લતા મંગેશકરથી માંડીને સચિન તેંડુલકર સુધીની કોઈપણ મહાન વ્યક્તિને જ્યારે પૂછવામાં આવશે કે તમારા ગયા પછી લોકો તમને કેવી રીતે યાદ રાખે તે ગમે? તો એમનો જવાબ હશેઃ એક સારા માણસ તરીકે. નમ્રતા ખાતર આવું બોલાતું હોય ત્યાં સુધી ઠીક છે. વાસ્તવમાં તો નમ્રતા દેખાડવા માટે પણ આવું બોલવું જરૂર નથી. એમણે ગળું ખંખોરીને કહેવું જોઈએ કે મારા ગયા પછી લોકો મને એક મહાન ગાયિકા તરીકે એક મહાન ક્રિકેટર તરીકે યાદ રાખે તે ગમે. 'મહાન'ની જગ્યાએ પોતે ડાઉન ટુ અર્થ છે તે જતાવવા 'સારા' વિશેષણ મૂકે ત્યાં સુધી વાંધો નહીં. બાકી એમને પણ ખબર છે અને આપણને પણ ખબર છે કે તેઓ મહાન છે. તમે લતા મંગેશકરને આજની તારીખે શું કામ ચાહો છો? એ એક સારી વ્યક્તિ છે એટલે? 'સારી વ્યક્તિઓમાં જેમની ગણના થાય એવા તો લાખો-કરોડો જણ આ દુનિયામાં હશે. આપણને એમાંથી લતા મંગેશકર જ શું કામ ગમે છે? શા માટે આપણે લતાજીને ચાહીએ છીએ? કારણ કે લતાજી એમના ક્ષેત્રમાં ટોચના શિખરો સર કરી ચૂક્યા છે. કારણ કે લતાજીએ પુરવાર કર્યું છે કે એમના ચાહકો એમને પાંચ-પાંચ દાયકા સુધી સાંભળતાં થાકતા નથી. કારણ કે લતાજી એક મહાન ગાયિકા છે. આપણે લતાજીને તેઓ એક સારી વ્યક્તિ છે એટલે નહીં પણ એક સારાં કે મહાન ગાયિકા છે એટલે ચાહીએ છીએ. શક્ય છે કે સ્વભાવની દ્રષ્ટિએ કે બીજી અનેક દ્રષ્ટિએ 'સારી વ્યક્તિ' હોવાનાં લક્ષણો સુમન કલ્યાણપુર, કૃષ્ણા કલ્લે કે શારદા જેવી ગાયિકાઓમાં વધારે હોય. પણ આપણામાંના મોટાભાગના લોકો આ ગાયિકાઓને યાદ કરતા નથી. આપણા હૈયે લતા મંગેશકર વસી ગયાં છે. વાજબી રીતે વસી ગયાં છે. આ જ રીતે આપણે સચિન તેંડુલકરને ચાહીએ છીએ કારણ કે તેઓ એક મહાન ક્રિકેટર છે. સચિન એક સારા માણસ છે એટલે નહીં પણ એક સારા ક્રિકેટર છે એટલે લોકો એને ચાહે છે. લતાજી કે સચિન પોતપોતાના ક્ષેત્રમાં નોર્મલ કે એવરેજ કારકિર્દી ધરાવતા હોત તો એમની લોકચાહના આટલી પ્રચંડ હોત? ન હોત એમના રેકગ્નિશનનો મોટો ભાગ એમની કળા કે એમના કૌશલમાંથી આવે છે. દાયકાઓ પછી તેઓ આ દુનિયામાં નહીં રહે ત્યારે પણ તેઓ એમની આ કળા-કૌશલન કારણે યાદ રહેવાના છે. તેઓમાં જો આ કળા-કૌશલ ન હોત અને તેઓ માત્ર સારા માણસ હોત તો કોણ એમને અત્યારે ઓળખતું હોત અને કોણ એમને એમના ગયા પછી યાદ રાખવાનું હોત? તમે સારા માણસ છો એવું કહીને લોકો આપણી પાસે કામ કઢાવી જતા હોય છે. તમે અભડા કે આકરા છો એવા ટોન્ટ મારીને લોકો એક રીતે આપણા અંગત વિશ્વમાં ભાગ પડાવીને આપણા પર ચડી બેસવા માગતા હોય છે. માટે આવું કંઈ સાંભળીએ ત્યારે સાવધ રહીએ. તમારે સારા માણસ બનવું જોઈએ એવી કોઈ સલાહ આપે ત્યારે સમજીએ કે આવી સલાહ આપનાર વ્યક્તિઓ આપણી ભલમનસાઈનો ફાયદો ઉઠાવવા માગે છે. લતા મંગેશકર તો બહુ ખરાબ વ્યક્તિ છે, મેં ચાળીસ વાર એમના ઘરે જઈને એમને મળવાનો પ્રયત્ન કર્યો પણ વોચમેને મને પાછો મોકલ્યો એવી ફરિયાદ કોઈ કરે ત્યારે તમારે માની નહીં લેવાનું કે લતાજી ખરાબ વ્યક્તિ છે. એમનું મૂલ્યાંકન તેઓ પોતાના કોઈ ચાહકને મળે છે કે નહીં તેના દ્વારા ન થાય. ફોર ધેટ મેટર ૪૭ વાર ધક્કા ખાનારને તો આપણે ચાહક પણ ના કહીએ, ન્યુસન્સ મેકર તરીકે ઓળખીએ લતાજીનું મહત્ત્વ તેઓ સારાં ગાયિકા છે કે નહીં, એમના વ્યવસાય સાથે સંકળાયેલી વ્યક્તિઓ સાથે પ્રોફેશનલી યોગ્ય કહેવાય એવું વર્તન રાખે છે કે નહીં એના પર નિર્ભર છે અને ૧૯૪૦ના દાયકાથી અત્યાર સુધીના દાયકાઓમાં તેઓએ પોતાની મહાનતા વારંવાર પુરવાર કરી છે. એ હદ સુધી કે હવે એમને પોતાની મહાનતા પુરવાર કરવા માટે કોઈનામી ર્સિટફિકેટની જરૂર નથી રહી. ડિટ્ટો સચિન તેંડુલકરની બાબતમાં અને ડિટ્ટો અનેક ક્ષેત્રોનાઆ અનેક મહાનુભાવોની બાબતમાં જે નાના માણસો છે, જેમને કદાચ કોઈ વાતે એ મહાન વ્યક્તિઓ પાસેથી જે જોઈતું હતું તે નથી મળ્યું અથવા તો જેમનો સ્વભાવ જ સાવ ભિખારી જેવો છે તેઓ તમને ઘણી વખત કહેતા રહે છે કેઃ પેલો માણસ ગમે એટલો મોટો ચિત્રકાર/સંગીતકાર વગેરે કાર હોય પણ માણસ તરીકે એ તદ્ન નકામો છે. ભલા માણસ, માણસ તરીકે એ નકામો હશે તો એનું ફેમિલી એના અંગતમિત્રો જેવી પાંચપંદર વ્યક્તિઓને એની સાથે નિસબત છે. તમારે શું લેવાદેવા. તમે અંગત જીવનમાં સારા હો એને કારણે મહાન બની જતા નથી. એ જ રીતે કોઈ માણસ પોતાના ક્ષેત્રમાં મહાન હોય તો એ અંગત જીવનમાં સારા છે કે નહીં તે વાત ગૌણ છે. દુનિયામાં જે કંઈ નવી શોધખોળો થઈ છે, નવાં સર્જનો થયાં છે, નવી નવી ઈમારતો બની છે, નવી ક્ષિતિજો સર થઈ છે, નવા રેકોર્ડ્સ સ્થપાયા છે તે સઘળુંય મહાન માણસોને કારણે થયું છે, પોતપોતાના ક્ષેત્રોમાં મહારત ધરાવતા લોકોએ આ કામો કરીને દુનિયાને આગળ વધારી છે અને હજુય આગળ લઈ જવાના છે. આ બધાં કામો કરનારા 'સારા માણસો' છે કે નહીં તે પ્રશ્ન ગૌણ છે. જિંદગીમાં મહાન કાર્યો કરવાં કે સારા માણસ બનવું? જો આ બેમાંથી જ પસંદગી કરવાની હોય તો હવે વિકલ્પ સ્પષ્ટ છે. |
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ov3MRtmMt7Meu-YxqNCsvfU8v1%3D4u6%2B-5fishfM1CbHBw%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment