Thursday, 22 November 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ ખોબામાં દરિયો (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



કદર
ખોબામાં દરિયો : રેખાબા સરવૈયા

 

 

'અરે મેડમ સાહેબા, પરિણામ આવે ત્યાં સુધી ઘરનાં બીજાં કામો પણ તમે આમ જ સ્થગિત કરી દેવાનાં છો કે શું?' જ્હાનવી બારીનાં કાચ લૂછતાં-લૂછતાં એમ જ થંભી ગઈ હતી, ત્યાં જ એની પીઠ ઉપર પતિદેવના શબ્દો જાણે કે કોઈએ ચાબૂક ફટકાર્યો હોય એ રીતે વીંઝાયા! એ ખળભળી ઊઠી.

 

જ્હાનવી સવારથી જ થોડી અસ્વસ્થ હતી અને એનાં પતિની દ્રષ્ટિથી તમે એને થોડીક રઘવાઈ પણ કહી શકો…! છોકરાઓનો નાસ્તો ડબ્બામાં ભરતાં એના હાથ ધ્રુજી જતા હતા. છોકરાઓને તૈયાર કરીને એણે જેમ તેમ સ્કૂલે વળાવ્યા. કિચનમાં જઈ રસોઈની તૈયારીઓ શરૂ કરી. કૂકર ગેસ પર ચડાવ્યું. ફ્રીજમાંથી કશુંક લેવા માટે ડોર ખોલ્યું અને પછી પોતે જ જાણે કે ભૂલી ગઈ હોય કે શું લેવા માટે ફ્રીજ ખોલ્યું છે એમ અન્ય મનસ્કપણે સ્થિર ઊભી રહી.

 

દરમિયાન કૂકરની વ્હિસલ અને પતિદેવની ટાંક ભરી કટાક્ષિકા એકએકમાં ભળી જઈને જ્હાનવીને હચમચાવી ગઈ. હાંફળા-ફાંફળા થઈને એણે જાતને સંકોરી…પ્લેટફોર્મ પાસે ઊભા રહી પતિદેવની સ્પે.ટી.બનાવવા માટેની તૈયારીઓ આરંભી દીધી.


'જાનુ…સાંભળે છે…બે ફર્સ્ટક્લાસ ચા લાવજે, જો પપ્પા પણ આવ્યા છે….'

 

જ્હાનવીનાં હોઠ પર થોડું સ્મિત રેલાયું…એની ઉદાસ આંખો થોડી ચમકી…રઘવાટે થોડો વિસામો લીધો કે હાશ…હવે વાંધો નહીં…આ સમયને સાચવી લેવા માટે પપ્પા આવી ગયા છે…એ બે ને બદલે ત્રણ ચા લઈને ડ્રોઈંગરૂમમાં આવી.

 

હંમેશાં મુજબ પપ્પાએ આંખોથી જ એક અજબની રાહત પહોંચાડી. જર્નાલિઝમ જેવા ફિલ્ડને પોતાનું આકાશ બનાવવાની ચાહત લઈને માસ્ટર ડિગ્રી લેનારી જ્હાનવીનાં લગ્ન સમાજની પરંપરાઓ મુજબ સરસ ઠેકાણે ગોઠવાઈ ગયા હતા. જહાનવીએ પોતાની પાંખો સંકેલી લીધી હતી. હવે એનું આકાશ બહુ સીમિત હતું.

 

જો કે સમાજમાં પાંચ જણ જેને પૂછે એવા પતિએ એને કહેવાતું અને દેખાતું બધું જ સુખ આપ્યું હતું. સ્કૂલગોઈંગ સન, સોશિયલ સ્ટેટસ, બંગલો, તગડું બેન્ક બેલેન્સ, ફોરેન ટ્રીપ…વગેરે…વગેરે…અને સામે પક્ષે જ્હાનવીએ વિના ફરિયાદે ગૃહસ્થીને દીપાવીને પતિની શાખને ઉજાળી હતી.

 

પણ હવે બધી જ વ્યવહારીક ફરજો સફળતાપૂર્વક બજાવીને, પતિદેવ સાથે પ્રથમ થોડીક ઊંચ-નીચ સાથે અને પછીથી પપ્પાનાં 'કન્વીસિંગ પાવર'ને કામે લગાડીને જહાનવીએ કલાસ ૧/૨ ની GPSC પરીક્ષામાં બેસવા માટે પતિદેવને રાજી કરી જ લીધા હતા…!

 

અને આજે Net પર એ પરીક્ષાનું પરિણામ મૂકવાનું હતું. પતિદેવને પાક્કો ભરોસો હતો કે આ જાનુનો ઉધામો છે! અને એ પાસ થાય એ વાતમાં કંઈ માલ નથી…!!

 

પરંતુ સામે પક્ષે પપ્પાને પણ પાક્કો ભરોસો હતો જાનુની કાબેલિયત ઉપર! કે…પોતાની પુત્રીની સંકોચાઈ ગયેલી પાંખોને તક મળતા જ તે ફરીથી આકાશની ઊંચાઈઓ આંબવાની ઊડાન ભરશે…!!

 

નેટ ઉપર પરિણામો મૂકાઈ ગયા હતા અને પપ્પાનો ભરોસો સાચો પડયો હતો. જાનુ પપ્પાને વળગી પડી હતી…અને ઉષ્માપૂર્વક બાપની બાથમાંથી મળતી હૂંફમાં જાનુ પોતાનાં અસ્તિત્વની કદર થતી અનુભવી રહી હતી…!


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OsRy4cdyhqnZ-fjRrcrE0F%3DxZExn8sw2pohPC4fyJeymg%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment