Thursday, 22 November 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ પુસ્તક...પરબ...અને પ્યાસ (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



પુસ્તક...પરબ...અને પ્યાસ!
ભવેન કચ્છી

 


ઇન્ડિયન ફૂડ, કોન્ટિનેન્ટલ ફૂડ પણ 'ફૂડ ફોર થોટ'નું શું ?

બ્રિટનમાં શૌચાલયના કમોડ નજીક જ ખાનામાં પુસ્તક ગોઠવાયેલા હોય !


દેશભરમાં 'રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહ'ની ઉજવણી થઈ રહી છે. બિલગેટ્સ, વોરેન બફેટ, અમિતાભ બચ્ચન, જેક માથી માંડી મુકેશ અંબાણીને ઇન્ટરવ્યુ દરમ્યાન એક પ્રશ્ન એવો પણ પુછાતો હોય છે કે 'તમે હાલ કયુ પુસ્તક વાંચી રહ્યા છો ?'


ભારતનાં મહત્તમ સરેરાશ નાગરિકો સોશ્યિલ મીડિયામાં ફૂલટાઈમ મોદી તરફી અને મોદી વિરોધીના પ્રચારનો હાથો બનીને કે પછી સુવાક્યો અને જોક્સની આપ-લેમાં ગળાડૂબ રહે છે તેઓને પોઇન્ટ બ્લેન્ક પ્રશ્ન પૂછીએ કે 'તમે આજકાલ કયુ પુસ્તક વંચી રહ્યા છો ?' તો અચાનક જ જાણે  છોભીલો પાડવાનો આપણો પેંતરો હોય તેમ કહેશે કે 'છોડ ને યાર, આવા અઘરા પ્રશ્ન શું કામ પુછે છે ?'


યુરોપમાં અને અમેરિકામાં ભદ્ર સમાજમાં એવું કલ્ચર છે કે વાતચીતમાં પુસ્તકની ખરીદી, ટોપ ટેન પુસ્તકો કે વર્તમન વાચનની વાતચીતનો દોર મેળાવડામાં સ્થાન પામે.


આપણે ત્યાં પુસ્તકો વંચાય છે. અને નથી પણ વંચાતા તેમ તેની દલીલો અને તારણોમાં હાર-જીત થઇ શકે તેમ છે. સર્વસામાન્ય રીતે એમ કહી શકાય કે પુસ્તકાલયની સંસ્કૃતિ તો નથી જ.


આપણા પર્સમાં જુદી જુદી બેંકોના ડેબિટ અને ક્રેડિટ કાર્ડ છે પણ લાઈબ્રેરીના સભ્યપદનું કાર્ડ ખરુ ? ભુલથી કોઈના ખુલેલ વોલેટ પર નજર પડે અને તેના ખાના શહેરના બે ચાર પુસ્તકાલયના સભ્ય કાર્ડસથી ભરાયા હોય તેવા વૈભવી વ્યક્તિની સમાજને આવશ્યક્તા છે.


કઇ ફિલ્મ જોઈ ? જવાબ મળશે રૂ. ૩૦૦ ટિકિટના અને રૂ. ૨૦૦ પોપકોર્ન-સોફ્ટ ડ્રિંકના ખર્ચ કર્યા અને હથોડા જેવી 'ઠગ ઓફ હિન્દુસ્તાન'માં દિવાળીની અમૂલ્ય રજા બગાડી.


'યાર બહુ ગાજેલી રેસ્ટોરામાં વ્યક્તિદીઠ રૂ. ૮૦૦ના ખર્ચે કુટુંબ ભોજન આરોગી આવ્યું. જો જે જતો.. ઘરની દાળઢોકળી ખાવી સારી' જેવી કોમેન્ટ તો ૨૧મી સદીની વાતચીતની શૈલી છે. જે ડિશનો ઓર્ડર આપવાના જ નથી તે ખબર હોવા છતા રસપ્રચૂર વાતોની જેમ 'ડીઝર્ટ' સુધીનું રેસ્ટોરાનું મેન્યુ વાંચી જઇશું પણ પુસ્તક મફતમાં આપેલું હશે તો તેને ખોલવા સુધ્ધાની દરકાર નહીં કરતો વર્ગ પણ છે.


આપણે જીભના ચટાકા અને ભૂખને સંતોષવા કાઠિયાવાડી, પંજાબી, થાઈ, મેક્સિકન, ઇટાલિયનથી માંડી મોરોક્કો સુધીના ફૂડની રેન્જના અખતરા કરીએ છીએ. પણ વિચારની ભૂખ જાગે અને સંતોષાય તે ભોજનનું કોઈ આયોજન ખરૂં ? 'ફૂડ ફોર થોટ'નું શું ? વિચારવંત બનીએ, વ્યક્તિત્વ, અંતરનો ઉજાશ, જ્ઞાાન-વિજ્ઞાાન, સંસ્કાર અને સંસ્કૃતિના ઘડતર માટેના ખોરાકનું આપણે પોષણ નહીં કરતા હોઈ વૈચારિક, માનસિક અને સંસ્કારની રીતે દરિદ્રનારાયણ જેવા કુપોષણથી પીડાઈએ છીએ. કેટલાક યુવાનોની એક વાજબી ફરિયાદ પણ છે કે અમારી મનોદુનિયા, આકાંક્ષા, અપેક્ષા અને રસ-રૂચિનું સ્તર એ હદે આગળ વિચારે છે અને વિકસ્યુ છે કે લેખકો હજુ અમારા કરતા એક પેઢી પાછળ હોય તેવું અમને લાગે છે.


પુસ્તકો ખરીદવા અને વાંચવા તેમાં ઘરના ફ્રીજમાં ડાયાબિટીસના દર્દીની નજર સામે મીઠાઈ કે જાતજાતના આઈસ્ક્રીમો ચોકલેટસનો ખડકલો હોય તેવી સમાનતા વધુ જોવા મળે છે. કોઈ પ્રકાશક એમ કહે કે પુસ્તકો વંચાય છે ત્યારે તેના વેચાણના સંદર્ભમાં હોઈ શકે.જેમ કે જિલ્લા, સરકાર અને સંસ્થાઓની લાઈબ્રેરી કે કોઇને ભેટ આપવા માટે ઘણા જથ્થાબંધ પુસ્તકો ખરીદતા હોય છે. પુસ્તકો તેમાંથી કેટલા વંચાય છે તે અભ્યાસનો જુદો વિષય છે.


ઉદાહરણ તરીકે સુખી અને પવિત્ર દામ્પત્યજીવનના મંગળ પ્રારંભે નવદંપતિને ફાધર વાલેસ લીખિત 'લગ્ન સાગર' પુસ્તક રીસેપ્શન દરમ્યાન ભેટમાં મળ્યું. નવદંપતિએ તેને નજરઅંદાજ કર્યું. મહિનાઓ પછી તે નવદંપતિના સિનિયર સિટિઝન જેવા માત-પિતાને થયું કે ચાલો આપણે તો 'લગ્ન સાગર' વાંચીએ.


જેઓ દાંમ્પત્યનો સાગર તરી ચૂક્યા છે તેઓએ તે વાંચ્યું અને તમે માનશો. આ પીઢ દંપતિને તે લગ્ન સાગર પુસ્તકમાંથી પણ જાણે તેમની બાકીની જિંદગી સુખદ રીતે વીતાવવાના રત્નો મળી આવ્યા. પસ્તીની લારીવાળાના સંતાનો કે હેર કટિંગ સલૂનનો યુવા છોકરડો કોઈ પુસ્તક, પૂર્તિની કોલમ અને સામયિક વાંચીને તમારા જ્ઞાાનને ઝબકારો આપી જ જતો હોય છે. આવા જ સંતાનો વર્ગ-૧ અને વર્ગ-૨ની પરીક્ષામાં ઉત્તીર્ણ પણ થઇ બતાવતા હોય છે.


જો તમારે સંતાનને વાચનની દુનિયામાં રસ તરબોળ કરવા હોય તો તમે જ ઘેર તેની નજર સામે કંઇપણ વાંચો. ટેબલ પર પુસ્તકો અને અખબારો દેખાય તેમ રાખો. તેના મુખપૃષ્ઠને કે દૂરથી હેડિંગ વાંચીને પણ કુતૂહલની ચિનગારી પ્રગટી શકે છે.


તમ એક કરતા વધુ લાઈબ્રેરીના સભ્ય બનીને પુસ્તક લાવવાનું કામ સંતાનને જ સોંપો. તમને જે પણ સારો વ્હોટ્સ એપ મેસેજ લાગે કે વાંચન દરમ્યાન ફકરો કે ક્વોટ સ્પર્શે તે તમારા ઘરના સભ્યોને પણ સંભળાવો. કોઈ પુસ્તક કે સામયિકનું લવાજમ ભરો, કોઇને જન્મદિન તેના નામે ભેટ આપી શકાય.


તમને જાણીને નવાઈ લાગશે પણ સરકારી કે કોર્પોરેશનના પુસ્તકાલયની વાર્ષિક ફી ત્રણ-ચાર પુસ્તકો લઇ જઇ શકાય  તેટલા કાર્ડની માંડ રૂ. ૨૦૦ હોય છે. ઘણા પુસ્તકાલયોની આજીવન સભ્ય ફી રેસ્ટોરાની એક મુલાકાત જેટલી પણ નથી હોતી. પુસ્તકના કાર્ડ એમ જ પડયા હશે તો વર્ષે ચાર-પાંચ વખત પૈસા વસુલવાને બહાને પણ પુસ્તકાલય જવાની આદત પડશે.


અત્યારે વિદ્યાર્થી વર્ગ પર નોકરી કે વિદેશ અભ્યાસ માટેની પ્રવેશ પરીક્ષાઓનું ભારણ વધતુ જય છે. પુસ્તકાલયો હવે અભ્યાસક્રમનું શાંતિથી વાંચી શકાય તે માટેના વાંચનાલયોનું સ્વરૂપ વધુ ધારણ કરતા થયા છે.


યુવા વર્ગની આ વિટંબણા સમજી શકાય છે. આમ છતા તેઓ જે રીતે નેટ, સોશ્યિલ મીડિયા, સંગીત સાંભળવામાં કે ફ્રેન્ડસ, ફિલ્મ ફૂડ અને ફેશન માટે સમય ફાળવે છે તેમ સારા વાચન માટે લક્ષ્ય સેવે તો ચોક્કસ સફળ થાય. ઓનલાઈન કે ક્રિન્ડલનું માધ્યમ હોય તો પણ તે આવકાર્ય જ છે. વાચનને બદલાતી ટેકનોલોજીના સંદર્ભમાં સ્વિકારવું જ રહ્યું.


અમેરિકાની કંપનીઓમાંથી નોકરીમાંથી અચાનક હકાલપટ્ટી પામતા (ડે ઓફ) યુવાનો પૈકી જેઓએ હકારાત્મક અભિગમ ધરાવતા (સોફ્ટ કે હાર્ડ કોપી), જેક મા, સ્ટીવ જોબ્સ, સુંદર પીછાઈ કે બફેટના જીવનમંત્રો જેવા પુસ્તકો વાંચ્યા હતા તેઓ ઉત્સાહ ટકાવી નવી નોકરી માટે સ્વસ્થતા જાળવી શકે છે. તેઓનું પોતાનું સ્ટાર્ટ અપ કરે છે. પણ જેઓ હૂંફ, સંવાદ અને વાચન વિચારવિહોણા છે તેઓ ડીપ્રેશન, વ્યસન કે ગુનાખોરી, શૂટ આઉટના રવાડે ચડી જાય છે.


તમે એવી કેટલીયે મહિલાઓ અને પુરૂષો જોતા હશો જેનો બાહ્ય શ્રૂંગાર, કિંમતી ઘરેણા, વેશ પરિધાન અને મોંઘી ગાડીઓ ધ્યાનાકર્ષક હશે પણ આ તો રત્નો જેવો બાહ્ય ચળકાટ છે. તે જ વ્યક્તિની સભ્યતા, સંસ્કૃતિ, બોડી લેંગ્વેજ, આદતો, વિચારનું સ્તર તળિયે હોઈ શકે. અંતરમનની ગરીબીનું કારણ ઉછેર, વિચાર, વાતાવરણ અને વાચનની ચાર પાયા વગરની આ ઇમારત હોય છે.


યાદ રહે, કોઈના ઘરમાં કેટલા પુસ્તકોના કબાટ છે અથવા તો જો તે ગૌરવથી બડાશ મારે કે તેણે તો આટલા પુસ્તકો વાંચ્યા છે. તે વેદ-ઉપનિષદો, ભાગવદ્ગીતાના મર્મોથી તમને પ્રભાવિત કરે તો તેને ઉમદા કે સજ્જન માની લેવાની પણ ભૂલ ના કરતા.


બે-ચાર પુસ્તકો તો શું એકાદ સુવાક્ય પણ તમને આદરણીય વ્યક્તિ બનાવી જતો હોય છે અને થોથા લઇને ફરતા અંદરથી ખોખલા, બોદા, બુધ્ધિના ક્રૂર અને ઘમંડી હોઇ શકે.


ગાંધીજીને જોન રસ્કિનનું એક જ પુસ્તક 'અનટુ ધીસ લાસ્ટ' મહાત્મા બનાવવા માટે પૂરતુ હતું. મુળ સારા પુસ્તકને જીવવાનું હોય છે. ચુનંદા મિત્રોની જેમ પુસ્તકની પસંદગી કરવી રહી. પુસ્તકો તમને મુક્ત ઉડાણ પણ આપતા હોય અને તમને ચોક્કસ વિચારસરણીની બેડીમાં બાંધી શકે તેવી  પણ તેનામાં તાકાત છે.


બ્રિટનના પ્રવાસ દરમ્યાન જે બ્રિટિશરોનો ઘેર રહેવાનું બનતુ તેમનાઘરના શૌચાલયના કમોડ નજીક પોકેટ બુક જેવા હળવી શૈલીના વિષયના પુસ્તકોની રેક એ રીતે ગોઠવાયેલી હોય કે તમે બેઠા બેઠા પુસ્તકને હાથમાં લઇ શકો. તમે ટયુબ, ટ્રેન, બસમાં મુસાફરી કરો તો બધાના મોં પુસ્તક કે કિન્ડલ પર જ મંડાયેલા હોય છે.


આપણે પણ રોજ રાત્રે સુતા પહેલા બે-ત્રણ પાના કોઈ સારા પુસ્તકના વાચીએ. પુસ્તક એટલે Silent companion of lonely hour ! હવે તો પુસ્તક પરબનું કલ્ચર જામતુ જાય છે. અમુક જુથ અઠવાડિયામાં એકાદ વખત ભેગુ થાય અને તેમાંથી કોઇ એકાદ પુસ્તકનું બધાને રસપાન કરાવે.


નાગર કલા સાહિત્ય વ્હોટ્સ ગુ્રપની પ્રેરણા અન્ય જ્ઞાાતિ કે ગુ્રપ લઇ શકે તેમ છે. આ ગુ્રપના સભ્યોએ સર્જેલ કૃતિ કે તેઓ ભેટમાં આપવા માંગતા હોય તો તેવા પુસ્તકો ગુ્રપના બે-ત્રણ સભ્યોને ત્યાં એકત્રિત થાય અને અન્ય સભ્યો તે વાંચન માટે ઘેર લઇ જઇ શકે.


બ્રધરટન નામના તત્ત્વચિંતકે કહ્યું છે કે 'રોટલી વગર એકાદ બે ટંક ચલાવી લે જો પણ જ્ઞાાનની પ્રાપ્તિમાં વિક્ષેપ ના પાડતાં !!' તમારૂ ધન, દૌલત, અર્થતંત્ર, નોકરી, કુટુંબ સમાજ બધુ જ લૂંટાઈ શકે છે.


તમે ખાલી થઇ શકો છો પણ તમારૂ જ્ઞાાન અને મસ્તિષ્કમાં ભરેલો ખજાનો કોઈ લૂંટી નહીં શકે. તેનો હિસ્સો તમે કોઇને આપતા માંગશો તો પણ તે તમારામાંથી ખાલી નહીં થાય. ગ્રંથાલય સપ્તાહે તમે ગ્રંથાલયના સભ્ય બનો. રૂ. ૨૦૦થી વધુ તમારે કંઇ ગુમાવવાનું નથી.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ou-2Mx71DRbHwhvW3DcD3b4Ljrr57YZU-1fmK%3DBH4JKkw%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment