મહાનગરોમાં આજકાલ સહુથી કપરી સમસ્યા કઈ એવો જો કોઈ પ્રશ્ર્ન કરે તો એનો ઉત્તર એકમતે એ જ મળશે કે વાહનવ્યવહાર એટલે કે ટ્રાફિક એ જ સહુથી મોટી સમસ્યા છે. દશ કે વીસ મિનિટમાં પહોંચી શકાય એવાં બે સ્થળો વચ્ચે માર્ગ કાપતા ક્યારેક કલાક અને દોઢ કલાક પણ નીકળી જાય છે. દશ-વીસ મિનિટના કામકાજ માટે સવા કલાક જતા અને સવા કલાક પાછા વળતા આમ અઢી કલાકનો ભોગ આપવો પડે છે. એટલું જ નહિ, માનસિક ત્રાસ પણ વેઠવો પડે છે. લાઈફ લાઈન ગણાતી લોકલ ગાડીઓમાં થતી મુસાફરી કેટલીયવાર જીવના જોખમે થતી હોય છે. સપરિવાર વારતહેવારે આવવું-જવું હોય ત્યારે રોડ રસ્તે કે રેલવે રસ્તે કેવો ત્રાસ થાય છે એની વાત તો એમાંથી પસાર થયે જ સમજાય. વાહનવ્યવહારની આ સમસ્યા વિશે મુંબઈ હાઈ કોર્ટમાં હમણાં એક સુનાવણી થઈ ગઈ. અખબારોએ આ સુનાવણીને ઝાઝી પ્રસિદ્ધિ આપી નથી એટલે આ સુનાવણી અને સુનાવણીને અંતે હાઈ કોર્ટે કરેલું નિરીક્ષણ લોકોની નજરે ચડવું જોઈતું હતું છતાં ચડ્યું નથી અને સાંભળવા સમજવા જેવી એક વાત ઢબુરાઈ ગઈ છે. હાઈ કોર્ટ સુનાવણી કરે, પછી નિરીક્ષણ કરે અને ચુકાદો પણ આપે પણ એથી સમસ્યા ઉકલી જાય છે ખરી? મુંબઈમાં જ્યાં ત્યાં બેનર્સ અને હોર્ડિંગ્સ લગાડવામાં આવે છે. ગમે તેવા લલ્લુ પંજુઓ ફાવે તેવા મુંડાઓ લટકાવી દે છે. આ બેનર્સ અને હોર્ડિંગ્સ માટે હાઈ કોર્ટે કોર્પોરેશન અને રાજ્ય સરકારને આદેશ આપ્યો હતો. આ આદેશને લાગતા વળગતા સહુ ઘોળીને પી ગયા છે. લાગતાવળગતા ખાતાઓ બધી જ ફાઈલો ઠીકઠાક કરી નાખે છે. બધી જ લેવડ-દેવડો થઈ જાય છે - સરકારી રાહે અને બિનસરકારી રાહે પણ. બધા જ પાટિયાં એમને એમ લટકે છે. પોલીસ વડાઓ પણ આ રોજ જુએ છે. મુખ્યમંત્રીથી માંડીને તમામ સરકારી અમલદારો પણ આવતા-જતાં આ પાટિયાઓ જુએ છે. પાટિયાઓ ઉતારી નાખવાનો ચુકાદો આપનાર ન્યાયાધીશોથી માંડીને બધા આ પાટિયા જુએ છે - કોઈ કશું કરી શકતું નથી. આ બધા વચ્ચે મુંબઈના વાહનવ્યવહાર વિશે ચુકાદો આપતા અદાલતે એક નિરીક્ષણ કર્યું છે. નામદાર જજસાહેબે એવું કહ્યું હોવાના અખબારી અહેવાલો છે કે મુંબઈના આ વાહનવ્યવહારની આ કપરી સમસ્યાનું કારણ માટે મુંબઈમાં આવતા પરપ્રાંતીયોના ધાડાં જવાબદાર છે. આ પરપ્રાંતીયો એટલે કોણ એવી કોઈ સ્પષ્ટતા અખબારોમાં જાહેર થયેલા ચુકાદામાં નથી, પણ એનો વ્યવહારમાં માત્ર એટલો જ અર્થ થાય છે કે મુંબઈમાં જેઓ મહારાષ્ટ્ર નામના રાજ્યની વર્તમાન સરહદોને વળોટીને પેલી બાજુથી આવે છે તેઓ આ સમસ્યાનું નિર્માણ કરે છે. વાત થોડીક વિચારવા જેવી છે. એમાંય જ્યારે જજસાહેબ વાત કરે છે ત્યારે થોડીક વધુ વિચારવા જેવી છે. પ્રાંત શબ્દ સાંપ્રત કાળના આપણા ઈતિહાસ, ભૂગોળમાં નથી. પ્રાંત અને ઈલાકો, વહીવટી એકમો માટે વપરાતા આ બે શબ્દો અંગ્રેજી શાસનના આરંભે આપણા દેશમાં શરૂ થયા હતા. અંગ્રેજી શાસને જેમ જેમ પ્રદેશો જિતાતા ગયા એમ એમ એના ગઠન માટે આવા પ્રાંતોની રચના કરી. મુંબઈ પ્રાંત, મદ્રાસ પ્રાંત અને બંગાળ પ્રાંત એમ ત્રણ વિસ્તારમાં જિતાયેલા પ્રદેશો ભેળવાતા ગયા. અહીં નોંધવા જેવી વાત એ છે કે મુંબઈ અને મદ્રાસ પ્રાંત શહેરના નામથી ઓળખાયા, પણ બંગાળને કલકત્તા પ્રાંત નથી કહ્યો. આ બંગાળ પ્રાંતમાં આજનું આસામ, આખેઆખું બંગાળ, ઓરિસ્સા, બિહાર આ બધાનો સમાવેશ થતો હતો. મુંબઈ પ્રાંતમાં સિંધ, ગુજરાત, મહારાષ્ટ્ર, કોંકણ અને કર્ણાટક આ બધા ભેળવાઈ ગયા હતા. આજે મુંબઈમાં આવતા પરપ્રાંતીયો આપણે કોને કહીશું? જેઓ મહારાષ્ટ્રની હદમાં નથી વસતા એમને પરપ્રાંતીયો કહીશું કે જેઓ મરાઠી નથી જાણતા એમને પરપ્રાંતીયો કહીશું? વડોદરામાં ચાર કે પાંચ પેઢીઓથી વસતા ગાયકવાડ કે ભોંસલે પરિવારો પૂરેપૂરા ગુજરાતી થઈ ચૂકયા છે અને આમ છતાં ઘરમાં બોલચાલની ભાષા તરીકે મરાઠી જ વાપરે છે. તેઓ જો મુંબઈ આવે તો પરપ્રાંતીય કહેવાશે કે પછી આ ઘરવાપસી ગણાશે? કર્ણાટકના બેલગામ વિસ્તાર ઉપર મહારાષ્ટ્રનો દાવો છે. આજે આ વિસ્તારના લોકો જો મુંબઈ આવે તો નામદાર જજસાહેબ એમને પરપ્રાંતીય ગણશે ખરાં? ભારત એક એવું રાષ્ટ્ર છે કે જેમાં વસતા કોઈપણ નાગરિકને પરપ્રાંતીય કહેવો એ કદાચ ગેરબંધારણીય છે. દેશ જ્યારે આઝાદ થયો ત્યારે જે પ્રાંતોની પરિસ્થિતિ હતી એ ઝડપભેર બદલાતી રહી છે. ૧૯૫૬માં રાજ્યોની પુન: રચના થઈ ત્યારે માત્ર ૧૪ જ રાજ્યો નિર્માણ થયા હતાં. આજે આ સંખ્યા ૨૮ કે ૨૯ સુધી પહોંચી ગઈ છે. (ભૂલચૂક લેવી દેવી.) પ્રાંત શબ્દ હવે રદ્બાતલ થઈ ચૂક્યો છે. ૧૯૫૬માં જે ૧૪ રાજ્યોનું નિર્માણ થયું એમાં એક ભાષા એક રાજ્ય એવો પાયાનો સિદ્ધાંત હતો ખરો, પણ વ્યવહારમાં એને અમલમાં મૂકી શકાયો નહોતો. મુંબઈ દ્વિભાષી રાજ્ય બન્યું હતું અને બિહાર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને મધ્ય પ્રદેશ આવા ચારહિંદી ભાષી રાજ્યો બન્યા હતા. વખત જતા ભાષાવાર પ્રાંત રચનાના આ પાયાવાર સિદ્ધાંતનો વીંટો વળી ગયો હતો. દેશનું છેવાડાનું પૂર્વોત્તર રાજ્ય આસામ આજે પોતાના પ્રદેશમાં જ રાજ્ય ભાષા આસામી હોવા છતાં લઘુમતીમાં મુકાઈ ગયું છે. આસામની કુલ ત્રણ કરોડની વસતિમાં આસામી ભાષા બોલનારાઓની સંખ્યા ૪૮ ટકા જ રહી ગઈ છે. બંગાળી, ઉર્દૂ તથા અન્ય સરહદી પૂર્વોત્તર પ્રદેશો અરુણાચલ પ્રદેશ, મિઝોરમ, નાગાલેન્ડ વગેરેમાંથી આવી વસેલા ભાષિકોની કુલ સંખ્યા ૫૨ ટકા થઈ ગઈ છે. અહીં આ ભાષિકોની વધતી ઓછી સંખ્યા સાથે ધર્મની પણ ભેળસેળ થઈ ગઈ છે. આસામના અનેક જિલ્લાઓમાં હવે માત્ર આસામી ભાષિકો જ લઘુમતીમાં મુકાઈ ગયા છે એવું નથી, પણ હિંદુઓ સુધ્ધાં લઘુમતીમાં મુકાઈ ગયા છે. આમ અહીં પરપ્રાંતીયો એટલે બાંગ્લાદેશ અને વટાળ પદ્ધતિ સુધ્ધાં કારણભૂત બન્યા છે. કાશ્મીરમાં પંડિતો મૂળ કાશ્મીરીઓ જ છે અને આમ છતાં લાખોની સંખ્યામાં તેઓ દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં પરપ્રાંતીયો બન્યા છે. કાશ્મીરના જ એક ભાગ જમ્મુ પ્રદેશમાં પણ આ પંડિતો પરપ્રાંતીયો બન્યા છે. પૂર્વાંચલ વિસ્તાર જે નેફા નામનો એક જ વહીવટી વિસ્તાર હતો એના હવે સાત ટુકડાઓ થઈ ચૂક્યા છે ને આ સાતેય સ્વતંત્ર પ્રાંત બન્યા છે. આ સાતેયમાં પરસ્પર આવનજાવન રહેવાની જ. આ આવનજાવનને શું પરપ્રાંતીય તરીકે ઓળખી શકાય ખરી? મુંબઈ અને દેશના બીજાં મહાનગરોમાં વાહનવ્યવહારની કપરી સમસ્યા છે જ. અને એ દિવસે દિવસે વધતી પણ જાય છે. મુંબઈમાં સંખ્યાબંધ ફ્લાયઓવર, મેટ્રો, મોનો રેલ આ બધું કરવા છતાં સમસ્યા હળવી નથી થઈ, વધુ કપરી બની છે. મુંબઈમાં માત્ર વાહનવ્યવહાર જ નહિ, પણ રહેઠાણ સુધ્ધાં વધુ કપરી સમસ્યા છે એનો ઈનકાર થઈ શકે એમ નથી. આ સમસ્યાઓ વધતી જતી વસતિને કારણે છે અને આ વસતિવધારો શી રીતે રોકી શકાય એ જ મૂળભૂત પ્રશ્ર્ન છે. પ્રાંત કે પરપ્રાંત એ પ્રશ્ર્ન નથી પણ મૂળ પ્રશ્ર્નને દૂર હડસેલવાની પ્રક્રિયા છે. મુંબઈને જો એની અસલિયતમાં જ જોવું હોય તો મુઠ્ઠીભર કોળીઓ એ જ અસલિયત છે. બાકી સઘળો વિકાસ પરપ્રાંતીય જ છે. જોકે આ તો થોડાક વિચારો જ છે અને આ વિચારો એ જ સચ્ચાઈ છે એવો દાવો કરી શકાય નહિ. નામદાર અદાલતથી મોટી સચ્ચાઈ કોઈ હોઈ શકે નહિ એ વાતનો તો સ્વીકાર જ કરવો પડે અને આમ છતાં ભારત જેવા દેશમાં સ્વાતંત્ર્ય પ્રાપ્તિના સિત્તેર વરસ પછી આ પરપ્રાંતીય જેવો શબ્દ કાને અથડાય ત્યારે થોડીક વૈચારિક ક્ષુબ્ધતા થઈ એ અહીં ઠાલવી. દેશમાં વૈચારિક વિભિન્નતાને અવકાશ છે એનો આ લાભ લીધો છે એવું પણ તમે કહી શકો. ઈલાકો અને પ્રાંત આ બે શબ્દો વહીવટી ધોરણે નામઠામ સાથે વિલુપ્ત થઈ ગયા છે. રાજ્યો નવા નામે અને નવા ધોરણે નવેસરથી પેદા થયા અને અમીબાની જેમ એકમાંથી બે અને બેમાંથી ત્રણ થતા ગયા પણ પેલી પ્રાંતીય ભાવના આ બધા વચ્ચે એવીને એવી અકબંધ રહી છે. અદાલત તો માયબાપ કહેવાય. આપણાથી કંઈ બોલાય નહિ પણ વિચારાય તો ખરું જ. પરપ્રાંતીયોની આ વિભાવના આવતી કાલે પગ પહોળા કરીને પરજિલ્લાવાસી બની જશે એવા વિચારમાત્રથી કોઈની આંખ આડે અંધારા આવી જાય તો એણે આંખ બંધ કરી દેવી. |
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ov%2BpdtvPf52fdAyfMg4JohAt0w69Xm5xLsSDtCr%3DKfZ9A%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment