઝ વિનર સાઉથ અમેરિકન લેખક ગેબ્રિઅલ ગાર્શિયા માર્ક્વેઝની અંતિમ કૃતિ હતી. ૧૭ એપ્રિલે ૮૭ વર્ષની ઉંમરે તેમનું મૃત્યુ થયું. પોતાના અંતિમ નાયકની માફક માર્ક્વેઝના નસીબમાં પણ દીર્ઘ જીવન લખાયું હતું.

 

માર્ક્વેઝ સ્પેનિશમાં લખતા. આ નોબેલ પ્રાઇઝ વિજેતા કોલંબિયન લેખક, પત્રકાર, ફિલ્મ રિવ્યૂઅર અને ફિલ્મરાઇટર પણ રહી ચૂક્યા છે. આજે સલમાન રશદી સહિત દુનિયાભરના કેટલાય લેખકોનાં લખાણમાં મેજિકલ રિઅલિઝમનું તત્ત્વ જોવા મળે છે. આ શૈલી માર્ક્વેઝે પોતાની સૌથી વિખ્યાત નવલકથા 'વન હન્ડ્રેડ યર્સ ઓફ સોલિટયુડ' સૌથી પહેલી વાર ઇન્ટ્રોડયુસ કરી હતી.


તેઓ અઢાર-વીસ વર્ષની ઉંમરથી આ નવલકથા લખવા માગતા હતા. એક એવી નવલકથા જેના કેન્દ્રમાં પોતે જ્યાં ઉછર્યા હતા તે નાના-નાનીનું ઘર હોય, જેમાં બાળપણનાં વર્ષોની વાતો હોય. આ નવલકથામાં માર્ક્વેઝે મકોન્ડો નામનું કાલ્પનિક નગર કલ્પ્યું છે. એમાં બ્યુએન્ડિયા પરિવાર રહે છે. આ પરિવારની ચાર પેઢીઓમાં શું શું બને છે? કેવા કેવા ચઢાવ-ઉતાર આવે છે?નવલકથાનું આ વિષયવસ્તુ છે. માર્ક્વેઝ વર્ષો સુધી કોશિશ કરતા રહ્યા, પણ એમનાથી આ નવલકથાનું સ્ટ્રક્ચર અથવા તો ફોર્મેટ પકડાતું નહોતું. શું લખવું છે તે ખબર હતી, પણ કેવી રીતે લખવું, કયા સ્વરૃપમાં લખવું છે તે સ્પષ્ટ થઈ શકતું નહોતું. એ સ્પષ્ટતા વર્ષો પછી થઈ. તદ્દન અણધારી રીતે.

 

માક્ર્વેઝ એક વાર વીકએન્ડ માણવા બહારગામ જઈ રહ્યા હતા. સાથે પત્ની અને બન્ને દીકરા હતાં. માર્ક્વેઝને ડ્રાઇવિંગ કરવું ખૂબ ગમે. તે દિવસે લોન્ગ ડ્રાઇવ દરમિયાન તેઓ ખૂબ મૂડમાં હતા. અચાનક કોણ જાણે ક્યાંથી તેમના દિમાગમાં નવલકથાનું પહેલું વાક્ય સ્ફુર્યું. તે એક વાક્યની પાછળ આખી નવલકથા છુપાયેલી હતી. આ વાક્ય જાણે સિક્રેટ ફોર્મ્યુલા જેવું હતું. માર્ક્વેઝે બ્રેક મારી યુ-ટર્ન લીધો અને કાર પાછી મેક્સિકો તરફ મારી મૂકી. વીકએન્ડ કેન્સલ! ઘરે આવતાંવેંત માર્ક્વેઝ ટાઇપરાઇટર પર લખવા બેસી ગયા. તેર મહિનાને અંતે 'વન હન્ડ્રેડ યર્સ ઓફ સોલિટયુડ'ની પ્રત તૈયાર હતી.


નાટયાત્મક લાગતી આ ઘટનાનાં ઘણાં વર્ઝન છે. એક વર્ઝન એવું છે કે માર્ક્વેઝના મનમાં નવલકથાનું પહેલું વાક્ય નહીં, પણ નાનાજી નાના છોકરાને કિસ્સો સંભળાવી રહ્યા હોય તેવી ઇમેજ ઉપસી હતી. બીજું વર્ઝન એવું છે કે માર્ક્વેઝ એ જ ઘડીએ યુ-ટર્ન લઈને પાછા ઘરે નહોતા આવી ગયા. પ્લાનિંગ પ્રમાણે તેઓ સપરિવાર જે જગ્યાએ જવાનું હતું ત્યાં જરૃર ગયા હતા, છુટ્ટી માણી હતી, પણ આ બે દિવસ દરમિયાન એમણે પુષ્કળ નોંધ તૈયાર કરી નાખી હતી. પછી ઘરે ગયા બાદ તેમણે આ નોંધના આધારે નવલકથા લખવાનું શરૃ કર્યું હતું. બધાં વર્ઝનમાં બે દિવસની રજા દરમિયાન આઇડિયા સુઝ્યો તે વાત કોમન છે.

 

અલગ અલગ વર્ઝન બહાર આવવાનું કારણ માર્ક્વેઝે ખુદ એક ઇન્ટરવ્યૂમાં કહેલી વાત છેઃ "સાચું કહું તો 'વન હન્ડ્રેડ યર્સ ઓફ સોલિટયુડ'નવલકથા લખવામાં મને સૌથી વધારે આકરું જો કંઈ લાગ્યું હોય તો તે હતી શરૃઆત! પહેલં વાક્ય, પહેલો ફકરો લખતા તો મોઢે ફીણ આવી ગયાં હતાં. સખત ગભરાટ થતો હતો. મનમાં થતું હતું કે આટલું તો લખાયું, પણ હવે આગળ શું લખવાનું?"


ખેર, વીજળીની જેમ ત્રાટકેલી પેલી 'યુરેકા મોમેન્ટ' શું હતી? માર્ક્વેઝને ઓચિંતા સમજાયું કે મારે મારા બાળપણ વિશે નવલકથા નથી લખવી, મારે મારા બાળપણની 'સ્મૃતિ' વિશે નવલકથા લખવી છે. બાળપણમાં જે કંઈ થયું તે યથાતથ મૂકી દેવાનું તેમ નહીં, બલકે તે ઘટનાઓને વર્તમાનના પ્રિઝમમાંથી જોવાની. મારે રિયાલિટી વિશે નહીં, પણ 'રિપ્રેઝન્ટેશન ઓફ રિયાલિટી' વિશે લખવું છે. મારે કોઈ ચોક્કસ ગામ વિશે નહીં, પણ દુનિયા તે ગામને કેવા દૃષ્ટિકોણથી જુએ છે તે વિશે લખવું જોઈએ. ગામને બાકીની દુનિયાથી અલગ કરીને જોવાને બદલે આખી દુનિયાને મારા ઘર અને ગામ સુધી લાવવી જોઈએ. આ રીતે સીમાડા ખૂલી જતા હતા. એકસાથે અનેક સ્તરો પર કામ થઈ થઈ શકતું હતું. આ સ્થિતિએ માર્ક્વેઝને આઝાદીનો અહેસાસ કરાવ્યો.

 

જેવી દિમાગની બારીઓ ખૂલી, નવલકથાનું સ્ટ્રક્ચર પકડાયું અને લખવાનું શરૃ થયું કે માર્ક્વેઝને સમજાવા લાગ્યું હતું કે આ નવલકથા ઉત્તમ બનવાની. એમની શૈલી પછી 'મેજિકલ રિઅલિઝમ' તરીકે મશહૂર બની. મેજિકલ રિઅલિઝમમાં સાવ સાદી, દુન્યવી બાબતો અને જાદુઈ ઘટનાઓ સાથે સાથે બનતી રહે, બન્નેની એકબીજામાં સેળભેળ થતી રહે. પરિણામે વાચક સામે અસાધારણ અને અદ્ભુત અસર ઊભી થાય.


જેવા માર્ક્વેઝ કમ્ફર્ટ ઝોનમાં આવ્યા કે તેમની કલમ યા તો ટાઇપરાઇટર ફટાફટ ચાલવા માંડયાં. રોજ માંડ એક ફકરો લખી શકતો માણસ પાનાંનાં પાનાં ભરવા લાગ્યો. પહેલાં અઠવાડિયા દરમિયાન જ એમણે ખૂબ બધું લખી નાખ્યું હતું. એમને અંદાજ આવી ગયો કે મારો પહેલો ડ્રાફ્ટ આઠસો પાનાંનો થશે, જેમાંથી કાપીકૂપીને હું ચારસો પાનાંનો ફાઇનલ ડ્રાફ્ટ બનાવી શકીશ. ચારસો પાનાંમાં બ્યુએન્ડિયા પરિવારની ચાર પેઢીની વાતો આવી જાય. ઓગણીસમી સદીના કોઈ બિંદુથી વાર્તાની શરૃઆત થાય અને સો વર્ષના સમયગાળામાં ધીમે ધીમે આખી નવલકથા ફેલાય. બ્યુએન્ડિયા પરિવારની વાતોની સાથે સાથે કોલંબિયાનો સો વર્ષનો ઇતિહાસ પણ એમાં વણાતો જાય.


માર્ક્વેઝને તરત સમજાઈ ગયું કે આ નવલકથા લખવાનું કામ સંપૂર્ણ એકાગ્રતા માગી લે તેવું છે. તે સમયે તેઓ એક એડવર્ટાઇઝિંગ એજન્સી સાથે સંકળાયેલા હતા. આ સિવાય બીજું એક પુસ્તક લખવાનું કામ પણ તેમને મળ્યું હતું. આ બન્ને કામમાંથી નિશ્ચિત પૈસા મળતા હતા, જેનાથી ઘર ચાલતું હતું. માર્ક્વેઝે હાથમાં લીધેલી નવલકથાને સંપૂર્ણ ન્યાય આપવા માટે એક મોટો નિર્ણય લીધો. તેમણે એડ એજન્સી અને પેલું પુસ્તક બન્ને છોડી દીધાં. બીવી-બચ્ચાં લઈને બેઠેલા માણસ માટે આ મોટો જુગાર હતો.

 

પણ આ જુગાર બરાબરનો ફળ્યો. 'વન હન્ડ્રેડ યર્સ ઓફ સોલિટયુડ' નવલકથાએ તેમને વિશ્વસ્તરની ખ્યાતિ અપાવી. આ નવલકથા માર્ક્વેઝે ૩૮ વર્ષની ઉંમરે લખવાની શરૃ કરી હતી. નવલકથા પ્રકાશિત થઈ ત્યારે ૪૦ વર્ષના હતા. ત્રણ વર્ષ પછી તેનો અંગ્રેજી અનુવાદ થયો. પછી તો દુનિયાભરની કુલ ૩૭ ભાષાઓમાં તે અનુદિત થઈ. આજ સુધીમાં તેની ત્રણ કરોડ નકલો વેચાઈ ચૂકી છે. 'વન હન્ડ્રેડ યર્સ ઓફ સોલિટયુડ' નવલકથાએ માર્ક્વેઝને સુપરસ્ટાર રાઇટર બનાવી દીધા. એમની 'લવ ઇન ધ ટાઇમ ઓફ કોલેરા' પણ ખૂબ વંચાઈ અને વખણાઈ છે. ૧૯૮૨માં માર્ક્વેઝને એમની નવલકથાઓ અને નવલિકાઓ માટે સાહિત્યનું નોબેલ પ્રાઇઝ મળ્યું. તે વખતે તેમની ઉંમર પંચાવન વર્ષ હતી. પોતાના જીવનકાળ દરમિયાન તેમણે છ નવલકથાઓ, ચાર લઘુનવલો, પાંચ નવલિકાસંગ્રહો અને સાત નોન-ફિક્શનનાં પુસ્તકો લખ્યાં છે. લેટિન અમેરિકન સાહિત્ય હિપ-એન્ડ-હેપનિંગ બનાવવામાં માર્ક્વેઝનો મોટો ફાળો છે. જેરાલ્ડ માર્ટિન નામના બ્રિટિશ લેખકે 'ગેબ્રિઅલ ગાર્શિયા માર્ક્વેઝ' નામની અફલાતૂન અને દળદાર જીવનકથા લખી છે. માર્ક્વેઝ અને તેમના સાહિત્યમાં રસ પડતો હોય તો આ પુસ્તક વાંચી જવા જેવું છે.


ધેર ઇઝ નો ગ્રેટર મિસફોર્ચ્યુન ધેન ડાઇંગ અલોન. 'મેમરીઝ ઓફ માય મેલેન્કલી વ્હોર્સ'નો પેલો વયોવૃદ્ધ નાયક કહે છે કે મરતી વખતે તમે સાવ એકાકી હો તો એના કરતાં મોટું દુર્ભાગ્ય બીજું કોઈ નથી. જીવનના અંતિમ તબક્કે માર્ક્વેઝ પાસે સર્જક સંતોષ,ચાહકોની સદ્ભાવના અને પરિવાર આ બધું જ હતું. માર્ક્વેઝ એ રીતે નસીબદાર હતા.




--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OtiZaseZ5xurxnA94OLpGW6iev1K8DqYYcnD_P2UZ1zjQ%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment