Thursday, 22 November 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ ઇરાનનું હજારો વર્ષ જૂનું એરકન્ડિશ્નર (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



બાદગીર: ઇરાનનું હજારો વર્ષ જૂનું એરકન્ડિશ્નર!
વિશેષ-હેમંત વૈદ્ય

 

 

ગરમીની ઋતુ આવે એટલે ફ્રીજ અને એ.સી.નું વેચાણ વધી જાય.જોકે આ કૃત્રિમ એ.સી.ને કારણે પર્યાવરણને જોખમી એવા ગ્રીન હાઉસ વાયુઓનું પ્રમાણ વધી જાય છે. આને કારણે ગલોબલ વોર્મિંગ વધી જાય એટલે તમારા બેડરૂમ્સ ભલે થોડો સમય માટે ઠંડા બની જાય પણ એકંદરે તો આ બે ઉપકરણોથી વાતાવરણના તાપમાનમાં ધીરે ધીરે વધારો જ થઇ રહ્યો છે જે ભવિષ્ય માટે તો ભયજનક જ છે.

 

આવી પરિસ્થિતિમાં હજારો વર્ષ પૂર્વે ઇરાનના ગરમ રણપ્રદેશમાં રચાયેલાં કુદરતી એ.સી.ને યાદ કરવા જેવા છે. કુદરતી ઠંડકની અનુભૂતિ અને પર્યાવરણ માટે પણ બિનજોખમી એવા આ કુદરતી એ.સી. બાદગીર તરીકે ઓળખાય છે.

 

ૄ શું છે આ બાદગીર?

 

બાદગીર એટલે ઇરાનના યજ્દ અને બીજાં ગરમ શહેરોનાં મકાનો પર બાંધવામાં આવતી ચીમની જેવી પ્રતિકૃતિ જે ઊંચાઇ પર વહેતી ઠંડી હવાને પકડી મકાનની નીચે તરફ ધકેલે છે અને એમાં રહેતા નાગરિકોને ગરમીમાં પણ ઠંડીનો અહેસાસ કરાવે છે. તમને કદાચ જાણીને આશ્ર્ચર્ય થશે પણ આ પ્રક્રિયાથી ઘરના તાપમાનને બહારના તાપમાન કરતાં લગભગ ૧૦ ડિગ્રી જેટલું ઠંડુ રાખી શકાય છે એ સાબિત થઇ ચૂક્યું છે. આટલું જ નહીં આનાથી મકાનની અંદરની એવી ચીજોને પણ બચાવી શકાય છે જે ગરમીમાં બગડી જતી હોય છે.

 

ૄ કેવી રીતે બનાવવામાં આવે છે આ બાદગીર?

 

ઇરાનના મકાનોમાં ઊંચાઇ પર બાંધવામાં આવેલ આ બાદગીરનાં ચિત્રો ૧૩૦૦ વર્ષ પુરાણા પેઇન્ટિંંગ્સમાં જોવા મળે છે, તો દોઢ હજાર વર્ષ પૂર્વેની ફારસી કવિ નાસિર ખુસરોની રચનાઓમાં પણ બાદગીરનું વર્ણન મળી આવે છે. સાઉદી અરેબિયાની ઇફ્ત યુનિવર્સિટીના આર્કિટેક્ટ અલ-શોરબાગીના કહેવા મુજબ મધ્ય-પૂર્વના દેશોથી લઇને પાકિસ્તાન અને સાઉદી અરેબિયા સુધી બાદગીર જોવા મળે છે. ઇરાકના ખલીફાઓના શાસન સમયની ચોરસ ઇમારતોને મળતી આવતી આ બાદગીરમાં ઉપર હવા પ્રવેશી શકે તે માટેના ખાંચા હોય છે. ચારો તરફથી આવતી હવાને ઝડપી શકાય એ માટે આવા ચાર ખાંચા પણ હોઇ શકે, જ્યારે અમુક એવી બાદગીરો પણ હોય છે જેમાં છથી આઠ મુખ (ખાંચા) હોય. જોકે, અમુક શહેરોમાં એવી પણ બાદગીરો જોવા મળતી હોય છે જેને માત્ર એક ખાંચો હોય છે કારણ કે અહીં હવા ફક્ત એક જ દિશામાંથી આવતી હોય છે.

 

બારીઓ જેવા દેખાતા આ ખાંચા એવી રીતે બાંધ્યા છે જે વાતાવરણની ઠંડી હવાને પોતાની તરફ ખેંચે છે. પછી, આ ઠંડી હવાને ભેગી કરીને સાંકડા રસ્તા દ્વારા નીચે ધકેલે છે. ઠંડી હવાના દબાણથી ગરમ હવા બિલ્ડિંગની બહાર નીકળી જાય છે. આ ગરમ હવાને બહાર કાઢવા બાદગીરની ઊલટી દિશામાં એક ખુલ્લી બારી રાખવામાં આવતી હતી. ક્યારેક ઠંડી હવા ન વહેતી હોય તો પણ મકાનની અંદર જમા થયેલી ગરમ હવા આ ખુલ્લી બારી વાટે બહાર ફેંકાઇ જઇને મકાનમાં રહેતા લોકોને ગરમીમાં રાહત જરૂર આપતી હતી.

 

યજ્દ શહેરમાં કજારી યુગના કેટલાંય મકાન આજે પણ સારી હાલતમાં જોવા મળે છે. એમાંથી એક છે પ્રખ્યાત લારિહા હાઉસ. ૧૯મી સદીમાં બનેલી આ ઇમારત ફારસી આર્કિટેક્ચરનો ઉત્કૃષ્ટ નમૂનો છે. આ મકાનની વચ્ચોવચ્ચ લંબચોરસ આંગણું છે. મકાનને બે ભાગમાં વહેંચવામાં આવ્યું છે. આમ કરવાનું કારણ એ છે કે ઠંડીમાં સૂર્યની ગરમીનો વધુમાં વધુ ઉપયોગ થઇ શકે અને ગરમીના દિવસોમાં સૂર્યથી પૂરતું અંતર પણ જાળવી શકાય. બાદગીર આ ઇમારતના ગરમીવાળા ભાગમાં બનાવવામાં આવે છે. બાદગીરમાંથી આવતી ઠંડી હવાને છેક ભોંયતળિયે અને એની નીચે બનાવવામાં આવેલા ભોંયરા સુધી લાવવામાં આવતી હતી. આ ભોંયરાઓમાં એવી ચીજોને રાખવામાં આવતી જે ગરમીમાં જલદી ખરાબ થઇ જતી હોય છે. આ મકાનના ભોંયતળિયેથી ૩૮ દાદરા નીચે ઉતરવાથી ખૂબ ઠંડકનો અનુભવ થતો હોય છે. આ ભાગને ફારસીનાં સર્દાબ એટલે કે ઠંડુ પાણી કહેવામાં આવે છે. અહીંયાથી નહેરો દ્વારા લાવવામાં આવેલું પાણી પસાર કરવામાં આવે છે. ઠંડી હવા અને પાણી મળીને આ ઓરડાને ફ્રીજ જેવો બનાવી દે છે. એક સમયે અહીંના ઓરડાઓમાં બરફ રાખવામાં આવતો હતો.

 

આ પુરાતન ઇમારતો ઇરાનનો ભવ્ય સાંસ્કૃતિક વારસો છે.

 

જોકે, આજે તો આવી પદ્ધતિ જૂની-પુરાણી થઇ ગઇ છે. નવી ટૅકનોલોજીથી બનેલા એ.સી. અને ફ્રીજે આની જગા લઇ લીધી છે. યજ્દના એક ૮૫ વર્ષીય વયોવૃદ્ધ અબ્બાસ ફરોગી કહે છે કે તેમના મહોલ્ લામાં રહેતાં ઘણા લોકોએ હવે નવી પદ્ધતિથી બનેલા એપાર્ટમેન્ટમાં ફ્લેટ લઇ લીધા છે. જૂના ઘરોમાંથી કેટલાક ખાલી પડ્યા છે તો કેટલાક બહારથી આવતા મજૂરવર્ગને ભાડા પર આપવામાં આવ્યા છે. કેટલાક ઘર એવા પણ છે જે વિશાળ અને સારી હાલતમાં હોય. તહેરાન અને શિરાજ જેવાં શહેરોમાંથી આવેલા શ્રીમંત વર્ગોએ આવા મકાનો ખરીદીને હોટેલો પણ ખોલી છે.

 

આ જ શહેરના એક જૂના વિસ્તાર કૂચા હાનામાં રહેતી ફારૂકી નામની મહિલા હાલમાં જ પોતાનું જૂનું ઘર વેચીને નજીક બંધાયેલા એપાર્ટમેન્ટમાં રહેવા ગઇ છે એ કહે છે કે પહેલાં આખા મહોલ્લાના બાળકો એક જગ્યા પર એકઠાં થઇને રમતાં હતાં. લોકો બાદગીરની નીચે બેસીને જાણે રાહતનો શ્ર્વાસ લેતા હતાં. સાંજના સમયે તો અહીં ખાવાપીવાની જ્યાફતો ઊડતી. લોકો એક બીજા સાથે ગપ્પા મારતા હતા. જોકે હવે તેમના આ ઘરને પુરાના ખ્વાબ નામની હોટેલમાં તબદિલ કરવામાં આવી છે.

 

આવાં હજારો વર્ષો જૂનાં મકાનો ધરાવતાં આ યજ્દ શહેરને યુનેસ્કોએ ૨૦૧૭માં પુરાતન હેરિટેજ સ્થળ તરીકે ઘોષિત કર્યું છે. આવાં મકાનોની જાળવણી માટે આર્થિક મદદ પણ અપાય છે. જેમણે આવાં ઘરોને ખરીદી લીધાં છે તેમને આ ઘરોની સજાવટ કરવા અને હોટેલમાં પરિવર્તિત કરવા લોન પણ અપાય છે.

 

સ્થાનિક ટૂર ઑપરેટર ઓસ્તાદાનના કહેવા મુજબ અહીની પુરાતન સાંસ્કૃતિક ઇમારતો અને બાદગીરને બચાવવા કે સમારકામ કરવા માટે જે કરજ મળતું હતું એ મેળવવું હવે મુશ્કેલ થઇ પડ્યું છે, પણ એને આશા છે કે આવા ભવ્ય વારસાને બચાવી શકાશે. જૂના દિવસોને યાદ કરતા ઓસ્તાદાન કહે છે કે હું મારા દાદાને ઘરે બાદગીરમાં ગરમીના દિવસોમાં બપોરે સૂઇ રહેતો. ત્યાં આવતી હવા એ.સી.નો અહેસાસ કરાવતી હતી.

 

એે કહે છે કે ટુરિસ્ટ સહેલાણીઓ જ્યાં સુધી અહીં આવતા રહેશે ત્યાં સુધી હાલત બહુ બગડશે નહીં, કારણ કે ટૂરિઝમથી થતી આવકથી આ ઇમારતોનું સમારકામ અને જાળવણી થતી રહેશે. અહીં આવતા પર્યટકોને પણ આ પુરાણી ઇમારતો અને બાદગીરની જાળવણીની ચિંતા થતી હોય છે. અમારે એમની લાગણીનો પણ ખ્યાલ રાખવો જ રહ્યો. અમને આશા છે કે અમે એમાં કામિયાબ રહીશું.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Os2DQMPEXBR_9F%3D_MHGsc6DY_9-8S9h7mo2CvsLjy0YDw%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment