જ્યોતિન્દ્રભાઈએ વર્ષો પહેલાં બે વાતોનું સંશોધન કરેલું હતું કે જો કંઈ પણ મફતમાં આપવાનું ગમે તો એક છે ગાળ અને બીજી સલાહ. આ પછી કદાચ મારું નામ લેવામાં ન આવે તો મારા આજના સંશોધન માટે પૂરેપૂરો વાંક મારા વાંચકોનો જ ગણાશે! કેમ કે ગમે તે વાત થાય, ગમે તે કામ હોય, ગમે તે ફરજ હોય પણ જો તમને બીજાનો અથવા સામેવાળાનો વાંક શોધતા આવડે તો પછી સમજી લેવું કે તમે જીતી ગયા. લોકો ભલે જિંદગી વિશે ગમે તે કહે પણ મારું તો માનવું છે કે જિંદગી એટલે એકબીજા પર આરોપ ઢોળી દેવાની રમત. જીવે ત્યાં સુધી માણસ માત્ર આ એક જ પ્રવૃત્તિમાં વ્યસ્ત જોવા મળે છે. આ પ્રવૃત્તિની પેટા પ્રવૃત્તિમાં એક લેખક છુપાયેલો હોય છે. જેટલાં વધારે બહાના શોધી શકે એટલો લેખક પાવરધો. આ લેખ આપવા માટેનો છેલ્લો સમય આવી ગયો છે અને ત્યારથી હું તંત્રીશ્રીને કહી રહ્યો છું કે 'સોફટવેર કરપ્ટ થઈ ગયો અને જ્યાં એ ફરી ઇનસ્ટોલ કર્યો ત્યાં હાર્ડડિસ્ક ગઈ અને હવે નવી નાખી તો જો આ અમારું પાવરહાઉસ! દર કલાકે કહે છે કે અડધી કલાકમાં લાઈટ આવી જશે.' આમાં મારો કંઈ વાંક નથી એટલે બસ જો માની ગયા અને છેલ્લી ઘડી સુધી રાહ પણ જોઈ. આ કલા ઉત્તમ કલા છે કેમ કે જો આ કલા ન હોત તો મને આજનો વિષય જ ન મળ્યો હોત!!!
પતિ-પત્નીના પોતાના ઝઘડા હોય અને દરેક દુખિયારા પતિઓ મિત્રો પાસે જઈને પત્નીના ત્રાસની વાતો કરીને હળવા થતા હોય અને તમે પણ તમે જો ભૂલે ચૂકે કહી દીધું હોય કે ક્યારેક કડક પણ થવું પડે અને જરૂર પડે તો જતી રહે તારા બાપના ઘેર આવું પણ બોલવું પડે. ભાઈ આ સલાહ માનીને ઘરે સિંહ બની પણ ગયા હોય અને પત્ની પિયર પણ જતી રહી હોય પણ જેવી ભરણ પોષણની નોટિસ અને શારીરિક માનસિક ત્રાસની ફરિયાદ થાય એટલે વાંક તમારો જ આવે. એ મિત્ર તો એમ કહીને છૂટી જાય કે 'અમારે ક્યાં એવડો મોટો ઝઘડો હતો કે તમારે આવી સલાહ દેવાની?' એની પત્ની આવા પગલાં લે એમાં વાંક તો તમારો જ! ભાઈ જઈને સમાધાન કરી આવે પછી પત્નીને કહી પણ દે કે મિત્રની સલાહ પર આવો ઉગ્ર થયો હતો એટલે બંને તમારી નજર સામેથી નીકળી જાય પણ તમારા પર નજર ન જ કરે કેમ કે વાંક તમારો જ હતો! ગુજરાતમાં ત્રીજા પેગ પછી 'બાજ કાં બાજવા વાળુ દે' એ વણલખ્યો નિયમ છે. પહેલા પેગ પછી ડાહી ડાહી વાતો શરૂ થાય. બીજા પેગ પછી જરા ઇમોશનલ થઈ જાય અને જૂની યાદો તાજી કરે અને પછી આ વાક્ય અચૂક બોલાય કે 'આજે કીક નથી આવતી.' એ સાથે સમજી જવાનું કે ત્રીજો પેગ ભરવાનો જ છે. આ ત્રીજો ભરાણા પછી જે હાથમાં આવે એની સાથે ઝઘડો અચૂક થાય. જરૂરી નથી કે બેઠેલા મિત્રો સાથે જ થાય. પાન ખાવા જાય કે જમવા જાય ત્યાં પણ થઈ શકે! સવારે જ્યારે ઉતરેલી અવસ્થામાં કહો કે 'કાલ તને બહુ લાગી ગયો હતો. આવા ડખ્ખા કો'ક દિવસ આપણને સલવાડી દેશે.' તો તરત જ જવાબ આવે 'હું તો પીધેલો હતો પણ તને તો ભાન પડવી જોઈએ ને કે ત્રીજો પેગ ન દેવાય. તારો આ જ વાંક છે કે તને ભાન નથી પડતી.' આ ઘટનાનું તરત જ બીજા દિવસે રિપિટેશન થવાનું હોય અને ત્રીજો પેગ ન ભરી દો તો એ પછીના દિવસે કહે કે 'તારે જો પૂરતો દારૂ પીવડાવવો હોય તો જ બેસાડવો, આ અધૂરા દારૂમાં આખી રાત નિંદર નથી થઈ.' એટલે ન પીવડાવો એમાં પણ વાંક તો તમારો જ. વાંક કાઢવામાં આપણે હજુ નબળા છીએ પણ આ કળા જો શીખવી હોય તો નેતાઓ પાસેથી સૌથી વધુ શીખવા મળશે. ભાન અને ભણતર વગરના ઉમેદવાર પસંદ કરીને ચૂંટણી લડાવવામાં આવે અને પછી હારે એટલે ઠીકરું ઇ.વી.એમ. પર ફોડવામાં આવે.'જો ઇ.વી.એમ. સેટિંગ ન હોત તો આપણે જીતેલા જ હતા.' બાકી જો વોટ પર નામ લખેલા આવતા હોત તો ઘરના લોકોના મત પણ ન મળ્યા હોય! ભાવવધારો, ફુગાવો, આર્થિક હાલતો જ્યારે એક લિમિટની બહાર જાય ત્યારે જ મીડિયા સવાલો ઊભા કરે, બાકી તો કોઈ કંઈ ખાસ નોંધ લેતું જ ન હોય કે લાલબત્તી ન બતાવતું હોય કે હવે સ્થિતિ માપ બહાર જશે. તો પણ જ્યારે સવાલો કરે ત્યારે વાંક તો સામેવાળોનો જ હોય. સ્ટાન્ડર્ડ જવાબ મળે કે 'આગલી સરકાર એવડા મોટા ખાડા પાડીને ગઈ છે કે આ ભાવવધારો અંકુશમાં આવતા વાર લાગશે. વાંક આગલી સરકારનો જ છે.' જો કે મેં આજ સુધી ખાધ વગરનું બજેટ જોયું જ નથી! પણ જાણે એક સરકાર પછીની સરકાર દેવું ચૂકવવા જ બનાવવામાં આવતી હોય એવી રીતેની રજૂઆત કરે ત્યારે ક્યારેક તો મને એમ પણ થાય કે સાલો વાંક સરકારનો નહીં અમારો જ છે કે અમે તમને ચૂંટીએ છીએ! હિન્દુસ્તાનમાં કોઈ પણ પક્ષને કૌભાંડ કરવાની છૂટ છે. આમ તો આ નેતાઓ આ વાતમાં સૌથી વધુ એક્સપર્ટ હોય એટલે કૌભાંડ કરતા પહેલાં જ વાંક કોનો કાઢી શકાશે એ અગાઉથી જ નક્કી કરીને રાખતા હોય છે. જેમ કે ક્રૂડ ઓઇલના ભાવ ૩૦ ડોલર હતા ત્યારે પણ ૬૫ રૂપિયે લિટર પેટ્રોલ હતું ત્યારે કોઈ સવાલ કરે એ પહેલાં જ જવાબ નક્કી હતો કે આગલી સરકારે કુવૈતને રૂપિયા ચૂકવ્યા નથી એ ચૂકવવાના છે એટલે ભાવ આટલો છે, આ વાંક આગલી સરકારનો છે. જેમ કે જી.એસ.ટી.નો વિરોધ એ કારણોસર હતો કે આગલી સરકારનું ઇન્ફ્રાસ્ટ્રકચર બરાબર નહોતું અને આગલી સરકારે સિસ્ટમ બરાબર નથી બનાવી એટલે અમારે પણ રિટર્ન સમયસર ભરવા વખતે વેબસાઇટ બંધ થઈ જાય છે. આ વાંક આગલી સરકારનો જ છે! આગલી સરકાર પાસે પણ વાંક સોંપી દેવાની કલા હતી જ કે અમને સંપૂર્ણ બહુમત નથી એટલે બીજાના અભિપ્રાયો પર ચાલવું પડે. આમ તો આપણે બીજાનો વાંક જ કાઢતા હોઈએ. તમે કોઈને ઉછીના રૂપિયા આપ્યા હોય, બે દિવસનું કહીને જ લઈ ગયા હોય, બે મહિના પૂરા થઈ ગયા હોય અને તમે ફોન કરો ત્યારે એ ફોન ન ઉપાડે, તમે મેસેજ છોડો અને એનો પણ જવાબ ન આવે અને ન છૂટકે તમે અજાણ્યા નંબર પરથી ફોન કરો અને જો ફોન ઉપડે એટલે તમે ઉઘરાણી શરૂ કરો ત્યાં તો ભાઈને અપમાન જેવું લાગે અને તમને ખખડાવે કે 'રૂપિયા લઈને કંઈ ભાગી નથી જવાના. થોડો સમય વધારે લાગ્યો એમાં બીજા નંબર પરથી ફોન કરી મને માનસિક ત્રાસ ન આપો અને આટલી ઉતાવળ હતી તો નહોતા આપવા.' ત્યારે તમને થાય કે સાચે જ આમાં બીજા કોઈનો વાંક નથી, વાંક મારો જ છે કે મેં રૂપિયા આપ્યા. આથી પણ વિશેષ કે હું કમાણો તો મારી પાસે રૂપિયા આવ્યાને? મારે કમાવું જ ન જોઈએ પણ એક નોંધ લખવી કે મુંબઈ સમાચારે આને સિરિયસ લઈને લેખનો ચેક રોકવો નહીં. |
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Osc1JS8uAMjF_t8ShRergh4Y6fE3pwgZ6Z7Xg18oT6yrA%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment