| 
રાજસ્થાનના નાના ગામડામાંથી ઘણા વર્ષો અગાઉ ભુરામલ ચૌધરી નેપાળમાં શીફટ થયા હતા ત્યાં નાના પાયે કપડાંનો બિઝનેસ શરૂ કર્યો હતો. તેના પુત્રે તેને આગળ વધાર્યો ત્યાર બાદ બિનોદ ચૌધરીએ વિસ્તરણ અને વૈવિધ્યકરણ કરીને નેપાળને પ્રથમવાર ફોર્બ્સની અમીર વ્યક્તિઓની યાદીમાં સ્થાન અપાવ્યું.
પિતાની બીમારીને લીધે તેમણે ભણતર અધૂરું છોડી દેવું પડ્યું. સતત સ્વપ્ન જુઓ અને તે પૂર્ણ - સિદ્ધ નહીં થાય ત્યાં સુધી તેની પાછળ પડી જાઓ એવું માને છે. તેમણે સતત સંઘર્ષ, પડકારનો સામનો કરીને સફળતા મેળવી છે.
નેપાળની સૌથી વધુ શ્રીમંત વ્યક્તિ મૂળ ભારતીય છે તે ગૌરવ લેવા જેવી વાત છે. સિમેન્ટ, બાયોટેક, હૉટેલ-રિસોર્ટ, બેન્કિંગ, ફાઈનાન્સ ક્ષેત્રે ઝંપલાવીને સફળતા મેળવી હાલ ૩૦ દેશોમાં ૮૦ કંપની/બ્રાન્ડ સક્રિય છે. તેમના ત્રણ સંતાન પૈકી એક રાજસ્થાનમાં જ પરણ્યો છે અને અહીં સ્થાયી થયો છે. ચૌધરી ફાઉન્ડેશન અનેક પરોપકારી કામ કરી રહ્યું છે.
નેપાળમાં રાજકીય અસ્થિરતા વચ્ચે તેઓ માત્ર ટકી રહ્યા જ નથી, પરંતુ સતત આગળ વધ્યા છે તેનું કારણ તેમના તમામ રાજકીય પક્ષો, માઓવાદી, ભૂતપૂર્વ અને હાલના વડા પ્રધાન તથા આર્મીના જનરલ અને નેપાળના રોયલ પરિવાર સાથે મિત્રતાભર્યા સંંંબંધ રહ્યા છે.
બિનોદ ચૌધરીનો જન્મ ૧૪, એપ્રિલ-૧૯૫૫મા કાઠમંડુમાં થયો હતો. તેમના દાદા રાજસ્થાનના શેખાવત જિલ્લાથી વર્ષો અગાઉ નેપાળમાં શીફટ થયા હતા. દાદા ભુરામલ ચૌધરીના પુત્ર અને પૌત્ર બિનોદ ચૌધરીએ નેપાળમાં મોટું સામ્રાજ્ય કેવી રીતે ઊભું કર્યું તે વિશે બાદમાં જોઈએ.
દાદા ભુરામલે નેપાળમાં આવીને ટૅક્સટાઈલનો નાનો સ્ટોર ખોલ્યો. બિનોદના પિતા લુનકરણદાસે ટૅક્સટાઈલ સ્ટોરને અરુણ એમ્પોરિયમમાં રૂપાંતર કર્યો જે બાદમાં વિસ્તરીને નેપાળનો પ્રથમ ડિપાર્ટમેન્ટ સ્ટોર બન્યો.
વિનોદ ચૌધરીએ સ્કૂલનું શિક્ષણ નેપાળમાં લીધું, પરંતુ કૉલેજ પૂર્ણ કરી નહીં અને દાદા-પિતાના પરિવાર બિઝનેસમાં જોડાયા. આમ તો તેઓ વધુ ભણી શકે એમ હતા છતાં માઈન્ડ બિઝનેસમાં હતું. તેથી ભણતર અધૂરું છોડ્યું. ૧૮મા વર્ષે તેમણે બિઝનેસ શરૂ કર્યો. તેમના પિતા બીમાર પડ્યા એટલે તેઓ બિઝનેસમાં સક્રિય થયા.
દાદા-પિતામાંથી પ્રેરણા લઈને તેઓ આગળ વધ્યા જ નહીં પરંતુ ઝડપી પ્રગતિ કરી. આજે નેપાળના સૌથી મોટા ઉદ્યોગપતિ અને શ્રીમંત વ્યક્તિ ગણાય છે. બિનોદનો અર્થ સુખી - આનંદી થાય છે અને નામાર્થ પ્રમાણે જ રહ્યા.
નેપાળના ઉચ્ચ વર્ગ અને અમીર વર્ગ દ્વારા બિનોદના દાદાને અજીતગઢ ગામથી નેપાળમાં આમંત્રિત કરાયા હતા તે સમયે તેઓ સાડીની બેગ લઈને નીકળી પડ્યા અને ઉચ્ચ વર્ગના લોકોની પત્ની-બહેનોને સાડી વેચવા માંડી અને તેમાંથી કપડાંનો બિઝનેસનો પાયો રચાયો જેના પર પૌત્ર બિનોદે મોટી બિઝનેસ ઈમારત ઊભી કરી. તેઓ નેપાળના સૌથી અમીર વ્યક્તિ બન્યા છતાં આજની તારીખે સાડીની ગઢી વાળવાનું ભૂલ્યા નથી અને તે કામ કરે છે.
દાદા ભુરામલે ૧૮મા વર્ષે રાજસ્થાનનું ગામ છોડીને પડોશી દેશ નેપાળમાં જવાનું સાહસ કરેલું તેમ પૌત્રે પણ ૧૮મા વર્ષે બિઝનેસ કરવાનું સાહસ કર્યું હતું. પિતાને હાર્ટની તકલીફ હોવાથી સંપૂર્ણ બેડ રેસ્ટની સલાહ ડૉક્ટરોએ આપી હતી. મોટા પુત્ર હોવાથી બધી જવાબદારી બિનોદ પર આવી ગઈ. દાદાએ ઈન્ડિયન ફેબ્રિક્સ-ટૅક્સટાઈલ્સ ક્ષેત્રે બિઝનેસ શરૂ કર્યો તે સમયે નેપાળમાં કોઈ સવલત નહોતી. પિતા ફેબ્રિક્સ ઉપરાંત બાંધકામ ક્ષેત્રે પ્રવેશ્યા.
બિનોદનું આમ તો સીએ બનવાનું સ્વપ્ન હતું, પરંતુ પિતા બીમારીના કારણે બિઝનેસમાં ધ્યાન નહીં આપી શકતા. ભણતર છોડીને પરિવારના બિઝનેસમાં જોડાવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. બિનોદે ભાઈના નામે પિતાએ શરૂ કરેલ અરૂણ એમ્પોરિયમને તેમણે વિસ્તાર્યું. પ્રારંભમાં જાપાન-કોરિયાથી ટૅક્સટાઈલ્સની આયાત કરીને અનેક આઈટમને બીજા દેશમાં નિકાસ કરતાં હતા.
જાપાનથી તેઓ વધારે પ્રભાવિત થયા હતા. અનેકવાર ત્યાં જઈને નવા અનુભવ અને પ્રેરણા લઈ આવ્યા છે. બિનોદને દાદા તથા પિતા તરફથી હિંમત અને ધૈર્ય વારસામાં મળ્યા છે. ભારત અને ચીનની અનેક કંપની તેમની પ્રોડ્કટ નેપાળમાં વેચીને સફળ થઈ શકતા હોય તો આપણે કેમ નહીં કરી શકીએ એવું તેઓ યુવા વયથી જ વિચારતા હતા.
નેપાળમાં બિનોદના દાદા-પિતા બિઝનેસ કરતા હતા તે સમયે નેપાળમાં રૂલ-રેગ્યુલેશન ખાસ નહોતા તેથી કામ કરવાનું સરળ બન્યું હતું. સરકાર ઈન્વેસ્ટર ફ્રેન્ડલી હતી.
છેલ્લા થોડા વર્ષમાં નિયમના અંકુશ વધ્યા છે. પરવાનાની પ્રક્રિયા જટિલ બની છે. તેથી બિનોદનો દિવસ સરકારી ઑફિસમાં જવા સાથે શરૂ થતો હતો. પરવાના અને અન્ય મંજૂરી માટે વારંવાર જવું પડતું હતું. નેપાળમાં અગાઉ રાજાશાહી શાસન હતું તે હવે નામશેષ થઈ ગયું છે. ચૂંટાયેલી સરકાર જે પણ આવી તે ભાગ્યે જ મુદત પૂરી કરી શકી. રાજકીય અસ્થિરતા સતત રહી છતાં બિનોદ ચૌધરીએ નોંધપાત્ર સફળતા મેળવી તેનું મુખ્ય કારણ તેમને તમામ રાજકીય પક્ષો, રોયલ પરિવાર, નેપાળના ભૂતપૂર્વ વડા પ્રધાન, માઓવાદી તથા આર્મીના જનરલ સાથે મિત્રતાભર્યા સંબંધ રહ્યા છે.
સફળતાનું બીજું કારણ તેમની ફૂડ પ્રોડ્ક્ટ ખાસ કરીને વાઈવાઈ નુડલ્સ વિશ્ર્વભરમાં પ્રખ્યાત થઈ છે તે છે આ નુડલ્સ ફક્ત નેપાળ જ નહીં, પરંતુ વિશ્ર્વભરમાં સારું વેચાણ ધરાવે છે. નુડલ્સના વૈશ્ર્વિક માર્કેટમાં તેમની કંપનીનો હિસ્સો મોટો છે. માત્ર બે મિનિટમાં ઈન્સ્ટન્ટ નુડલ્સ ભારતની આજની પેઢી અને તેમના સંતાનોને ભારે આકર્ષણ રહ્યું છે.
વાઈ વાઈ નુડલ્સનું ઉત્પાદન મૂળ થાઈલેન્ડમાં ૧૯૭૨થી થતું હતું. નેપાળના બિનોદે થાઈ પ્રિઝર્વ ફૂડ ફેકટરી પાસેથી નુડલ્સ ઉત્પાદનના તમામ હક મેળવી લીધા તે ઉપરાંત ટૅક્નિકલ સહાય પણ મેળવી લીધી.
૩૦મા વર્ષે નેપાળમાં આ બ્રાન્ડની નુડલ્સની ૨૦ વેરાયટી શરૂ કરાઈ. જે સામાન્ય નુડલ્સ કરતાં અલગ છે. હાલ પુત્રી નિર્વાણા ચૌધરી કંપનીના એમડી છે. નુડલ્સમાં વિશ્ર્વવિખ્યાતી મેળવ્યા બાદ તેમણે અનેક ક્ષેત્રે ઝંપલાવ્યું. સિમેન્ટ, બાયોટેક, હૉટેલ, રિસોર્ટ, રીયલ એસ્ટેટ, બેન્કિંગ, ફાઈનાન્સ અને ઈલેક્ટ્રોનિક્સ ક્ષેત્રે વૈવિધ્યકરણ કર્યું.
ભારત, બંગલાદેશ, સઉદી અરેબિયા, સર્બિયા સહિત અનેક દેશોમાં ફેકટરી સ્થાપી. હાલ તેમના ગ્રુપની ૮૦ કંપની છે અને ૩૦ દેશોમાં સક્રિય છે. ફોર્બ્સની યાદીમાં પ્રથમવાર નેપાળની વ્યક્તિને સ્થાન મળ્યું. ૧૫૦ કરોડ ડૉલરની સંપત્તિ સાથે તેઓ નેપાળની સૌથી અમીર વ્યક્તિ ગણાય છે. નેપાળનું સૌથી મોટું કોર્પોરેટ હાઉસ પણ તેમના નામે છે. તેઓ જાહેરમાં વારંવાર કહે છે કે સારા માણસો સાથે જોડાવા ઉપરાંત મજબૂત ક્ષમતાના કારણે નેપાળમાં સફળતા મેળવી શક્યા છે. હાર્ડ વર્ક પણ ખરું જ. બિઝનેસમાં બધાને સાથે લઈને ચાલવામાં માનું છું.
તેઓ પોતે ઓછું ભણ્યા છે, પરંતુ અનુભવમાંથી ઘણું શીખ્યા છે. તેઓ માને છે કે સ્કૂલ-ક્લાસરૂમની બહાર પણ ટેલન્ટ અને સ્કીલ છે.
તેમના લગ્ન સારીકા સાથે થયા હતા. તેમના ત્રણ સંતાન છે, તેઓ પિતાની કંપની સંભાળી રહ્યા છે. પુત્ર વરુણ ચૌધરી સીજી ગ્રુપના ઈડી છે. સીજી સિમેન્ટ, બાયોટેક કંપની, રિયલ્ટી કંપનીના ડિરેકટર છે. પુત્રી નિર્વાણા સીજી ફૂડ ઈન્ડિયા સંભાળે છે. પુત્ર વરુણના લગ્ન જયપુર સ્થિત બિઝનેસમેનની પુત્રી અનુશ્રી સાથે થયા છે. દીકરો-વહુ ભારતમાં રહે છે. આસામ, આંધ્ર પ્રદેશ સહિત ભારતમાં પાંચ ફેકટરી છે. અત્રે રૂ. ૬૦૦ કરોડનું રોકાણ કરેલું છે જે પાંચ વર્ષમાં વધારીને રૂ. ૩૦૦૦ કરોડ કરવાની યોજના છે. અહીં હૉટેલ-રિસોર્ટ ઊભા કરવાની યોજના છે. બીજો પુત્ર નેપાળમાં જ બિઝનેસ સંભાળે છે.
તેમણે સ્થાપેલું ચૌધરી ફાઉન્ડેશન શિક્ષણ અને આરોગ્ય સહાય કરે છે તે ઉપરાંત જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપે છે. યુવા વર્ગને પણ મદદ કરે છે. આઈકેર સર્વિસ અને સીજી મેડિકેર સર્વિસ પૂરી પાડે છે. સીજી ફાઉન્ડેશન સામાજિક કલ્યાણના કામ કરે છે. કલા-સંગીત તથા સાહિત્ય ક્ષેત્રે ચેરિટી/દાન કરે છે.
રાજકારણમાં પણ સક્રિય રહ્યા છે. નેપાળની સંસદમાં ૨૦૦૮ થી ૨૦૧૨ દરમિયાન સભ્ય રહ્યા હતા. હાલ ૬૩ વર્ષે પણ સક્રિય છે. તેઓ કહે છે કે સફળતાની દરેક ક્ષણ માણું છું. ભૂતકાળમાં સંઘર્ષ સફળતા મેળવવા કર્યો હતો. હવે ભારે સ્પર્ધા અને પડકારની સ્થિતિમાં ટકવા માટે સંઘર્ષ કરવો પડે છે. સાધનસંપત્તિનો ક્યારે ખર્ચ કરવો અને ક્યાં-કેવી રીતે કરવો તેનું આયોજન કરવું જરૂરી છે. બિનોદ ચૌધરીએ આત્મકથા લખી છે. શ્રી શ્રી યુનિવર્સિટી તરફથી ડૉક્ટરેટની ડિગ્રી મળી ચૂકી છે.
નેપાળમાં માઓવાદી-ગેરીલાઓ મૂડીવાદીને હેરાન કરતા રહે છે અને તેમાંથી બિનોદ ચૌધરી પણ બાકાત રહ્યા નથી. જોકે તેમની વિશ્ર્વવિખ્યાત વાઈ-વાઈ નુડલ્સના કારણે બચી ગયા હતા. ગ્રુપના સિનિયરનું માઓવાદીએ અપહરણ કર્યું હતું અને તેઓ છુપાતા રહ્યા હતા ત્યારે નુડલ્સ ખાઈને જીવતા હતા તે ધ્યાનમાં લઈને અપહરણ કરનારાએ છોડી મુક્યા હતા. માઓવાદી સાથે સંબંધ સારા હતા તેનો પણ ફાયદો થયો હતો. |
|
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OvKaz5srStj7oBk7gqLzsDgCQDrv7YnH3TfuOrpvUvFfQ%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment