Wednesday, 25 July 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ કાગળ પર ડિગ્રી (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



કાગળ પર કોલેજ, કાગળ પર ડિગ્રી:
અરે, કિં ફરક પેંદા, યારોં!

અંદાઝે બયાં-સંજય છેલ

ટાઇટલ્સ: મુંબઇનો આકાર ઊંધી રકાબી જેવો છે માટે જ અતિ-વૃષ્ટિમાં ૩૮ લોકો એ રકાબીમાં ડૂબીને મરી ગયા (ભક્ત-વચન)

એક ગામમાં અભણ લોકોને ભણાવવા પાદરીએ બે મહિનાનો અક્ષરજ્ઞાનનો કોર્સ આપ્યો જેથી કરીને લોકોને બેઝિક લખતાં-વાંચતાં આવડે. ત્યાં એક છોકરીએ માત્ર એટલે જ એડમિશન લીધું કે એને એનું નામ બહુ વહાલું હતું અને એને એનું માત્ર નામ લખતા શીખવું હતું.એણે બે મહિને એ શીખી લીધું અને ખુશખુશ થઈને ઘરે ગઈ!

 

બીજે વરસે ફરીથી પાદરીએ બે મહિનાનો વેકેશન બેચ શરૂ કર્યાં ત્યારે ફરી પેલી છોકરી આવી અને કહ્યું, "મારે મારું નામ લખતા શીખવું છે!! પેલા પાદરીને નવાઈ લાગી, "નામ લખતા તો તેેં ગયા વરસે શીખી લીધું છે! હવે શું છે? છોકરી શરમાઈને બોલી, "હવે હું પરણી ગૈ. નામ બદલાયુંને?તે નવું નામ શીખવા આવી છું!

 

આપણા દેશમાં એજયુકેશન હજીયે માત્ર દુખ:દ જ સમસ્યા નથી પણ રમૂજી કોયડો પણ છે. હમણાં માનવ-સંસાધન મંત્રીએ દેશની એમીનંટ એટલે કે પ્રખ્યાત કોલેજોમાં આઇ.આઇ.ટી. દિલ્હી, મનિપાલ યુનિવર્સિટી જેવી સંસ્થાઓની સાથોસાથ જિયો રિલાયંસ ઇન્સ્ટિટ્યૂટનું નામ પણ જાહેર કરી નાખ્યું. દેશમાં એક વધુ સારી ઈન્સ્ટિટ્યૂટ હોય એ સારી વાત છે પણ એમાં નાનો એવો પ્રોબ્લેમ એ છે કે પેલી જિયો ઈન્સ્ટિટ્યૂટ હજી ખૂલી જ નથી, માત્ર કાગળ પર જ છે! આટલી નાની વાતને લીધે વાંકદેખા લોકો, મંત્રીજીની મજાક કરવા માંડ્યાં, બોલો!

 

મારા હિસાબે આવી ટીકા ખોટી છે. જેમ આપણા સૌની મોટાભાગની ડિગ્રીઓ માત્ર કાગળ પર જ રહી જાય છે એમ આખેઆખી કોલેજ માત્ર કાગળ પર જ હોય તો ખોટું શું છે? આટઆટલા ભણેલા બેકારો અને ભણેલા મૂર્ખાઓ વસે છે તોયે હજીયે આપણે ત્યાં ડિગ્રીઓ અને કોલેજોનો બહુ મહિમા છે. ડિગ્રી એક ઓવરરેટેડ કાગળનો ટુકડો છે. બી.એ., એમ.એ. થયેલાઓ બૅંકનાં સાદાં ફોર્મ નથી ભરી શકતાં અને એન્જિનિયરો, અભણ ફોરમેનો પાસેથી શીખતાં હોય છે, એ અમે જોયું છે!

 

કબૂલ કે નોકરી કે કામ મેળવવા માટે ડિગ્રી કામની છે પણ એનાથી ખરેખર કેટલું જ્ઞાન લાધે છે એ મોટો સવાલ છે. પુણે ફિલ્મ ઈન્સ્ટિટ્યૂટમાં નંબર-૧ આવેલા વિજય અરોરા જેવા ભણેલા અભિનેતાઓ ક્યાંય ના પહોંચી શક્યા અને અભણ ગોવિંદા કે ધર્મેન્દ્રએ લોકોનાં દિલ પર રાજ કરી દેખાડ્યું છે. ધીરુભાઈ અંબાણીની બિઝનેસ સેન્સ સામે એમ.બી.એ. થયેલાઓની ફોજ નતમસ્તક થઈ જતી. ગુલશનકુમાર જેવો અભણ ફ્રૂટ વેચનારો માણસ,૧૦૦૦ કરોડની મ્યુઝિક કંપનીનો માલિક બનેલો! ગુલશનકુમારને એમની હત્યાના એક જ દિવસ પહેલાં ત્રણ-ચાર વકીલો સાથે કાયદાની કલમોની ચર્ચા કરતાં જોઈને હું છક્ક થઈ ગયેલો! અર્થાત્ ડિગ્રી આવશ્યક છે પણ અનિવાર્ય છે કે નહીં એ મરઘી-ઇંડા જેવો કોમ્પ્લિકેટેડ ઇશ્યુ છે. તો પછી એવામાં ભલે ના બનેલી જિયો ઈન્સ્ટિટ્યૂટને એમિનન્સીથી નવાજવામાં આવે તો શું થયું?

 

સૌરાષ્ટ્રના એક ગામમાં એક ભણેલો માણસ ગામને આધુનિક કેમ કરવું એ વિશે પોતાનો અઘરો પ્લાન સમજાવી રહ્યો હતો. ગામડાના ભલાભોળા ખેડૂતોને એમાં કંઈ સમજાયું નહીં એટલે સામી દલીલો કરવા માંડ્યાં.પેલા એજ્યુકેટેડ માણસથી સહેવાયું નહીં તો એ ભડક્યો, "તમને લોકોને ખબર છે મેં બે-બે યુનિવર્સિટીમાં બે-બે ડિગ્રીઓ લીધી છે!તો એક ખેડૂતે તરત જ ઊભા થઈને કહ્યું, "લે એમાં હું?મારે ત્યાંયે બે-બે ખેતર છે,એમાં બે-બે ગાયું છે અને એમાં પણ જ્યારે એક જ વાછરડું બે-બે ગાયુને ધાવીને મોટું થાય છે, ત્યારે સાલુ બહુ જાડ્યું થઈ જાય છે! બોલો કાંઈ હમજાયું? પેલા ભણેલાના ચહેરાના હાલ એવા જ થયા જેવા આપણાં સૌના જિયો ઈન્સ્ટિટ્યૂટવાળા સમાચાર સાંભળીને થયાં!

 

ઇન્ટરવલ:

ત્યાંસી લાખ હજાર નવાણું, નવસે ઔર નવાણું,

 

બિન હરી ભણ્યે સકલ સરીખા, તો મનુષ્ય અધિક કયું જાણું? (અખો)

 

જે ફજેતી થઇ છે એમાં સરકારે કે સરકાર ભક્તોએ શરમાવા જેવું જરાયે નથી. અને આપણી પાસે સરકારનો બચાવ કરવા માટે આશ્ર્વાસનરૂપે ઘણી માહિતીઓ છે. જેમ કે, આઈઝેક ન્યૂટન જેવો વૈજ્ઞાનિક માત્ર ચાર જ ચોપડી ભણેલો કારણ કે એની માએ એને ખેડૂત બનાવવા માટે સ્કૂલેથી ઉઠાડી મૂકેલો.

 

ત્રણ હજારથી વધુ ચીજોનો આવિષ્કાર કરનાર મહાવૈજ્ઞાનિક એડીસનને સ્કૂલમાં ઠોઠ ગણતા અને મહાન-આઈક્યૂ ધારી આલ્બર્ટ આઈન્સ્ટાઈનને સ્કૂલમાં ડફોળ ગણવામાં આવતા. સઆદત હસન મંટો નામનો મહાન ઉર્દૂ લેખક ઉર્દૂ વિષયમાં જ કોલેજમાં નાપાસ થયેલો! તો પછી? જિયો કોલેજ ખૂલી હોય કે નહીં જીયો ઔર જીને દો! આમ પણ આ સરકારના સ્મૃતિ ઇરાનીજી જેવા મંત્રીઓ અને ખુદ પ્રધાનમંત્રીજીની પણ ડિગ્રીઓ વિશે વિવાદો થયાં જ છેને? શું ફરક પડ્યો ? ચાર વરસ આમને આમ નીકળી જ ગયાંને? કિં ફરક પેંદા યારો?

 

મારો એક મિત્ર સ્કૂલમાં સી.એ. થવાની ધગશ કે હોંશ રાખતો હતો. બહુ વરસે મને મળ્યો ત્યારે પોશ ગાડી અને પોશ કપડાંમાં ખુશ ખુશ દેખાતો હતો.મેં પૂછ્યું, "યાર... પછી તું સી.એ. થયો કે નહીં? ત્યારે એણે કહ્યું, "ના! પણ હવે ઓફિસમાં બાર સી.એ. રાખ્યા છે!

 

અહીં ડિગ્રીને અવગણવાની કે એનું અપમાન કરવાની વાત નથી, પણ મોટેભાગે આપણે ત્યાં ડિગ્રીને નોકરી મેળવવાના પાસપોર્ટ તરીકે વપરાય છે. આ ગરીબ દેશનાં ચિંતિત મા-બાપો, પોતાનાં બાળકો બે ટંક કમાય એટલું ભણી લે એમાં જ જીવનનું સાર્થક્ય ગણે છે. અહીં ભાષા, ભણેલો એવરેજ માણસ શિક્ષક બનવા માગે છે. કોમર્સ ભણેલો ક્લાર્ક અને સાયન્સ કે એન્જિનિયરિંગ ભણેલો કોઈ કારખાનામાં, કંપનીમાં નોકરી મેળવવા જ રાતો જાગીને ડિગ્રી દેવીને આરાધે છે. ઇન શોર્ટ જીવનની યુનિવર્સિટીમાં ડિગ્રી અને રેશનકાર્ડ વચ્ચે બહુ ફરક નથી રહેતો.

 

જિયો ઈન્સ્ટિટ્યૂટવાળા વિવાદથી કોલેજ વિશે ફિલ્મી કિસ્સો યાદ આવે છે. કોઇએ અભિનેતા રિશી કપૂરને પૂછેલું, "તમે કઇ કોલેજમાં ગયેલા? રિશી કપૂરે તરત જ કહ્યું, "૧૦૦થી વધારે! પેલાને સમજાયું નહિ કે ૧૦૦થી વધારે કોલેજમાં જવું કેવી રીતે શક્ય છે? તો રિશી કપૂરે કહ્યું, "અબે આખી જિંદગી કોલેજમાં છોકરી પટાવવાનાં સીન તો કર્યાં છે!! તો એના શૂટિંગ માટે ૧૦૦ કોલેજોમાં ગયેલો કહેવાઉં કે નહીં? એક જમાનામાં હિંદી ફિલ્મનાં હીરો લોકો ઘરમાં દોડીને પ્રવેશતા અને સફેદ સાડલો પહેરેલ માનાં ચરણસ્પર્શ કરીને હરખભેર કહેતાં, "મા...મા..., મૈં પાસ હો ગયા. મૈં બી.એ. હો ગયા. અબ નૌકરી કરુંગા ઔર હમારે સારે દુ:ખ દૂર હો જાયેંગે! અને સફેદ સાડલાવાળી વિધવા મા,ચાવી આપેલા રમકડાંની જેમ ટર્ન થઈને મૃત પતિના ફોટા સામે હરખથી રડી પડતી, પછી '૮૦ના દાયકામાં એવો સમય આવ્યો કે નક્કામી ડિગ્રી, બેકારી, ભ્રષ્ટાચાર બધું એકમેકમાં ભળી ગયું.

 

ગુંડાગીરી અને હતાશા ડિગ્રીધારી યુવાનોમાં આવી. એટલે પછી તો એક ફિલ્મમાં ગોવિંદા, હરખભેર વિધવા માના પગે પડીને કહે છે, "મા..મા..મૈં ડોન બન ગયા! અબ સારે શહેર પર રાજ કરુંગા. તુઝે અબ ફિકર કરને કી કોઈ ઝરુરત નહીં!! અને આ સાંભળીને પાછી મા હરખાઈ પણ! આમ આ ગરીબ રોટીભૂખ્યા દેશમાં વખત જતાં ડિગ્રીનું સ્થાન પછી ડોન-ગીરીએ લીધું.પછી ડિગ્રીનું સ્થાન શેરબજારનાં કૌભાંડોએ કે જમીનના સોદાઓએ લીધું!

 

ગમે તે કોલેજ એમીનંટ હોય કે નહીં શું ફરક પડે છે? સરકાર, પ્રજાને ૧૫ લાખ આપી ના શકે તો કાંઇ નહીં પણ આ પેલી ના ખૂલેલી જિયો કોલેજમાંથી બધા અભણ લોકોને એક-એક ડિગ્રી તો આપી જ દેવી જોઇએ જેથી દેશમાં ભણતરનું સ્તર આપોઆપ સુધરી જાય!

 

કમનસીબે, લોકશાહીમાં "લાચારી એ પ્રજાને માથે મરાતી એવી ડિગ્રી છે, જે ગમે કે ના ગમે લેવી જ પડે છે!



--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ou5TE8hhSamQczrNOp32djthgYeVOGA%2BoX%3DpHhzQRS9Bg%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment