આખી જિંદગી પાઈ પાઈ કરીને પૈસા બચાવીને બાળકોના, પરિવારના ઉજ્જ્વળ ભવિષ્ય માટે અલગ અલગ જગ્યાએ ચોક્કસ મૂડીનું રોકાણ કરી દીધું, પણ શું થાય અગર પરિવારને જ તેની જાણ ન હોય તો? અનેક વખત આપણે એવી ગફલતમાં રહીએ છીએ કે યોગ્ય સમય આવશે ત્યારે આ બાબતની જાણ કરીશું, પણ શું થાય જ્યારે યમરાજ એ યોગ્ય સમયની તક જ નહીં આપે ત્યારે?
હાલમાં જ એક દૂરના સંબંધીનું મૃત્યુ થયું અને ઘરના આધારસમાન વ્યક્તિના મૃત્યુના આઘાતમાંથી હજી બહાર પણ આવ્યા નહોતા અને એ પહેલાં તો બિઝનેસમાં પાર્ટનરે કરેલાં મોટા આર્થિક નુકસાનને કારણે પરિવાર પર આર્થિક સંકટ તૂટી પડ્યું. જોકે સદ્ભાગ્યે મૃતકે તેમના એકએક રોકાણની, બૅંક બેલેન્સની ઝીણામાં ઝીણી ડિટેઈલ્સ ડાયરીમાં લખી રાખી હતી અને તેમનો પરિવાર બેવડાં સંકટમાંથી સફળતાપૂર્વક ઉગરી ગયું, પણ શું થયું હોત જો આટલી મહત્ત્વની વિગતો ડાયરીમાં ટપકાવી ન રાખી હોત તો? મુંબઈનો જ દાખલો લઈએ. ૪૨ વર્ષના વિદ્યુત પરમાર આમ તો એકદમ ફિટ અને ફાઈન. પણ અચાનક હૃદય રોગનો હુમલો આવ્યો અને તેનું મૃત્યુ થયું. વિદ્યુતના અકાળે અવસાનને કારણે તેની પત્ની અને તેનો પુત્ર ડઘાઈ ગયા. જોકે, વાત આટલેથી અટકતી નથી. અવસાન પછી કેટલાક હિતેચ્છુઓએ વિદ્યુતની વિમા પૉલિસી તેમ જ નાણાંકીય રોકાણો વિશે પૂછ્યું ત્યારે જવાબ સાંભળીને તેઓ ચોંકી ગયા. મુસીબત એ હતી કે વિદ્યુતના નાણાકીય રોકાણો કે બચતો ક્યાં ક્યાં છે તે વિશે તેની પત્નીને કે પુત્રને કશી જ માહિતી ન હતી. પત્નીએ જણાવ્યું કે 'હું તો કમાતી ન હતી, પણ મારા પતિએ વીમાની પોલિસી ક્યાં મૂકી છે, ક્યાં પૈસા રોક્યા છે એ વિશે અમને કશી જ ખબર ન હતી, કારણ કે વિદ્યુતે ઘરમાં કોઈ જ દિવસ તેણે ક્યાં કેટલું રોકાણ કર્યું છે, પૉલિસીના ડૉક્યુમેન્ટ્સ વિશે ચર્ચા કરી નહોતી.' પરિણામે તેના મૃત્યુ બાદ તેના પરિવારને આ વિશે માહિતી મેળવવા પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. ઘણી મહિલાઓને તેમના પતિદેવની નાણાકીય લેતીદેતી વિશે કંઇ જ ગતાગમ હોતી નથી, પરંતુ યોગ્ય નથી. મુશ્કેલીના સમયે સૂઝ નથી પડતી કે આવી મહત્ત્વની વાતો કે તેને લગતા દસ્તાવેજો શોધવા શરૂઆત ક્યાંથી કરવી? કેવી રીતે કરવી? દરેક વિમાનમાં એક બ્લેક બોક્સ હોય છે જેમાં પાઇલટે દુર્ઘટના સમયે આપેલી દરેક માહિતી રેકૉર્ડ કરી શકાય. આવું એક બ્લેક બૉક્સ (ફિઝિકલ કે ડિજિટલ બોક્સ)ની વ્યવસ્થા ઘરના નાણાકીય વ્યવહાર સંભાળતી વ્યક્તિએ પણ કરવી જોઇએ. પોતાની તેમ જ ઘરના તમામ સભ્યોના આર્થિક વ્યવહારો કે દસ્તાવેજોની નકલ તેમાં સાચવી રાખવી જોઇએ. એટલું જ નહીં આ વ્યવસ્થાની જાણ તેમના જીવનસાથી અને વારસદારોને પણ કરી રાખવી જોઇએ. બ્લેક બૉક્સમાં શું શું હોવું જોઈએ? વસિયત (વીલ) તમારા અવસાન બાદ ઘરની સ્થાવર કે જંગમ મિલકતમાંથી કોને શું આપવું છે તેનું વસિયતનામું બનાવી રાખવું જરૂરી છે જેથી દીકરા દીકરીઓમાં આપસમાં મતભેદ કે ઝઘડા ન થાય. આ વસિયતનામામાં લખેલ વિગતો જ સાચી ગણાય પછી ભલે કોઇ મિલકતમાં વારસદાર તરીકે કોઇનું પણ નામ નોંધાવ્યું હોય. આ વસિયતમાં ઘર, ઓફિસ, દુકાન જેવી મિલકત, એફ.ડી.(ફિક્સ્ડ ડિપોઝીટ)ની રસીદો, વીમાની પોલિસી,નાણાકીય બૉન્ડ, જર-ઝવેરાત કે અન્ય કોઇ પણ માલમિલકત અને તેની વહેંચણીનું વર્ણન કરી રાખવું જોઇએ. (અલબત્ત આ ફાઇનલ નિર્ણય નથી હોતો. કાળક્રમે તમારો વિચાર બદલાય તો તમે એમાં ફેરફાર કરી શકો છો). બૅન્ક ખાતાની તમામ વિગતો તમારા જેટલા બેન્ક ખાતા હોય તે તમામના નામ-સરનામાં, ખાતા નંબર, તે બેન્કની એફ.ડીની રસીદો,રિકરીંગ ખાતાની વિગતો, સીધા બૅન્ક દ્વારા કોઇ સંસ્થાને પૈસા ચૂકવાતા હોય તો તેની વિગતો. આ બધું એક જગ્યાએ રાખવું જરૂરી છે. મ્યુચ્યુઅલ ફંડ જે કંપનીના ફંડ હોય તેની સઘળી વિગતો, ફોલિયો નંબર, કોઇ કંપનીની વિગતો મેળવવા માટે લોગ-ઇન આઇ.ડી. કે પાસવર્ડની જરૂર હોય તો તેની તમામ વિગતો પણ એક કાગળ પર લખીને રાખવી જોઇએ. આ બધા ફંડ્સ કે એમાંના કેટલાક તમે કોઇ એજન્ટ, સલાહકાર કે પછી કોઇ પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસ દ્વારા લીધા હોય તો એમનો સંપર્ક કરી શકાય તે માટેની તમામ વિગતો તેમાં ભરી રાખવી જોઇએ. ડાયરેક્ટ ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટ જો તમે કંપનીના ઇક્વિટી શેરોની લેવડદેવડ કરતાં હો તો તમે ડિમેટ એકાઉન્ટ ખોલાવ્યું જ હશે. તમે જ્યાં જ્યાં રોકાણ કર્યુ હોય એ લખીને રાખો. જે દલાલ દ્વારા શેર લે-વેચ કર્યા હોય તેની સંપર્ક નંબર સાથેની તમામ વિગતો પણ નોંધી રાખો. વીમા સંબંધી દસ્તાવેજો ઇન્સ્યોરન્સ પોલિસીની ડિજિટલ તેમ જ ફિઝિકલ કોપીઓને જાળવી રાખો. ઇન્શ્યોરન્સ પોલિસીઓ, તેમના નંબર, તેમના પ્રીમિયમની વિગતો. કયો વીમો ક્યારે પાકે છે એની માહિતી એક કાગળમાં ટપકાવી આ કાગળ પણ રાખવો જોઇએ. સાથે જે ઇન્શ્યોરન્સ એજન્ટ દ્વારા આ પોલિસીઓ લીધી હોય એ તમામની વિગતો પણ લખી રાખવી જોઇએ. ફંડ્સ અને બૉન્ડ્સ જો તમે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ, પોસ્ટ ઓફિસ સેવિંગ્સ કે અન્ય સરકારી બૉન્ડ્સ,નેશનલ પેન્શન સ્કીમ જેવી યોજનાઓમાં બચત કરી હોય તો એ તમામ વિગતો તમારા બ્લેક બૉક્સમાં હોવી જરૂરી છે. કંપનીઓના ફાયદા તમે જે કંપનીમાં કામ કરતા હોવ એ અગર પ્રોવિડન્ટ ફંડ કાપતી હોય તો તેનો યુનિક એકાઉન્ટ નંબર હોય છે, જે યુએએનના નામે ઓળખાય છે. આ નંબર એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન દ્વારા અપાયો હોય છે. જો તમે નોકરી બદલી હોય તો પણ આ નંબર બદલાતો નથી. આ તમામ વિગતો પણ તમારે બ્લેક બોક્સમાં સાચવી રાખવી જોઇએ. રિયલ એસ્ટેટ કે અન્ય રોકાણ તમે કોઇ ઘર કે પ્લોટમાં રોકાણ કર્યું હોય તો તેના એેગ્રીમેન્ટની કોપી પણ રાખવી જોઇએ. હપ્તા ભરતા હોવ તો એની તમામ વિગતો પણ લખીને બ્લેક બૉક્સમાં સાચવી રાખવી જોઇએ. આ ઉપરાંત ગોલ્ડ બોન્ડ હોય કે સોનાચાંદીની જણસ હોય બધાની સંખ્યા, ઝર ઝવેરાતની ઝીણામાં ઝીણી વિગતો લખીને રાખવી જોઇએ. તદુપરાંત કોઇ વીશી કે કિટીપાર્ટી અને ચીટફંડમાં પૈસા રોકતા હોવ તો તેની વિગતો પણ ઘરના સભ્યોને સમજાય એ રીતે લખીને સાચવી રાખવી જરૂરી છે. હોમ લોન, અન્ય લોન ક્ે ક્રેડિટ કાર્ડ્ઝ તમે જે બચત કે રોકાણ કર્યુ છે એ જ નહીં પણ તમે ઘર માટે કે અન્ય કોઇ કામ માટે લોન લીધી હોય કે કોઇ બેન્કના ક્રેડિટ કાર્ડ્સ દ્વારા નાણાકીય લેવડદેવડ કરી હોય તો તેની નોંધ પણ કાગળ પર લખીને સાચવી રાખવી જોઇએ. તમે કોઇ વ્યક્તિ કે ખાનગી સંસ્થા પાસેથી ઉછીના પૈસા લીધા હોય તો તેની રક્મ અને વ્યાજની માહિતી સહિત તમામ વિગતો પણ કાગળ પર લખીને રાખવી જોઇએ. જેથી વારસદારોને માત્ર વારસો જ નહીં જવાબદારીઓ કેટલી છે તેની પણ પૂરતી માહિતી મળી રહે. જો આ બાબતમાં બેદરકારી રાખો તો બની શકે કે તમારી બચત અને તમારી જવાબદારીનો સાચો અંદાજ મેળવવા સંતાનોએ કે જીવનસાથીએ ઘણી મહેનત કરવી પડે, ઘણી ઓફિસોમાં ધક્કા ખાવા પડે અને છતાંય સંપૂર્ણ વિગતો મેળવી ન શકે એવું પણ બને. તમે જેના માટે કમાવ છો કે બચત કરો છો એ લોકો જ જરા સરખી અસાવધાનીથી આ બધાથી વંચિત ન રહી જાય તે માટે અને એક કરતાં વધુ સંતાનો હોય તો નાહક અંદરોઅંદર મનદુખ ન થાય એ માટે પણ તમારે સાવચેતી રાખીને કટોકટીમાં કામ લાગે એવા એક બ્લેકબૉક્સની વ્યવસ્થા કરવી જ રહી. આ બ્લેક બોક્સ તમારી ભાવિ પેઢીને અંધારામાં ન રાખતાં ચોક્કસ ઉજ્જવળ ભવિષ્ય પ્રદાન કરશે. ડિજિટલ યુગમાં આ તમામ દસ્તાવેજો તમે બે રીતે સાચવી શકો છો. ૧) સાઇબર લોકર અને ૨) બૅન્ક લોકર. સાઇબર લોકર એ હાલની ડિજિટલ ક્રાંતિની ઉપજ છે. આમાં તમે તમારા દરેક ઉપયોગી આર્થિક લેવડ દેવડ અંગેની માહિતી, બૅન્ક પાસબુક અને ચેકબુક્સની માહિતી ભરી શકો છો કે પછી તમામ દસ્તાવેજોના ફોટા પાડી (સ્કેનિંગ કરી) સાચવી શકો છો. આ માહિતી ગુપ્ત રાખવા તેને પાસવર્ડ પ્રોટેક્શન પણ આપી શકાય. આ પાસવર્ડ તમારા જીવનસાથી કે ઘરની અન્ય એક-બે વ્યક્તિને પણ ખબર હોવી જોઇએ જેથી કોઇ એક સભ્ય સાથે અચાનક અનિચ્છનીય બનાવ બને તો તમામ જાણકારી ઘરની બીજી વ્યક્તિ પણ મેળવી શકે. બૅન્ક લૉકર એ ખૂબ જ જૂની પણ વિશ્ર્વાસુ વિકલ્પ છે. તમારા તમામ શેર સર્ટિફિકેટ્સ કે ઇન્સ્યોરન્સના કાગળિયા અને આ તમામ દસ્તાવેજોની વિગતો એક કાગળમાં ભરીને તમે બૅન્કના ભાડેથી લીધેલા લોકરમાં પણ રાખી શકો. આ માહિતી તમારી ગેરહાજરીમાં તમારા જીવનસાથી કે વારસદારને મળી શકે તે માટે નોમિનિ (વારસદારો)ના નામ લખવા જરૂરી છે. બની શકે તો ઘરના એક બે સભ્યોનો સાથ લઇ સંયુક્ત ખાતુ (જોઇન્ટ એકાઉન્ટ) ખોલાવવું વધુ હિતાવહ છે. |
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OueSwN_dWJdxtSfmQcKtDJHn1YX5isqD03dtEm0TX3eLg%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment