('અખંડ આનંદ' સામયિકના જાન્યુઆરી, ૨૦૧૮ના અંકમાંથી સાભાર)
ઘડિયાળમાં બેના ડંકા પડ્યા. વાસુને આજે ઊંઘ આવતી નહોતી. વંદના અને ચૌદ વર્ષની દીકરી પિન્કી આજે જ વેકેશન માણવા વડોદરા ગયાં હતાં. વાસુનો શ્વસુરપક્ષ ખમતીધર હતો. દરેક વેકેશનમાં મા દીકરી દસેક દિવસ માટે તેમને ત્યાં અવશ્ય જતાં. વાસુને સરકારી નોકરી હતી. વીસ વર્ષની નોકરીમાં વાસુ હેડકલાર્ક સુધી પહોંચ્યો હતો. વાસુએ તેની બાંધી આવકમાં બાપુજી જે દેવું મૂકીને ગયા હતા તે પણ ચુકવ્યું હતું. વંદના અને પિન્કીને ભીંસમાં રહેવું સ્હેજ પણ ગમતું નહોતું પરંતુ આખર તારીખમાંતો કાયમ ઘરમાં નાણાભીડ જ રહેતી, જેનો કોઈ ઉપાય નહોતો. હા, એક ઉપાય જરૂર હતો, જો વાસુ બીજા સહકર્મચારીની જેમ ઉપલી આવક લેવા માંડે તો દર મહિને પગાર જેટલી જ બીજી આવકનો અવકાશ હતો.
વાસુ જબરજસ્ત સિદ્ધાંતવાદી હતો. દેખાદેખીના જમાનામાં કોઈ પણ ગૃહસ્થ માટે આદર્શોને પકડીને જીવવું એટલે દોરી ઉપર ચાલી રહેલા નટ જેવું દુષ્કર કાર્ય હોય છે ! આજે વાસુને ઊંઘ ન આવવાનું મુખ્ય કારણ એજ હતું કે સાંજે ઓફિસથી ઘરે પરત આવતાં રસ્તામાં તેને સંકેત મળી ગયો હતો. કોલેજજીવનનો મિત્ર સંકેત વડોદરામાં સેટલ થયો હતો. આજે કોઈક કામ માટે અમદાવાદ આવ્યો હતો. અતિ મોંઘા, બ્રાન્ડેડ કપડાં, જીન્સ અને રેબેનના ગોગલ્સધારી સંકેતને પહેલી નજરે તો વાસુ ઓળખી જ નહોતો શક્યો.
"કેમ વાસુ, બે દાયકામાં તો તું મને ભૂલી પણ ગયો?" સંકેતે હાથમાં કારની ચાવીવાળી કી-ચેઈન સ્ટાઇલથી ઘુમાવતા કહ્યું હતું. "ઓહ, સંકેત, સોરી દોસ્ત, તારા તો તેવર જ બદલાઈ ગયા છે પછી કઈ રીતે ઓળખી શકું?"
"વાસુ, ચાલ સામે હેવમોરમાં બેસીએ. મારી કાર પણ ત્યાં જ પાર્ક કરેલી છે." બંને મિત્રો હેવમોરમાં બેઠા. વાસુ મેનુ જોવા લાગ્યો.
સૌથી સસ્તો આઈસક્રીમ વેનીલા હતો. "સંકેત, વેનીલા મંગાવીશું?"
સંકેતે મેનુ જોયા વગર જ વેઈટરને સૌથી મોંઘા આઈસક્રીમનો ઓર્ડર આપી દીધો. "વાસુ હું ક્યારેય ભાવ જોઇને કોઈપણ વસ્તુ ખરીદતો નથી." "એટલે?"
"એટલે એમ કે જો મોલમાં ગયો હોઉં અને કોઈ બ્રાન્ડેડ શર્ટ મને પહેલી નજરે પસંદ પડી જાય પછી પ્રાઈસટેગ જોવાની જ નહિ, કારણ કે મિડલક્લાસ મેન્ટાલિટીવાળા માણસો જ પ્રાઈસટેગ જોઇને ખરીદી કરતા હોય છે."
વાસુને ગઈકાલનો જ પ્રસંગ યાદ આવી ગયો. પિન્કીને એક ડ્રેસ ખૂબ જ પસંદ પડી ગયો હતો. વંદના પણ દીકરીને તે લઇ દેવા માટે તલપાપડ થઇ ગઈ હતી. વાસુએ પ્રાઈસટેગ જોઇને તે ડ્રેસ પરત મુકાવી દીધો હતો અને સસ્તો ડ્રેસ અપાવ્યો હતો. સંકેતની વાત સાંભળીને વાસુ આશ્ચર્યથી તેની સામે જોઈ રહ્યો. બંને મિત્રો કોલેજમાં હતા ત્યારે બંને સુદામાના રોલમાં જ હતા. કરકસરના ભાગરૂપે જ બંનેએ ઘણીવાર અડધી ચામાંથી અડધી શેર કરીને સાથે પીધી હતી.
"સંકેત, વડોદરામાં તારે બિઝનેસ હશે ખરું ને?"
"વાસુ, હું તો બેંકમાં ક્લાર્ક જ છું. હા એક બિલ્ડર સાથે પાર્ટટાઈમ દસ ટકાની પાર્ટનરશિપ કરી છે ખરી, તે દ્રષ્ટિએ નોકરીની સાથે બિઝનેસ પણ કહેવાય."
"વાહ સંકેત, માત્ર દસ ટકામાં તું બે પાંદડે થઇ ગયો?"
"હા વાસુ, ધનવાન બનવા માટે સપના પણ મિડલક્લાસનાં ન ચાલે." વાસુ અહોભાવથી સંકેતને તાકી રહ્યો.
"વાસુ, મને યાદ છે ત્યાં સુધી કોલેજ પૂરી થઇ ત્યારે તું પણ સરકારી નોકરીએ તો લાગી જ ગયો હતો."
"હા સંકેત, હું તો હેડકલાર્ક બની ગયો છું પરંતુ અમારા પગાર બેંક જેવા નથી."
"વાસુ તું જે ડિપાર્ટમેન્ટમાં નોકરી કરે છે ત્યાં જો આવડત હોય તો પગારની જરૂર જ ન પડે."
"હા, તારી વાત સાચી છે. ઉપલી આવકનાં ખૂબ જ સ્કોપ હોય છે. મારી આજુબાજુ બેઠેલા લોકો એ જ કરે છે પરંતુ હું તેમાં માનતો નથી. નીતિ અને પ્રમાણિકતા મારો જીવનમંત્ર છે."
"વાસુ, ચાલીસે પહોંચી ગયો પણ તું સુધર્યો નહિ. આ ઉંમરે પૈસા પાછળ નહિ દોડે તો ક્યારે દોડીશ? વળી તારે તો ક્યાં દોડવાનું જ છે. ટેબલ પર બેઠા બેઠા જ પૈસા બનાવવાના છે ને? મને લાગે છે કે તારી ઓફિસમાં તારી ગણતરી 'વેદિયા' તરીકે થતી હશે."
વાસુ મનમાં જ બોલી ઊઠ્યો, માત્ર ઓફિસમાં જ નહિ મારી પત્ની અને દીકરી પણ મને વેદિયો ગણે છે.
"વાસુ, જે માણસો મિડલક્લાસ મેન્ટાલિટીવાળા હોય છે. તેની સાથે રહેવાવાળા પણ દુ:ખી જ હોય છે?" સંકેતે ઠાવકાઈથી કહ્યું હતું.
વેઈટર બિલ મૂકી ગયો. સંકેતે પાંચસોની નોટ મૂકીને બાકીની રકમ ટીપ આપી દીધી, વાસુની આંખો પહોળી થઇ ગઈ. વર્ષના વચલે દહાડે વાસુ ફેમિલી સાથે હોટલમાં જમવા જતો ત્યારે પણ તેણે એટલી મોટી રકમ વેઈટરને ટિપમાં ક્યારેય આપી નહોતી.
"વાસુ, ધનવાન બનવું હોય તો પહેલા માનસિકતા બદલવી પડે."
સંકેતથી છૂટા પડ્યા બાદ પણ વાસુના દિમાગમાંથી પેલી મિડલક્લાસ મેન્ટાલિટીવાળી વાત હટતી નહોતી.
બીજા જ દિવસે ઓફિસમાં એક પાર્ટીનું મોટું બિલ પાસ થવા માટે આવ્યું. વાસુને લાલચ થઇ. આ બિલના અમુક ટકા મોટા સાહેબને તથા અમુક ટકા નીચેના સ્ટાફને મળવાના જ હતા, તે વાસુ જાણતો હતો. ઓફિસમાં વાસુની છાપ નોન-કરપ્ટ કર્મચારી તરીકે હોવાથી તે બાબતે તેની હાજરીમાં કોઈ વાત પણ કરતું નહિ. વાસુએ બે દિવસ સુધી તે બિલ પકડી રાખ્યું. આખરે મોટા સાહેબે તેને બોલાવ્યો.
"મિસ્ટર વાસુ પટેલ, કપૂર એન્ડ સન્સનું પેલું બિલ તાત્કાલિક પાસ કરવા માટે મારા ટેબલ પર મોકલી આપો."
"સાહેબ તેનું ચેકિંગ બાકી છે."
"તો ઝડપથી કરો. અને હા.. તેમાં કોઈ ક્વેરી કાઢવાની નથી." સાહેબના અવાજમાં આદેશનો સૂર હતો.
"સર, ક્વેરી ન કાઢવા માટે મને શું મળશે?" વાસુએ હિંમતપૂર્વક પૂછ્યું.
"ઓહ… તો એમ વાત કરોને, તમને દસ હજાર મળી જશે. ઓ..કે.?" સાહેબે ખંધુ હસતાં હસતાં કહ્યું. વાસુ જાણતો હતો કે કપૂર એન્ડ સન્સ માટે તો દસ હજાર ચણા મમરા જેવી રકમ કહેવાય પરંતુ વાસુ માટે તો મોટી રકમ હતી. વળી આ તો હજી શરૂઆત હતી. દર મહિને આવા ત્રણેક બિલમાં રકમ મળતી રહે તો સંકેતની જેમ બે પાંદડે થઇ શકાય. ક્યારેય કોઈ વસ્તુ ખરીદતી વખતે પ્રાઈસટેગ જોવી ન પડે.
સાંજે જ વાસુએ તે બિલ સહી કરીને સાહેબને મોકલી આપ્યું. બીજે દિવસે સવારે કપૂર એન્ડ સન્સનો માણસ આવીને વાસુને એક કવર આપી ગયો. વાસુના હાથ ધ્રૂજ્યા પરંતુ હિંમત કરીને તે કવર તેણે ખિસ્સામાં મૂકી દીધું. ગણતરીની ક્ષણોમાં જ બે સફારી પહેરેલા સાહેબો વાસુની સામે ધસી આવ્યા. બંનેના હાથમાં તેમનાં આઈકાર્ડ હતા. "મિસ્ટર વાસુ પટેલ, વી. આર. ફ્રોમ એન્ટીકરપ્શન ડિપાર્ટમેન્ટ." બંનેએ વાસુની જડતી લઈને પૈસાનું કવર પકડી પાડ્યું. કવરમાં નિશાની કરેલી નોટો હતી. વાસુ ગભરાઈ ગયો.
અચાનક કેબિનમાંથી સાહેબ બહાર આવ્યા. વાસુએ બૂમ પાડીને કહ્યું, "અમારા સાહેબની પણ તલાશી લો, મેં દસ હજાર લીધા છે તો એમણે વીસ હજાર લીધા હશે."
"મિસ્ટર પટેલ, શું બકવાસ કરો છો? મારી તલાશી તે લોકો લઇ શકે છે. હું તેમની સામે જ ઊભો છું." એન્ટિકરપ્શનના અધિકારીઓ અને સાહેબનું અટ્ટહાસ્ય આખી ઓફિસમાં ગૂંજી ઊઠ્યું.
વાસુ સફાળો પથારીમાં બેઠો થઇ ગયો. તેને આખા શરીરે પરસેવો વળી ગયો હતો. ભયંકર સ્વપ્ન આવીને તેને જગાડી ગયું હતું. હા, જગાડી જ ગયું હતું, જેથી ભવિષ્યમાં સંકેત જેવા માણસની વાતમાં આવીને તેનું મન મિડલક્લાસ મેન્ટાલિટી છોડવા માટે વિચલિત ન થાય.
દસેક દિવસ બાદ વંદના અને પિન્કી આવ્યા. બંને મા-દીકરી ઉત્સાહથી બેગ ખોલીને વાસુને વસ્તુઓ બતાવવા લાગ્યા.
"જુઓ પપ્પા, તે દિવસે તમે પ્રાઈસટેગ જોઇને મને ડ્રેસ નહોતો લેવા દીધો, બિલકુલ તેવો જ ડ્રેસ મામાએ મને ગિફ્ટમાં આપ્યો." પિન્કી બોલી ઊઠી. વાસુનું ધ્યાન છાપાના જે કાગળમાં ડ્રેસ વીંટળાયેલો હતો તેના પર પડ્યું. તે અખબારમાં સંકેતની ધરપકડના સમાચાર છપાયેલા હતા. કોઈ બિલ્ડર્સને ખોટા પેપર્સ પર એકાદ કરોડ લોન આપવાનો કિસ્સો તેમાં છપાયો હતો. વાસુને વિચારમાં પડી ગયેલો જોઇને પિન્કી બોલી, "પપ્પા તમારું ધ્યાન ક્યાં છે?"
વંદનાએ કટાક્ષમાં કહ્યું. "પિન્કી તારા પપ્પાની તો માનસિકતા જ એવી છે કે પહેલાં ભાવ જોઈ લેવો અને ત્યાર બાદ જ વસ્તુ પસંદ કરવી."
"હા… વંદના, પ્રાઈસટેગ જોઇને વસ્તુની પસંદગી કરવાની વૃતિને મિડલક્લાસ મેન્ટાલિટી કહેવામાં આવે છે. જે મને ખૂબ જ પસંદ છે." વાસુએ મક્કમતાથી કહ્યું.
"મિડલક્લાસ મેન્ટાલિટી" બોલતી વખતે વાસુના ચહેરા છલકાતી અમીરી સાથે આત્મગૌરવનું તેજ પણ ભળ્યું હતું. વંદના અને પિન્કી વાસુને આશ્ચર્યથી તાકી રહ્યાં.
|
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Osz-GLB3205X%3DGBX79EgNhg1XGGscPKqnzRAbU68pxLjA%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment