| ફેબ્રુઆરી મહિનો હજી બેસે તે પહેલાં જ અનેક જાહેરાતો તમને અહેસાસ કરાવે કે પ્રેમ કરવા માટે તમારે મોંઘી દાટ ભેટ આપવી પડે. વેલેન્ટાઈન ડેની મોસમ એટલે પ્રેમની મોસમ એવું માર્કેટિગ જગત તમને ધરાર પ્રેમી તરીકે કેવી રીતે વર્તવું તેના પાઠ ભણાવે. તેમાં ય ફક્ત નજર માત્રથી અનેક સંદેશાઓની આપલે થઈ શકે એ પ્રેમના પાઠમાં ઈકોનોમી એટલે કે આર્થિક તંત્ર દખલ કરે ત્યારે કેમિકલમાં લોચા ઊભા થતા હોય છે. આપણી ભારતીય પરંપરામાં વેલેન્ટાઈન ડે નહોતો પણ વસંત પંચમીમાં કુદરત એવું વાતાવરણ રચે કે દિલ બેચેન બનીને શાયરીઓ કરવા માંડે. પુરુષ ગાવા માંડે કે જરા નજરો સે કહે દો કે નિશાના ચૂક ના જાયે. પ્રેમિકાની નજરથી વીંધાવા ભડવીર પુરુષો તૈયાર જ હોય છે. ભલભલા ચમરબંધીઓ સ્ત્રીનો પ્રેમ પામવા માટે ગરદન ઝુકાવીને ઊભા રહી જતા હોય છે. પ્રેમની આ મોસમ અત્યાર સુધી પુરુષોને કનડતી નહોતી જ્યાં સુધી માર્કેટિંગનો પ્રવેશ નહોતો થયો. પ્રેમ અભિવ્યક્ત કરવા માટે પૈસાની જરૂર નથી હોતી પણ હવે પ્રેમ અભિવ્યક્ત કરવા માટે ફાઈવ સ્ટાર હોટલનું વાતાવરણ કે પછી મોંઘી ભેટની જરૂર પડે છે.
પ્રેમને ભૌતિક જરૂરિયાત સાથે જોડી દેવાથી સૌથી વધુ તકલીફ પુરુષોને જ પડી રહી છે. માર્કેટિંગમાં અને બિઝનેસમાં પુરુષો જ છે અને પિતૃસત્તાક માનસિકતા અહીં પણ પુરુષોને જ નડી રહી છે. સ્ત્રીઓને ભેટ આપવી તેમની જરૂરિયાત પૂરી કરવીએ પૌરુષીય મર્દાના બાબત માનવામાં આવે છે. સ્ત્રીઓને એવી ભેટ આપી શકે, ફાઈવ સ્ટાર કે ખાસ વેલેન્ટાઈન ડેના દિવસે કેન્ડલ લાઈટ ડિનરનું આયોજન કરતી હોટલમાં લઈ જઈ શકે, સરપ્રાઈઝ મોંઘીદાટ ભેટ આપી શકે તો પ્રેમ અભિવ્યક્ત કર્યો એવું માનવા લાગતી સ્ત્રીઓ પણ પિતૃસત્તાક માનસિકતાનું પ્રતીક છે. ખેર, એ સિવાય પણ સ્ત્રી અને પુરુષની અભિવ્યક્તિ અને અનુભૂતિ તેમની શરીર રચનાને આભારી જુદી જ હોય છે એવું અભ્યાસમાં બહાર આવ્યું છે. આમ પણ પ્રેમની અનુભૂતિ એટલે કે લાગણીનો અનુભવ દરેક વ્યક્તિએ જુદો હોઈ શકે છે. કારણ તો કહે કે તે તમારામાં કેમિકલ એટલે કે રસાયણની માત્રાનું પ્રમાણ દરેકનું જુદું હોય છે. કેટલાક ગુનેગારોમાં તો લાગણીતંત્ર સાવ ખોરવાયેલું હોય છે, એટલે જ તેઓ ક્રૂરતા આચરી શકે છે. સોરી ટુ સે પણ ક્રૂરતામાં પણ પુરુષોનું પ્રમાણ સૌથી વધુ હોય છે. ન્યુયોર્કની થેરેપીસ્ટ કિમ્બરલી હર્શેન્સન કહે છે કે સ્ત્રીઓને સેક્સ માણ્યા બાદ પ્રેમની અનુભૂતિ વધુ થાય એવું શક્ય છે કારણ કે હોર્મોનલ ફેરફાર સેક્સ દરમિયાન વધુ થતા હોય છે, જ્યારે પુરુષોને એવું ન પણ બને. વળી પુરુષ હોવાની જે માન્યતાઓ સમાજ દ્વારા રચવામાં આવે છે તેની અસર પણ પુરુષોની પ્રેમની અભિવ્યક્તિ અને અનુભૂતિમાં થતી હોય છે. એટલે કે કેટલાક પુરુષ પ્રેમને શબ્દોમાં કે વર્તનમાં સામી વ્યક્તિ સુધી પહોંચાડી શકે છે તો કેટલાક પોતાની અનુભૂતિને કહી શકતા નથી કે દાખવી શકતા નથી. જો કે એનું પ્રમાણ વધુ જ છે એટલે જ મોટાભાગની સ્ત્રીઓ કહેતી હોય છે કે એમને પ્રેમ કરતાં જ નથી આવડતું અથવા તો તેમને પતિની સામે હંમેશ ફરિયાદ હોય છે કે તેઓ પ્રેમ નથી કરતા.
લાગણીઓ દર્શાવવી એ પૌરુષીય ગણવામાં નથી આવતું એટલે મોટાભાગે આવી તકલીફો થતી હોય છે. સ્ત્રીઓને અભિવ્યક્તિ ગમે છે. ૧૭ વરસની છોકરી હોય કે ૭૦ વરસની મહિલા હોય (વૃદ્ધા નહીં કહું) તેમને પુરુષનું લાગણી દર્શાવવું બસ બાગ બાગ કરી દેતું હોય છે. તેને માટે ૭૦ હજારની વીંટી કે ૭૦૦૦ની સાડીની જરૂર નથી હોતી પણ દિલસે એવું ફિલ કરાવવું કે તું હી રે.. હિન્દી ફિલ્મોનાં ગીતો આટલા કેમ લોકોના હૃદયને ભીંજવી જાય છે કારણ કે તેમાં અભિવ્યક્તિ હોય છે.
ખેર અહીં આપણે પ્રેમ પુરુષોના મગજ અને દિલ પર આખરે તો પ્રેમમાં દિલની જ વાત કરવાની હોય છે એટલે એ બન્ને પર કેવી અસર કરે છે તેની વાત કરીએ કારણ કે પ્રેમની આ મોસમ છે
પ્રેમમાં પીડા ઓછી થાય છે. અગેઈન ઈટ્સ કેમિકલ લોચા જ વળી. બર્મિંગહામના ન્યુરોસાયન્ટિસ્ટ ડૉ. જેરડ યન્ગરે સ્ત્રી અને પુરુષોના મગજને સ્કેન કરી પ્રેમમાં મગજમાં થતી હિલચાલનો અભ્યાસ હાથ ધર્યો. તેમાં અનેક બાબતો જાણવા મળી યન્ગરને કેટલીક વાતો તો ખરેખર નવાઈ લાગે એવી પણ હતી. પહેલું તો પ્રેમ પીડાનાશક તરીકે કામ કરી શકે છે તે જાણવા મળ્યું. યન્ગરના નોંધ્યા મુજબ, પ્રેમમાં પડેલ વ્યક્તિનું મગજ કરોડરજ્જુને સંદેશ મોકલીને પીડાને બ્લોક કરવાનું કહે છે. એટલે કોઈપણ જાતની પીડામાં
તમે હો ત્યારે પેઈનકિલર ખાવાને બદલે
પ્રેમને અભિવ્યક્ત કરો અને અનુભવવાનું વધુ સારો રસ્તો છે.
યન્ગરને આગળ એવું પણ જાણવા મળ્યું કે પ્રેમમાં પડેલ પુરુષ આદતોની ગુલામી છોડી દઈ શકે છે. સિગરેટ, દારૂ કે માવાની લત છોડી શકે છે જો તે દિલથી પ્રેમમાં પડે છે. પ્રેમ મગજના કેમિકલ દ્વારા આનંદનો સ્રાવ વરસાવે છે જેને લીધે વ્યક્તિ સંપૂર્ણતાનો અનુભવ કરતી હોય છે. એટલે જ તેમને એકબીજાની આદત પડી જતી હોય છે. વ્યક્તિની આદત પ્રેમને લીધે પડતી હોય છે. ત્યાં ફક્ત પ્રેમી જ હોય છે બીજું કશું બે વ્યક્તિ વચ્ચે આવી શકતું નથી. સજાતીય વ્યક્તિ વચ્ચે પ્રેમ થાય ત્યારે પણ આવા જ કેમિકલ લોચા સર્જાતા હોય છે.
પ્રેમમાં પડેલ પુરુષમાં ઓક્સિટોસીનનો સ્રાવ ઝરતો હોવાને કારણે તેની નજર હંમેશ પોતાની પ્રેમિકા તરફ જ હોય છે. પાર્ટીમાં કે લગ્નમાં હજારો વ્યક્તિઓ વચ્ચે પણ તે ફક્તને ફક્ત તેની પ્રેમિકાની તરફ જ જોશે. પ્રેમનું કેમિકલ તેની પ્રેમિકાને દુનિયાની સૌથી સુંદર સ્ત્રી હોવાનો અનુભવ કરાવશે એટલે પ્રેમી પુરુષ ક્યારેય પસાર થતી સેક્સી સુંદર સ્ત્રી તરફ આકર્ષાશે નહીં જો તેની પ્રેમિકા સામે હશે. જો કે તેનો અર્થ એ ન કાઢવો કે પુરુષ અન્ય સ્ત્રી તરફ નજર કરે છે એટલે તે પોતાની પત્ની કે પ્રેમિકાને પ્રેમ નથી કરતો. પુરુષમાં રહેલો આદમ ઓટોમેટિક સ્ત્રી તરફ આકર્ષાઈને તેને જોઈ લઈ શકે છે, પણ શરૂઆતના રોમાંચિતથી ભરપૂર પ્રેમમાં પડેલ પુરુષને પોતાની પ્રેમિકા સિવાય બીજી કોઈ સ્ત્રી દેખાય જ નહીં એવું બનવું શક્ય છે.
યન્ગરના કહેવા મુજબ જો તમે પ્રેમમાં પડેલી વ્યક્તિના મગજના સ્કેન મેળવીને જોઈ શકો તો કહી શકાય કે એ વ્યક્તિઓ કેટલો સમય સુધી સાથે રહેશે. અર્થાત કે કુંડળી મેળવવાની જેમ મગજના સ્કેન મેળવવાનો ચાલ ભવિષ્યમાં આવી શકે. પ્રેમમાં પડેલી બે વ્યક્તિના મગજના સ્કેન જોઈને કહી શકાય કે કઈ વ્યક્તિ ૪૦ અઠવાડિયા સુધી પ્રેમમાં રહેશે. એટલે કે તમારી પ્રેમિકા કે પ્રેમી ટેમ્પરરી છે કે પછી પરમેનેન્ટ તે જાણી શકાય છે. એકબીજાના પ્રેમમાં પાગલ વરસો સુધી પણ રહી શકાય છે. તેમાં પણ પુરુષનો પ્રેમ થોડો ઓછો પેશનટ થતો જણાય તો તેનું કારણ છે કે તેના પ્રેમનું પાગલપન પુખ્ત થઈને પારિવારિક કાળજી અને જવાબદારીમાં પલટાતું હોવાથી તેમાં રોમાંચ કે પાગલપન ન જણાય તે શક્ય છે, પરંતુ તે સંબંધ વધુ ગાઢ બની શકે છે.
આઈ લવ યુ ન કહેતો પુરુષ કુટુંબની જવાબદારી અને કાળજી લેતો હોય તો તે પ્રેમમાં જ છે. હા કેટલીક વ્યક્તિઓના મગજમાં એટલા રાસાયણિક લોચા હોઈ શકે કે વરસો વીત્યા છતાં તેઓ મેડલી ઈન લવ ઈચઅધર એટલે કે પાગલપ્રેમીઓની જેમ એકબીજામાં ખોવાયેલા રહી શકે. એટલે તો કવિ સુરેશ દલાલે લખ્યું હતું કે
એક ડોશો એક ડોશીને વ્હાલ કરે છે, કમાલ કરે છે..
એ કમાલ કેમિકલ લોચાની છે તે હવે સમજાય છે. દરેક પુરુષનું માનસિક બંધારણ જુદું હોવાને કારણે તેની પ્રેમી પાગલ બનવાની શક્યતાઓ પણ જુદી હોય છે તે સમજી લેવું જોઈએ. મંગેશ પાડગાંવકર કવિતામાં ભલે લખતાં કે પ્રેમ એટલે પ્રેમ એટલે પ્રેમ હોય છે, તમારો અને મારો સેમ હોય છે. પણ યન્ગરના કહેવા મુજબ એવું નથી..દરેક વ્યક્તિના હોર્મોન પ્રેમની અભિવ્યક્તિ અને અનુભૂતિને આકાર આપે છે. પ્રેમમાં પડેલી વ્યક્તિ બદલાઈ જતી હોય છે અને નાનામાં નાની બાબત પ્રત્યે સભાન થઈ જાય એવું પણ બને છે. એટલે જ પુરુષ પણ પ્રેમમાં હોય તો તેના રંગઢંગ બદલાય છે. ધ્યાનથી જોતાં જ કહી શકાય છે કે તે પ્રેમમાં છે.
પ્રેમ એ જગતની સૌથી સુંદર અનુભૂતિ અને અભિવ્યક્તિ છે. દરેક વ્યક્તિને જીવનમાં એકાદવાર સાચો પ્રેમ થતો હોય છે. ખોટો પ્રેમ જેવું કશું હોતું નથી પણ તે આકર્ષણ હોય છે જે સ્ત્રી અને પુરુષમાં થવું સહજ છે. પ્રેમનો પ્રતિસાદ અને લાંબા સમય સુધી સાથે રહેવા ઉપરાંત તમને દુનિયાને બૂમો પાડીને કહેવું ગમે કે હા મુજે મહોબ્બત હૈ.હા હું ગળાડૂબ પ્રેમમાં છું. હેપ્પી વેલેન્ટાઈન ડે.
|
|
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OvxGNUckAojm4ctLhKSHsRcquvyr_oyok%2B9z1TFgHAACw%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment