Wednesday, 21 November 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ નમસ્કાર - ડિરેક્ટરી ઇન્ક્વાયરી (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



નમસ્કાર! ડિરેક્ટરી ઇન્ક્વાયરી!

 

 

એક દિવસ એક મિત્ર ખૂબ ખુશ થતા થતા આવ્યા અને બોલ્યા, 'યાર! ખુશ થવા જેવા રાષ્ટ્રીય કક્ષાના એક સમાચાર છે.'

 

'એમ ?' રાષ્ટ્રીય કક્ષાના, નાખુશ થવા જેવા અનેક સમાચારો રોજ મળે છે. આજે ખુશ થવા જેવા સમાચાર પણ આવ્યા, તેથી સમાચાર જાણ્યા વગર પણ હું ખુશ થયો.

 

'હા યાર! ૧૯૭નું ખાનગીકરણ થવાનું છે.' ૧૯૬૯ પછી થોડો વખત કશા ને કશાના રાષ્ટ્રીયકરણ થયાના સમાચાર આવ્યા કરતા હતા. આ રાષ્ટ્રીયકરણથી દેશને શો લાભ થયો તેની હજુ સુધી પ્રજાને ખબર પડી નથી. પણ બધાંનાં રાષ્ટ્રીયકરણની સાથે-સાથે ભ્રષ્ટાચારનું પણ રાષ્ટટ્રીયકરણ થયું છે, એ પ્રજાએ જાણ્યું એટલું જ નહિ માણ્યું પણ ખરું. (હવે તો ભ્રષ્ટાચારનું વૈશ્ર્વિકીકરણ થઈ રહ્યું છે.) ઉદારીકરણનો યુગ મંડાયા પછી હવે રોજ કશા ને કશાના ખાનગીકરણ થવાના સમાચાર આવવા માંડ્યા છે. પણ આ ૧૯૭નું ખાનગીકરણ એટલે શું એ હું સમજ્યો નહિ.

 

'આ ૧૯૭ શું છે ?' મેં પૂછ્યું.

 

'શું તમેય તે, યાર! (આવું વાક્ય મને અનેક વાર, અનેક બાબતોમાં અનેક વ્યક્તિઓ તરફથી સાંભળવા મળે છે.) ૧૯૭ નંબર ટેલિફોન ડિરેક્ટરી ઇન્ક્વાયરીનો નંબર છે. આ નંબર પરથી કોઈનો નંબર મેળવતાં દમ નીકળી જાય છે. હવે આ નંબરનું ખાનગીકરણ થવાનું છે એવા સમાચાર જાણી હું ખુશ થયો છું અને હું ધારું છું કે તમે પણ ખુશ થશો.' કોઈ પણ જાહેર ક્ષેત્રનું ખાનગીકરણ થવાના સમાચાર જાણી પ્રજા રાજી થાય એવો અનુભવ આપણાં જાહેર ક્ષેત્રોએ કરાવ્યો છે. કાકા કાલેલકરે વર્ષો પહેલાં કહ્યું હતું કે 'અ-સરકારી (સરકારી નહિ તે) એટલું અસરકારી (અસરકારક).' હવે કાકા ઉપરાંત દેશ આખાનાં ભત્રીજા-ભત્રીજીઓ પણ આવું માનતાં થયા છે. જોકે આ સાવ સાચું નથી. કેટલીક વાર, કેટલીક વાર નહિ ઘણીવાર ઓલામાંથી ચૂલામાં જેવો અનુભવ પણ થાય છે, પરંતુ ઓલાનો અનુભવ એવો દઝાડનારો છે કે ચૂલામાં (ચૂલો ઓલા કરતાં મોટો હોય છે તોપણ) થોડો સમય ઠંડક્ધાો અનુભવ થાય છે.

 

અંગત રીતે હુંં ખાનગીકરણના પક્ષમાં નથી. આનો અર્થ હું સમાજવાદી છું કે હતો એવો નથી. પણ રાષ્ટટ્રીયકરણને કારણે ભારતની પ્રજાનું જે આધ્યાત્મિક ઘડતર થયું છે ને થાય છે, ગીતાનો શબ્દ વાપરીને કહું તો રાષ્ટટ્રીયકરણને કારણે ભારતની પ્રજામાં જે 'ધૃતિ' (ધીરજ) કેળવાઈ છે ને કેળવાય છે એનો જગતમાં જોટો મળવો મુશ્કેલ છે. ભારત તત્ત્વત: આધ્યાત્મિક દેશ છે. આધ્યાત્મિક દેશની પ્રજાએ પોતાના આધ્યાત્મિક વિકાસથી ખુશ થવું જોઈએ. એટલે મિત્રે આપેલ ૧૯૭ના ખાનગીકરણના સમાચારથી હું ખુશ ન થયો, પણ મિત્રને નાખુશ ન કરવા મેં પ્રતિવાદ ન કર્યો અને ખુશીના સમાચાર બદલ ચા ઉપરાંત નાસ્તો કરાવી મિત્રને વિદાય કર્યો.

 

રાષ્ટ્રીયકૃત બૅંકો, પોસ્ટ-ઑફિસો, જાહેર સેવાની બસ-સર્વિસો, સરકારી-અર્ધસરકારી કચેરીઓએ મારું જે આધ્યાત્મિક ઘડતર કર્યું છે, મારામાં 'ધૃતિ'નો જે માતબર વિકાસ કર્યો છે, એમાં એક ટેલિફોનખાતાનો સમાવેશ પણ થાય છે. આમાં ટેલિફોનખાતાના ૧૯૭ નંબરનો મહત્તમ ફાળો છે. એકવાર મારા સ્થાનિક મિત્રના ટેલિફોન નંબરની મારે તાત્કાલિક જરૂર પડી. મારાં પૌત્ર-પૌત્રી ટેલિફોન ડિરેક્ટરીનાં પાનાં રોજ થોડાં થોડાં ઓછાં કરતાં જતાં હતાં એટલે મારી પુત્રવધૂએ (એ અમદાવાદની ન હોવા છતાં) જે પૈસા આવ્યા તે એમ કરીને ડિરેક્ટરી પસ્તીમાં આપી દીધી હતી. ટેલિફોન-નંબરની ડાયરી મારે જરૂર પડે છે ત્યારે જ જડતી નથી. એ દિવસે પણ ટેલિફોન-ડાયરી ન જડી. આ કારણે મારે રાબેતા મુજબ ૧૯૭ના શરણે જવું પડ્યું. આ નંબર પર પહેલાં તો દસમાંથી નવ વખત 'આપ ક્યુ મેં હૈં, કૃપયા પ્રતીક્ષા કિજીયે આપ ક્યુમાં છો, કૃપા કરી રાહ જુઓ યુ આર ઇન ક્યુ, પ્લીઝ વેઇટ' એવી ત્રિભાષી રેકર્ડ વાગે છે. આ રીતે ત્રણ ભાષા શીખવા મળે છે અને એના કરતાંંય પ્રતીક્ષાના મૂલ્યવાન પાઠો પાકા થાય છે.

 

આઝાદી પછીનાં આટલાં વરસોમાં આપણાં સરકારી અને જાહેર તંત્રોએ પ્રજાને પ્રતીક્ષા કરતાં બરાબર શીખવી દીધું છે. થોડા દિવસ પહેલાં મારા એક મિત્ર એમના પત્નીના પેન્શન માટે સિત્તેરમી વખત કેન્દ્ર સરકારની પેન્શન ઑફિસમાં ગયા. મિત્રે ટેબલ પર બેઠેલાં બહેનને પૂછ્યું, 'મારા પત્નીનું પેન્શનનું ફૉર્મ ભર્યે બે વરસ થઈ ગયાં. હવે પેન્શન ક્યારે મળશે ?' મિત્રનો અવાજ દુર્બળ અને પેલાં બહેનના કાન દુર્બળ એટલે સાંભળવામાં કંઈક ગોટાળો થયો. પેલાં બહેને પૂછ્યું, 'વિધવા છે ?' મિત્રે કહ્યું 'વિધવા છે નહિ, પણ મને લાગે છે કે પેન્શન મળતાં સુધીમાં વિધવા થઈ જશે. કારણ કે અહીંના વારંવારના ધક્કાથી મારી તબિયત કથળતી જાય છે.' મિત્ર બે વરસથી પત્નીના પેન્શનની રાહ જુએ છે.

 

પ્રજાને પ્રતીક્ષાનું શિક્ષણ ન મળ્યું હોત, તો આ દેશમાં ક્યારની લોહિયાળ ક્રાંતિ થઈ ગઈ હોત ! પ્રજા રાહ જોવા ટેવાઈ ગઈ છે. વોહ સુબહ કભી તો આયેગી..... એવી શ્રદ્ધાને કારણે પ્રજા સુખનો સૂરજ ઉગાડનારી સવારની વર્ષોથી પ્રતીક્ષા કરી રહી છે. છેલ્લાં પચ્ચીસેક વરસથી તો પ્રજા ચૂંટણી દ્વારા સત્તાપલટો પણ કરે છે. ગંગાદાસે ભલું ન કર્યું, ચાલો જમનાદાસને ચૂંટો. પણ આ બધા તો ગંગા ગયે ગંગાદાસ, જમના ગયે જમનાદાસ ! પ્રજાને કશો ફેર ન પડે. ઊલટું, જમનાદાસ ગંગાદાસને ઊજળા કરી બતાવે.

 

આપણા અદ્ભુત લોકવાર્તાકાર સ્વ. કાનજી ભુટા બારોટ એક વારતા કહેતા: એક ગામમાં એક ખૂબ કાળો માણસ રહેતો હતો. કાળો એટલે કેવો કાળો ! અંધારે હાલ્યો જાતો હોય તો એકલાં એનાં ધોળાં લૂંગડાં જ દેખાય ! આ ગામમાં રહેતા કાના નામના એક યુવાનનાં લગ્ન થયાં. કાનાની વહુ પરણીને સાસરે આવી. એક વાર કાનાની વહુ કૂવે પાણી ભરતી હતી ને આ કાળો માણસ ત્યાંથી નીકળ્યો. એને તરસ લાગી હતી એટલે કૂવે જઈને ઊભો રહ્યો ને કાનાની વહુને કહ્યું, 'બહેન બાપા ! જરા પાણી પાવ.' કાનાની વહુએ ગાગરથી પેલાના ખોબામાં પાણી રેડ્યું. આમ તો કાનાની વહુએ લાજ કાઢેલી, પણ લાજનો છેડો જરા ખસી ગયો અને પેલાથી કાનાની વહુનું મોઢું જોવાઈ ગયું. એ તો સડક થઈ ગયો! અરે ! આ બાઈ તો મારાથી ક્યાંય કાળી છે ! એ તો દોડ્યો ગામમાં. શ્રીફળ લીધાં, સાકરના પડા બંધાવ્યા. ઘેર આવી ટોપરું-સાકર ભેગાં કર્યાં ને નીકળ્યો વહેંચવા. ટોપરું-સાકર ખાતાં-ખાતાં સૌ પૂછવા લાગ્યા, 'અરે, પણ આ ટોપરું-સાકર શેનાં?' પેલો કહે, 'શેનાં શું ? આજે ઓલી કાનાની વહુએ મને ઊજળો કરી બતાવ્યો !' દેશમાં છેલ્લાં વીસ-પચ્ચીસ વરસથી આમ ચાલે છે. એક પક્ષને હરાવી બીજો પક્ષ કે પક્ષોનો સમૂહ સત્તા હાંસલ કરે છે. પછી એ પક્ષ એવો વહીવટ કરે છે કે, હારેલા પક્ષવાળા ગૌરવ લે છે : 'આ લોકો તો આપણાથીય ખરાબ નીકળ્યા!' પણ તોય પ્રજાની ધીરજ ખૂટતી નથી. એ દિવસે પણ કેટલીય વાર સુધી કૃપયા પ્રતીક્ષા કિજીયેની ત્રિભાષી રેકર્ડ મેં સાંભળી. મેં પ્રતીક્ષા કરવાની કૃપા કરી. (કારણ કે એમ કર્યા સિવાય મારો છૂટકો નહોતો.)

 

આખરે જેની પ્રતીક્ષા હતી એ શબ્દો સંભળાયા : 'નમસ્કાર ! ડિરેક્ટરી ઇન્ક્વાયરી !' પ્રતીક્ષા કરવામાં હું મૂંઝાઈ ગયો હતો. બહાદુરશાહ 'ઝફર'ની જેમ 'દો આરઝુ મેં કટ ગયી, દો ઇન્તજાર મેં' એવું કહેવાનો મારે પણ વખત આવશે એવું મને લાગતું હતું ત્યાં આ શબ્દો સંભળાયા એટલે હું એટલો બધો ઉત્સાહમાં આવી ગયો કે મારાથી સામા નમસ્કાર કરવાનો વિવેક ચુકાઈ ગયો. મેં સીધું જ, જેમનો ફોન નંબર મારે જોઈતો હતો એમનું નામ-સરનામું કહ્યાં અને હાથમાં પેન કાગળ લઈ નંબર લખવા તત્પર થઈ રહ્યો.... પણ હું રાહ જોતો જ રહ્યો... જોતો જ રહ્યો... ફોન કટ થઈ ગયો. મેં ફરી રિંગ વગાડી. ફરી આપ ક્યું મેં હૈ-ની ત્રિભાષી રેકર્ડ...ફરી નમસ્કાર, ડિરેક્ટરી ઇન્ક્વાયરી-ના મધુર શબ્દો....પહેલી વાર મેં સામા નમસ્કાર નહોતા કર્યા. એટલે ટેલિફોન ઑપરેટરિકાને એક ભારતીય નાગરિક અવિવેકી હોય તે ઉચિત નહિ લાગ્યું હોય એટલે ફોન કટ કરી દીધો હશે એમ માની આ વખતે મેં બે વાર નમસ્કાર કર્યા અને પછી જેમનો નંબર જોઈતો હતો એ મિત્રનું પૂરું નામ (પિતાશ્રીના નામ સહિત) કહ્યું, સરનામું કહ્યું વિગતથી કહ્યું- 'બે એસ.ટી.ડી. બૂથની બરાબર વચ્ચે, દૂધની કૅબિનની બરાબર સામે, ટપાલપેટીને અડીને, ફલાણા-ફલાણા શૉપિંગ સેન્ટરથી આશરે સો વાર દૂર....' પણ ટેલિફોન ઑપરેટરિકોં મારી વાત સાંભળતાં નહોતાં. એ લોકો અંદર-અંદર કંઈક વાત કરી રહ્યાં હતાં. મને બરાબર સમજાતું નહોતું, પણ કદાચ એ લોકો સાડીના સેલની કે રાખડી મોંઘી થઈ ગયાની વાત કરતાં હોય એવું લાગ્યું. હું કૃપયા પ્રતીક્ષા કરતો રહ્યો...ફોન કટ ! મેં ફરી રિંગ વગાડી: પુનરપિ રિંગમ્, પુનરપિ ત્રિભાષી રેકર્ડમ્, પુનરપિ નમસ્કારમ્, પુનરપિ ફોનમ્ કટ્ટમ્ ! મારે ફોનનંબરની તાત્કાલિક જરૂર હતી. મિત્રના ભાઈ મુંબઈ રહે છે. બે દિવસ પહેલાં એમનો પત્ર આવેલો. એમના લેટરપેડ પર એમનો ટેલિફોન નંબર છાપેલો હતો. નજીક્ધાા એસ.ટી.ડી. બૂથ પરથી મેં મિત્રના ભાઈને મુંબઈ ફોન જોડ્યો. એ મળ્યા. એમણે નંબર તો આપ્યો, પણ ઘણા વખતે વાત થતી હતી એટલે એ વાતોએ વળગ્યા. મીટર ચડતું જતું હતું. છેવટે વાત પૂરી થયા પછી મારા હાથમાં બિલ આવ્યું ત્યારે મને લાગ્યું કે આનાથી અર્ધા પૈસામાં રિક્ષામાં હું મિત્રને ઘેર પહોંચી શક્યો હોત ! પણ હવે શું? પરછમ બુદ્ધિ બ્રહ્મ ! ( આ પચ્છમ બુદ્ધિ જ મારા બ્રાહ્મણ હોવાની એકમાત્ર સાબિતી છે !) આમ, મેં અમદાવાદના મિત્રનો ફોન નંબર મુંબઈ ફોન કરીને મેળવ્યો ! ઘણું જીવો ૧૯૭!


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OtCQHOpYF9GcndtfCZs3UkswKSxacGk1ZtGKdMqv%3DyBcQ%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment