Friday, 20 July 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ કહું છું, સાંભળો છો? (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



કહું છું, સાંભળો છો!
અમથું અમથું હસીએ-રતિલાલ બોરીસાગર

એક વાર એક વર્તમાનપત્રની સાપ્તાહિક પૂર્તિની જીવનચિંતનની કૉલમમાં નાટ્યકાર ઈસ્કીલસનું એક કથન ટાંકવામાં આવ્યું હતું : 'સ્ત્રીએ ઘરની ચાર દીવાલોની વચ્ચે જ પોતાની જિંદગીનો વ્યાપ સંકેલી લેવો જોઈએ અને શાંતિપૂર્વક મૌન રહીને જીવતાં શીખવું જોઈએ.' અઢી હજાર વરસ પહેલાં સ્ત્રી વિશે પુરુષની અપેક્ષા આવી હતી. આજે પણ પુરુષોને ખાનગીમાં પૂછવામાં આવે અને એનો જવાબ એની પત્નીથી ખાનગી રાખવાની ખાતરી આપવામાં આવે તો આજે પણ પુરુષમાત્રની અપેક્ષા, કદાચ જ નહિ, ચોક્કસ આવી જ હશે, એવું પુરુષજાતિના પ્રતિનિધિ તરીકે હું કહી શકું તેમ છું. અલબત્ત, બે ટંક જમવું હોય અને બાળકોને ઇંગ્લિશ મીડિયમમાં ભણાવવાં હોય તો પત્નીને નોકરી કરવા જવા દીધા સિવાય પતિનો છૂટકો નથી. પણ સ્ત્રીએ શાંતિપૂર્વક મૌન પાળીને જીવતાં શીખવું જોઈએ એવી પુરુષની માન્યતામાં ઝાઝો ફેર પડ્યો નથી. અલબત્ત ઈસ્કીલસની જેમ કોઈ પતિ જાહેરમાં હિંમતપૂર્વક આવું કહી ન શકે આજે તો કદાચ ઈસ્કીલસ પોતે પણ જાહેરમાં આવું ન કહી શકે, પરંતુ પુરુષ માત્રને કહ્યાગરી પત્ની ગમે છે. (જોકે સ્ત્રી માત્રને કહ્યાગરો કંથ ગમે છે એટલે એકબીજાને કહ્યાગરાં બનાવવાની માથાકૂટમાં જિંદગી પૂરી થઈ જાય છે!)

પણ મુશ્કેલી એ છે કે એકલદોકલ ભાગ્યશાળી પુરુષને બાદ કરતાં કોઈ પુરુષને જીભ હોય એવી એટલે કે બોલી શકતી હોય તેવી મૂંગી સ્ત્રી ભાગ્યે જ સાંપડે છે. જાહેરમાં પતિ સામે જીભાજોડી ન કરનારી સ્ત્રી પણ હોમગ્રાઉન્ડ પર વાચાળ હોય છે. (જાહેરમાં વાદવિવાદ થાય ત્યારે જીભાજોડી કર્યા વગર મૂંગા રહેવા માટે અમારા એક મિત્ર એમનાં પત્નીને વિવાદ દીઠ એક સાડી લઈ આપે છે. વિવાદ જેટલો મોટો એટલી સાડી મોંઘી એવી પણ એમની સમજૂતી છે. આ ખર્ચને પહોંચી વળવા મિત્રને નોકરીમાં ઓવરટાઇમ કરવો પડે છે! ) કેટલીક સ્ત્રીઓ વાચાળ પતિને મૂંગો બનાવવા સમર્થ હોય છે. આ અર્થમાં સ્ત્રી ઈશ્ર્વરી શક્તિ ધરાવે છે એમ કહી શકાય. 'મૂકમ્ કરોતિ વાચાલમ્' એમ ઈશ્ર્વર વિશે કહેવાય છે તે સ્ત્રી વિશે પણ કહી શકાય. ફેર માત્ર એટલો છે કે ઈશ્ર્વર મૂકમ્ (મૂંગાને) કરોતિ વાચાલમ્ (બોલતો કરે છે), જ્યારે સ્ત્રી વાચાલમ્ (બોલતા - પતિને) કરોતિ મૂકમ્ (મૂંગો કરે છે.) બંધારણનું જ્ઞાન હોય ન હોય ઘણાંખરાં ઘરોમાં પત્ની જ 'સ્પીકર' હોય છે. 'જીભ' નારીજાતિનો શબ્દ છે એટલે જીભનો ઉપયોગ પુરુષની સરખામણીમાં સ્ત્રી વધુ કુશળતાથી કરી શકે છે.

સતત બોલતી પત્ની રિસાય છે ત્યારે એકાએક મૌન ધારણ કરી લે છે. આવી રિસાયેલી સ્ત્રીના સૌન્દર્ય વિશે કાવ્યો રચાતાં રહે છે. પુરુષ પણ ક્યારેક રિસાય, પણ રિસાયેલા પુરુષ વિશે કવિઓ કાવ્ય લખતા નથી.

સ્ત્રીની રીસમાં કવિને કવિતા દેખાય છે મોટે ભાગે કુંવારા કવિને. સ્ત્રી રિસાય અને મૌન ધારણ કરે ત્યારે કેવું મૌન ધારણ કરે એની એક સરસ રમૂજ છે :

એક રિસાયેલી સ્ત્રીને પતિ સાથે અબોલા ચાલતા હતા. પતિને બહારગામ જવાનું આવ્યું. વહેલી સવારની ટ્રેનમાં જવાનું હતું. પણ પતિદેવની ઊંઘ એવી કે એલાર્મ વાગ્યા જ કરે તોય ઊંઘ ઊડે નહિ. પત્ની સાથે તો અબોલા ચાલતા હતા. કહેવું કેવી રીતે એટલે એણે એક યુક્તિ કરી. પત્નીના રૂમમાં ટેબલ પર ચિઠ્ઠી મૂકી : 'કાલે સવારે પાંચ વાગ્યે ઉઠાડજો.' બીજે દિવસે સવારે પતિદેવની ઊંઘ ઊડી ત્યારે સવારના સાત વાગી ગયા હતા! એ બિચારો હાંફળોફાંફળો થઈ ગયો. એકદમ એની નજર ટેબલ પરની ચિઠ્ઠી પર પડી. એણે ચિઠ્ઠી ઉપાડી. ચિઠ્ઠીમાં લખ્યું હતું : 'પાંચ વાગી ગયા; ઊઠો!'

ટેલિફોન એકાએક બંધ થઈ જાય ત્યારે પ્રારંભમાં ઘણું સારું લાગે છે, પણ પછી અકળાઈ જવાય છે. કેટલાક ટેલિફોનધારકો તો બાવરા બની જાય છે. પત્ની રિસાઈને અબોલા લે છે ત્યારે પણ પ્રારંભમાં પતિને ઘણી રાહત લાગે છે. પણ પછી અબોલા લંબાય છે ત્યારે પતિ અકળાઈ જાય છે. કેટલાક તો બાવરા બની જાય છે. પુરુષનું આવું છે : પત્ની બહુ બોલે છે તે એને સારું નથી લાગતું, પણ પત્ની બિલકુલ નથી બોલતી તે તો બિલકુલ સારું નથી લાગતું!

***

બોધ: પત્ની બોલે ને પતિ સાંભળે કે બંને બોલે ને પડોશી સાંભળે એનાં કરતાં વારાફરતી બંને બોલે એકબીજાને સાંભળે ને સમજે તો જ હવે બંનેનું નભવાનું છે. દીવાલ પર લખાયેલું આ સત્ય સૌ સમજે કમમાં કમ નવદંપતીઓ તો સમજે જ એવી ભાવના પ્રગટ કરી મૌન ધારણ કરું છું.




--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OvWaGSfCY_Em%3DwrCjX3FxA-0DnHr%2Ba5yAmCJKnFV4TugA%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment