હવે ફ્રિજમાં બોટલ મૂકવાનું બંધ... પ્લીઝ રાતે એસીનું ટેમ્પરેચર બહુ ઓછું નહીં રાખતા...દિલ્હી જાઓ છો પણ થર્મલ લેવાનું ભુલતા નહીં. સાંગલીમાં બહુ ઠંડી હશે હો હોસ્ટેલમાં યાદ રાખીને સ્વેટર પહેરી લે જે...ચામાં થોડી વધુ સૂંઠ નાખું, ઠંડી સામે રાહત મળશે....આવા કેટકેટલાંય વાક્યો આપણે શિયાળા અગાઉ સાંભળવા માંડીએ છીએ પણ... વિશ્ર્વના સૌથી ઊંચાઇએ આવેલા યુદ્ધ મેદાન એટલે સિયાચીન (કે સિયાચેન, ઘણાં આવો ઉચ્ચાર પણ કરે છે) પર નથી આવી વાતો કહેવાતી, સંભળાતી કે નથી એનો કોઇ અર્થ સરતો. હા, સિયાચીન ગ્લેશિયરની ઊંચાઇ છે ૫૪૦૦ મીટર. એ ઉત્તુંગ બરફીલા શિખર પર ભારતીય જવાનોએ પરંપરાગત શત્રુ પાકિસ્તાનના સૈનિકો વિરુદ્ધ સામે જ નહીં, અનેક કુદરતી મુસીબતો સામે ય લડવાનું હોય છે. તાજેતરમાં ભારતનો વધુ એક લબરમૂછિયો યુવાન સૈનિક સિયાચીનના બરફીલા ખપ્પરમાં હોમાઇ ગયો. આપણા મહારાષ્ટ્રના લાતુર જિલ્લાના જળકોટના રહેવાશી રોહિત ઉત્તમ શિંગાડેના નામ આગળ લાન્સનાયક લાગેલું હતું. હવે તેઓ શહીદ લાન્સનાયક રોહિત શિંગાડે થઇ ગયા. રોહિત ૨૦૦૭થી સેવન મહાર રેજિમેન્ટની બટાલિયનમાં ફરજ બજાવતા હતા. ૨૯ વર્ષના રોહિતના પરિવારમાં માતા-પિતા છ બહેન, બે ભાઇ, પત્ની અને પુત્ર છે. લાન્સનાયકને કોઇ પાકિસ્તાની ત્રાસવાદી કે ઘૂસણખોરની ગોળી નહોતી લાગી. કે નહોતો એમના પર હેન્ડગ્રેનેડ પડ્યો. વિશ્ર્વના સૌથી ઊંચા બરફાળ અને પળેપળે ટાઢા બોળ મોતની આગોશમાં લઇ જતી જગ્યો પહોંચવું જ અત્યંત મુશ્કેલ નહીં, અતિ વિકટ છે. એમાં ત્યાં રાત-દિવસ રહેવું અને એ પણ દુશ્મનને રોકવા માટે એનાથી બચવા માટે ને એને મારવા માટે ! મિશન ઇમ્પોસિબલ પણ આપણા વીર જવાનો એ કરી રહ્યા છે. ઘણાં-ઘણાં લાંબા સમયથી જીવનું જોખમ ઉઠાવીને, ને જાન ન્યોછાવર કરીને. લાન્સનાયક રોહિત શિંગાડે જે ઊંચાઇ પર ફરજ બજાવતા હતા ત્યાં બધે બરફ જ બરફ હતો. હાડ ગાળી નાખતી ઠંડીમાં દેશની રક્ષા કરવા માટે અડીખમ ઊભેલો આ જવાન અચાનક પડી ગયા. બરાબર ડોકમાં જ ઇજા થઇ. સારવાર માટે મારતે વિમાને દિલ્હી લઇ જવાયા. હૉસ્પિટલમાં નિદાન થયું કે ડોકની એક નસ તૂટી ગઇ છે. ડૉક્ટરોએ ઓપરેશન કર્યુ અને સતત પ્રયત્નશીલ રહ્યાં, પરંતુ રોહિત શિંગાડે સારવારને પ્રતિસાદ આપતા નહોતા. અંતે બુધવાર તા.૧૪ નેવેમ્બરે સાંજે ચાર વાગ્યે રોહિતે નશ્ર્વરદેહનો ત્યાગ કરી દીધો. બધા સ્તબ્ધ અવાચક. એક તો લશ્કરની નોકરી ને એમાં સિયાચીનમાં પોસ્ટિંગ. આમાં કંઇ અસાધારણ નહોતું: બે વર્ષ અગાઉ બહાર આવ્યું હતું કે સિયાચીનમાં જે એકાદ હજાર સૈનિકો માર્યા ગયા એમાંથી ૨૨૦ જ દુશ્મનની ગોળીઓનો નિશાન બન્યા હતા. બાકીના, હિમડંખ, હિમ-પ્રપાત, ભૂસ્ખલન, માઇનસ ૫૦-૬૦ ડિગ્રી સેલ્શિયસ ટેમ્પરેચર, અનિંદ્રા, સતત ઘટતા વજન અને સ્મૃતિ-ભ્રંશની લપેટમાં આવી ગયા હતા. આ વર્ષે માર્ચમાં સંરક્ષણ પ્રધાન નિર્મળા સીતારામને સંસદને માહિતી આપી હતી કે છેલ્લાં દસ વરસમાં લશ્કરના ૧૬૩ જવાનોએ સિયાચીનમાં જીવ ગુમાવ્યા હતા. આ મુજબ ૨૦૦૮માં નવ, ૨૦૦૯માં તેર, ૨૦૧૦માં પચાસ, ૨૦૧૧માં ચોવીસ, ૨૦૧૨માં બાર, ૨૦૧૩માં અગિયાર, ૨૦૧૪માં આઠ, ૨૦૧૫માં અગિયાર, ૨૦૧૬માં વીસ અને ૨૦૧૭ માં પાંચ ભારતીય વર્દીધારીઓની જીવન-લીલા સિયાચીનને પ્રતાપે સમેટાઇ ગઇ હતી. મિનિસ્ટર મેડમે દાવો કર્યો હતો કે સિયાચીનમાં તૈનાત કરાયેલા સૈનિકો આકરા અને અસહ્ય હવામાનના સામના માટે પર્યાપ્ત સામગ્રી, તૈયારી અને તાલીમ ધરાવતા હોય છે. કબૂલ, કબૂલ, કબૂલ. છતાં હકીકત એ છે કે છેલ્લા ત્રણ દાયકામાં સિયાચીનમાં જવાનોની ખુમારીનો આંકડો કારગિલના યુદ્ધ કરતાં બમણો છે! આમાં હવામાન નામનો શત્રુ વધુ ઘાતકી સાબિત થઇને હાહાકાર મચાવે છે. હા, સિયાચીનમાં લગભગ છેલ્લાં ચૌદેક વર્ષથી બંદૂકો શાંત પડી ગઇ છે પણ સૈનિકોનો ભોગ લેવાનું અટક્યું છે. આમાં કોઇનો વાંક કાઢી શકાય એમ નથી. અહીં હાથ ધરાયેલા અને સૌથી લાંબા ચાલેલા અને ઓપરેશન મેઘદૂત જેવું સાંકેતિક નામ ધરાવતું મિશન ૧૯૮૪ના એપ્રિલમાં હાથ ધરાયું હતું, જેમાં ધીમી ગતિએ વહેતી બરફની નદીવાળા સિયાચીનમાં અડીંગો જમાવીને બેસી પડેલા પાકિસ્તાની સૈનિકોને તગેડી મૂકવાના હતા. આમાં કુલ ૭૦૦ જવાન ઇજાગ્રસ્ત થયા, એમાંથી માત્ર ૨૯૫ કેસમાં જ શત્રુના શસ્ત્ર કારણરૂપ હતાં. અત્યારે સિયાચીનમાં દર મહિને બે સૈનિકના જીવ જવાની સરેરાશ છે. ૨૦૦૫માં ભૂતપૂર્વ વડા પ્રધાન સિયાચીનની મુલાકાત લઇને એને 'શાંતિની પર્વતમાળા' બનાવવાની નેમ જાહેર કરી હતી. અહીં યુદ્ધ-તહકુબી અમલમાં છે, પરંતુ પાકિસ્તાન આ અતિ વ્યૂહાત્મક સ્થાપના નિ:શસ્ત્રીકરણ માટે ધરાર રાજી થતું નથી. એટલે બન્ને દેશના સૈનિકોને અહીં ખોડાઇ રહેવું પડે છે, જીવ આપતા રહેવા પડે છે. સરકાર એટલે કે જનતાની કમાણીની તોતિંગ રકમ સિયાચીન માટેની સલામતી વ્યવસ્થા ઓહિયા કરી જાય છે. બે જર્મની એક થઇ ગયા. કદાચ કોરિયા ભાઇ-ભાઇ થઇ જાય પણ હિન્દુસ્તાની-પાકિસ્તાની ભાઇ-ભાઇ થઇ શકે? મુશ્કેલ છે કારણકે એનાથી ઘણાંની દુકાનો, ના મૉલ, બંધ થઇ જાય. સ્વિસ બૅન્ક અકાઉન્ટનાં તળિયાં દેખાવા માંડે. આ ભાઇચારાના કુંપળને ઉગતા જ કચડી નાખવા માટે ચીન જેવા દેખાતા શત્રુ અને કેટલાક મિત્રના વેશમાં આસપાસ ફરતા શત્રુને એ વજનદાર ખિલ્લાવાળા બૂટ ઊંચકી જ રાખ્યા છે. સિયાચીન સુધી પહોંચવું અને ત્યાં ફરજ બજાવવી એ કેટલું વિકટ છે. એનો સૌને થોડો ઘણો અણસાર છે પણ ક્યાંય છુટકારો કે વિકલ્પ દેખાતા નથી. અત્યારે હૃદયપૂર્વક શહીદ લાન્સનાયક રોહિત ઉત્તમ શિંગાડેને સલામ અને વંદન. |
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OsYqdWtax7Vd_-PBDW_KEVNgHsiHLHhffLjvzhXPWoPKQ%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment