ભારતીય સૌંદર્યશાસ્ત્રની પ્રધાન નાયિકા: બની ઠની! આઠ પ્રકારની નાયિકાઓ હોય. એ આઠ પ્રકારને બે ભાગમાં વહેચી શકાય. બંને ભાગ શૃંગારરસ ઉપર આધારિત છે: સંભોગ રસ અને વિપ્રલંભ રસ. એકબીજાથી છૂટા પડવાનું દુ:ખ કે જુદાઈમાં રહેલા પ્રેમનો ભાવ ધારણ કરેલી નાયિકાઓ વિપ્રલંભ રસ હેઠળ આવે; જેમાં વિરોહત્કંઠીતા, કલહાંતરિતા, ખંડિતા, વિપ્રલબ્દ્ધા અને પ્રોષિતભર્તુકા છે. સંભોગ રસમાં અભિસારિકા, સ્વાધીનભર્તુકા અને વાસકસજ્જા નાયિકાઓનો સમાવેશ થાય. આ બધા પ્રકારો ભરતમુનિએ તેના નાટ્યશાસ્ત્રમાં આપેલા છે. ભરતમુનિ સિવાય જયદેવની ગીતા ગોવિંદમાં અને વૈષ્ણવ કવિ વનમાળીના ગીતોમાં પણ આઠે નાયિકાના ગુણ ધરાવતી રાધાના અદ્ભુત વર્ણનો છે. ભારતીય શાસ્ત્રીય સંગીતનો એક મહત્વનો પ્રકાર એટલે ઠુમરી. ઠુમરીમાં પણ રાધાના આ અષ્ટનાયિકા સ્વરૂપના વર્ણનો થતા હોય છે.
આજનું આપણું ચિત્ર 'બની ઠની' એ વાસકસજ્જા નાયિકાનું કહી શકાય. આ પ્રકારો માત્ર નાટકની થીયરી નથી. તેનું હિન્દુસ્તાનના ઈતિહાસમાં આગવું મહત્વ છે. મધ્યપ્રદેશના ખજુરાહોના લક્ષ્મણ મંદિરમાં વાસકસજ્જાના સ્વરૂપમાં પ્રતિમા રહેલી છે. દિલ્હીના નેશનલ મ્યુઝિયમમાં પણ વાસકસજ્જાની પ્રતિમા જોઈ શકાય. વાસકસજ્જા એટલે એવી નાયિકા જે સોળે શૃંગાર સજીને તેના પ્રિયતમની રાહમાં તેના શયનખંડમાં બેઠી છે. જાણે તેના મનના માણીગરે દરવાજે દસ્તક આપી છે અને તેને મળવા માટે બધા જ અલંકારો ધારણ કરીને નાયિકા બેઠી છે તેને વાસકસજ્જા કહી શકાય. કેશવદાસે તો આ નાયિકાને રતિ સાથે સરખાવી હતી. કામદેવની સંગિની રતિને પ્રેમની દેવી માનવામાં આવે છે. આ જે સ્ત્રી દેખાઈ રહી છે તેનું નામ બની ઠની છે. બની ઠની બહુ વિખ્યાત ચિત્રકલા છે. નિહાલ ચંદ નામના મહાન ચિત્રકારે કિશનગઢના રાજવી સાવંત સિંઘ માટે ચિત્રો દોર્યાં હતાં. અંદાજિત ઈ.સ. ૧૭૪૮ થી ૧૭૬૪ સુધી કિશનગઢના રાજા સાવંત સિંઘના દરબારમાં બની ઠની કવયિત્રી અને ગાયિકા હતી. ઈતિહાસના એક મત મુજબ તે સાવંત સિંઘની પત્ની હતી, એટલે કે તેની પત્નીઓમાંની એક. તેનું સાચું નામ વિષ્ણુપ્રિયા હતું. મળતી માહિતી મુજબ સાવંત સિંઘની સાવકી માએ વિષ્ણુપ્રિયાને રાજદરબારમાં સ્થાન આપ્યું હતું. ધીમે ધીમે રાજા અને આ ગાયિકા નજીક આવ્યા. તે તેના ઘરેણાં અને શૃંગારને કારણે 'બની ઠની'ના નામે ઓળખાઈ. રાજાની રાણી બન્યા પછી તો તેનો મેકઅપ અને જ્વેલરીનું પ્રમાણ વધ્યું. રાજા સાવંત સિંઘ બની ઠની ઉપર મોહિત હતા. નગરી દાસ નામથી તેના માટે કવિતાઓ લખતા, પ્રણય કાવ્યો લખતા. બંનેનો પ્રેમ જળવાઈ રહ્યો તેનું એક કારણ એ હતું કે બંને કૃષ્ણને અનહદ ચાહતા. બંનેને ગાવાનો શોખ, કવિતાઓ ગમતી અને એમાં પણ ખાસ તો કૃષ્ણભક્તિ. રસિકબિહારી ઉપનામ સાથે બની ઠનીએ પણ કવિતાઓ લખેલી. બંને પ્રેમીઓ ૧૭૬૦માં ગુજરી ગયા. નગરી કુંજ મંદિરની બાજુમાં તે બંનેની યાદમાં 'છત્રીઓ'- સ્થાપત્ય હજુ જોઈ શકાય છે. કિશનગઢની મારવાડ સ્કૂલની ચિત્રશૈલીના ચિત્રો આજ સુધી ભારતીયોના ઘરમાં દીવાલો ઉપર જોવા મળે છે. અણીદાર નાક અને દાઢી તથા પહોળું-ઊંડું કપાળ, આ શૈલીના ચિત્રોના પાત્રોની લાક્ષણિકતા રહ્યા છે. કિશનગઢ પોતે એક જમાનામાં મોટું શહેર હતું. જયપુરથી નેવું કિલોમીટર દૂર આવેલું આ શહેર ભારતીય ચિત્રકલાની એક કલાત્મક શૈલીના જન્મસ્થાન તરીકે ઓળખાય છે. ટામેટા મંડી, જીરા મંડી તરીકે પણ કિશનગઢને ઓળખાવાના પ્રયત્નો ચાલુ થયેલા. પણ આજે તે માર્બલ સિટી ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાય છે. કિશનગઢ વિશ્ર્વનું એકમાત્ર સ્થાન છે જ્યાં નવે ગ્રહોના મંદિરો આવેલા છે. આવા અભૂતપૂર્વ શહેરોમાં સર્જાયેલા ચિત્રોની ઊંચાઈ તો અવર્ણનીય જ હોય ને. 'બની ઠની'ને કદાચ એટલે જ મોનાલીસા સાથે ક્યારેક સરખાવવામાં આવે છે. પણ બની ઠની તેના ભાવોમાં ક્લીઅર છે. મોનાલીસાના ભાવો કળી શકાતા નથી. બની ઠનીના ચિત્ર સામે જુઓ. માન્યતા મુજબ આ બની ઠનીના વેશમાં રાધા છે. લોકકથા મુજબ સાવંત સિંઘે વિષ્ણુપ્રિયાનો લાઈન સ્કેચ દોરીને આપ્યો હતો જેમાં નિહાલ ચંદે રાધાને જોઈ. પછી તે ડ્રોઈંગને પેઈન્ટિંગમાં એવી રીતે તબદીલ કરવામાં આવ્યું કે એ કોઈ રાણી નહિ પણ રાધા હોય. પછી આ જ ચહેરો કૃષ્ણ-રાધાના ઘણાં રાજસ્થાની ચિત્રોમાં જોવામાં આવ્યો. બની ઠનીના નખ રંગાયેલા છે. નખ જ નહિ, આંગળીના ટેરવા ઉપર અને હથેળીમાં પરંપરા મુજબ મહેંદી મૂકેલી છે. ડાબા હાથમાં બે કમળ છે. બંને કમળની દિશા એ જ છે જ્યાં રાધાની નજર છે. તેની પારદર્શક ઓઢણીમાં પણ ભાતીગળ શૈલીની નાની ડિઝાઈન છે. ડાબા ગાલ ઉપર ચોંટેલી લટના વળાંકની દિશા પણ સૂચક છે. માથે સાંકળી, શીશફૂલ અને કપાળ ઉપર ટીકો છે. ચાંદલો પણ એવા રૂપમાં છે જાણે ત્રીજી આંખ લાગે. કાનમાં બાલી, નાકમાં નથણી, ગળામાં હાર-માળા, ઝાલર, હાથમાં બંગડી, કંગન, ચૂડો, બાજુબંધ છે. આટલા બધા ઘરેણાં હોવા છતાં રાધા કૃત્રિમ નથી લાગતી. તેની કુદરતી સુંદરતા છલકાય જ છે. શું કામ? ચિત્રમાં દોરેલી અસાધારણ અણીદાર આંખના કારણે. કોઈ પણ ચિત્રકાર આંખોનું સૌંદર્ય બતાવવા માટે સામાન્ય રીતે બે આંખ બતાવે. જોકે સાઈડફેસ દોરવાની પરંપરા મુગલકાળથી ચાલી આવે છે. પણ આ આંખમાં ઊંડાણ પણ તીક્ષ્ણ બતાવ્યું છે. ઇંતેજાર અને પ્રેમનું લીથલ કોમ્બિનેશન. એમાં પણ પાંપણ અડધી ઝૂકેલી. પ્રેમ પણ કેવો. ભક્તિભાવ સમાન પવિત્ર. માટે જ કેસરિયો અને સફેદ રંગના વસ્ત્રોનું કોમ્બિનેશન. આ છે ભારતીય ચિત્રકાર નિહાલ ચંદની વાસકસજ્જા રાધા અથવા તો બની ઠની જે તેના સાથીને આવકારવા તૈયાર છે. ભારતની સરકારે ૧૯૭૩માં બની ઠનીના ચિત્રવાળી ટપાલટિકિટ પણ બહાર પાડી હતી. આ ચિત્ર ઉપરથી ભાવક તરીકે એ પણ વિચારી શકાય કે નવું વર્ષ અનેક આશાઓ અને અપાર શક્યતાઓ લઈને આવી ગયું છે ત્યારે આપણે તેને સત્કારવા માટે વાસકસજ્જાના સ્વરૂપમાં તૈયાર હોઈશું કે નહિ? |
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OvPR82iv_162QEcwsAEbv8z9mCfKxRJdWOTrZqifc%3D%2BAw%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment